બુધવાર, 21 જાન્યુઆરી, 2026

મારી દૃષ્ટિએ (૧૯૪૪ - ૪૫) : ભાગ ૩ - જ્યોર્જ ઑર્વેલ [૨]

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944-45) : Part IIIના આંશિક અનુવાદ, મારી દૃષ્ટિએ (૧૯૪૪ - ૪૫) : ભાગ ૩ - જ્યોર્જ ઑર્વેલ [] થી આગળ

ટ્રિબ્યુન

૧૧ ઓગસ્ટ, ૧૯૪૪

થોડા દિવસો પહેલા એક પશ્ચિમ આફ્રિકન વ્યક્તિએ અમને જાણ કરવા માટે લખ્યું હતું કે લંડનના એક ડાન્સ હૉલના ગ્રાહકોનો એક મહત્વપૂર્ણ હિસ્સો એવા અમેરિકન સૈનિકોને ખુશ કરવા માટે એ ડાન્સ હૉલમાં તાજેતરમાં એક 'રંગ નિષેધ' લાગુ કરાયો છે. ડાન્સ હોલના મૅનેમૅમેન્ટ સાથે ટેલિફોન વાતચીતથી અમને જવાબો મળ્યા કે: (૧) 'રંગ નિષેધ' રદ કરવામાં આવ્યો હતો, અને (૨) તે પહેલા ક્યારેય લાદવામાં આવ્યો ન હતો; પરંતુ મને લાગે છે કે કોઈ એવું માની શકે છે કે અમારા બાતમીદારના આરોપનો કોઈ આધાર હતો. તાજેતરમાં આવી જ બીજી ઘટનાઓ બની છે. ઉદાહરણ તરીકે, ગયા અઠવાડિયામાં મેજિસ્ટ્રેટની કોર્ટમાં એક કેસમાં મેં એ હકીકત બહાર લાવી હતી કે આ દેશમાં કામ કરતા એક વેસ્ટ ઈન્ડિયન નીગ્રોને, જ્યારે તેણે હોમગાર્ડનો ગણવેશ પહેર્યો હતો તો પણ, મનોરંજનના સ્થળે પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. ભારતીયો, નેગ્રો અને અન્ય લોકોને હોટલમાંથી એ આધાર પર પાછા મોકલી દેવામાં આવ્યા હોવાના ઘણા કિસ્સાઓ બન્યા છે કે 'અમે અન્ય રંગ લોકોને સ્વીકારતા નથી'.

આ પ્રકારની વસ્તુ સામે સતર્ક રહેવું અને શક્ય તેટલો વધુ જાહેર હોબાળો કરવો ખૂબ જ મહત્વનું છે. કારણ કે આ એક એવી બાબત છે જેમાં હોબાળો કરવાથી કંઈક મળી શકે છે. આ દેશમાં અન્ય રંગની ચામડીવાળા લોકો માટે કોઈ કાનૂની અપાત્રતા નથી, બહુ બહુ તો, અન્ય રંગની ચામડીવાળા લોકો માટે લાગણી ખૂબ ઓછી છે. (ભારતમાં આપણું વર્તન બતાવે છે એમ આમ થવું એ બ્રિટિશ લોકોના કોઈ જાતિગત ગુણને કારણે નથી. તે એ હકીકતને કારણે છે કે બ્રિટનમાં જ રંગભેદની કોઈ સમસ્યા નથી.)

મુશ્કેલી હંમેશા એ જ રીતે ઊભી થાય છે. હોટેલ, રેસ્ટોરન્ટ કે પછી ક્યાંય પણ એવા લોકો વારંવાર આવે છે જેમની પાસે ખર્ચ કરવા માટે પૈસા હોય છે અને જેઓ ભારતીયો અથવા હબસીઓ સાથે ભળવાનો વિરોધ કરે છે. તેઓ માલિકને કહે છે કે જો તે અન્ય રંગના લોકો માટે પ્રતિબંધ નહીં લાદે તો તેઓ બીજે ક્યાંય જતા રહેશે. તેઓ ખૂબ જ નાની લઘુમતી હોઈ શકે છે, માલિક તેમની સાથે સહમત ન પણ હોય, પરંતુ તેના માટે સારા ગ્રાહકો ગુમાવવાનું મુશ્કેલ છે; તેથી તે અન્ય રંગના લોકો માટે પ્રતિબંધ લાદે છે. જ્યારે જાહેર અભિપ્રાય સભાન હોય અને જ્યાં અન્ય રંગના લોકોનું અપમાન કરવામાં આવે એવી કોઈપણ વ્યવસ્થાને વખોડી કાઢવાને પ્રચાર આપવામાં આવે ત્યારે આ પ્રકારની વસ્તુ થઈ શકતી નથી. જે ​​કોઈને રંગ ભેદના સાબિત થયેલાં ઉદાહરણ વિશે ખબર હોય તેણે હંમેશા તેને ખુલ્લાં પાડવાં જોઈએ. નહિંતર, આપણી વચ્ચે રહેલા અન્ય રંગની ચામડી પ્રત્યે સુગ ધરાવતા લોકોનો એક નાનો ભાગ કાયમ મુશ્કેલીઈ ઊભી કરી શકે છે. પરિણામે બ્રિટિશ લોકોને એક સમુહ તરીકે રંગભેદ તરફી ન હોવા છતાં એ પ્રકારના ચીતરવામાં આવે છે.

ઓગણીસ-વીસના દાયકામાં, જ્યારે પેરિસમાં જોવા મળતાં તમાકુના કિઓસ્ક અને ટીન મુતરડીઓ જેટલાં જ અમેરિકન પ્રવાસીઓ દેખાતાં હતાં, ત્યારે ફ્રાન્સમાં પણ રંગભેદનિષેધની શરૂઆત દેખાવા લાગી હતી. અમેરિકનો પાણીની જેમ પૈસા ખર્ચે છે, અને રેસ્ટોરન્ટના માલિકો અને તેના જેવા લોકો તેમની અવગણના કરી શકતા ન હતા. એક સાંજે, એક ખૂબ જ જાણીતા કાફેમાં નૃત્ય કરતી વખતે કેટલાક અમેરિકનોએ એક નિગ્રોની હાજરીનો વિરોધ કર્યો જે ત્યાં એક ઇજિપ્તીયન મહિલા સાથે હતા. થોડી વાર સુધી નબળો વિરોધ કર્યા પછી, માલિકે હાર માની લીધી, અને નિગ્રોને બહાર કાઢી મૂકવામાં આવ્યા.

બીજા દિવસે સવારે ભયંકર હોબાળો થયો અને કાફેના માલિકને સરકારના મંત્રી સમક્ષ લઈ જવામાં આવ્યો અને કાર્યવાહીની ધમકી આપવામાં આવી. એવું બહાર આવ્યું હતું કે નારાજ થયેલો નિગ્રો હૈતીનો રાજદૂત હતો. આવા ખાસ સ્થાન ધરાવતા લોકો મોટા ભાગે તેમના અપમાનનો બદલો મળ્યાનો સંતોષ મેળવી શકે છે. પરંતુ આપણામાંના મોટાભાગના લોકોને રાજદૂત બનવાનું સૌભાગ્ય મળતું નથી ! એટલે સામાન્ય ભારતીય, હબસી કે ચીની ફક્ત તો જ નાનાં નાનાં અપમાનથી સુરક્ષિત રહી શકે છે, જો અન્ય સામાન્ય લોકો તેમના વતી પોતાનો પ્રયાસ કરવા તૈયાર હોય.

                                     +                      +                      +                      + 

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944-45) : Part IIIનો આંશિક અનુવાદ 

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો