બુધવાર, 13 મે, 2026

મારી દૃષ્ટિએ (૧૯૪૬-૧૯૪૭) : ભાગ ૪ - જ્યોર્જ ઑર્વેલ [૪]

 જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944-45) : Part IVના આંશિક અનુવાદ, મારી દૃષ્ટિએ (૧૯૪૪ - ૪૫) : ભાગ ૪ - જ્યોર્જ ઑર્વેલ [] થી આગળ

ટ્રિબ્યુન

ડિસેમ્બર ૧૩, ૧૯૪૬

જ્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘની પરિષદો, કેવા કોઈપણ પ્રકારની આંતરરાષ્ટ્રીય વાટાઘાટોના અહેવાલો વાંચીએ છીએ છે, ત્યારે l'Attaque અને તેના જેવી યુદ્ધ રમતો બાળકો રમતાં તે યાદ આવ્યા વિના ન રહે. એ રમતોમાં કાર્ડબોર્ડના ટુકડા યુદ્ધ જહાજો, વિમાનો વગેરેનું પ્રતિનિધિત્વ કરતા. દરેકનું એક નિશ્ચિત મૂલ્ય હતું અને એ દરેકનો સામનો અમુક રીતે જ કરી શકાય તે ખબર રહેતી. હકીકતમાં, કોઈ સંયુક્ત રાષ્ટ્રસંઘ નામની એક નવી રમતની શોધ કરે, જે એવાં પ્રબુદ્ધ ઘરોમાં રમાશે જ્યાં માતાપિતા ઇચ્છતાં ન હોય તેમના બાળકો લશ્કરી દૃષ્ટિકોણ સાથે મોટાં થાય.

એ રમતના ટુકડાઓને પ્રસ્તાવો, દૃષ્ટિકોણ(démarche), નુસખો, મડાગાંઠ, ગતિરોધ, સાંકડો અંતરાય અને દુષ્ચક્ર કહેવામાં આવે છે. રમતનો ઉદ્દેશ્ય એક નુસખા પર પહોંચવાનો છે, વિગતો બદલાતી રહેતી હોવા છતાં, રમતની સામાન્ય રૂપરેખા હંમેશા સમાન રહેતી હોય છે. પહેલા ખેલાડીઓ ભેગા થાય અને કોઈ પ્રસ્તાવ સાથે આગળ વધે. પછી રસ્તા વચે એવું વિઘ્ન મુકવમાં આવે છે, જેના વિના રમત આગળ વધતી નથી. પછી આ વિઘ્ન સાંકડી નાળ પસાર કરવાની અડચણમાં ફેરવાઈ જાય છે, કે પછી ઘણી વાર મડાગાંઠ અથવા દુષ્ચક્રમાં ફેરવાઈ જાય છે. એક સાથે થતાં મડાગાંઠ અને દુષ્ચક્ર આગળ ન જવાય કે પાછળ ન હઠાય એવી સ્થિતિ પેદા કરે છે, જે અઠવાડિયાંઓ સુધી ટકી શકે છે. પછી અચાનક કોઈ વ્યક્તિ આ એવો દૃષ્ટિકોણ પેદા કરે જે એક નુસખો બનાવવાનું શક્ય બનાવે છે, અને એકવાર નુસખો મળી જાય પછી ખેલાડીઓ શરૂઆતમાં જેવું હતું તેવું બધું છોડીને ઘરે જઈ શકે છે.

આ લખી રહ્યો છું ત્યારે , મારા સવારના અખબારનું પહેલું પાનું આશાવાદની ગુલાબી ફોલ્લીઓથી છવાઈ ગયેલું જણાય છે. એવું લાગે છે કે બધું બરાબર થઈ જશે. રશિયનો શસ્ત્રોના નિરીક્ષણ માટે સંમત થશે, અને અમેરિકનો અણુ બોમ્બનું આંતરરાષ્ટ્રીયકરણ કરશે. તે જ અખબારના બીજા પાના પર ગ્રીસમાં બનેલી ઘટનાઓના અહેવાલો છે જે ન્યૂ યોર્કમાં તો ભાઈઅબંધી બતાવે છે એવાં સત્તાનાં બે જૂથો વચ્ચે યુદ્ધની સ્થિતિ દર્શાવે છે.

પરંતુ જ્યારે એક તરફ મડાગાંઠ અને સાંકડી નાળનો ખેલ ચાલી રહ્યો છે, ત્યારે બીજી એક ગંભીર રમત પણ રમાઈ રહી છે. તે બે સ્વયંસિદ્ધ તથ્યો દ્વારા સંચાલિત છે. એક તો એ છે કે સાર્વભૌમત્વના સર્વસાધારણ સમર્પણ વિના શાંતિ શક્ય નથી: બીજું એ છે કે જે પણ દેશ પોતાની સાર્વભૌમત્વનું રક્ષણ કરવા સક્ષમ છે તે ક્યારેય સાર્વભૌમત્વનું સમર્પણ કરતો નથી. જો કોઈ આ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખે તો વ્યક્તિ સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય બાબતોમાં સંબંધિત તથ્યોને અખબારોના ઢાંકપીછોડામાંથી પણ જોઈ શકે છે. હાલમાં મુખ્ય તથ્યો આ પ્રમાણે છે:

૧. રશિયનો, ગમે તે કહે પણ, વિદેશી નિરીક્ષકો દ્વારા તેમના પ્રદેશોનું વાસ્તવિક નિરીક્ષણ કરવા માટે સંમત થશે નહીં.


૨. અમેરિકનો, ગમે તે કહે પણ, શસ્ત્રો સંબંધી ટેક્નોલોજિ ક્ષેત્રમાં તેમણે મેળવેલ અગ્રેસરતાને સરકી જવા દેશે નહીં.


૩. કોઈ પણ દેશ હવે સંપૂર્ણ મોટું યુદ્ધ લડવાની સ્થિતિમાં નથી.


આગળ જતાં ભલે પછીથી આ સામી દિશાની ચાલને બદલે કંઈ નવું આવે, પણ હાલમાં તો વાસ્તવિક ખેલનાં યુદ્ધની માનસિકતાની વિરોધી પરિસ્થિતિઓ છે. રોજે રોજ ભરાતી પરિષદોનાં ધતિગ પર ખુશી અને નિરાશાના વારા કરતા રહેવાને બદલે જો આટલું યાદ રાખવામાં આવે તો સત્યની નજદીક પહોંચી શકાય છે.

+                      +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944-45) : Part IVનો આંશિક અનુવાદ 

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો