થોડા દાયકા પહેલા, જૈન શાસ્ત્રના ઋષિ બાહુબલીની પ્રતિમા મુંબઈના સ્થાનિક એરપોર્ટની સામે સ્થાપિત
માણસ અર્થ ઘટન કરનાર પ્રાણી છે. આપણે ધ્વનિને, કે ખેંચેલી રેખાને અર્થ આપી શકીએ છીએ અને એમાંથી શબ્દો બનાવી શકીએ છીએ. આપણે મૂર્તિઓને કે તેમાંની અંગભંગિઓને અર્થ આપી શકીએ છીએ,અને તેમાંથી પ્રતીકો બનાવી શકીએ છીએ. આપણે અર્થના સ્તરો બનાવી શકીએ છીએ જેના દ્વારા વૃક્ષ ફક્ત એક વૃક્ષ નથી, અને સિગાર ફક્ત એક સિગાર નથી. એવું જ તે નગ્નતા સાથે છે. દૃષ્ટિ પર આધાર રાખીને, સંદર્ભ પર આધાર રાખીને, તેનો એક અલગ અર્થ બને છે. તે અજાતીય અથવા જાતીય હોઈ શકે છે, માંસાહારીનો ઉજવણી કે કંઈક આધ્યાત્મિકતા સૂચક હોઈ શકે છે. ૧૬મી સદીમાં ઇટાલીમાં માઇકેલેન્જેલો દ્વારા કોતરવામાં આવેલી ડેવિડની ૧૪ ફૂટ ઊંચી આરસપહાણની પ્રતિમાની ૧૦મી સદીમાં કર્ણાટકના શ્રવણબેલેગોલામાં કોતરવામાં આવેલી ગોમતેશ્વર બાહુબલીની ૫૭ ફૂટ ઊંચી પ્રતિમા સાથે સરખામણી અને વિરોધાભાસ કરીએ છીએ ત્યારે આ તફાવત સ્પષ્ટ થાય છે.
બાઇબલના સમયમાં, માનવીઓ જ્યારે નિર્દોષ હતાં ત્યારે તેઓ એડનમાં નગ્ન ફરી શકતાં હતાં, પરંતુ જ્યારે તેઓએ પ્રતિબંધિત ફળ ખાધું ત્યારથી તેઓ પોતાની નગ્નતાને જૉઈ શકવા લાગ્યા. તેથી તેઓએ પોતાને પાંદડાથી ઢાંકી દીધા હતા. આ મૂળ પાપ પછી નગ્નતાનું કોઈપણ કૃત્ય અને ત્યારબાદ ભગવાનની કૃપાદૃષ્ટિમાંથી પતન અભદ્ર અને અપમાનજનક પણ માનવામાં આવે છે. જૂના કરારમાં રાજા ડેવિડના આર્ક ઑફ કોવેનન્ટ સમક્ષ નગ્ન નૃત્ય કરવાની કથા આવો જ આક્રોશ જગાડે છે, ઘણા લોકો દલીલ કરે છે કે તેણે આવું ન કરવું જોઈએ, અથવા એવું ન કરયું હોત, કારણ કે આવું નૃત્ય અપમાનજનક છે, જે ફક્ત મૂર્તિપૂજકોમાં જ જોવા મળે છે. છતાં, જ્યારે તેણે વિશાળ ગોલિયાથને હરાવ્યો હતો એવા તેના યુવાનીના દિવસોમાં, આ જ ડેવિડને, પ્રાચીન ગ્રીકો દ્વારા પર્સિયસ જેવા નાયકોને દર્શાવવા માટે ઉપયોગમાં લેવાતી શૈલીમાં,નગ્ન, માઇકેલેન્જેલો કોતરે છે.
બહુદેવવાદી 'મૂર્તિપૂજક' ગ્રીકો દેહ અને માનવ સ્વરૂપની ઉજવણી કરતા હતા. પુનરુજ્જીવનના યુગમાં, જ્યારે ગ્રીક વિચારસરણી ફરીથી ઘડાઈ રહી હતી, ત્યારે પુરુષ નગ્નતા કોઈ મોટી વાત નહોતી, જેટલી તે અગાઉના અંધકાર યુગમાં હતી. હકીકતમાં, જ્યારે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું ત્યારે કોઈએ તેની નગ્નતા જોઈ ન હતી. ત્યારે તો લોકોનું ધ્યાન પ્રતિમાના નોંધપાત્ર આત્મવિશ્વાસ, એકાગ્રતા, સુંદરતા અને પ્રમાણબદ્ધતા પર ધ્યાન કેન્દ્રિત થયું હતું.
પાંચ સદીઓ પહેલાં કોતરવામાં આવેલ, વિશાળ બાહુબલી ભૌતિક જગતથી મુક્ત થવાના સંઘર્ષને મૂર્તિમંત કરે છે. તે ઊંચો ઊભા છે, ક્ષિતિજ તરફ જોઈ રહ્યા છે, તેના પગની પિંડીઓ અને જાંઘોની આસપાસ લપેટાયેલો વેલો, તેના સંઘર્ષનો સમયગાળો તેમજ તેના પાર્થિવ સ્વભાવ બંનેને દર્શાવે છે. તે ન તો તેના પિતાની જેમ તીર્થંકર છે, ન તો તેના ભાઈની જેમ ચક્રવર્તી છે. તે ઋષિ અને રાજાની વચ્ચે છે, જૈન ધર્મના દિગંબર પંથના સામાન્ય અનુયાયીઓની તે સહાનુભૂતિ મેળવે છે. અહીં, નગ્નતા ત્યાગને મૂર્તિમંત કરે છે, અને તેને પુરુષ સુંદરતા અથવા શક્તિ સાથે કોઈ લેવાદેવા નથી.
આપણે પુરુષને નગ્ન કેવી રીતે જોઈએ છીએ તે આખરે આપણા પોતાના સ્વભાવ, આપણા પોતાના શિક્ષણ અને પરિપક્વતા, તેમજ આપણે જે સંસ્કૃતિમાં રહીએ છીએ તેના પર નિર્ભર છે. મોટાભાગના મધ્ય પૂર્વીય દેશોમાં, તેની જાતિ કે કે તેના શિષ્ટ અર્થને વિશે વિચાર્યા વિના જ, આમાંથી કોઈ પણ પ્રતિમાનુઓ સ્વીકાર્ય નહી હોય.
- મિડ - ડેમાં ૪ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Unravelling male nudes નો અનુવાદ | હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા, પ્રાયોગિક પુરાણશાસ્ત્રવિદ્યા
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ‖ ૨૨ એપ્રિલ ૨૦૨૬

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો