બુધવાર, 26 નવેમ્બર, 2025

માનવ સંબંધોનું દિવ્યકરણ : મા શારદામણિદેવીમાં જોવા મળતું સંબંધોનું દિવ્યકરણ

 

ડૉ. સર્બની પુતતુંડા[1]

આદિ ગુરુ શંકરાચાર્યએ અદ્વૈત ફિલસૂફીની સ્પષ્ટતા કરીને સંબંધોનાં દિવ્યકરણને ભારતીય સમાજનાં સામાજિક - ધાર્મિક પોતમાં વણી લીધેલ છે. સામાન્યપણે અદ્વૈતનો અર્થ એકપણાં તરીકે થતો હોય  છે. પરંતુ તેનો વધારે સચોટ અર્થ બિન - અન્યપણું થાય છે. એ મુજબ બ્રહ્મન્ સિવાય અન્ય કોઈ વાસ્તવિકતા નથી અને 'વાસ્તવિકતા' ટુકડાઓની બનેલી નથી હોતી. બીજા શબ્દોમાં કહીએ તો જીવાત્મન્ (સ્વ, વ્યક્તિ) બહ્મન્ જેમાંથી આ વિશ્વ સર્જન પામે છે અને જેમાં જે બધું વિશ્વમાં છે તે બધું તે બધું મળી જાય છે. જેટલાં કંઈ વિવિધ સ્વરૂપો દેખાય છે તે બધાં માયા - આભાસ - છે. 

મા શારદાદેવીનો અભિગમ

માશારદાદેવીનાં જીવન પર દૃષ્ટિ કરીએ તો જોવા મળશે તેમની ભાવનાઓનું ઐક્ય તેમના પ્રેમમાં નીતરતું રહેતું જોવા મળશે. તેમના માટે નાતજાત, સામાજિક મોભો કે જાતિ સુદ્ધાં એક જ બ્રહ્મન્ નાં જ સ્વરૂપ હતાં. એટલે બધાં સંબંધોમાં આ ઐક્યની ભાવના વડે તેમના માટે તેમની આસપાસનાં ભૌતિક વિશ્વનું દૈવીકરણ કરવું સહજ હતું. તેમની રોજબરોજ્ની પ્રવૃત્તિઓમાંવણાયેલી ઐક્યની ભાવનાને કારણે તેમને  અદ્વૈત વિશે કોઇ ચોક્કસ વિચારો જણાવવાની જરૂર જ નથી જણાઈ. એક વાર એમણે તેમના પોતાના શિષ્યને કહેલું, જે કોઈ મારામાં છે તે તમારામાં પણ છે. તે દુલાય, બાગદી અને દોમમાં પણ છે. તેમને માત્ર માનવોમાં નહીં બધી જ સજીવ વસ્તુઓમાં બ્રહ્મન્ નાં દર્શન થતાં એટલે તો તેઓ ભગવાન રામકૃષ્ણના પ્રસાદ પર ચડેલી કીડીઓને પણ હટાવી ન દઈ શકતાં.

એકવાર રાધી એક કીડીને મારવા જઈ રહી હતો તેને પણ માએ રોકી પાડી હતી.

એમના શિષ્યએ ભગવાન રામકૃષ્ણ માટે પીરસાયેલું ભોજન ત્યાં કોઈ ભૂખ્યાં બાળકને ખવરાવી દેવાનો વિરોધ કર્યો ત્યારે મા શારદાદેવીએ તેને કહેલું કે તેનામાં પણ ઈશ્વર છે, એટલે તેને ખાવા દે. 

એક વાર ઉમેશ બાબુ સાથે વાત કરતાં કરતાં મા શારદાદેવીએ નિર્જીવ સ્થંભ માટે પણ એવી જ ભાવના વ્યક્ત કરતાં કહેલું કે લોકો ઈશ્વરની વાત કરે છે.જો તેઓ આ સ્થંભમાં ઇશ્વરનો વાસ જોઈ શકે તો તેઓ ઈશ્વરને પ્રાપ્ત કરી શકે.

અદ્વૈતનું જ્ઞાન આત્મસાત કરો અને તેનો રોજબરોજનાં જીવનમાં અમલ કરો એ ભગવાન રામકૃષ્ણનો ઉપદેશ મા શારદાદેવીનાં સમગ્ર જીવનમાં વણાઈ ગયો હતો.

મા શારદાદેવીએ છંદોગ્ય ઉપનિષદનો અદ્વૈતનો અર્ક (૩.૧૪) - सर्वं खल्विदं ब्रह्म नेह नानास्ति किंचन (આ સમગ્ર વિશ્વ બ્રહ્મ છે, તે સિવાય બીજું કશું નથી) - સહજપણે આત્મસાત કર્યો હતો.

મા શારદાદેવી અને તેમના સહયોગીઓ 

સમાજમાં ધર્મ, જાતિ, જાતપાત વગેરેથી કરાતા ભેદભાવની અતાર્કિકતા વિશે મા શારદાદેવીએ એક વાર કહેલું કે,

બ્રહ્મનો દરેકમાં વાસ છે. પરંતુ ઋષિઓએ લોકોને ઈશ્વરની પ્રાપ્તિ માટેના, પોતપોતાની સમજ અને આદર્શ મુજબના, અલગ અલગ માર્ગ બતાવ્યા. પરંતુ બધા માર્ગ તો એક જ જગ્યાએ લઈ જવાના છે. વૃક્ષનો દાખલો લો. અનેક ભાત, રંગનાં પક્ષીઓ ત્યાં આવીને પોતપોતાની શૈલીમાં કિલકિલાટ કરે છે. બધાના અવાજ જુદા હોવા છતાં આપણા માટે તો એ પક્ષીઓનો જ અવાજ છે.

જો ભેદભાવ કરવો જ હોય તો જે ક્ષણભંગુર છે અને જે સ્થાયી વાસ્તવિકતા છે તેના વચ્ચે ભેદ પાડો. આપણને જકડી રાખેલ માયાનાં બંધનોમાંથી મુક્તિ માટે ઈશ્વરને પ્રાર્થના કરો. જો દુન્યવી માયાનાં બંધનોથી સંપુર્ણપણે મુકત થઈ શકીશું તો ઈશ્વરને પ્રાપ્ત કરી શકીશું.

ઐક્ય વર્ગવિહિનતા તરફ દોરી જાય છે

ઐકયમાંથી સમાનાધિકારનો ભાવ પેદા થાય છેંઆ શારદાદેવીનું જીવન સમાનાધિકારને વર્ગવિહિનતામાં વ્યક્ત કરતું ઉત્કૃષ્ટ ઉદાહરણ હતું.

એક વાર 'રામકૃષ્ણ પુંથી'ના લેખક અક્ષય કુમાર સેને મા પાસે વિશ્વમાં જોવા મળતા ભેદભાવ માટે અચકાતા સુરમાં ફરિયાદ કરી. મા શારદાદેવીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ' મારા માટે કોઈ ખાસ નથી. મારા માટે બધાં સરખાં છે. મારા મનમાં કોઈ અન્યપણાનો ભાવ નથી.' એટલે જ એમની પાસેથી આવાં ક્રાન્તિકારક કથન સાંભળવા મળે - મારા માટે તો જેવિ શરત (સ્વામી સારદાનંદ) મારો દીકરો એવો  અઝમ્દ પણ મારો દીકરો.' સ્વામી સારદાનંદ રામકૃષ્ણ સંપ્રદાયના સેક્રેટરી જનરલ, ભગવાન રામકૃષ્ણના ખાસ સોળ શિષ્યોમાંના એક, હતા અને અઝમદ એક ખુંખાર ડાકુ હતો.. મા બંનેના સ્થાન વિશે બરાબર પરિચિત હતાં. 

પોતાના રોજબરોજનાં જીવનમાં મા તેમની દુન્યવી દિનચર્યામાં જ વ્યસ્ત દેખાતા. પણ કેટલાક ભાગ્યશાળીઓને તેમાં દિવ્યતાના પ્રકાશના ઝબકારા જોવા મળી જતા. મા પણ તેમની વાસ્તવિક મનોજીવનીને રોજબરોજની દીનચર્યાના પરદા પાછળ છુપાવી દેતાં. પણ સ્વામી અરૂપનંદ સાથેના તેમના સંવાદોમાં જોવા મળે છે તેમ તેમની નજદીકનાં બધાં જ જાણતાં હતાં કે આ તેમનો પ્રયત્નપૂર્વક ઊભો કરેલો આભાસ હતો.   

'મા, તમારો ખરો સ્વભાવ ક્યારેય બહાર નથી આવી જતો?'

'હા, ક્યારેક એવું થાય. ત્યારે હું મારી જાતને પ્રશ્ન પૂછું, આ હું શું કરૂં છું? પછી ગૃહસ્થી,બાળકો વગેરે સામે જોતાં બધું ભુલાઈ જાય છે. 

માના શિષ્ય આશુતોષ મિત્ર કહે છે કે પોતાની દુન્યવી દુનિયામાંથી મા તેમનાં દૈવી સ્વરૂપમાં કેવાં ઝડપથી સરી જઈ શકતાં એનું એક ઉદાહરણ અદ્‍ભૂત છે. એક વાર મા આશુતોષ મિત્ર સાથે વાત કરતાં હતાં ત્યાં રાધાની તીણી ચીસને સાંભળીને તેઓ વાત અધુરી મુકીને ગયાં. થોડી વારે તેઓ જ્યારે પાછાં આવ્યાં ત્યારે લગભગ સમાધિમાં હતાં. આશુતોષ એ ફરક બહુ સ્પષ્ટપણે જોઈ શકતા હતા. તે પછી માએ જે કહ્યું તે બહુ રસપ્રદ હતું - 

ખબર છે એક દિવસ મેં શું જોયું? ઠાકુર (રામકૃષ્ણ પરમહંસ) મારી પાસે અનેક સ્વરૂપોમાં દેખાતા હતા. જે બાજું નજર કરૂમ ત્યાં તેઓ દેખાય. તેઓ નેત્રહીનમાં હતા, અપંગમાં હતા....એ બધાં ઠાકુરનાં જ દર્શન હતાં. મને સમજાઈ ગયું કે આ તેમણે જ કરેલું છે, અને તેઓ સર્વસ્વમાં છે.તેઓ જેમાં દેખાય તે માનવી પીડા નથી ભોગવી રહ્યું પણ ઠાકુર જ ખરેખર એ પીડા ભોગવી રહ્યા છે. એટલે મારી પાસે લોકો રડતાં રડતાં આવીને મુક્તિ માટે પાર્થના કરે છે ત્યારે હું મારી જાતને રોકી નથી શકતી. મને એમ જ લાગે છે કે હું તેમને તેમનાં સર્જન અર્પણ કરૂં છું.

સ્વામી વિવેકાનંદે કલ્પેલ અને મા શારદાદેવીએ અનુમોદન આપેલ વ્યાવહારિક વેદાન્ત  

મા શારદાદેવીનું બહુ મોટું યોગદાન, સ્વામી વિવેકાનંદ જેને વ્યાવહારિક વેદાન્ત કહે છે એવા, કર્મ યોગના સિદ્ધાંતોનું સુનિશ્ચિત ઘડતર - ખાસ તો રામકૃષ્ણ સંપ્રદાયના સંન્યાસીઓ માટે - હતું. મા પોતે જ એમાં ઘડાયેલાં હોવાથી આ સિદ્ધાંતોની અટકળ આ શબ્દોમાં કરવી સહજ હતી - સદાય કર્મ કરતાં રહો. કર્મ આપણાં મન અને તનને તંદુરસ્ત રાખે છે. હું જ્યારે જયરામબાતીમાં હતી ત્યારે સતત કામ કર્યા કરતી. હું કોઈને મળતી નહી.....જોકે સતત કામ કરવાથી એક પ્રકારની અનાસક્તિ આવી જ્જાય છે. એક ઘડી પણ નવરા ન બેસવું. હું એક ઘડી પણ નવરી નહોતી પડતી તો પણ એક લાખ વાર ઈશ્વરના નામનો મંત્રોચ્ચાર કરી શકતી હતી.

આ સિદ્ધાંત પણ અદ્વૈત તત્વજ્ઞાનના ઐક્યની વિભાવનામાં સીધો જ નિષ્કર્ષ પામે છે. અહીં માએ જે કામનો ઉલ્લેખ કર્યો છે તે અલગ અલગ સ્વરૂપે કરાતી માનવ સેવા છે. રામકૃષ્ણ સંપ્રદાયમાં દાખલ થતાંની સાથે જ સંન્યાસીને માનવ સેવા અર્થે જ કામ કરવાનું કહેવામાં આવે છે. સન્યાસી હોય કે ગૃહસ્થ, માનવ સેવાની આડે કોઈ આદર્શ આવી ન શકે એ વાત મા શારદાદેવીએ બહુ જ સ્પષ્ટ શબ્દોમાં સમજાવી દીધી છે.

તેમના એક પત્રમાં સ્વામી વિવેકાનંદ વ્યાવહારિક વેદાન્તને સમજાવતાં આ મુજબ કહે છે - 

ગરીબ માટે સહાનુભુતિ અને મદદ; માનવી ઈશ્વર છે, એ નારાયણ છે; આત્મા માટે સ્ત્રી કે પુરુષ, બ્રાહ્મણ કે ક્ષત્રિય કે એવા કોઈ ભેદ નથી. ઘાસનાં એક નાનાં તણખલાં સુધી દરેક વસ્તુ સર્જનહારનું સર્જન, નારાયણ, છે. નાનાં જંતુમાં એ ઓછું દેખાય કે સર્જનહારમાં વધારે દેખાય. દરેકમાં દૈવત્વનું દર્શન થાય એ માટે કરેલ દરેક કર્મ ઉત્તમ છે. જે કામ તેને ઢીલમાં નાખે તે દુર્વ્યવહાર છે. આપણા પોતાનાં દૈવત્વને પ્રગટ કરવાનો એક માત્ર માર્ગ બીજાંઓને તેમ કરવામાં મદદ કરવાનો છે.  

તેમની આસપાસની ભૌતિક દુનિયા સાથેના સંબંધોને સ્પષ્ટ કરતાં મા શારદાદેવીએ એક શિષ્યને કહ્યું હતું કે,

સમય જતાંની સાથે ઈશ્વરનું અસ્તિત્વ પણ અનુભવાતું નથી. જ્ઞાનપ્રાપ્તિ થયા પછી સમજાય છે કે ઈશ્વર અને દેવતાઓ એ બધું માયા જ છે. સમયની સાથે બધું અસ્તિત્વમાં આવે છે અને સમયની સાથે બધું વિલિન થાય છે. જ્ઞાનપ્રાપ્તિની પ્હો થતાંની સાથે જ દેવતાઓ અને એવી બધી વસ્તુઓ ઓસરી જાય છે. મુમુક્ષુની સમજાય છે કે માત્ર મા જ આખાં વિશ્વમાં ખૂણે ખૂણે ફેલાયેલ છે. એ સમયે બધું એક બની જાય છે. આ જ સાદું સત્ય છે.

  • પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી ૨૦૨૫ના (Divinising Human Relationships) શીર્ષસ્થ વિશેષાંક માં Dr Sarbani Putatunda ના મૂળ અંગ્રેજી લેખ Divinising of Relationship as Observed in Holy Mother Sri Sharada Devi નો સંકલિત અનુવાદ

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ


[1] ડૉ. સર્બની પુતતુંડા અંગ્રેજીમાં પીએચ ડી છે અને કલકત્તાની ઇસ્ટ કલકત્તા ગર્લ્સ કૉલેજમાંથી નિવૃત થયાં છે. રાષ્ટ્રીય તેમજ આતંરરાષ્ટ્રીય સામયિકોમાં તેમનાં અનેક શૈક્ષણિક નિબંધ પત્રો પ્રકાશિત થતાં રહ્યાં છે. તેમણે ઘણાં પુસ્તકો પણ લખ્યાં છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો