પ્રાચીન ગ્રીક રમતોની ધાર્મિક રીતરિવાજોના પ્રકાર અને મૃત્યુ, યુદ્ધ અને વિજય સાથેનો તેમનો સંબંધ સૂચવે છે કે આ સંગઠિત સમારોહ દારા લોકો મૃત્યુની શાશ્વત વર્તમાન હકીકતને સમજી શકે. છેવટે તો એ , આપણે જેના પર નિયંત્રણ મેળવી શક્યાં છીએ એવા ઊંચા બાળ મૃત્યુદર, રોગોથી બહુ જ ઘણાં થતાં મૃત્યુનો એ સમય હતો. તે સાથે તે લગભગ અવિરત ચાલતાં રહેતાં યુદ્ધોનો સમય પણ હતો.
ગ્રીક પૌરાણિક કથાઓ અનુસાર, ઓલિમ્પિક રમતોની ઉત્પત્તિ પણ મૃત્યુ, યુદ્ધ અને વિજય સાથે વણાયેલી છે. સૌથી પ્રચલિત કથા એથેન્સમાંનાં ઝિયસના મંદિરની દિવાલો પર કોતરવામાં આવી હતી. પીસાના રાજા ઓઇનોમાસે યુવાનોને રથ દોડ માટે પડકાર ફેંક્યો હતો અને જો તેઓ જીતે તો પોતાની પુત્રી હિપ્પોડેમિયા સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. પણ, જો તેઓ હારી જાય તો શિરચ્છેદ માટે તૈયાર રહેવાનું હતું. ઘણા યુવાનો જીતવા અને લગ્ન કરવાની આશામાં આવ્યા હતા પરંતુ તેઓ બધા હારી ગયા અને માર્યા ગયા, કારણ કે ઓઇનોમાસના રથને ખેંચતા ઘોડાઓ યુદ્ધના દેવ એરેસના દૈવી ઘોડા હતા.
પેલોપ્સે સમુદ્રના દેવ પોસાઇડનના ઘોડા અનેશાહી ઘોડારના રક્ષક, મર્ટિલોસને શાહી રથની કાંસાના ધરીને મીણની બનેલી ધરીથી બદલાવીને થોડી છેતરપિંડી કરીને, ઓઇનોમાસને હરાવ્યો. દોડ દરમિયાન, ઓઇનોમાસનો રથ તૂટી પડ્યો, ઓઇનોમાસનું મૃત્યુ થયું, અને પેલોપ્સને વિજેતા જાહેર કરવામાં આવ્યો. પેલોપ્સે હિપ્પોડેમિયા સાથે લગ્ન કર્યા અને પોતાની જીતની ઉજવણી કરવા અને તેના મૃત સસરા, ઓઇનોમાસ અને વહેલા મૃત્યુ પામ્યા હતા એ બધાઅ હિપ્પોડેમિયાના સગાઓની સ્મૃતિને માન આપવા માટે ઓલિમ્પિક રમતોની સ્થાપના કરી. રમતમાં ન્યાયી રહીને, રમતવીરોએ ગ્રીક દેવતાઓના રાજા અને સાર્વત્રિક ન્યાયના સંતુલનના રક્ષક ઝિયસનું સન્માન કર્યું.
હેરાકલ્સે પેલોપ્સ દ્વારા સ્થાપિત રમતોનું નિયમો પ્રમાણે સુગઠન કર્યું. રમતો દરમિયાન હેરાકલ્સે પુરુષોને કુસ્તી કેવી રીતે કરવી તે શીખવ્યું અને જેના પરથી 'સ્ટેડિયમ' શબ્દ આવ્યો છે એ સ્ટેડ (પગની દોડ) રમતની લંબાઈ માપી. હેરાકલ્સે વિજેતાઓને હાયપરબોરિયન્સની જાદુઈ ભૂમિમાંથી લાવેલી જંગલી ઓલિવ વૃક્ષની ડાળીઓથી બનેલી માળાથી સન્માનિત કર્યા.
'ઓલિમ્પિક' નામ બધા યાદ અપાવે છે કે મૃત્યુ/યુદ્ધ/વિજયનું સન્માન કરવામાં આવતી શરૂઆતના સમયની રમતો ગ્રીક દેવતાઓના નિવાસ, માઉન્ટ ઓલિમ્પસ પર યોજવામાં આવી હતી. તે ક્રોનોસના મૃત્યુ અને ટાઇટન્સના રાજા પર ઝિયસના વિજયની યાદનાં પ્રતિક તરીકે ઉજવણી રૂપે આયોજિત થયેલ. આ રમતો દરમિયાન, સૂર્ય દેવ એપોલોએ દોડમાં સંદેશવાહક દેવ હર્મેસને અને મુક્કાબાજીમાં યુદ્ધના દેવ એરેસને હરાવ્યા. પરિણામે, ગ્રીક પૌરુષ સૌંદર્યનો મૂર્ત સ્વરૂપ, એપોલો, બધી રમતોનો, ખાસ કરીને ઓલિમ્પિક રમતોનો, આશ્રયદાતા માનવામાં આવે છે..
- સ્પિકીંગ ટ્રી માં ૪ ઓગસ્ટ, ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Olympics Began As Tribute To The Departed નો અનુવાદ | વિશ્વ પુરાણશાસ્ત્રવિદ્યા
·
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ‖ ૮ ઓક્ટોબર ૨૦૨૫
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો