આમ, હિન્દુ શાસ્ત્રની ગાયને શાબ્દિક અને રૂપકાત્મક બંને રીતે જોવાની જરૂર છે. શાબ્દિક રીતે જોઈએ તો, એ ગુંચવણ થાય છે કે ગૌરક્ષા, ફક્ત માદા જાતિ માટે જ છે કે નર અને માદા બંને જાતિ માટે છે..
જો ગૌરક્ષામાં બળદને પણ આવરી લેવામાં આવે તો તો આપણે હજારો વર્ષોથી બળદોને ખસીકરણ કરીને સાંઢમાં ફેરવવાની, તેને ગાડાં ખેંચવા અને ખેતરો ખેડવા માટે કેમ માની જઈએ છીએ ? ખસીકરણ ક્રૂર છે તેમાં કોઈ શક ન હોઈ શકે. આટલું જ નહીં પણ એ પણ સ્પષ્ટ નથી કે ગાયનો ઉલ્લેખ કરીએ છીએ ત્યારે માત્ર ભારતીય જાતિની ગાયનો જ ઉલ્લેખ કરીએ છીએ, કે ડેરી ફાર્મિંગમાં લોકપ્રિય એવી જર્સી અને હોલ્સ્ટર જેવી વિદેશી જાતિઓ તેમાં આવરી લેવાયેલ છે. શું ગાય રક્ષાનો અર્થ ભેંસનું રક્ષણ પણ છે? તો પછી આપણે ભેંસ-રાક્ષસને મારી નાખનારી દુર્ગાની પૂજા કેમ કરીએ છીએ? શું તે ભેંસ વાસ્તવિક છે કે પછી રૂપક છે ?
ગાય રક્ષાની રોમેન્ટિક કલ્પનાઓ ઘણીવાર શહેરનાં લોકોમાં જોવા મળે છે જેઓ ડેરી ફાર્મિંગ અને કૃષિની પુરવઠા સાંકળનાં અર્થશાસ્ત્રથી અજાણ છે. તેઓ સમજી શકતા નથી કે ગરીબ ખેડૂતો જે વૃદ્ધ ઢોરને ખવડાવી શકતા નથી અને તેમને ઢોર મારવાની પણ મનાઈ છે, તે પોતાનાં ઘરડાં ઢોરોને શેરીઓમાં ભટકવા દે છે. અહીં એ ઢોરો ક્યાં તો ભૂખે મરે છે અને ક્યાંતો પ્લાસ્ટિક કે અન્ય કચરા ખાય છે. મૌર્ય કાળના ચાણક્ય પાસે આવી કોઈ રોમેન્ટિક કલ્પના નહોતી, કે વીસમી સદીની શરૂઆતમાં વિવેકાનંદ પાસે પણ આવી કોઈ રોમેન્ટિક કલ્પના નહોતી. રૂપકાત્મક રીતે જોઈએ તો, ગાય આજીવિકાનું પ્રતીક બની જાય છે. પુરાણોમાં, એક ઋષિ રાજા પાસે ગાય માંગે છે કારણ કે ગાયનું દૂધ અને છાણ તેને ખોરાક અને બળતણ પૂરું પાડે છે, તેની આર્થિક સ્વાયત્તતા સુનિશ્ચિત કરે છે અને તેને અન્ય બૌદ્ધિક કાર્યો કરવા સક્ષમ બનાવે છે.
સ્વાભાવિક રીતે, માનવ આજીવિકાના સ્ત્રોત સમાન રૂપકાત્મક ગાયને મારી નાખવી એ સૌથી મોટો ગુનો હતો. રાજાઓને ગાયોનું દાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવતા હતા; બીજા શબ્દોમાં કહીએ તો, તે રીતે વધુ આજીવિકાનાં સ્રોત ઊભા કરવા કહેવામાં આવતું હતું. પૃથ્વીનો પહેલો રાજા પૃથુ હતો, જે વિષ્ણુ અવતાર હતો. પૃથ્વી તેની સમક્ષ ગો-માતા તરીકે પ્રગટ થઈ, અને પૃથુએ તેના ગો-પાલ અથવા ગોપાલ તરીકે તેનું રક્ષણ કરવાનું વચન આપ્યું. આમ, પૃથ્વીનું રક્ષણ એ ગો-રક્ષા હતું. જ્યારે માનવોએ પોતાના લોભથી પૃથ્વીનો દુરુપયોગ કર્યો, ત્યારે ગોમાતાએ વિષ્ણુને તેમના વચનની યાદ અપાવી અને તેઓ પરશુરામ, રામ અને કૃષ્ણ તરીકે પૃથ્વી પરના પૃથ્વીના સંસાધનો લૂંટતી રહેલા રાજાઓને મારવા માટે અવતર્યા જેમણે અને એમ કરીને પૃથ્વીનો ભાર ઓછો કર્યો. જે સ્ત્રી તમામ જીવંત પ્રાણીઓનું પોષણ કરતી હતી તે તેના ત્રાસ આપનારાઓના લોહીથી રક્તરંજિત થઈ ગઈ.
આપણી પાસે ક્યાં તો ગૌરક્ષાનો - સાંકડો - શાબ્દિક અર્થ પસંદ કરવાનો વિકલ્પ છે, અથવા તો આપણે ગૌરક્ષાનો - વ્યાપક - રૂપકાત્મક અર્થ પસંદ કરી શકીએ છીએ. પહેલો અર્થ રક્ષકોનો પક્ષકાર છે જ્યારે બીજો અર્થ વિકાસના માર્ગનો દ્યોતક છે.
- સ્પિકીંગ ટ્રી માં ૧૨ ઓગસ્ટ, ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, COW PROTECTION: ‘Cow is not just a cow’ નો અનુવાદ | પ્રાયોગિક પુરાણશાસ્ત્રવિદ્યા, હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા
· અનુવાદકઃ
અશોક વૈષ્ણવ, અમદાવાદ ‖ ૧૯
નવેમ્બર ૨૦૨૫

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો