બુધવાર, 6 મે, 2026

સામંતશાહી છટકું : ભારતીયોને વેશ્યા અને વેપારીથી ડર શેનો છે ? - દેવદત્ત પટ્ટનાઈક

 

એક સ્વરમાં થોડો ફેરફાર વૈશ્ય (વેપારી માટેનો સંસ્કૃત શબ્દ) ને વેશ્યા (દેહ વિક્રય કરનાર માટેનો સંસ્કૃત શબ્દ) કરી નાખે છે. સૌથી વધુ બોલી લગાવનારને એક માલ વેચે છે અને બીજી આનંદ વેચે છે. બંનેમાંથી કોઈ વફાદાર નહોતું. સ્વાભાવિક રીતે, સામંતશાહી સત્તાવાળાઓએ તે બંનેને ધિક્કારતા હતા. તેમણે બજારુ (એટલે કે બજારમાં વેચાતું, વ્યાપારી) શબ્દને અપમાનજનક અર્થમાં ફેરવી દીધો.

બધા સમાજોમાં, સંપત્તિના બે મુખ્ય સ્ત્રોત છે: જમીન અને બજાર. સામંતશાહી જમીન પર આધાર રાખે છે અને વેપાર બજાર પર આધાર રાખે છે. જમીન-માલિક સમુદાયો (ક્ષત્રિયો) અને વેપારી સમુદાયો (વૈશ્ય) હંમેશા સમાજ પરના નિયંત્રણ માટે સ્પર્ધા કરતા રહ્યા છે. તે જૂના વિશ્વ (યુરોપ) અને નવા વિશ્વ (અમેરિકા) વચ્ચેના વિભાજન માટે જવાબદાર છે. સામાન્ય રીતે, સામંતશાહી સમાજો વંશપરંપરાગત હોય છે અને વફાદારી અને સમર્થનને મહત્વ આપે છે. વેપારી સમાજો પ્રમાણમાં સમાનતાવાદી હોય છે, ગ્રાહકના ખિસ્સાને ગ્રાહકના દરજ્જા કરતાં વધુ મૂલ્ય આપે છે.

ભારતમાં, આપણે જૂના વિશ્વની સામંતશાહીને નકારવાનો પ્રયાસ કર્યો છે પરંતુ આપણે હજુ સુધી નવા વિશ્વના મુક્ત વેપારને સ્વીકાર્યો નથી. આપણે હજુ પણ યોગ્યતા કરતાં વફાદારીને મહત્વ આપીએ છીએ. આપણને વ્યાવસાયિકો પર શંકા રહે છે, કારણ કે તેઓ પોતાની કુશળતાને કિંમત લઈને વેચે છે, અને પ્રાચીન વેશ્યાઓ જેવા બહુ જ સ્વતંત્ર છે. પરંપરાગત સેવા આપનારાઓ (શૂદ્રો) પાસેથી અપેક્ષા રાખવામાં આવતી હતી કે તેઓ અપેક્ષા વિના સેવા કરે, આશ્રય સ્વીકારે અને ક્યારેય ચૂકવણીની માંગ ન કરે, જેના પરિણામે તેઓ અર્ધ-ગુલામીમાં પરિણમ્યા. ફક્ત પૂજારીઓ (બ્રાહ્મણો) બદલામાં સેવા આપ્યા વિના (દક્ષિણા) માંગી શકતા હતા, અને સાધુ (ભિક્ષુ) ભિક્ષા  માંગી શકતા હતા. બાકીના લોકો સામંતશાહી માલિકના દાન (દાન) પર જીવે તેવી અપેક્ષા રાખવામાં આવતી હતી.

ટોચ પર

વધુમાં, ભારતના પૂજારીઓ અને સાધુઓએ વટાળ અને પવિત્રતાના સિદ્ધાંતને સ્થાપિત કરીને પોતાનો ઉચ્ચ દરજ્જો મજબૂત કર્યો. આનાથી સામાજિક પિરામિડની ટોચ પર, જમીન-માલિક સમુદાયોથી પણ ઉપર, તેમનું સ્થાન સુનિશ્ચિત થયું, પરંતુ બાદમાં જમીનદારોને વેપારીઓ અને સેવા પુરી પાડનારાઓથી ઉપર સ્થાન આપીને શાંત પાડ્યા. જમીન-માલિક પૂજારીઓને દક્ષિણા ચૂકવીને અને સાધુઓને ભોજન આપીને કાયદેસરતા અને કર્મના લાભ મેળવી શકતા હતા. જ્યારે (સમુદ્રપાર) મુસાફરીને દૂષણ માનવામાં આવતી હતી,. તેના કારણે ઘણા ભારતીય વેપારીઓ (સમુદ્રપાર) મુસાફરી કરવાનું બંધ કરી અને શરાફી વેપાર તરફ વળ્યા. નાત બહાર થવાના ડરથી તેઓએ એક સમયના સમૃદ્ધ દરિયાઈ વેપારને આરબો અને પછી પોર્ટુગીઝોને સોંપ્યો. દરિયાપાર જવાને કારણે વટલાઈ જવાશે એવો ભય વીસમી સદી સુધી ભારતીયોને દુનિયામાં બહાર જવાથી રોકતો રહ્યો.

પોતાના વ્યવસાયને લીધે જેઓ લોહી, માંસ, મળમૂત્ર અને અન્ય શારીરિક કચરાના સંપર્કમાં આવતા હતા એવી સેવાઓ પૂરી પાડનારાઓને અસ્પૃશ્ય ગણવામાં આવતા હતા. વટાળપણું અને પવિત્રતાના સિદ્ધાંતને કારણે, તેમને ગામડાના કૂવાઓમાંથી પાણી ભરવાના અને એવાં અન્ય માનવીય ગૌરવથી વંચિત રાખવામાં આવતાં હતાં. પુરુષો કરતાં સ્ત્રીઓ નીચી ગણાતી કેમકે તે દર મહિને માસિકસ્ત્રાવમાં લોહી વહેવડાવતી હતી અને તેમના પતિઓ દ્વારા ઉત્સર્જિત વીર્ય મેળવતી હતી.  બધી સ્ત્રીઓ કરતાં પાછી વેશ્યા તો વધારે નીચી હતી, કેમકે તે તો પૈસા ખાતર કરીને કોઈ પણ જાતિના અનેક પુરુષોનાં વીર્ય પોતાના શરીરમાં દાખલ કરતી હતી.

જોકે હંમેશા આવું નહોતું. એક સમય હતો જ્યારે ગણિકાને માન અપાતું. શહેરની સૌથી સુંદર સ્ત્રીને લગ્ન કરવાની મંજૂરી નહોતી. તેને નગર-વધુ બની. પોતાના પ્રેમીને પસંદ કરવાની છૂટ હતી, પરંતુ પોતાને એક પુરુષ પુરતી મર્યાદિત રાખવાની તેને છૂટ નહોતી. તેણે સૌથી સુંદર, સૌથી શક્તિશાળી અને ઘણીવાર સૌથી ધનિક પુરુષોને પસંદ કર્યા, ઓછા સુંદર, ઓછા શક્તિશાળી અને ઓછા ધનિક લોકોને તેણે એટલા નારાજ કર્યા કે એ લોકો તેની સુંદરતા અને કૌશલ્યની પ્રશંસા કરતા પણ તેની નિર્દયતા વિશે કવિતાઓ લખતા. તે પોતાના ગાયન, નૃત્ય, વાતચીતમાં તેની કુશળતા, તેની બુદ્ધિ, તેની રમૂજ અને તેની સુંદરતા માટે જાણીતી હતી. પ્રાચીન હિન્દુ, બૌદ્ધ અને જૈન સાહિત્યમાં આપણે આ ગણિકાઓ વિશે વાંચીએ છીએ.  તેમના પતિઓની છાયામાં અને આમન્યામાં રહેતી પવિત્ર પત્નીઓથી, અને બધા આનંદથી દૂર રહેતી સાધ્વીઓથી વિપરીત, તેઓ ભલે ગણિકા તરીકે ઓળખાતી, પણ સ્વતંત્ર જીવન જીવતી હતી.

દેવતાઓની પત્નીઓ

સમય જતાં, આ ગણિકાઓ મંદિરો સાથે જોડાઈ ગઈ. તેઓ મંદિરમાં સ્થાપિત દેવતાઓની એવી પત્નીઓ બની જે ક્યારેય વિધવા થતી નથી, અને જે બધા પુરુષોને દૈવી બીજના પાત્ર તરીકે પ્રેમ કરતી હતી. આ દેવદાસીઓ હતી. તેમની મૂર્તિઓએ મંદિરની દિવાલો પર સુંદર સ્ત્રીઓની કોતરણીને પ્રેરણા આપી. તેઓએ મંદિરની ધાર્મિક વિધિઓનો ભાગ એવા મઠના જૂના આદેશોને પડકાર્યા. પરંતુ આખરે, પૂજારીઓ અને સાધુઓએ દેવદાસીઓની સ્વતંત્રતા અને તેમનો મુખત્યાર છીનવી લીધાં. ધીમે ધીમે, તેઓ સત્તાના હોદ્દા પર રહેલા પુરુષોને આધીન થતી ગઈ. પુરુષો નક્કી કરતા કે તેઓ કેટલી શુદ્ધ કે અશુદ્ધ છે. તે એટલે અશુદ્ધ હતી કે તેને ઘણા પ્રેમીઓ હતા. તે વધુ અશુદ્ધ એટલે કે તે સૌથી વધુ બોલી લગાવડાવતી હતી. આખરે, તે ફક્ત એક શોષિત સ્ત્રી હતી, જેને કોઈ સ્વતંત્રતા નહોતી, તેનું મહેનતાણું કોઈ એક દલાલ કે એક 'બાઈ' દ્વારા માંગવામાં આવવા લાગ્યું. 

જો મંદિર સાથે જોડાયેલ ન હોય, તો મહેનતાણાના બદલમાં આનંદ વેચતી સ્ત્રી રાજા કે નવાબના દરબારનો ભાગ બની ગઈ, અથવા મનોરંજન કરનારાઓ, નાટકોનો સમુદાયનો ભાગ બની ગઈ. તેની દુનિયામાં, હવે કુશળતા અને સંપત્તિ માતા પાસેથી પુત્રીને વારસામાં મળવા લાગી. જો તેની પાસે સુંદરતા, કુશળતા અને ચાલાકી હોય તો તે પૈસા કમાઈ શકે. તેને લગ્ન સમારોહ, રાજ્યાભિષેક અને તહેવારોમાં આમંત્રણ આપવામાં આવતું હતું. પરંતુ તેનુ સ્થાન એ બીજી બાબત હતી. વેપાર અને વાણિજ્યને નીચી નજરે જોતા સામંતવાદી સમાજમાં વ્યવસાય અને જાતિની શુદ્ધતાના આધારે પદાનુક્રમ નક્કી થતો હતો, સ્પષ્ટપણે તે તેમાં છેક હેઠે  હતી. પહેલા વસાહતી વહીવટકર્તાઓ દ્વારા અને પછી પોતાને જૂના સમયના સાધુઓ જેવા મનાવતા રૂઢીચુસ્ત સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા તેની પાસે જે થોડી પણ શક્તિ હતી તે પણ તેની પાસેથી છીનવી લેવામાં આવી..

આજે, ૧૯મી સદીથી વિપરીત, સમુદ્ર પાર કરતી વખતે કોઈને નાતબાહર થવા જેવા સામાજિક નિયમોનો ડર નથી. આજે, આપણે બજારો, ખરીદી, વેચાણ, વેપાર અને નફા વિશે વાત કરવામાં ખચકાતા નથી. આજે, આપણે વ્યાવસાયિકો શોધીએ છીએ. છતાં, સામંતવાદી માનસિકતા યથાવત છે.

આપણે વફાદારી માટે ઝંખીએ છીએ અને પોતાની કુશળતા અને નિપુણતા સૌથી વધુ બોલી લગાવનારને વેચે એવી વ્યાવસાયિકતાથી ડરીએ છીએ. આપણે આનંદને એક એવી વસ્તુ તરીકે વિચારી શકતા નથી જે ખરીદી અને વેચી શકાય છે. આપણે એવી સ્ત્રીઓને પસંદ કરીએ છીએ પોતાના નિર્ણયો લેવાને બદલે પુરુષોના નિર્ણયોને આધીન રહે. આપણે વફાદાર જાહેર માધ્યમોને પસંદ કરીએ છીએ, તેમનો ધર્મ એ છે કે બધા ગ્રાહકો સાથે સમાન વર્તન કરવામાં આવે, ભલે તેઓ ગમે તેટલા પૈસા ચૂકવે, અને કોઈને વફાદાર ન રહે એ જ એમનો ધર્મ છે એમ માનારી ભૂતકાળની સ્વતંત્ર ગણિકાઓ જેવાં સ્વતંત્રપણે વિચારતાં, વર્તતાં  જાહેર માધ્યમોથી ડરીએ છીએ. એટલા માટે પોતાની આગવી, સ્વતંત્ર વિચારસરણી ધરવાતાં જાહેર માધ્યમો વેંચાઈ ગયેલાં માધ્યમો ગણાય છે અને જે મહિલા રાજકારણીને પોતાની વિચારસરણી છે અને જે શરણાગતિ સ્વીકારવાનો ઇનકાર કરે છે, તે વેશ્યા ગણાય જાય છે.

સ્ક્રૉલ.ઈનમાં ૫ સપ્ટેમ્બર૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ

દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખFeudal trap: Why do Indians fear prostitutes and traders? નો અનુવાદ | પ્રાયોગિક  પુરાણશાસ્ત્રવિદ્યા

અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ  ૬ મે ૨૦૨૬

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો