બુધવાર, 22 ઑક્ટોબર, 2025

વૈલંકન્નીમાં વર્જિન મૅરી - દેવદત્ત પટ્ટનાઈક

 

મૂર્તિમાં સાડી પહેરેલાં ઈસુ ખ્રિસ્તનાં માતા, વર્જિન મેરી, છે. તમિલનાડુના વૈલંકન્ની ખાતે હજારો ભક્તો તેમના મંદિરમાં ઉમટી પડે છે. ૧૯૬૨માં રોમન કેથોલિક ચર્ચ દ્વારા તેને પોપ પાસેથી વિશેષ અધિકાર ધરાવતાં દેવળ (બેસિલિકા) તરીકે સ્વીકૃતિ આપવામાં આવેલ છે. લોકો તેમને નમન કરે છે, પોતાના હાથ લંબાવે છે, તેમની સામે મોંભેર સૂઈ જાય છે, તેમના મંદિરમાં ઘુટણીએ ચાલીને જાય છે, તેમના મહિમાના ગીતો ગાય છે, આનંદમાં રડે છે, માથું મુંડાવે છે અને તેમની પ્રત્યેની ભક્તિની અભિવ્યક્તિ રૂપે તેમને ફૂલો, સાડીઓ અને મીણબત્તીઓ અર્પણ કરે છે, કારણ કે તે સારા સ્વાસ્થ્યનાં મહિલા (Lady of Good Health) છે.

કથા એવી છે કે ૧૬મી સદીમાં, એક ગોવાળ બાળક દૂધ વેચવા માટે બજારમાં જઈ રહ્યો હતો ત્યારે તે તળાવમાંથી પાણી પીને વડના ઝાડ નીચે આરામ કરવા માટે રોકાયો. એક સ્ત્રી તેની પાસે આવી અને તેના બાળક માટે થોડું દૂધ માંગ્યું. છોકરાએ તેને દૂધનું ભોઘેણું આપ્યું. તેના પુત્રને દૂધ પીવડાવ્યા પછી, તે સ્ત્રીએ બોઘેણું પાછું આપ્યું, ગોવાળ બાળકનોનો આભાર માન્યો અને ગાયબ થઈ ગઈ. જ્યારે છોકરો બજારમાં પહોંચ્યો, ત્યારે તેના ગ્રાહકો નારાજ થયા કારણ કે તે મોડો પડ્યો હતો. તેણે માફી માંગી અને તેની સાથે જે બન્યું હતું તે એ લોકોને કહ્યું. પછી બધાંનાં આશ્ચર્ય વચ્ચે માટલું દૂધથી છલકાઈ ગયું. બધાંને સમજાયું કે એ કોઈ સામાન્ય સ્ત્રી નહોતી, પણ સ્પષ્ટપણે દેવી હતી. સ્થાનિક કેથોલિકોએ તેને વર્જિન મેરી તરીકે ઓળખાવી. તે જ્યાં દેખાઈ હતી તે તળાવની નજીક તેના માટે એક નાનું મંદિર બનાવવામાં આવ્યું હતું. તળાવનું નામ મથા કુલમ હતું, એટલે કે માતાનું તળાવ, કે પછી 'આપણાં સન્નારીનું તળાવ.

થોડા વર્ષો પછી, કેટલાક કહે છે કે ૧૫૯૭ માં, તે સ્ત્રી ફરી એકવાર રસ્તાની બાજુમાં છાશ વેચતા એક લંગડા છોકરાને દેખાઈ. તેણેએ તેના બાળકને ખવડાવવા માટે થોડી છાશ માંગી. બાળકને ખવડાવ્યા પછી, તે સ્ત્રીએ છોકરાને નાગપટ્ટીનમ શહેરના એક કેથોલિક રહેવાસીને એવો સંદેશો પહોંચાડવા કહ્યું, કે તેના માટે એક ચર્ચ બનાવે. પરંતુ છોકરાએ ધ્યાન દોર્યું કે તે લંગડો છે અને તેના સંદેશવાહક તરીકે કાર્ય કરી શકશે નહીં. મહિલાએ હસીને તેને ઉભા થવાનો પ્રયાસ કરવા કહ્યું. છોકરાના આશ્ચર્ય વચ્ચે, તે ફક્ત ઊભો જ નહીં, પણ ચાલીને શહેરમાં દોડી પણ શકવા લાગ્યો, અને સંદેશો પહોંચાડી શકતો હતો. તજે ભાઈને કોઈ શંકા ન રહી કે આ ચમત્કાર માટે 'સારાં સ્વાસ્થ્યની આપણી સન્નારી (અવર લેડી ઓફ ગુડ હેલ્થ) જવાબદાર હતી.

અંતે, ચીનના મકાઉથી શ્રીલંકા જઈ રહેલા પોર્ટુગીઝ ખલાસીઓના એક જૂથને બંગાળની ખાડીમાં ભયંકર તોફાનનો સામનો કરવો પડ્યો અને તેમણે મધર મેરીને પ્રાર્થના કરી, જો તેમને બચાવી લેવામાં આવે તો તેમના માટે એક ચર્ચ બનાવવાનું વચન આપ્યું. તેઓ અવર લેડી ઓફ ગુડ હેલ્થ સાથે સંકળાયેલા વિસ્તારમાં સુરક્ષિત રીતે ઉતર્યા.

આ ત્રણ અલૌકિક દર્શન એ જ વિસ્તારમાં દેખાયા જ્યાં આજે ગોથિક શૈલીનું બેસિલિકા દેવળ આવેલ છે. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં તેના નવ દિવસના ઉત્સવ દરમિયાન ખાસ કરીને વીસ લાખથી વધુ યાત્રાળુઓ અહીં આવે છે. પ્રાર્થના, તમિલ, મલયાલમ, તેલુગુ, કન્નડ, કોંકણી, મરાઠી, હિન્દી અને અંગ્રેજી, એમ ઓછામાં ઓછી આઠ ભાષાઓમાં કરવામાં આવે છે.. બધા ધર્મો અને જાતિના લોકો અ દેવળ ભેગા થાય છે. આજે પણ માન્યતા છે દેવળનાં દૈવી નિવાસી બધી બીમારીઓનો ઇલાજ કરે છે. આ સ્થળને 'પૂર્વનું લુર્ડેસ' કહેવામાં આવે છે. જોકે ફ્રાન્સના એક ગામ, લુર્ડેસમાં, મેરી છેક ઓગણીસમી સદીમાં જ એક સ્થાનિક ખેડૂત છોકરીને દેખાયાં હતાં.

વૈલંકન્નીની કુમારિકાના તહેવારમાં ચર્ચની સામે ધ્વજસ્તંભ પર ધ્વજ ફરકાવવામાં આવે છે અને કુમારિકાને મુગુટ પહેરાવવા સાથે અને તેની શોભાયાત્રા સાથે આ તહેવાર સમાપ્ત થાય છે. જે લોકો બીમારીઓથી સાજા થાય છે તેઓ ઘણીવાર સાડી અને ચાંદી અને સોનાથી બનેલા શરીરના સાજાં થયેલાં અંગની પ્રતિકૃતિની ભેટ સાથે પાછા ફરે છે. ભક્તો માટે, વૈલંકન્ની માતા નિઃસંતાન લોકોને બાળકો આપે છે, અને અપરિણીત લોકો માટે જીવનસાથી શોધી આપે છે, અને બેરોજગારો માટે નોકરીઓ શોધી આપે છે. તે દરેક ઘાને મટાડે છે, અને બધી વેદનાઓને દૂર કરે છે. તે માનવતાના દુઃખને સમજે છે. કળાકૃતિમાં, ક્યારેક વર્જિન મેરીના પગ પાસે,તેના પુત્ર, ભગવાન ઈસુ ખ્રિસ્ત રૂપી સૂર્યના પૂરક એવાઅર્ધચંદ્રાકાર ચંદ્રને બતાવવામાં આવે છે.

આ દેવળ કેથોલિક માન્યતાઓ અને ઘણી હિન્દુ વિધિઓને એકસાથે લાવે છે. ભલે તે પ્યુરિટનને ઠેસ પહોંચાડે પણ રોમન કેથોલિક સંપ્રદાયના સ્થાનિક પ્રતિનિધિઓ ભારતીય રૂઢિપ્રયોગનો ઉપયોગ કરીને વ્યક્ત કરાયેલ શ્રદ્ધાના વિશાળ અને તીવ્ર ઉભરાનો આદર કરે છે. હજારો વર્ષોથી, ભારતીયો અમ્મા, અથવા ગામનું રક્ષણ અને પોષણ કરતી માતા-દેવી,ના વિચારથી પરિચિત છે.

ભારતભરમાં, લગભગ દરેક ગામમાં, દેવીના સ્થાનિકો આ ભાવનાની અભિવ્યક્તિઓ છે, જે સ્ત્રીઓને બાળકો પેદા કરવામાં મદદ કરે છે, જે બીમારીઓનો ઉપચાર કરે છે અને જ્યારે તેમને ગુસ્સો આવે છે, ત્યારે પ્લેગ અને રોગચાળો લાવી શકે છે. શક્ય છે કે અવર લેડી ઓફ ગુડ હેલ્થના દેવળ પહેલાં, કાં તો આદિવાસી, અથવા હિન્દુ, અથવા બૌદ્ધ, અથવા જૈન, અથવા આ બધાનું આ સ્થાનિક દેવીનું સદીઓથી મંદિર હતું.

કારણ કે ભારતમાં, સંપ્રદાયો બદલાઈ શકે છે, પરંતુ દેવતા એના એ રહે છે.

ખ્રિસ્તી ધર્મ ૨,૦૦૦ વર્ષ પહેલાં ભારતમાં આવ્યો હતો. સ્થાનિક શ્રદ્ધા અનુસાર, તે કેરળમાં, ખ્રિસ્તના પ્રેરિતોમાંના એક, સેન્ટ થોમસ સાથે આવ્યો હતો. સેંટ થોમસે ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન પર શંકા કરી હતી. બીજી એક માન્ય મુજબ ઇજિપ્ત અને અરબના વેપારીઓ સાથે પણ આવ્યો હતો. પંદરમીમી સદીમાં, પોર્ટુગીઝોએ કેરળનો દરિયાઈ માર્ગ શોધ્યા પછી, કેથોલિક ધર્મ દરિયાકાંઠે ખીલ્યો. મધર મેરીના દર્શન પોર્ટુગીઝના આગમન પછી એક સદીનાં છે તેમાં કોઈ યોગાનુયોગ બથી.

મધર મેરી દ્વારા ભગવાન સાથેનો આ જોડાણ કેથોલિક ખ્રિસ્તી ધર્મને પ્રોટેસ્ટંટ ખ્રિસ્તી ધર્મથી અલગ પાડે છે. કુમારિકાને 'ભગવાનની માતા' ના દરજ્જા સુધી ઉન્નત કરવાનો વિચાર બધામ  સ્વીકારતાં નથી. પરંતુ ખ્રિસ્તી ધર્મ પૂર્વેની પરંપરાઓમાં, દેવત્વ ઘણીવાર નારી રૂપે જોવા મળતું હતું. જ્યારે પુરુષ સ્વરૂપ અત્મોદ્ધાર પ્રદાન કરતું હતું, ત્યારે સ્ત્રી સ્વરૂપ આરોગ્ય અને ઘરની સંભાળ રાખતું હતું. આપણને બૌદ્ધ ધર્મમાં પણ આ વિભાજન જોવા મળે છે, જેમાં બોધિસત્વ જ્ઞાન પ્રાપ્તિની વાત કરે છે અને તેમના આંસુઓમાંથી જન્મેલી દેવી તારા કરુણા પ્રદાન કરે છે. તેવી જ રીતે જો શ્રી વૈષ્ણવ ધર્મના વિષ્ણુને ધર્મ (કાયદા) અને મોક્ષ (મુક્તિ) સાથે જોડવામાં આવે છે, તો લક્ષ્મી અર્થ (સંપત્તિ) અને કામ (આનંદ) નું પ્રતિનિધિત્વ કરે છે. ઘણા મુસ્લિમો માટે, પયગંબર સાહેબની પુત્રી ફાતિમાનો 'હાથ' શુભકામનાઓ અને ખરાબ નજરથી રક્ષણ આપે છે. સ્વાભાવિક જે છે કે દરેક ભારતીય 'અવર લેડી'ના બેસિલિકા દેવળ તરફ આકર્ષાય છે.

  • મુંબઈ મિરર માં  ૮ ઓગસ્ટ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખVirgin Mary in Vailankanni નો અનુવાદ | પ્રાયોગિક  પુરાણશાસ્ત્રવિદ્યા

·       અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ  ૨૨ ઓક્ટોબર ૨૦૨૫

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો