મારાં માતા-પિતા ૫૦ વર્ષ પહેલાં ઓડિશાથી મુંબઈ આવીને સ્થિર થયાં હું ચેમ્બુર નામના પરામાં ઉછર્યો. ચેમ્બુરમાં, મોટા ભાગે તમિલનાડુ, કેરળ, ગુજરાત, ગોવા, બંગાળ અને પંજાબથી આવીને વસેલાં લોકો રહેતાં, જેમાં થોડા સ્થાનિક મહારાષ્ટ્રીયનો પણ હતા. હું એક મિશનરી શાળા, અવર લેડી ઓફ પર્પેચ્યુઅલ સક્કરમાં ભણ્યો. મારા શિક્ષકો તેમજ સહપાઠી વિદ્યાર્થીઓમાં ખ્રિસ્તી, પારસી અને મુસ્લિમોનો સમાવેશ થતો હતો. હું ઘણો મોટો થયો મને ખ્યાલ આવ્યો કે અમને બિન-હિંદુઓને તેમના ધર્મ (ખ્રિસ્તી, મુસ્લિમ, પારસી) અને હિન્દુઓને તેમની ભાષા (ઓડિયા, બંગાળી, મહારાષ્ટ્રીયન, તમિલ, મલયાલી, કન્નડી, પંજાબી) દ્વારા ઓળખવાનું, લગભગ ફરજિયાત જ કહી શકાય એ રીતે, શીખવાડવામાં આવતું હતું. ત્યારે મને એ મને ધ્યાન નહોતું આવ્યું કે જે પણ હિન્દુ સાથે મારો વ્યવહાર હતો તે બધા 'સવર્ણ' હતા.
હકીકતમાં, પછી ભલે તે મિત્રો સાથે તમિલ સુબ્રમણ્યમ મંદિરની મુલાકાત લેવાનું હોય (જેના વિશે મારી માતાને કોઈ ખ્યાલ નહોતો), અથવા સ્થાનિક ગણેશ અથવા હનુમાન મંદિર (ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોથી ભરેલું) જવું હોય, અથવા મારા માતાપિતા સાથે હાજી અલી દરગાહ અથવા અજમેર દરગાહની મુલાકાત લેવાનું હોય, અથવા મુંબઈના પ્રખ્યાત માઉન્ટ મેરી, અથવા ગોવાના બેસિલિકા જવાનું થતું, મને ક્યારેય આપસભાનતાથી પણ ધર્મનિરપેક્ષ કે હિન્દુ, કે ખાસ વિશેષાધિકાર પ્રાપ્ત હોવાનું શીખવવામાં આવ્યું ન હતું. જાહેર પ્રસાર માધ્યમો ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયોથી આગળ વિસ્તર્યાં તે પછીથી આ પ્રકારનાં વિશેષણો વપરાવા લાગ્યાં.
ઇતિહાસ અને નાગરિકશાસ્ત્ર વિષયોમાં અમને શાળામાં ભારતીય રાષ્ટ્રીય ચળવળ વિશે શીખવવામાં આવતું. એટલે પાકિસ્તાન અને બાંગ્લાદેશના નિર્માણ માટે કેટલાક લોકોએ બિનસાંપ્રદાયિકતા (ભારતની વિચારધારા)ને બદલે ધર્મ (ઈસ્લામ) ને પસંદ કર્યો ત્યારે અમને દુઃખ થયું. શાળામાં અમને ધર્મ વિશે નહીં પણ વિજ્ઞાન, ગણિત અને ભાષાઓ, વિશે જ શીખવાડાતું. એ ભણતરે અમને ડૉક્ટર અને એન્જિનિયર બનવામાં મદદ કરી. પાઠ્યપુસ્તકોમાં ઇતિહાસનો અંત દેશને સ્વતંત્રતા મળવા સાથે થયો. અમે મહાત્મા ગાંધીની હત્યા, નક્સલબારી ચળવળ, અથવા ઈન્દિરા ગાંધીની કટોકટી પછી થયેલા બ્રાહ્મણ વિરોધી રમખાણો વિશે અમને શાળામાં શીખવાડવામાં નહોતું આવ્યું.
હું હજુ શાળામાં હતો ત્યારે ભારતીય સેનાએ અમૃતસરના સુવર્ણ મંદિર પર હુમલો કર્યો, અને ઈન્દિરા ગાંધીની હત્યા કરવામાં આવી, અને દિલ્હીમાં શીખ વિરોધી રમખાણો થયા. અમને ધીમે ધીમે ખ્યાલ આવ્યો કે શીખો પોતાને હિન્દુ, કે ભારતીય પણ માનતા નથી, અને ખાલિસ્તાન નામના રાજ્ય માટે લડી રહ્યા છે. થોડા સમય પછી, અમે ટેલિવિઝન પર રામાયણ અને મહાભારત જેવાં બે મહાન મહાકાવ્ય જોયાં જેને જોવા આખો દેશ થંભી જતો. મુસ્લિમ જૂથોના વિરોધને કારણે બાઇબલની વાર્તાઓ પર આધારિત હિન્દી શ્રેણી અચાનક બંધ થઈ ગઈ. કોલેજમાં હતા ત્યારે, મેં રામ જન્મભૂમિ, બાબરી મસ્જિદ ધ્વંસ, મુંબઈમાં હિન્દુ-મુસ્લિમ રમખાણો અને પછી ગોધરા વિશે સાંભળ્યું. તે જ સમયે, મેં MTV, ઇન્ટરનેટ અને મોબાઇલ ફોનના વપરાશના અનુભવનાં પગરણ થવાં લાગ્યાં હતાં. દુનિયા નાટકીય રીતે બદલાઈ રહી હતી. આપણે દુનિયા વિશે વધુને વધુ પરિચિત થઈ રહ્યા હતા અને ધર્મ પ્રત્યે વધુ ને વધુ સભાન થતા હતા.
જેમ જેમ વર્ષો વીતતાં ગયાં, તેમ તેમ મસ્જિદોમાંથી નમાઝ માટે મોટેથી અને મોટેથી અઝાન સંભળાતી થઈ. મારા પડોશમાં તેને કારણે વધુમાં વધુ લોકો પરેશાની અનુભવવા લાગ્યા. ત્યારબાદ મંદિરો અને તહેવારો દરમિયાન ભક્તિ સંગીત મોટેથી અને મોટેથી સંભળાતું થઈ ગયું. લગભગ સ્પર્ધાત્મક ભાવનાથી કરાતી આ પ્રવૃતિઓથી કંટાળી, ચિડાઈને લોકો રજાઓ લઈને તહેવારોના સમયે શાંત હિલ સ્ટેશનો પર જતા રહેતાં.
શાળામાં, આર એસ એસ વિશે ગુસપુસમાં વાત થતી કે તે ગેરકાયદેસર હિન્દુ ઉગ્રવાદી સંગઠન હતું જે મહાત્મા ગાંધીની હત્યા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જવાબદાર હતું. કોલેજ છોડી ત્યાં સુધીમાં, હું હિન્દુત્વ શબ્દ વધુને વધુ, વારંવાર, સાંભળતો હતો. અમને સમજાવા લાગ્યું કે તે એક પ્રકારની ક્રોધપ્રેરિત, હિંસક હિન્દુ ઓળખ છે, જે ઘરમાં જાણવા મળેલી હિન્દુ ઓળખથી ઘણી અલગ છે.
મારા બાળપણમાં, અમે ક્યારેય હિન્દુ હોવા વિશે વાત કરતા નહોતા. તે જીવનનો એક ભાગ હતો. હિન્દુ કથાઓ અમર ચિત્ર કથા અને ચાંદમામા જેવા કોમિક્સ અને કેટલીક ફિલ્મો અને ટેલિવિઝન સિરિયલો દ્વારા અમારા સુધી પહોંચી. રામકૃષ્ણ મિશન, ચિન્મય મિશન અને ઇસ્કોન દ્વારા હિન્દુ ફિલસૂફી અમારા સુધી પહોંચી. જોકે તે સમયે કોઈએ ક્યારેય ધ્યાન આપતું નહીં કે શા માટે 'મિશન' બ્રહ્મચારી પુરુષો દ્વારા નિયંત્રિત હતાં કે ઇસ્કોન અબ્રાહમી ધર્મોને વધુ અનુરૂપ પ્રચાર નમૂનાઓનો ઉપયોગ કેમ કરતું હતું. અમે બધા ખજુરાહો મંદિરો વિશે ઉત્તેજિત થતા અને શરમ અનુભવતા. અમે બધા માનતા હતા કે રામાયણ આદર્શવાદી હતું જ્યારે મહાભારત વાસ્તવિક હતું. જ્યારે પૌરાણિક કથાઓનો મારો શોખ વિદ્વતાપૂર્ણ શોધખોળનો વિષય બન્યો ત્યારે બધું બદલાઈ ગયું, અને મને સમજાયું કે મોટાભાગના લોકોનો હિન્દુ ધર્મ પ્રત્યેનો દૃષ્ટિકોણ સંસ્થાનવાદી ઢાંચા પરથી ઘડાયો હતો.
જેમ જેમ મારો અભ્યાસ ઊંડો બનતો ગયો, તેમ તેમ મેં ગીતા પ્રેસ ગોરખપુર (તે સમયે તેમનું વલણ જમણેરી છે તે સમજાયું ન હતું) દ્વારા પ્રકાશિત પુસ્તકોમાં હિન્દુ કથાઓ, પ્રતીકો અને ધાર્મિક વિધિઓ જે રીતે રજૂ કરવામાં આવતાં હતાં તેની સરખામણીમાં વિદેશી શિક્ષણવિદો (તે સમયે તેમનું વલણ ડાબેરી છે એવું સમજાયું ન હતું) અને મોતીલાલ બનારસીદાસ પ્રેસ દ્વારા પ્રકાશિત પુસ્તકોમાં સ્પષ્ટ તફાવત જોયો. ગીત પ્રેસે હિન્દુ ધર્મને અદ્ભૂત, પરિપૂર્ણ, કોઈપણ લિંગ કે જાતિના પૂર્વગ્રહ વિનાની દુનિયા તરીકે, જે રીતે ભદ્ર હિન્દુઓ ધર્મને જોવા માંગતા હતા એ રીતે, રજૂ કર્યો. મોતીલાલ બનારસી પ્રેસ અને એ મુજબની વિચારધારાએ હિન્દુ ધર્મને, સ્ત્રી-જાતિ પ્રત્યે અત્યંત પૂર્વગ્રહથી જોતી અને જાતિવાદને વધુ મહત્વ આપતી, એક દમનકારી સામંતશાહી તાકાત તરીકે રજૂ કર્યો. અનુઆધુનિક ફિલસૂફીના સંપર્કમાં આવવાથી બંને વિચારધારાઓમાં પૂર્વગ્રહયુક્ત દ્રષ્ટિકોણ છતો થયો. હિન્દુ ધર્મને રાજકીય ઓળખ બનાવવાના ઇરાદાથી, ‘હિન્દુત્વવાદી’ (જમણેરી) રાજકારણીઓએ ગીતા પ્રેસ ગોરખપુરના હિન્દુ ધર્મના, ગાયને માનવ જીવન કરતાં વધુ મૂલ્યવાન માનતા, દૃષ્ટિકોણને પસંદ કર્યો. તેની સામે, ડાબેરી ઉદારવાદીઓ, પોતાની હિન્દુ ઓળખથી શરમાઈને, જાતિથી લઈને કર્મ સુધીની દરેક બાબતની પાશ્ચાત્ય સમજને ટીકા કર્યા વિના સ્વીકારી લીધી.
તાજેતરના સમયમાં, નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાને કારણે એક ખુલ્લેઆમ હિન્દુ રાજકીય પક્ષના સત્તામાં આવવાથી આપણે, મોટે ભાગે ઘસાતું બોલતા ઇન્ટરનેટ ટ્રોલ તરીકે, એનઆરઆઈ હિંદુઓનો ઉદય વધુને વધુ જોઈ રહ્યા છીએ. વિદેશમાં સ્થાયી થયેલા હિન્દુઓમાં એ લોકો લઘુમતી હોવા છતાં, ખાસ કરીને રાત્રે જ્યારે ભારત સૂતું હોય, ત્યારે આગિયાની જેમ બહુ જ જોવા મળે છે. આમાંના ઘણા લોકો ઉચ્ચ જાતિના હિન્દુ પૃષ્ઠભૂમિના છે. ભારતના લાઈસન્સ રાજ, તમિલનાડુમાં બ્રાહ્મણ વિરોધી ચળવળો, શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત નીતિઓ અને અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને મુસ્લિમોની તરફેણ કરતી વોટ-બેંકના રાજકારણથી હતાશ થઈ જઈને આ લોકો આર્થિક કારણોસર અમેરિકા ગયા છે. જે દેશો હિન્દુ ધર્મને આદિમ, મૂર્તિપૂજક અથવા અજબ માને છે, એવા દેશોમાં આ વર્ગ અળગાપણું અનુભવે છે. તેઓ કલ્પનાનાં એવા હિન્દુ ભારતમાં 'ઘરે પાછા' આવવા ઝંખે છે જે તેમને, બ્રિટિશરો અને મુસ્લિમો પહેલાંના, વેદ, સમ્રાટ અશોક અને રાજપૂતોના સમયના, વિશ્વ પર પ્રભુત્વ મેળવેલાં ભવ્ય, 'તે સમય'નાં હિન્દુ રાષ્ટ્રને લાવવા માટે કટિબદ્ધ છે એવાં આરએસએસ અને બીજેપી સાથે સાંકળે છે. વિશ્વ પ્રત્યેના આ દૃષ્ટિકોણનાં મૂળમાં ક્રોધાવેશ અને હીનતાની ભાવના છે. તે પૌરાણિક કથાઓની જરૂરિયાતને પુસ્તકો અને ટેલિવિઝનમાં વેગ આપે છે, ખાસ કરીને જ્યાં શિવને વિશ્વ હિન્દુ પરિષદના પોસ્ટરો પર જોવા મળતા રામ જેવાં બાવડાં હોય એવા મૈત્રીપૂર્ણ ‘મર્દ’ પુરુષ તરીકે રજૂ કરવામાં આવે છે.
તેમ છતાં, છેલ્લા વીસ વર્ષોમાં હિન્દુ ધર્મના પ્રગતિશીલ અને પરિપક્વ પાસાં દર્શાવતા મારા લખાણો અને ટીવી શૉની વધતી જતી લોકપ્રિયતા મને એવું માનવા પ્રેરે છે કે આધુનિક, વિવેકબુદ્ધિથી સમજનારી હિન્દુ ઓળખ માટે પણ ઝંખતો એવો વર્ગ પણ છે, જે ડાબેરી વિચારધારાઓથી કંટાળી ગયો છે અને જમણી વિચારધારાઓથી સાવધ છે, જે ભૂતકાળની પરવા નથી કરતો, પરંતુ, જ્યાં વૈશ્વિક સામાજિક પરિવેશમાં હિન્દુઓને હિન્દુ હોવામાં શરમ નથી આવતી એવાં, ભવિષ્ય તરફ જોઈ રહેલ છે.
- www.theweek.in માં ૨૧ ઓગસ્ટ, ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, The rise of religion નો અનુવાદ | હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો