બુધવાર, 7 જાન્યુઆરી, 2026

મારી દૃષ્ટિએ (૧૯૪૪ - ૪૫) : ભાગ ૩ - જ્યોર્જ ઑર્વેલ [૧]

 

 ટ્રિબ્યુન

ઓગસ્ટ, ૧૯૪૪

સંતૃપ્ત બોમ્બમારા (સેચ્યુરેટેડ બોમ્બિંગ)ના સંદર્ભમાં, મારી સાથે બહુ જ અસંમત એવા એક સંવાદદાતા એ ખુબ જ ભારપૂર્વક ઉમેર્યું કે તે પોતે કોઈ પણ રીતે શાંતિવાદી નથી. પરંતુ, 'હુણોને મારી હટવવા જોઈએ' એને તો તેઓ સ્વીકારે છે. તેઓ આપણે જે ક્રૂર પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા છીએ ફક્ત તેનો વિરોધ કરી રહ્યા હતા.

હવે, મને લાગે છે કે લોકોને 'હુણ' કહેવા કરતાં બોમ્બ ફેંકીને તમે ઓછું નુકસાન પહોંચાડો છો. દેખીતી રીતે, જ્યાં સુધી ટાળી શકાય ત્યાં સુધી કોઈ મૃત્યુ કે ઘાયલ થવા નથી માંગતું. પરંતુ હું એવું માનતો નથી કે ફક્ત હત્યા જ સર્વશ્રેષ્ઠ ઉપાય છે. આપણામાંથી મોટાભાગના 'કુદરતી મૃત્યુ' તરીકે ઓળખાતી ઘૃણાસ્પદ ભયાનકતાથી સો વર્ષથી ઓછા સમયમાં મરી જઈશું. ખરેખર ખરાબ બાબત એ છે કે શાંતિપૂર્ણ જીવન અશક્ય બની જાય એવી રીતે વર્તવું. સંસ્કૃતિના વિનાશ દ્વારા નહીં (યુદ્ધની ચોખ્ખી અસર સમગ્ર વિશ્વની ઉત્પાદક ક્ષમતામાં વધારો કરવા માટે પણ હોઈ શકે છે), કે માનવ હત્યા દ્વારા પણ નહીં પરંતુ નફરત અને અપ્રમાણિકતાને ઉત્તેજન આપીએ યુદ્ધ સંસ્કૃતિના માળખાને નુકસાન પહોંચાડે છે. તમારા દુશ્મન પર ગોળીબાર કરીને તમે તેને સૌથી ઊંડા અર્થમાં અન્યાય નથી કરતા. પરંતુ દુશ્મનને નફરત કરીને, તેમના વિશે જુઠ્ઠાણા ફેલાવીને અને એ જુઠ્ઠાણાઓ પર વિશ્વાસ કરવા માટે બાળકોને ઉછેરીને, યુદ્ધોને અનિવાર્ય બનાવે એવી અન્યાયી શાંતિની શરતો માટે બૂમો પાડી પાડીને, તમે એક નાશવંત પેઢી પર નહીં, પરંતુ માનવતા પર જ પ્રહાર કરી રહ્યા છો.

એ વાતની ખાસ નોંધ લેવી જોઈએ કે યુદ્ધના ઉન્માદથી સૌથી ઓછા ગ્રસ્ત લોકો ખરેખર લડાઈ લડી રહેલા સૈનિકો છે. બધા લોકો  કરતાં તેઓ દુશ્મનને નફરત કરવા, જૂઠાણાના પ્રચારને ગળે ઉતારી જવા કે બદલો લેવાની ભાવનાથી શાંતિની માંગ કરવા માટે ઓછામાં ઓછું વલણ ધરાવે છે. લગભગ બધા સૈનિકો - અને શાંતિ સમયમાં વ્યાવસાયિક સૈનિકોને પણ આ લાગુ પડે છે - યુદ્ધ પ્રત્યે સમજદાર વલણ ધરાવે છે. તેઓ સમજે છે કે યુદ્ધ ઘૃણાસ્પદ છે, અને છતાં તે ઘણીવાર જરૂરી હોઈ શકે છે. નાગરિક માટે આવું વલણ ધરાવવું મુશ્કેલ છે, કારણ કે સૈનિકનું અલગ વલણ કંઈક અંશે થાક, ભયની ગંભીર અસરો અને તેના પોતાના લશ્કરી મશીન સાથે સતત ઘર્ષણને કારણે છે. સુરક્ષિત અને સારી રીતે ખાતાપીતા નાગરિકમાં વધુ ફાજલ લાગણી હોય છે, અને તે તેનો ઉપયોગ જો તે દેશભક્ત હોય તો દુશ્મનને, જો તે શાંતિવાદી હોય તો તેના પોતાના પક્ષને, કે કોઈ પણ બીજાને નફરત કરવા માટે સૌથી વધારે તૈયાર હોય છે. પરંતુ, જેમ ગોળીઓના ડરને દૂર કરી શકાય છે તેમ યુદ્ધની માનસિકતાની સામે સંઘર્ષ કરી શકાય છે અને તેને દૂર કરી શકાય છે. મુશ્કેલી એ છે કે પીસ પ્લેજ યુનિયન[1] કે નેવર અગેઇન સોસાયટી યુદ્ધની માનસિકતાને જુએ છે ત્યારે તે માંસિકતાને ઓળખી શકતા નથી. દરમિયાન, આ યુદ્ધમાં 'હુણ' જેવા આક્રમક ઉપનામો મોટા ભાગના લોકોમાં ફેલાયાં નથી તે હકીકત મને શુભ શુકન લાગે છે.

છેલ્લા યુદ્ધના સૌથી આઘાતજનક કાર્યોમાંનું એક કૃત્ય મને હંમેશા એવું લાગતું હતું કે તેનો હેતુ કોઈને મારવાનો નહોતો. - તેનાથી વિપરીત, તેને કારાણે, કદાચ, ઘણા લોકોના જીવ બચ્યા હશે. કાપોરેટો પર પોતાનો મોટો હુમલો શરૂ કરતા પહેલા, જર્મનોએ ઇટાલિયન સૈન્યને નકલી સમાજવાદી પ્રચાર પત્રિકાઓથી લાદી દીધું. એ પત્રિકાઓનો સુર જર્મન સૈનિકો તેમના અધિકારીઓને ગોળી મારવા અને તેમના ઇટાલિયન સાથીઓ સાથે ભાઈચારો કરવા તૈયાર હતા જેવા આરોપ કરવાનો હતો કે.. ઘણા ઇટાલિયનોને પકડવામાં આવ્યા, જર્મનો સાથે ભાઈચારો કરવા આવ્યા તેમને કેદી બનાવવામાં આવ્યા - અને, હું માનું છું કે, તેમનાં ભોળપણ માટે એ લોકોની મજાક પણ ઉડાવવામાં આવી હશે. મેં સાંભળ્યું છે કે આવાં કારનામાંઓનો બચાવ યુદ્ધ કરવાની એક ખૂબ જ ચાતુર્યભરી અને માનવીય રીત તરીકે કરવામાં આવે છે - ખાસ કરીને  જો તમારો એકમાત્ર ઉદ્દેશ્ય શક્ય તેટલાં વધુ લોકોને છાવરવાનો હોય તો. અને છતાં, હિંસાનું કોઈ પણ કૃત્ય ન કરી શકે  એવી રીતે આવી યુક્તિ માનવ એકતાના મૂળને  નુકસાન પહોંચાડે છે.
હું જોઉં છું કે લંડનના એક પછી એક ચોકમાં રેલિંગ પાછી આવી રહી છે - છે ભલે ફક્ત લાકડાની, પણ એ હકીકત છે કે એ રેલિંગ છે. આમ થવાથી ચોકના કાયદેસર રહેવાસીઓ ફરીથી તેમની કિંમતી ચાવીઓનો ઉપયોગ કરી શકે છે, અને ગરીબોના બાળકોને બહાર રાખી શકાય છે.

જ્યારે ઉદ્યાનો અને ચોકની આસપાસની રેલિંગ દૂર કરવામાં આવી, ત્યારે આંશિક રીતે ઉદ્દેશ્ય લોખંડનો ભંગાર એકઠો કરવાનો હતો. પરંતુ રેલિંગ દૂર કરવી એ લોકશાહીનો સંકેત પણ માનવામાં આવતો હતો. હવે ઘણી વધુ હરિયાળી જગ્યાઓ જાહેર જનતા માટે ખુલ્લી હતી, અને તમે ઉદ્યાન બંધ થવાના સમયે ભયાનક ચહેરાવાળા ચોકીદારો દ્વારા બહાર કાઢી મુકાવાને બદલે ઘણે લાંબે સુધી ઉદ્યાનોમાં રહી શકો છો. એવું પણ જાણવા મળ્યું કે આ રેલિંગ ફક્ત બિનજરૂરી જ નહીં પણ ભયંકર કદરૂપી પણ હતી. ઉદ્યાનોને ખુલ્લા મૂકવાને કારણે હવે તેમની ઓળખ સાવ બદલી ગઈ. તેમને એક મૈત્રીપૂર્ણ, લગભગ ગ્રામીણ દેખાવ મળ્યો જે પહેલાં ક્યારેય નહોતો. જો રેલિંગ કાયમ માટે અદૃશ્ય થઈ ગઈ હોત, તો કદાચ બીજો સુધારો થયો હોત. જે મૂળતઃ જ ઇંગ્લેન્ડને અનુકૂળ ન હતા અને લંડનમાં પણ હંમેશા ધૂળવાળા જ રહેતા હતા એવા લૉરેલ અને પ્રાઇવેટના ઉદાસ દેખાતા છોડવાઓને કદાચ ઉખેડી નાખીને તેની જગ્યાએ ફૂલોની પથારી વાવી દેવાઈ હોત.  રેલિંગની જેમ, લોરેલ અને પ્રાઈવેટના છોડવાઓને પણ માત્ર વસ્તીને બહાર રાખવા માટે ત્યાં મૂકવામાં આવ્યા હતા. જો કે, બીજા કેટલાય સુધારાઓની જેમ ઉચ્ચ અધિકારીઓ આ સુધારાને ટાળવામાં સફળ રહ્યા. જ્યાં જુઓ ત્યાં, મજુરી અને લાકડાના બગાડને ધ્યાનમાં લીધા વિના, લાકડાના ખૂટાંઓની વાડ ઊભી કરાઈ રહી છે. 

જ્યારે હું હોમગાર્ડમાં હતો ત્યારે અમે કહેતા હતા કે જ્યારે કોરડા મારવાની શરૂઆત થશે એ ખરાબ સંકેત હશે. મારું માનવું છે કે હજુ સુધી એવું થયું નથી, પરંતુ બધા નાનાં નાનાં સામાજિક ચિહ્નો એક જ દિશામાં નિર્દેશ કરે છે.  જો ટોરી સામાન્ય ચૂંટણી જીતી જાય તો મારું માનવું છે કે જે લગભગ તરત જોવા મળી શકે એવો સૌથી ખરાબ સંકેત એ હશે કે- લંડનની શેરીઓમાં, અન્ત્યવિધિ કરનારાઓ કે બેન્કરો સિવાય ટોપ-હૅટ[2] પહેરનારાઓ વધારે દેખાવા લાગશે. ફરીથી દેખાવ થશે નહીં. આપણને આ દિશામાં શું થયું તેની સમીક્ષા બહુ ટુંક સમયમાં કરવા મળવી જોઈએ.  તે દરમિયાન મેરી પેનેથ દ્વારા લખાયેલ બ્રાન્ચ સ્ટ્રીટ નામના અસાધારણ પુસ્તક તરફ ધ્યાન દોરવાની હું તક લેવા માગીશ. લેખિકા ચિલ્ડ્રન ક્લબમાં સ્વૈચ્છિક કાર્યકર છે, કે કદાચ હતાં. તેમના આ પુસ્તકમાં તેઓ લંડનના કેટલાક બાળકો હજુ પણ જે ક્રૂર પરિસ્થિતિઓમાં મોટા થાય છે તે દર્શાવે છે. જોકે, યુદ્ધના પરિણામે આ પરિસ્થિતિઓ હજુ વધુ ખરાબ થઈ છે કે કેમ તે સ્પષ્ટ નથી. બાળકો પર યુદ્ધની અસરના અધિકૃત અહેવાલને હું વાંચવા માંગુ છું - મને લાગે છે કે આવી કોઈ વસ્તુ ક્યાંક અસ્તિત્વમાં હશે, પરંતુ મને તેની ખબર નથી. શહેરોના લાખો બાળકોને ગ્રામીણ જિલ્લાઓમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે, ઘણાનું શિક્ષણ મહિનાઓ સુધી રખડી ગયું છે, બીજાં કેટલાંય બાળકોને લોકોને બોમ્બમારાના ભયાનક અનુભવો થયા છે (યુદ્ધની શરૂઆતમાં હર્ટફોર્ડશાયર ગામમાં સ્થળાંતર કરવામાં આવેલી હતી આઠ વર્ષની એક નાની છોકરીએ મને ખાતરીપૂર્વક કહ્યું હતું કે તે સાત વખત બોમ્બમારાનો ભોગ બની હતી), જો બીજાં કેટલાંક  અંડરગ્રાઉન્ડ ટ્યુબ આશ્રયસ્થાનોમાં, ક્યારેક એક વર્ષ કે તેથી વધુ સમય માટે, સૂઈ રહે છે. મારે એ જણવું છે કે કે શહેરના બાળકોએ ગામડાના જીવન સાથે કેટલી હદ સુધી અનુકૂલન સાધ્યું છે - શું તેઓ પક્ષીઓ અને પ્રાણીઓમાં રસ ધરાવતા થયા છે, કે પછી શું તેઓ ફક્ત તસવીરો લગાવેલાં ઘરોમાં પાછા ફરવા માટે ઉત્સુક છે - અને શું કિશોરવયનાં બાળકોના ગુનામાં કોઈ નોંધપાત્ર વધારો થયો છે. શ્રીમતી પેનેથે વર્ણવેલ બાળકો, રશિયન ક્રાંતિની આડ પેદાશ ગણાતાં, લગભગ 'જંગલી બાળકો' ના ટોળા જેવા લાગે છે.
અઢારમી સદીમાં, જ્યારે ભારતીય મલમલ વિશ્વના અજાયબીઓમાંનું એક હતું, ત્યારે એક ભારતીય રાજાએ લુઇ પંદરમાના દરબારમાં વેપારના કરાર કરવા માટે વાટાઘાટો કરવા માટે દૂતો મોકલ્યા. રાજા જાણતો હતો કે યુરોપમાં સ્ત્રીઓનો રાજકીય પ્રભાવ ઘણો વધારે છે, અને દૂતો તેમની સાથે મોંઘા મલમલનો એક તાકો લાવ્યા હતા, જે લુઇની રખાતને રજૂ કરવાની સૂચના આપવામાં આવી હતી. કમનસીબે એ દૂતોની માહિતી જૂની થઈ ગઈ હતી : લુઇનો પ્રેમ હવે બીજી સ્ત્રી તરફ ઢળી ગયો હતો. એટલે જે રખાતને મખમલનો તાકો ભેટ અપાયો તેને પહેલાથી જ ત્યજી દેવાઈ હતી. પરિણામે, મિશન નિષ્ફળ ગયું, અને ઘરે પહોંચ્યા પછી દૂતોનો શિરોચ્છેદ કરવામાં આવ્યો.

મને ખબર નથી કે આ વાર્તામાં કોઈ બોધપાઠ છે કે નહીં, પણ જ્યારે આપણા વિદેશ મંત્રાલયને જે પ્રકારના લોકો સાથે મળવાનું ગમે છે તેમને હું જોઉં છું, ત્યારે મને ઘણીવાર આ કહાણી યાદ આવે છે..

+                      +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944-45) : Part IIIનો આંશિક અનુવાદ 

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો