બુધવાર, 14 જાન્યુઆરી, 2026

બે ઈમારતોની જૂદી જૂદી દશાની વાત - દેવદત્ત પટ્ટનાઈક

એક સમયે, હિન્દુઓના એક જૂથનું દૃઢપણે માનવું હતું કે અયોધ્યામાં આવેલી મસ્જિદ રામના
જન્મસ્થળની નિશાનીઓ ધરાવતાં હિન્દુ મંદિરના અવશેષો પર બનાવવામાં આવી હતી. આ મામલો કોર્ટમાં ગયો. શિક્ષણવિદો, ઇતિહાસકારો, પુરાતત્વવિદો અને વકીલોએ દાયકાઓ સુધી આ કેસ પર દલીલો કરી. ભારતની દરેક બાબતની બનતું આવ્યું છે એમ આ કિસ્સામાં પણ દસ્તાવેજો અને નોંધો સ્પષ્ટપણે નિર્ણાયક સ્તરનાં હતાં નહીં. 'બાંધછોડ' કરી લેવાનીની પરંપરાગત ભાવનાએ કાર્યકરોના ગુસ્સાને સીંચ્યો. પરિણામે, અધીરા બની ઊઠેલા લોકોના એક ટોળાએ મસ્જિદ પર હુમલો કર્યો, મસ્જિદને 'વિવાદિત માળખું' ગણાવ્યું અને તેને તોડી પાડ્યું. ત્યારબાદ ભયંકર રમખાણો થયા જેમાં સેંકડો લોકો માર્યા ગયા. કેટલાકે ન્યાયની માંગ કરી. અન્યોએ બદલો લીધો. રામાયણ પર લખનારા પશ્ચિમી શિક્ષણવિદોએ તેમના નિબધોની શરૂઆત હંમેશા બાબરી મસ્જિદના ધ્વંસનો ઉલ્લેખ કરીને, રામ પ્રત્યેના હિન્દુ લોકોના આદરની મજાક ઉડાવવા માટે તેનો ઉપયોગ બીજી એક હાથવગી લાકડી તરીકે કર્યો. હિન્દુઓએ તેમના પર હિન્દુ ધર્મ પ્રત્યેના તીવ્ર અણગમાનો આરોપ લગાવ્યો. એક ભાંગાણનો ઉકળતો ચરૂ આપોઆપ છતો થઈ રહ્યો. વધુ હિંસા થઈ. હવે, સમગ્ર ભારતમાં, મંદિરો અને મસ્જિદો અને અન્ય વિવાદિત માળખાઓને વાડ અને સુરક્ષા રક્ષકોથી વીંટાળીને એવી ખાતરી આપવા માટે કમર કસવામાં આવી છે કે ધાર્મિક કટ્ટરપંથીઓ રાષ્ટ્રના ધર્મનિરપેક્ષ તાણાવાણાને તોડી ન નાખે.

દરમિયાન, ઇસ્લામનાં સૌથી પવિત્ર શહેર, સાઉદી અરેબિયાના, મક્કામાં આવેલ, મુસ્લિમો માટે આદેશાત્મકસમી હજ યાત્રાનાં કેન્દ્ર, કબ્બામાં કંઈક અસામાન્ય બની રહ્યું છે. શહેરમાં આવતા યાત્રાળુઓની વધતી સંખ્યાને પહોંચી વળવા માટે, સાઉદી અરેબિયા સરકાર પયગંબર મુહમ્મદ, તેમના પરિવાર અને પ્રારંભિક ઇસ્લામિક ઇતિહાસ સાથે સંકળાયેલી સાંસ્કૃતિક ધરોહર સમાન સ્થળો, કબરો અને મસ્જિદોને તોડી પાડી રહી છે. આ સ્થળોએ હોટલો, શોપિંગ મોલ અને એપાર્ટમેન્ટ બ્લોક્સ ધરાવતી અત્યાધુનિક ગગનચુંબી ઇમારતો બનાવવામાં આવી રહી છે, જેના કારણે ઇસ્લામિક વિદ્વાનો અને કલા ઇતિહાસકારો ચિંતામાં મુકાયા છે. તેમના વિરોધને સાંભળવામાં નથી આવી રહ્યો. એ લોકો વ્યવહારૂપણાં, આધુનિકતા અને વિકાસના નામે એક પ્રાચીન વારસાનો નાશ થતો જોઈ રહ્યા છે. તેમને ડર છે કે આ ઉઘાડો વ્યવહારવાદ એક એવી રૂઢિચુસ્તવાદી વિચારધારા છે જે ભગવાન સિવાય કોઈ પણ વસ્તુ અથવા કોઈની પૂજાની કદર કરતી નથી. ઇસ્લામના આ સંસ્કરણમાં, પયગંબર પરિવાર, ઇમામ તરીકે ઓળખાતા નેતાઓ અને દરગાહો માટે શિયા પૂજાને લાયક નથી માનવામાં આવતી. સૂફીવાદને પણ પાપ, અનેકઈશ્વરવાદનાં એક સ્વરૂપ તરીકે જોવામાં આવે છે.

આમ, બે અલગ અલગ સ્થળોએ આદરણીય ઇસ્લામિક બાંધકામોને તોડી પાડવાનાં બે અલગ અલગ પ્રકારનાં પરિણામો આપણે જોઈએ છીએ. ભારતમાં, બાબરી મસ્જિદ તોડી પાડવાથી ગુસ્સો ભભૂકે છે અને રમખાણો થાય છે, તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ નિંદા થાય છે. સાઉદી અરેબિયામાં, વ્યવહારપટુ અને કેટલાકના કહેવા મુજબ રૂઢિચુસ્ર સરકાર દ્વારા ઉત્તેજન અપાતા મનાતા, મસ્જિદો, કબરો અને સાંસ્કૃતિક વારસા સમાન ઇમારતોના ધ્વંસને અનિચ્છાએ પણ સહન કરવામાં આવી રહ્યો છે.

આ ફરક શા માટે? શું તે એટલા માટે છે કે, ભારતમાં સરકાર ઇસ્લામિક નથી અને મસ્જિદના ધ્વંસમાં કાયદાનો અનાદર કરી રહેલા મનાતા હિન્દુ કટ્ટરપંથીઓ સામેલ હતા? શું તે એટલા માટે છે કે સાઉદી અરેબિયામાં, સરકાર મુસ્લિમ છે, શાહી પરિવાર મક્કા દરગાહનો પરંપરાગત રક્ષક છે અને સ્થાનિક મૌલવીઓ જ નક્કી કરે છે કે શું પવિત્ર છે અને શું નથી?

કદાચ, આ ફરક દર્શાવે છે કે ધ્વંસ પરના આક્રોશને તર્કસંગતતા સાથે કોઈ લેવાદેવા નથી. તેના 'અર્થઘટન' સાથે સંબંધ છે. તોડી પાડવામાં આવતી ઇમારતો અને તોડી પાડનારાઓના હેતુઓનું આપણે શું અર્થઘટન કરીએ છીએ? આજના અતિસંવેદનશીલ અતિ-ધાર્મિક વિશ્વમાં તફાવત સમજવા માટે, એક સામ્યતા મદદ કરે છે: 'જો હું મારી માતા વિશે મજાક કરું તો ચાલે. પરંતુ તમે મારી માતા પર મજાક કરો તે ન ચાલવી લેવાય.' અને તેમ છ જો તમે એવું કંઈક કર્યું તો મારા ક્રોધાવેશનો ભોગ બનશો.' ન્યાયિક પ્રણાલીઓ આ મુદ્દાઓનો 'તર્કસંગત' ઉકેલ કોઈને કોઈ રીતે લાવશે એવી અપેક્ષા આપણે કેમ રાખીએ છે પણ એક પ્રશ્ન બની રહે છે.

  • મિડ-ડે માં ૨૧ ઓગસ્ટ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખTale of two buildings નો અનુવાદ | વિશ્વ પુરાણશાસ્ત્રવિદ્યા

અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ  ૧૪ જાન્યુઆરી ૨૦૨૬

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો