બુધવાર, 28 જાન્યુઆરી, 2026

રામની રાહ જોતાં જોતાં - દેવદત્ત પટ્ટનાઈક

 

જમ્મુની પહાડીઓમાં એક સાંકડી ગુફામાંથી લાંબા સમય સુધી ભાંખોડીયાંભેર પસાર થયા પછી, તમે

આખરે વૈષ્ણો-દેવીને, સોનાના ફૂદડીઓ ટાંકેલ લાલ કાપડ વીંટાળેલ, ઉપરથી ફૂલો અને  છત્તરોઓ લટકાવેલા, ખડકના ત્રણ ઢગલા તરીકે મૂર્તિમંત જુઓ છો. આ ત્રણ ખડકો દેવીના ત્રણ સ્વરૂપો, મહા- લક્ષ્મી, મહા-સરસ્વતી અને મહા-કાલીનું પ્રતિનિધિત્વ કરે છે. ભક્તોના 'જય માતા દી' હર્ષનાદથી હવા ગુંજી ઉઠે છે. 'જય માતા દી'નો પંજાબીમાં અર્થ 'જય માતા કી' થાય છે. અહીં એ વાત સ્પષ્ટ કરવી મહત્વની છે કેમકે ઘણા લોકો માને છે કે 'દી' છઠી વિભક્તિનો પ્રત્યય 'ની' નહીં પણ દેવીનું સ્થાનિક નામ છે.

વૈષ્ણો-દેવી હવે ખૂબ જ લોકપ્રિય તીર્થસ્થાન છે. તે પંજાબ અને જમ્મુ પ્રદેશોમાં જોવા મળતાં ઘણાં પર્વતીય દેવીઓમાંના એક છે. કેટલાક લોકો તેને ભારતીય લોકવાયકાનો ભાગ એવાં સાત બહેનો અથવા સાત કુમારિકાઓ પૈકી એક તરીકે ઓળખે છે. આ દેવીઓ રહસ્યમય સ્ત્રીઓ જંગલમાં દોડે છે, કોઈપણ પુરુષથી અલિપ્ત છે, અને ધમકી આપવામાં આવે તો જે ખતરનાક બની શકે છે અને જો પ્રસન્ન રાખવામાં આવે તો દયાળુ બની શકે છે. સિંધુ ખીણના શહેરોમાં સાત કન્યાઓની મૂતિઓ મળી આવી છે. આ સાત બહેનો કોણ છે? શું તેઓ પુરુષ દેવતાઓનું સ્ત્રી સ્વરૂપ માતૃકાઓ છે: શિવમાંથી શિવાની, વિષ્ણુમાંથી વૈષ્ણવી, વિનાયકમાંથી વિનાયકી, કુમારમાંથી કૌમારી, ઇન્દ્રમાંથી ઇન્દ્રાણી, વરાહમાંથી વારાહી અને નરસિંહમાંથી નરસિંહી? શું તેઓ સામૂહિક રીતે શિવના લડવૈયા સેનાપતિ પુત્ર કાર્તિકેયની માતા તરીકે ઓળખાતાં  કૃતિકાઓ છે? શું તેઓ એક સમયનાં સપ્તર્ષિઓનાં પત્નીઓ છે?  શું તેઓ જંગલ અને નદીઓનાં પ્રાચીન દેવીઓ છે? મહારાષ્ટ્રમાં, ગર્ભધારણ કરવામાં મુશ્કેલી પડતી હોય, ગર્ભપાતનો ભય રાખતી ગર્ભવતી કે જે સ્ત્રીઓનાં છોકરાંઓને ચામડી પર ફોલ્લીઓ સાથે વાયરલ તાવ આવતો હોય તેવી સ્ત્રીઓ દ્વારા જેમની પૂજા કરવામાં  આવતાં 'સતી આસરા' - સાત પથ્થરો - તરીકે તેઓ ઓળખાય છે. આપણે ખરેખર ખાતરીપૂર્વક કહી શકીએ તેમ નથી. ગ્રંથોના સંદર્ભો આપણને રૂઢિચુસ્ત સંસ્કૃત બ્રાહ્મણ પરંપરાઓથી દૂર રહેવાનું પસંદ કરતા કે પછી જેમને દૂર રાખવામાં આવ્યા છે એવા સામાન્ય લોકો દ્વારા હજારો વર્ષોથી કાનોપકાન કહેવામાં આવતી, ભારતની નદીઓ અને મેદાનો પર વહેતી એક દીર્ઘ મૌખિક પરંપરાની આકર્ષક ઝલક આપે છે.

પંજાબ અને જમ્મુ ક્ષેત્રની ઘણી દેવીઓની જેમ, વૈષ્ણો-દેવીની સૌથી વિચિત્ર વાત એ છે કે તે શાકાહારી દેવી છે. સામાન્ય રીતે, પૌરાણિક અને તાંત્રિક પરંપરાઓમાં, દેવીની પૂજા રક્તની બલિ ચડાવીને કરવામાં આવે છે. વસંત  અને શરદ માં ઉજવવામાં આવતા નવરાત્રીના તહેવાર દરમિયાન, દેવી અસુરો સાથે યુદ્ધ કરે છે, તેમને ભેંસ, બકરા અને કૂકડાનું રક્ત ચઢાવવામાં આવે છે. પરંતુ વૈષ્ણો-દેવી, ચુસ્ત શાકાહારી છે એટલે તેમના પર આવા બલિ નથી ચડાવાતા. દેવીને બલિ ન ચડાવવાનું તો બંગાળ, આસામ અને ઓડિશાના શાક્તને પણ ગળે ન ઉતરે, અને અસ્વસ્થ પણ કરી શકે છે.

જ્યારે જૂની વૈદિક ધાર્મિક રીતોએ પૌરાણિક પરંપરાઓને જગ્યા કરી આપી, ત્યારે બે દેવતાઓ ઉભરી આવ્યા જેમણે સર્વોપરિતા માટે સ્પર્ધા કરી: શિવ અને વિષ્ણુ. શિવે હિન્દુ ધર્મના મઠના પક્ષને મૂર્તિમંત કર્યો જ્યારે વિષ્ણુએ ગૃહસ્થ પક્ષને મૂર્તિમંત કર્યો. શિવ વૈદિક રૂઢિચુસ્તતાને ખુલ્લેઆમ પડકારે છે. તેમની કથાઓમાં તેઓ બ્રહ્મા અને દક્ષનો શિરચ્છેદ કરતા જોવા મળે છે. વિષ્ણુ પણ વૈદિક રૂઢિચુસ્તતાને પડકારે છે, પરંતુ, રાજવી રામ તરીકે અને પશુપાલક કૃષ્ણ તરીકે, ગુપ્ત રીતે. બે વિચારધારાઓ વચ્ચે તણાવ વધે છે. શિવ તાંત્રિક પ્રથાઓ, ખાસ કરીને દારૂ, માંસ અને સેક્સના ધાર્મિક ઉપયોગ સાથે સંકળાયા, અને વિષ્ણુ દૂધ, ગાય, શાકાહાર અને સંયમ સાથે વધુને વધુ સંકળાયેલા બન્યા. શિવના અનુયાયીઓ સિદ્ધ, અથવા યોગિક પ્રથાઓ દ્વારા પ્રાપ્ત થતી જાદુઈ શક્તિઓ વિશે વાત કરે છે. વિષ્ણુના અનુયાયીઓ ધર્મ, અથવા સમાજના શાસન વિશે વાત કરે છે. શિવ દુનિયાથી દૂર થઈ જાય છે. વિષ્ણુ દુનિયા સાથે જોડાય છે.

બે દેવતાઓ વચ્ચે સમાધાન દેવી કરાવી આપે છે. શક્તિ તરીકે તે શિવનાં પત્ની બની ને ઉગ્ર સંન્યાસીને નમ્ર ગૃહસ્થમાં ફેરવે છે. લક્ષ્મી તરીકે તે વિષ્ણુની જવાબદારી બને છે, અને વિષ્ણુને તેમના ઉચ્ચ સ્વર્ગ વૈકુંઠમાંથી નીચે ઉતરવા અને રામ અને કૃષ્ણના અવતાર તરીકે માનવ જીવનના વ્યવહારોમાં ભાગ લેવા દબાણ કરે છે. આ કથાઓ લગભગ એક હજાર વર્ષ પહેલાં ઉભરી આવી હતી.  આ સાંસ્કૃતિક પરિવર્તનો આપણને વૈષ્ણો-દેવીના મંદિરને સમજવામાં મદદ કરે છે.

વૈષ્ણોદેવીને દક્ષિણ ભારતનાં એક રાજકુમારી તરીકે ઓળખવામાં આવે છે, જે રામને મળે છે અને તેમની સાથે લગ્ન કરવા માંગે છે. પરંતુ રામ એકપત્નીવ્રત છે, અને એક માત્ર પત્ની સીતાને વફાદાર છે. રામ રાજકુમારીને કહે છે કે તે તેની સાથે રામ તરીકે લગ્ન નહીં કરી શકે પરંતુ ભવિષ્યના જીવનમાં ચોક્કસ તેમના પતિ બનશે. તેથી રાજકુમારી પર્વત પર જાય છે અને સંન્યાસી બને છે. તેમને ક્યારેક ત્રિકુટા તરીકે ઓળખવામાં આવે છે, અને ક્યારેક વેદ-વટી તરીકે ઓળખવામાં આવે છે. શિવનો ઉપાસક રાવણ, તેને પોતાની પત્ની બનાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ દેવી અગ્નિમાં પ્રવેશ કરે છે, અને વૈષ્ણોદેવી તરીકે પુનર્જન્મ લે છે, તપ અને ધ્યાન કરે છે અને રામની વિષ્ણુના ભાવિ અવતાર તરીકે પાછા ફરવાની રાહ જુએ છે. તેઓ ધ્યાનમાં હોય છે ત્યારે ભૈરવ તેમના તરફ આકર્ષાય છે. ભૈરવ તાંત્રિક વિધિઓનું પાલન કરે છે, દેવી ભૈરવ પાસેથી ખોરાક માંગે છે. ભૈર દેવીને ખવડાવે છે. પરંતુ 'ખોરાક'માં સેક્સ (તાંત્રિક વિધિમાં 'મૈથુન') શામેલ છે. એટલે દેવી ના પાડે છે. તે ભૈરવને જણાવે છે કે તે રામની રાહ જોઈ રહ્યાં છે, તેથી ભૈરવે તેમની ઇચ્છાઓનો આદર કરવો જોઈએ. પરંતુ ભૈરવ ના પાડે છે અને તેમની ઇચ્છા વિરૂદ્ધ દબાણ કરવાનો પ્રયાસ કરે છે. દેવી ભાગે છે. જે માર્ગેથી તેઓ પસાર થયાં તે માર્ગ આજે યાત્રાળુઓ દ્વારા અપનાવવામાં આવે છે. ભૈરવને રોકવાનો પ્રયાસ કરી રહેલા વાનર-નાયક લંગુર-વીરનો ભૈરવ  પીછો કરે છે. - કેટલાક લોકો લંગુર-વીરને હનુમાન તરીકે ઓળખે છે. અંતે, તેના પીછાથી કંટાળીને, દેવી પાછાં ફરે છે, અને ઉગ્ર ચંડીનું રૂપ ધારણ કરે છે અને ભૈરવનું માથું કાપી નાખે છે. ભૈરવનું ધડ પર્વત પર રહે છે અને એક પથ્થરમાં ફેરવાઈ જાય છે, જે આજે પણ દેખાય છે. ભૈરવનું માથું નીચે ખીણમાં પડે છે. ભૈરવ પસ્તાવો કરે છે અને પોતાના અપરાધ માટે માફી માંગે છે. 'કુપુત્રો જાયેત માતા કુમાતા ન ભવતિ એ રીતે માફી માગે છે. વૈષ્ણોદેવી શાંત થાય છે અને તેને માફ કરે છે અને જાહેર કરે છે કે તેમના ભક્તો ભૈરવના મંદિરમાં પણ જશે, જ્યાં તેના કપાયેલાં માથાની પૂજા કરવામાં આવશે, જે આજે પણ ચાલુ છે.

આમ આપણે એક એવી કથા જોઈએ છીએ જેમાં પૌરાણિક વિચારના, શાક્ત, શૈવ અને વૈષ્ણવ, એમ ત્રણેય પ્રવાહો શામેલ છે: . અહીં શાક્ત પરંપરા રામની વૈષ્ણવ પરંપરા સાથે સુસંગત છે, અને ભૈરવની શૈવ પરંપરાને ટાળે છે. પરંતુ આખરે, બધું સમાધાન થાય છે. ભૈરવને સજા થાય છે પણ માફ પણ કરવામાં આવે છે. અંતે તેનું પૂજન કરવામાં આવે છે. ભૈરવનું આ પરિવર્તન હિન્દુ સંસ્કૃતિ માટે અનોખું છે. ભગવાનની નજરમાં કોઈ 'ખલનાયક' નથી. બધું બદલાય છે - દેવીની સંમતિની અવગણના કરનારાઓને પણ યોગ્ય પસ્તાવો અને શિખામણ કર્યા પછી માફ કરવામાં આવે છે અને આદર આપવામાં આવે છે.

  • મુંબઈ મિરર માં ૨૧ ઓગસ્ટ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખWaiting for Ram નો અનુવાદ પ્રાયોગિક  પુરાણશાસ્ત્રવિદ્યા,  હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા

અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ  ૨૮ જાન્યુઆરી ૨૦૨૬

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો