બુધવાર, 10 ડિસેમ્બર, 2025

માનવ સંબંધોનું દિવ્યકરણ : માનવીનો પોતા સાથેનો સંબંધ

 

ગાયત્રી શ્રીધરન[1]

બુક ઑવ જેનસિસમાં એક કથન છે - Eritis Sicut Deus, Scientes Bonum Et Malum (દુષ્ટમાંથી સારાંને પારખી લેવાથી તમે ઈશ્વર જેવા બનશો) (૩:૫). પરંતુ છાંદોગ્ય ઉપનિષદ કહે  છે કે तत् त्वम् असि श्वेतकेतु, એ તું છો.  આકરી સાધના અને તપશ્ચર્યા કર્યા પછી જીવને સમજાય છે કે, अहं ब्रह्मास्मि, એ પોતે જ બ્રહ્મન્ (ઈશ્વર) છે. પછીથી તેને જ્ઞાન થાય છે કે सर्वम् खलु ईदम् ब्रह्म, બધું જ બ્રહ્મન્ છે.

આ સંદર્ભમાં, બૃહદારણ્યક ઉપનિષદમાં, ઋષિ યાજ્ઞવલ્ક્ય અને તેમનાં પત્નીના સંવાદમાં માનવીના પોતા સંબંધ વિશે આ મુજબ કહેવાયું છે 

પત્ની પોતાના પતિને તે પતિ છે માટે પ્રેમ કરતી નથી, પણ આત્માને માટે તે પતિને ચાહે છે, કારણ તે આત્માને ચાહે છે. પત્નીને માટે કોઈ પત્નીને ચાહતું નથી પણ તે આત્માને માટે પત્નીને ચાહે છે. સંતાનોને સંતાનો છે માટે કોઈ ચાહતું નથી, પણ તે માણસ આત્માને ચાહે છે, તેથી તે સંતાનોને ચાહે છે. દ્રવ્યને તે દ્રવ્ય છે માટે કોઈ ચાહતું નથી, પણ માણસ આત્માને ચાહે છે માટે ધન તેને પ્રિય છે. કોઈ પણ માણસ બ્રહ્મનને ચાહે છે તેનું કારણ એ બ્રહ્મન છે માટે નહીં, પણ તે આત્માને ચાહે છે તેથી તે બ્રહ્મનને ચાહે છે. કોઈ પણ માણસને ક્ષત્રિય તે ક્ષત્રિય છે માટે પ્રિય નથી, પણ તેને આત્મા વહાલો છે તેથી તે પ્રિય છે. તેમજ જગતને તે જગત છે માટે કોઈ ચાહતું નથી, પણ આત્માને ચાહે છે માટે તે જગતને ચાહે છે. આ જ પ્રમાણે દેવો તે દેવો છે માટે પ્રિય નથી પણ આત્મા પ્રિય છે માટે દેવો પ્રિય છે. વસ્તુ તે વસ્તુ છે માટે પ્રિય નથી, પણ આત્મા પ્રિય છે માટે તેને વસ્તુ પ્રિય છે. આમ દરેક જીવ બધાંને પોતા માટે પ્રેમ કરે છે. ખરૂં સમજવાનું પણ સ્વને છે. તેને સાંભળો, તેના પર મનન કરો અને તેના પર ધ્યાન ધરો.

સંબંધોનો બીજો દૃષ્ટિકોણ

યહુદી ધાર્મિક કાયદાઓ અને પરંપરાઓ પરનાં પુસ્તક, તાલમદ,ના એક બહુ જાણીતાં કથનમાં કહેવાયું  છે કે, 'વસ્તુઓ જેમ છે તેમ આપણે તેમને જોતાં નથી. આપણે જેવાં છીએ તેવી રીતે વસ્તુઓને આપણે જોઈએ છીએ. મૂળ કથન તો આપણાં અચેતન મનની 'સ્વપ્ન' સ્થિતિમાં જે કલ્પીએ છીએ તેનો ચેતન મન પડધો પાડે છે એવું કહેવાનો ભાવાર્થ છે. આપણા વેદોમાં પણ આ ભાવની જ વાત કહેવામાં આવી છે. આપણા પ્રાચીન ઋષિઓ તો કહે જ છે કે આપણી પાંચ ઇન્દ્રિયો દ્વારા જે આપણે અનુભવીએ એ જ આપણને આપણી વાસ્તવિક દુનિયા દેખાય છે. આપણી એ જાગૃતિની બહાર બીજી કોઈ વાસ્તવિકતા અસ્તિત્વ જ નથી ધરાવતી. 

માનવીના વિવિધ સંબંધોને એક બીજી દૃષ્ટિથી પણ જોઈ શકાય. માનવીના બધા સંબંધો અસ્થાયી છે, લાંબું ન પણ ટકી શકે એવા છે. એક જ સંબંધ એવો છે જન્મથી મૃત્યુ સુધીસાથ આપે છે - માનવીનિ ઓતાની જાત સાથેનો સંબંધ. અદ્વૈતવાદની ભાષામાં પોતાની અંદરના આત્માને આપણે ગણકારતાં નથી તો પણ તે આપણો સાથ નથી છોડતો. માનવીનાં તન અને મન સાથેનો આત્માનો સંબંધ બહુ જ મૂળભુત  સંબંધ છે. 

સંબંધોના અવિઅક્સિત સ્વરૂપમાં માનવીનો અહં અને બીજું બધું એવાં બે જ સ્વરૂપો છે. શાસ્ત્રો આને અજ્ઞાન કહે છે. દુનિયાના બધા સંબંધોનું મૂળ આ વિચારબીજમાં છે.

दृग दृश्य विवेक સમજાવે છે કે

चिच्छायाऽऽवेशतो बुद्धौ भानं धीस्तु द्विधा स्थिता

एखाहङ्कृतिरन्यास्वादन्तःकरणरुपिणी॥ -

બુદ્ધિનું તેજ તેમાં રહેલ ચેતનાનાં પરાવર્તને કારણે છે. बुद्धि બે પ્રકારની હોય છે - અહં વિષયલક્ષી (સ્વયં अहंकार) અને મન (અંતઃકરણ अंत:करण) એમ બે સ્વરૂપ ધરાવે છે. धिः આંતરિક અંગ છે જે અલગ કાર્યના સંદર્ભમાં ઈચ્છા અને સંશયના સ્વરૂપમાં (मानस), નિર્ણય શક્તિ અને યાદ શક્તિ ( चित्त) સ્વરૂપ ધારણ કરે છે. અહંકાર સ્વ અને સ્વ સિવાયથી અલગ કરે છે.

સુખ, ભોગ અને પીડાની પાછળની આંધળી દોટ જ સજીવ અને નિર્જીવ દુનિયા સાથે અનેકાનેક સંબંધો માટે કારણ્ભૂત છે.

શા માટે સંબંધો બંધાય છે?

આપણી અંદર ઊંડે ઊંડે કંઈ અધુરાશની લાગણી અનુભવાતી રહે છે અને અજંપાનું રૂપ લે છે. એ અધુરાશને પુરી કરવા આપણે આસપાસ દેખાતી વસ્તુઓ, અનુભવાતી લાગણીઓ, અને કલ્પનામાં દેખાતાં સુખો સાથે સંબંધો બાંધી બેસીએ છીએ. આ સંબધ આપણને બીજાં સાથે જોડે છે, પણ તે કદી સંપૂર્ણ નથી બની શકતો. સંબંધ એ બે વ્યક્તિઓને જોડતો સેતુ છે, પણ તે એ બે વ્યક્તિને એક ન કરી શકે. જ્યાં સુધી એવું ઐક્ય ન પૂર્ણ થાય ત્યાં સુધી કોઈ પણ સંબંધ તુટી શકવાની શક્યતાઓ ઊભી જ રહે છે. ભૌતિક રીતે આવું ઐક્ય, જે અવસ્થામાં કોઈ દ્વૈત નથી અનુભવાતું, કોઈ અન્ય ભાવ નથી અનુભવાતો, માત્ર, એવી આપણી સુષુપ્તાવસ્થામાં જ શક્ય બને છે.

તો ઉપાય શું?

યાજ્ઞવક્લ્ય આપણી જાત વિશે ધ્યાનમ્ગ્ન થઈને મનોમંથન કરવાનું સૂચવે છે.તેઓ સમજાવે છે વીણા પર એક એક સુર અલગથી વગાડવામાં આવે તો તે સંગીત લાગે પણ તેમાંથી કોઈ અર્થ નથી નીકળતો, પણ જ્યારે અલગ અલગ સુર એક સાથે કોઈ સુરાવલીનાં સ્વરૂપે વાગે છે ત્યારે સંગીત ધાર્યો ભાવ પેદા કરી શકે છે.

વેદોમાં અને પતંજલિના યોગ સૂત્રમાં કહ્યું છે તેમ જેમ જેમ આપણે આપણી જાત વિશે વિચારતાં જઈએ છીએ તેમ તેમ તેને વધારે સમજતાં થઈએ છીએ. એમ કરતાં આપણેયમ અને નિયમનો અભ્યાસ કરવા લાગીએ છીએ. પરિણામે, આપણે સ્વીકૃતિને લાયક અધિકારપાત્ર બનીએ છીએ. આ તબક્કે કોઈ પણ સ્વરૂપે મળેલ ગુરૂ પાસેથી જ્ઞાન મળવા લાગે છે.  ધીમે ધીમે, શ્રવણ, મનન અને નિદિધ્યાસન (સક્રિય સાધના) વડે આપણી જાતથી ઉપર ઊઠવા લાગીએ છીએ.

રામકૃષ્ણ કથામૃતમાં જણાવ્યું છે તેમ ભક્ત ઈશ્વર સાથે વિવિધ રૂપે સંબંધ કેળવે છેઃ

શાંત (ઋષિઓનો માર્ગ)

દાસ્ય (સેવકપણાનો ભાવ)

સખ્ય (ઈશ્વર સાથે મૈત્રીનો ભાવ)

વાત્સલ્ય (માનો બાળક પ્રત્યેનો ભાવ)

મધુર ભાવ (મીરા જેવો પ્રેમ ભાવ)

માતૃ ભાવ ( રામકૃષ્ણ પરમહંસ આજના યુગ માટે આ ભાવને યોગ્ય ગણે છે)

જે માનવ સંબંધોના મૂળમાં ઈશ્વર છે તે તેમાં વણાઈ ગયેલ ઐક્યને કારણે નષ્ટ નથી પામતા. એ સંબંધોમાં વૈવિધ્ય શંકા, ભય કે વિરોધને બદલે આનંદ અનુભવાય છે. 

વેદાન્ત કેસરીના ડિસેમ્બર ૨૦૦૬ના અંકમાં સ્વામી ત્યાગાનંદના લેખ અન્ડરસ્ટેંડીંગ હુમન રીલેશનશિપ્સ ઈન લાઈટ ઑફ ધ ઉપનિષદ્સ'[2]માં આ લેખનું તાત્પર્ય આ રીતે કહેવાયું છે - 

આપણામાંના જે લોકો આધ્યાત્મિક જ્ઞાનની ઉચ્ચ કક્ષાએ પહોંચેલાં છે એ લોકો અનુકરણ કરવા માટેનાં આદર્શ છે. આજના સમયમાં રામકૃષ્ણ પરમહંસ અને મા શારદામણિ દેવી એકબીજાં સાથેના સંબંધો ઉપરાંત તેમના સગાં સંબંધીઓ, મિત્રો અને શિષ્યો સાથેના તેમના વ્યવહારથી આપણને અનેક નમૂના રૂપ બની રહે છે. આપણા અંતરમાના સ્રોત, આત્મા,ની શક્તિમાંથી નિપજેલા માનવ સંબંધો કેટલા સમૃદ્ધિપૂર્ણ અને પરિપૂર્ણ બની રહે છે તે દેખાઈ જ આવે છે. આત્મા, કે પછી તેના જેવી જ આપણા જીવનમાં ઈશ્વરની હાજરી,ની મધ્યસ્થીમાં પેદા થયેલા સંબંધો હંમેશાં પરિપૂર્ણ કરે છે. બીજા કોઈ પણ સંબંધો અનેક મર્યાદાઓમાં અટવાઈને બોજારૂપ બની રહે છે. 
  • પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી ૨૦૨૫ના (Divinising Human Relationships) શીર્ષસ્થ વિશેષાંક માં Gayatri Sridharan ના મૂળ અંગ્રેજી લેખ Man’s Relationship with Himself નો સંકલિત અનુવાદ

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ 


[1] ગાયત્રી શ્રીધરન બેંગ્લુરૂ સ્થિત નિવૃત ઈન્કમ ટેક્ષ ઍડવોકેટ છે  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો