બુધવાર, 29 ઑક્ટોબર, 2025

માનવ સંબંધોનું દિવ્યકરણ : ધર્મ: સંબંધોનો સ્વપોષિત સિદ્ધાંત

 નિતિશ રાય પરવાણી[1]

આજુબાજુ કંઇ નહોતું, તો સમય  કે તો કોઈ સ્થળ, કોઈ નામ કે કોઈ સ્વરૂપ. કોઈ અભિવ્યક્તિ કે અર્થ વાહકતા પણ નહોતી; હતું માત્ર 'અસ્તિવ' પોતે. જેને કોઈ બીજું નથી એવું કોઈ પ્રકારે છૂટું પડેલું 'સ્વત્વ'. મનને સ્વત્વ 'વિચાર' વડે, અને પોતાની જાતને 'હું' વડે વ્યક્ત કરતું હતું. જ્ઞાતા અને જ્ઞાત, વિચારક અને વિચાર, દૃષ્ટા અને દૃશ્ય જેવી દ્વૈતની  શરૂઆત   'પ્રથમ સંબંધ'ની નિરપવાદ મૂર્તકલ્પના કહી શકાય કેમ કે  શબ્દકોષમાં 'સંબંધ'ની વ્યાખ્યા બે અસ્તિત્વો વચ્ચેનું જોડાણ છે. આમ દ્વૈતની વિભાવનાએ સંબંધનાં વિચારબીજને અંકુરિત કર્યું.  

બૃહદારણ્યક ઉપનિષદ અનુસાર સર્જનના પ્રારંભની કલ્પના હજુ પણ આગળ વધે છે. વિભિન્ન થલે 'સ્વ', વિરાજ, ને સંતોષ નહોતો થયો. એટલે દ્વૈતનાં જ્ઞાનમાંથી વિશ્વનું ભૌતિક સ્વરૂપ ચતું થયું. પોતેને પોતે ભાગલા પડીને વિરાજે પોતાનું સાથી પેદા કર્યું, જે આગળ જતાં સંતતિમાં પરિવર્તિત થતાં ગયાં. અસંતોષ આટલેથી જ ન અટક્યો અને સંબંધો ટક્યા નહીં; વિરાજ અગ્નિ, પૃથ્વી, જળ, વાયુ અને આકાશ બન્યું. વિરાજમાંથી વાચા, શ્રવણ, સ્વાદ અને સ્પર્શ જેવી ઇંદ્રિયો પણ બની. દરેક જાતિનું નર અને નારી સ્વરૂપ પણ વિરાજ બન્યું. દ્રવ્ય, તત્વો અને જીવોનો અનેક ગણો વધારો થતો ગયો. માનવી, પશુઓ અને અન્ય જીવોના નવા નવા સંબંધો વિરાજ બનાવતું ચાલ્યું. વિરાજ સર્જન બન્યું અને તેમાનું જીવન પણ બન્યું. હવે જુદા જુદા પ્રકારો અને ફરજોના ભાગલાઓ આવ્યા, અને દરેક વર્ગના દૈવી અસ્તિત્વો (દેવો) પણ તેને રીતે દેખાવા લાગ્યા. જોકે આ પ્રકારનાં નામ અને સ્વરૂપનાં સર્જન અને તેમની અંદર અંદરના સંબંધો છતાં અજંપો દૂર ન થયો.

પછી, આખરે, વિરાજે વૈશ્વિક ધર્મનું સ્વરૂપ બતાવ્યું. શક્તિશાળીઓની શક્તિ અને બેશક અસ્તિત્વનાં સત્યને ધર્મ કહેવાયો. ધર્મની સાથે સર્જનની પ્રક્રિયા પુરી થઈ અને વ્યવસ્થા સ્થપાઈ. આ વિશ્વિક ધર્મ - બૃહદારણ્યક ઉપનિષદની વિશ્વ વ્યવસ્થા-ને ઋત , કે અલગ અલગ યુગમાં સનાતન ધર્મ પણ  કહેવાય છે. તે વિવિધ સાપેક્ષ ધર્મોનાં સ્વરૂપમાં કે પછી અમુક ચોક્કસ સંદર્ભોની સરળ ભાષામાં 'ધર્મતરીકે  ઓળખાતો થયો.

ઋત એટલે વ્યવસ્થા, એકરાગ, એવી વૈશ્વિક વ્યવસ્થા જે વિશ્વને બાંધી રાખે છે અને દરેક દેખાતી વસ્તુની નિશ્ચિત જગ્યા નક્કી કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો ઋત વિશ્વનો સ્વપોષિત સિદ્ધાંત છે. દૃશ્યમાન અસ્તિવોના દૃષ્ટિકોણથી અને સંસ્થાઓના અંદર અંદરના અને વિશ્વના સંદર્ભમાં વૈશ્વિક વ્યવસ્થાને ધર્મ કહેવામાં આવે છે. દરેક હસ્તી અને સંસ્થા કે તેના કોઈ ભાગને પોતપોતાનો ધર્મ (નિરપેક્ષ વ્યવસ્થા) હોય છે. ધર્મ શબદ ધૃ પરથી બને છે. ધૃનો અર્થ છે સમર્થન કરવું, ટકાવવું. જ્યારે ઋતને સમય, સ્થળ અને કાર્યકારણના દૃષ્ટિકોણથી સમજવામાં આવે છે ત્યારે તે ધર્મ બને છે.

જ્યારે અદ્વૈત સર્વેશ્વરવાદના દૃષ્ટિકોણથી જોવામાં આવે છે ત્યારે આખું વિશ્વ એ જ વિશ્વિક ચેતનામાં દેખાય છે, અને ધર્મ એ બળ છે જે હસ્તિઓની પ્રત્યક્ષપણે અલગ અલગ દેખાતી લાક્ષણિકતાઓને ટકાવી રાખે છે. અદ્વૈત વેદાંતની ભાષામાં ઋત નામરૂપ પ્રપંચ એક માત્ર વાસ્તવિકતા જે અલગ અલગ હસ્તિઓમાં અલગ નામથી અને સ્વરૂપથી દેખાય છે - નામરૂપ જૂજવાં અંતે તો હેમનું હેમ હોય[2]) નો આધાર છે. આમ જ્યાં સુધી અનેકવિધતાની ભાવના  છે ત્યાં સુધી અસ્તિત્વોના આપસી સંબંધ રહેશે જ, અને આ સંબંધો જ ધર્મને સ્વપોષિત સિદ્ધાંત તરીકે ટકાવે છે.

તેની સામે, દ્વૈત દૃષ્ટિકોણ, ઈશ્વર અને સર્જન, એમ વૈશ્વિક ચેતનાના ભાગલાને સ્વીકારે છે. દ્વૈત વર્ગીકરણના સિદ્ધાંતમાં સામાન્યપણે, વ્યક્તિ, વિશ્વ (સર્જન) અને ઈશ્વર (સર્જક) એમ ત્રણ પ્રકાર જોવા મળે છે. સંસ્કૃતમાં તે જીવ, જગત અને જગદીશ કહેવાય છે. આ સંદર્ભમાં ધર્મ આ ત્રણેયને જોડતો સ્વપોષિત સિદ્ધાંત છે. જગત અને જગદીશના સંદર્ભમાં ધર્મ ધાર્મિક બોધ, ધર્મ શાસન, પવિત્ર બોધ જેવાં સ્વરૂપે જોવા મળે છે. જીવ અને જગદીશના સંદર્ભમાં ધર્મ આસ્થાના સિદ્ધાંત, માન્યતા, ધર્મમાર્ગ, જેવાં સ્વરૂપે જોવા મળે છે. આ બે પ્રકારના સંબંધોને ઈશ્વરવાદી સંબંધ તરીકે એક અલગ વર્ગમાં મુકવામાં આવે છે.

ઈશ્વરવાદી સંબંધમાં ધર્મની અભિવ્યક્તિ ધાર્મિક માન્યતાઓમાં ઊંડી ઉતરેલી હોય છે અને તેથી તે બદલાયા કરે છે. હિંદુ સંસ્કૃતિને લાગે વળગે છે ત્યાં સુધી આ દ્વૈત સંબંધો વ્યક્તિનાં સ્વાભાવિક મનોવલણોના આધાર પર, સખ્ય (મૈત્રી), વાત્સલ્ય (માબાપ અને સંતાન), દાસ્ય (માલિક - નોકર), માધુર્ય (પ્રેમી-પ્રેમિકા), કે પછી એક નિર્મળ (શાંત) વચ્ચેનો પ્રેમ સંબંધ જેવાં સ્વરૂપે જોડાય છે. આ બધા સંબંધોમાં સ્વપોષિત સિદ્ધાંત તરીકે ધર્મ, માન્યતા, આસ્થા, વફાદારી, ધર્મમાર્ગ જેવાં સ્વરૂપમાં પરિવર્તિત થતો હોય છે.

જોકે, સામાન્ય સમજણ મુજબ ધર્મનો અર્થ જ્યારે, માત્ર, આસ્થા કરવામાં આવે છે ત્યારે ધર્મનાં અર્થની માત્ર આંશિક સમજ સામે આવે છે. આ અનુવાદ, બહુ બહુમાં, ધર્મના જગત (સર્જન) અને જગદીશ (સર્જક) કે જીવ (વ્યક્તિ) અને જગદીશ (સર્જક) ના સંબંધનું જ ચિત્ર રજૂ કરે છે.

જીવ અને જગતના સંબંધના સંદર્ભમાં સ્વપોષિત સિદ્ધાંત તરીકે ધર્મ કાયદો, ન્યાય, નીતિ, પર્યાવર્ણીય સ્વપોષિતા જેવી બાબતોને આવરી લે છે. આ સંબંધમાં ઈશ્વરનું કોઈ સ્થાન નથી એટલે જીવ અને જગતના સંબંધને બિન - ઈશ્વરવાદી સંબંધ કહી શકાય. ધર્મની ઈશ્વરવાદી સંબંધ તરીકે તો બહુ સાહિત્ય રચાયું છે, એટલે આ લેખની ચર્ચા મુખ્યત્વે બિન - ઈશ્વરવાદી સંબંધ વિશે ગણી શકાય.

આ તબક્કે એ પણ સ્પષ્ટ કરવું જોઈએ કે ધર્મને ધાર્મિક ગ્રંથો, આધ્યાત્મિક પાઠ કે પૌરાણિક સાહિત્ય ધાર્મિક સિદ્ધાંતોનાં ભંડોળ છે તો પણ એ બધુ આટલામાં જ વણી લેવાયું છે એ વાત સાચી નથી. હિંદુ શાસ્ત્રો તો કહે છે કે ધાર્મિક અને આધ્યાત્મિક સાહિત્ય માત્ર લક્ષણ (ધર્મને જાણવાનું સાધન કે પુરાવો) જ છે. પરંતુ જેના દ્વારા જે જાણવા મળે છે તે જે જાણવા માગીએ છીએ તે નથી બની જતું.

ઋત (સનાતન ધર્મ) એ અચલ પાયો છે. તેના દ્વારા થતું ધર્મ દર્શન સમય, સ્થળ અને કાર્યકારણની સીમાઓની અંદર રહે છે, જેમકે તેના ઉદ્દેશ્યની સિદ્ધિ માટે સૈનિક દ્વારા કરવી પડેલ હત્યા તેનું કર્તવ્ય છે, પણ કોઈ અન્ય વ્યક્તિ માટે તે ગુનો છે.

એટલે અમુક ધાર્મિક ગ્રંથોમાં  જે કંઈ નિર્દેશ કરાયું છે તે એ સમયના સંદર્ભ પુરતું જ સાચું હોય તેવું પણ બની શકે છે. એનો અર્થ એમ પણ કરી શકાય કે ધર્મને સમજવા માટે સંપૂર્ણ કહી શકાય એવાં સાહિત્યની યાદી ન પણ બની શકે. પહેલું તો  કે ધર્મનાં દર્શન માટે લેખિત સંહિતો હોવી અનિવાર્યપણ આવશ્યક નથી. બીજું એ કે સમય, સ્થળ અને કાર્યકારણનાં થતાં રહેતાં પરિવર્તનને કારણે સંબંધોમાં સ્વપોષિતાના સિદ્ધાંતને જ ટકાવી રાખવા માટે નવાં નવાં સાધનો અને દસ્તાવેજો બનતા જ રહે છે.

વ્યક્તિ, સર્જન અને સર્જકનાં જે ત્રિકોણીય કોષ્ટકને હજુ આગળ વિચારી શકાય.

ધર્મનું શંખાકારપેચદાર મૉડેલ

વ્યક્તિ તરીકેનો સંબંધ 'સ્વ' સાથે છે. જગત તરીકેનો સંબંધ વ્યક્તિનો વ્યક્તિ સાથે કે વ્યક્તિનો સમાજ (સંસ્થા) સાથે કે સમાજ (સંસ્થા) નો સમાજ (સંસ્થા) સાથે સંસ્થાકીય સંબંધ છે. ત્રીજા પ્રકારનો સંબંધ વ્યક્તિઓનો અને સમાજ (સંસ્થાઓ)નો આસપાસનાં પારિસ્થિતિક તંત્ર કે તેઓ જે પરિવેશમાં કામ કરે છે તે વાતાવરણ, સાથેનો સાર્વત્રિક (વૈશ્વિક) સંબંધ છે. કોઈ પણ પ્રકારના સંબંધને લાંબે ગાળે ટકી રહેવા માટે એ દરેક પ્રકાર સ્વપોષિત હોવા જોઈએ. એટલે કે, કોઈ પ્રકાર કે સંબંધ અલગ અલગ રહીને ટકી શકે નહીં. કોઈ પણ પ્રકારના સંબંધનો ધર્મ આંશિક જ રહેશે જો તે બીજા બધા પ્રકારના ધર્મો અને ઋતની વૈશ્વિક વ્યવસ્થાને સાથે રાખીને નહીં ચાલે.

ધર્મનું શંક્વાકાર - પેચ (શંખાકારપેચદાર) મૉડેલ ઉપરોક્ત દરેક પ્રકારના સંબંધોનાં આપસી જોડાણને ગણતરીમાં લે છે. તે દર્શાવે છે કે વ્યક્તિ તરીકેનાં અંદરના પડ સાથે  કુંટુંબ, સમાજ, દેશ કે વૈશ્વિક વ્યવસ્થા જેવા બહરનાં દરેક સ્તર આપસમાં જોડાયેલા  છે. કોએ પણ બે વચ્ચે સંબંધમાં નાનો સરખો પણ ફેરફાર થાય તો તેની અસર બીજા સંબંધ પર થાય જ છે. એકબીજા સાથે જોડાયેલા હોવાથી ટકી રહેવાનો આ સ્વપોષિત સિદ્ધાંત ધર્મ છે.

પ્રભાવનાં વર્તુળનાં મૉડેલથી વિરૂદ્ધ આ મૉડેલમાંનું દરેક ઘટક એકબીજાના પ્રભાવથી અસર પામે છે, માટે એકબીજા માટે અનિવાર્ય છે. ધર્મના સ્વપોષિત સિદ્ધાંતનું આ, આમ, સમાવેશક સ્વરૂપ છે. એકબીજા સાથે જોડાયેલું સંબંધોનું આ શંક્વાકાર પેચદાર મૉડેલ ઋતની વૈશ્વિક વ્યવસ્થા હેઠળ કામ કરે છે અને ટકે છે.

હિંદુ શાસ્ત્રોમાં ધર્મનું શંક્વાકાર - પેચદાર મૉડેલ

હિંદુ સંસ્કૃતિ મુજબ માનવ જીવનને વિદ્યાર્થી (બ્રહ્મચર્ય), ગૃહસ્થ, નિવૃત સલાહકાર (વાનપ્રસ્થ) અને સંન્યાસ એમ ચાર તબક્કાઓમાં વહેંચી નાખવામાં આવે છે. તે જ રીતે વ્યવસાયોની દૃષ્ટિએ શિક્ષક/ ઉપદેશક/ પાદરી(પુરોહિત), વહીવટકર્તા, ઉદ્યોગપતિ/ નાણાનિષ્ણાત અને કામદાર એમ ચાર ભાગ પાડવામાં આવે છે. આ દરેક તબક્કાનાં કે વર્ગનાં કાર્યક્ષેત્રો અને ફરજો તેમજ એકબીજા સાથેના સંબંધોનું વિગતવાર વર્ણન પણ બહુ સ્પષ્ટપણે આલેખાયેલ છે. ફરજ અને સંબંધોને તબક્કાવાર અલગ અલગ નથી કહેવાયાં પણ તેમનાં કાર્યક્ષેત્રની આસપાસના સામાજિક પરિપ્રેક્ષ્ય અને જીવનના તબક્કાની કક્ષાને પણ તેમાં વણી લેવાયેલ છે.

હિંદુ પરંપરામાં બાળક વિદ્યાર્થી અવસ્થામાં યજ્ઞોપવિત સંસ્કારથી દાખલ થાય છે. અહીં તેને  જીવ અને અજીવ એવાં દરેક અન્યો (સર્વભુતેભ્યઃ)  સાથે નમ્ર અને મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખવાનું શીખવાય છે. તે જ રીતે ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કરતી વખતે લગ્ન સંસ્કાર સમયે તેને કુટૂંબ અને સમાજ પ્રત્યેની ફરજો અને પતિપત્ની વચ્ચેની લાગણીઓ વિષે અવગત કરવામાં આવે છે. વ્યાવસાયિક જીવનના ત્રીજા તબક્કામાં તેને પ્રકૃતિ અને કુદરતી બળો સાથે સંવાદિતા કેળવવાનું જ્ઞાન અપાય છે. સંન્યાસી તરીકે તેને જીવનમાં અનુભવેલ વિવિધ પરિસ્થિતિઓ અને સંબંધોને ભુલીને હવે આંતરિક અને બાહ્ય પરિબળો સાથે ઐક્ય રાખવાનું રહે છે.

દરેક નવા તબક્કાના પ્રવેશ સમયે ઘણી હિંદુ વિધિઓમાં પુરુષુક્તમ તરીકે ઓળખાતા મંત્રોમાંથી લાગુ પડતા ભાગ સંભળાવવામાં આવે છે. આ મંત્રોચ્ચાર વ્યક્તિને આ દરેક તબક્કાને અલગ અલગ રીતે જોવા / જીવવાને બદલે દરેક તબક્કાના સંબંધોને સર્વાગી દૃષ્ટિથી જોવાનું યાદ કરવાતા રહે છે. આ  દરેક તબક્કાના મત્રોચ્ચારની પૂર્ણાહુતિ ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ એમ શાંતિના આહ્વાનનું ત્રણ વાર  પુનરાવર્તન કરવામાં આવે છે.

ત્રણ વારનું પુનરાવર્તન આધ્યાત્મિક (સ્વ સાથે સંબંધિત), અભિભૌતિક (આસપાસના બધાં સાથે સંબંધિત) અને અધિદૈવિક (કુદરતનાં દરેક સ્વરૂપો અને બળ સાથે સંબંધિત) એમ જીવનના આલગ અલગ તબક્કા માટે શાંતિની પ્રાર્થના કરે છે. આમ સમજી શકાય છે કે હિંદુ શાસ્ત્રોમાં કોઈ પણ વર્ગનાં અસ્તિત્વના સંબંધની સ્પષ્ટતા કરતી વખતે જીવનના બધા જ તબક્કાને સર્વાંગીપણે આવરી લેવામાં આવે છે. જીવનના તબક્કાઓના એકબીજા સાથેના સંબંધ તત્ત્વતઃ ધર્મનાં શંક્વાકાર - પેચદાર મૉડેલને પ્રમાણિત કરે છે.

  • પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી ૨૦૨૫ના (Divinising Human Relationships) શીર્ષસ્થ વિશેષાંક માં Nitish Rai Parwani ના મૂળ અંગ્રેજી લેખ Dharma: The Sustainable       Principle of Relationships નો સંકલિત અનુવાદ

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ 





[1] નિતિશ રાય પરવાણી રામકૃષ્ણ મિશન વિવેકાનંદ એડ્યુકેશનલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટબેલુર મઠના પ્રવેશાર્થી છેહાલમાં તેઓ યુકેનાં રામકૃષ્ણ વેદાંત સેન્ટરમાં સ્થિત છે અને ઓક્ષફર્ડ યુનિવર્સિટીમાં ડી.ફિલ.નો અભ્યાસ કરી રહ્યા છે.

 જાગીને જોઉં તો જગત દીસે નહિ,

ઊંઘમાં અટપટા ભોગ ભાસે;

ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે,

બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસેજાગીને

પંચ મહાભૂત પરબ્રહ્મ વિશે ઉપજ્યાં,

અણુ અણુમાંહીં રહ્યાં રે વળગી;

ફૂલ ને ફળ તે તો વૃક્ષનાં જાણવાં,

થડ થકી ડાળ નવ હોય અળગીજાગીને

વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે

કનક કુંડલ વિશે ભેદ ન્હોયે;

ઘાટ ઘડિયાં પછી નામરૂપ જૂજવાં

અંતે તો હેમનું હેમ હોયેજાગીને

જીવ ને શિવ તો આપ ઇચ્છાએ થયા

રચી પ્રપંચ ચૌદ લોક કીધા;

ભણે નરસૈંયો તે તું, ‘તે તું

એને સમર્યાંથી કૈં સંત સીધ્યાજાગીને

નરસિંહ મહેતા


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો