રવિવાર, 16 જૂન, 2013

રાજેશ સેટ્ટી કૃત શ્રેણી -‘વિશિષ્ઠ બનીએ’ - સંપુટ ત્રીજો - ગુચ્છ ૧

#101 મતભેદની સાથે કામ પાડવાની કળાપર પ્રભુત્વ મેળવીએ

| જાન્યુઆરી ૨૨, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ

ઍલ્બર્ટ આઇન્સ્ટાઇને બહુ જ સરસ કહ્યું છે - કોઇ પણ વિચારને સ્વિકાર્યા સિવાય પણ, તેના પર વિચાર કરી શકવો એ જ શિક્ષિત વ્યક્તિની ઓળખ છે."

જો કે કહેવું સહેલું છે, પણ તેમ કરવું અઘરૂં તો છે! જરા વિચારો તો - આપણી બધી વાત, સામેની વ્યક્તિઓ હંમેશ, કોઇ જ અપવાદ સિવાય, સ્વિકારી જ લેતી રહે, તો કેવી મજા પડી જાય! એક રીતે જોતાં, તો આ સ્થિતિ બહું ડરામણી, માની ન શકાય તેવી અને, કંટાળાજનક બની રહે. કોઇ પણ સંબંધમાં, એક વાત તો નિશ્ચિત છે - (બહુ બધી વાર) કોઇ પણ બે વ્યક્તિ વચ્ચે, કોઇને કોઇ વાતે, થોડા યા ઘણા અંશે, ક્યારેક તો મતભેદ થવાનો. અને આપણે જ્યારે કોઇ પણ સંબંધની વાત કરીએ છીએ, ત્યારે કોઇ પણ, કોઇ પણ, સંબંધ એમાંથી બાકાત નથી. વાત જો મતભેદ પૂરતી જ રહે, તો તો કોઇ બહુ મોટી સમસ્યા નથી.પણ જો મતભેદની સાથે કામ પાડતાં ન આવડે, તો જીવનમાં, બહુ ગણી, મોટી સમસ્યાઓ પણ તેમાંથી પેદા થઇ શકે છે.

સંધર્ષ નિરાકરણ એ ખુદ એક બહુ વિશાળ વિષય છે. અહીં આપણે સંધર્ષ નિરાકરણ કે તેની સાથે પાનો પાડવાની પધ્ધતિઓની યાદી નહીં બનાવીએ, પણ આ વિષયને જેટલું મહત્વ મળવું જોઇએ તેટલા પૂરતી જાણકારી મળી રહે તેમ કરીશું. શક્ય છે કે જ્યારે આપણા હાથમાં સંધર્ષ નિવારણને લગતું પુસ્તક આવે તો, આ વિષયમાં તો ખાસ કંઇ શીખવા લાયક કશું ન હોય, અથવા તો એ તો રોજબરોજનો કોઠાસૂઝનો વિષય છે તેમ માની લઇને, આપણે કદાચ તેનાં પાનાં ફેરવીને જ મૂકી દઇએ. આપણે જે પરિસ્થિતિમાં મુકાયાં હોઇએ, તે તે સ્વરૂપે કદાચ કોઇ પુસ્તકમાં ન પણ હોય, પણ મતભેદ સાથે કામ પાડવાની મૂળભૂત જાણકારી તો હોવી જરૂરી જ છે. એક વાર એટલું કરીએ તો, કોઇપણ વાટાઘાટ, કે તડજોડ, અસરકારકપણે પાર પાડવા માટે જરૂરી પ્રાથમિક જાણકારી મેળવી લેવાનું તે પછીથી બહુ મુશ્કેલ નહીં રહે.

આપણાં પોતાનાં જ જીવનનાં છેલ્લાં એક અઠવાડીયાને યાદ કરીને નીચેના કેટલાક પ્રશ્નોના જવાબો ખોળવાનો પ્રયાસ કરીએઃ


    ૧. કોઇ પણ વિષય પર તમારી સાથે કોઇ કેટલી વાર સહમત ન થયું?

         આ થોડો વાંકો સવાલ છે. જો આપણે કોઇ સત્તાવાહી સ્થાન પર હોઇશું, તો લોકો પોતાની અસહમતિ આપણી સાથે સીધે સીધી રીતે વહેંચવાનું ટાળતાં હોય, તેમ પણ ક્યારેક બનતું હોય. એટલે, આ પ્રશ્નને જરા જૂદી રીતે જોઇએ - " આપણને કેટલી વાર એવું લાગ્યું, કે આપણી વાત સાથે ખુલ્લી (અથવા તો પૂરેપૂરી) સહમતિ નથી બની રહી?"

      ૨. કેટલી વાર આપણે કોઇ ને કોઇ વાટાઘાટ, કે તડજોડભર્યા સંવાદમાં, ઉતરવું પડ્યું?

         જો કોઇ વિષય પર પાંચ મિનિટથી વધારે ચર્ચા થઇ હોય, તો આપણે તેને 'વાટાઘાટ'ની વ્યાખ્યામાં ગણીશું.

      ૩. અને, સમગ્ર કિસ્સાઓની દ્રષ્ટિથી જોઇએ, તો ઉપરોક્ત બન્ને પક્રારની ઘટનાઓ, કુલ ઘટનાઓના કેટલા ટકા હિસ્સો ધરાવે છે?

         આપણે એક ઉદાહરણ જોઇએ. ધારો કે આપણે ૧૦ પરિકલ્પનાઓ ચર્ચી, જે પૈકી ૬ બાબતે "કોઇ પ્રકારની સંમતિ" કે "કોઇ વાટાઘાટ" કે બન્નેવાળી કક્ષામાં રહ્યાં હોય, તો ટકાવારી ૬૦% ગણાય.


આપણને જે જોવા મળશે તે નવાઇ પમાડે તેવું હશે. એના પરિણામે, મતભેદ સાથે કામ પાડવાની કે વાટાઘાટો કરવાની કળા કેળવવા માટે પૂરતી પ્રેરણા તો જરૂરથી મળી જ રહેશે. 

પાદ નોંધ: પ્રોત્સાહજનક આગ્રહ ને કારણે, આ વિષય બાબતે પૂરેપૂરૂં વિચારી શકાયું, તે માટે મારા મિત્ર રવિ ચર (Musings on Information Security) નો અભારી છું.

| જાન્યુઆરી ૨૩, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
વિક્ષેપ -જ્વર એટલે ચાલુ કામે વિક્ષેપ પાડતાં રહેવાની ટેવ. આ 'જ્વર' બહુ પ્રચલિત જોવા મળે છે. આપણે પણ, થોડે ઘણે અંશે, તેના શિકાર તો થયાં જ હશું.  
બે એક વર્ષ પહેલાં હું પણ તેની, સરખી, ઝપટમાં આવી ગયો હતો. મારાં લક્ષણો તો બહુ જ સાદાં હતાં - દર પાંચ સાત મિનિટે મને મારા ઇ-મેલ પ્રોગ્રામના મોકલો/લાવો[Send/Receive] બટન દબાવ્યા કરવાની અને ઇ-ટપાલપેટી ખોલબંધ કર્યા કરવાની આદત પડી ગઇ હતી. આમ વારંવાર એ પેટીને ખોલબંધ કર્યે રાખવું તે નરી મુર્ખામી છે, તેમ હું સમજતો પણ હતો. મારી પાસે તેમ કરવા માટે કોઇ તાર્કીક કારણો પણ નહોતાં. બસ, મને આવેલા ઇ-મેલ વાંચવાની અને ફરજીયાત પણે તેમના જવાબો આપવાની ચળ મારાથી રોકી જ નહોતી શકાતી.  એક સમયે તો 'રાજેશના ઇ-મેલ પ્રોગ્રામનું મોકલો/લાવો[Send/Receive] બટન એટલું ઘસાઇ ચૂક્યું છે કે હવે કદાચ દેખાતું પણ નહીં હોય' મજાક મારાં સહકર્મચારીઓની તકિયા કલમ બની ગઇ હતી. આજે પણ,આદતવશ, મારાથી ઇ-ટપાલપેટી ક્યારેક ઉપરાછાપરી ખૂલી જાય છે.
મેં મારી આજુબાજુનાં લોકોને પણ જોયાં.  તેઓ જોડે, આ બાબતે, વાત પણ કરી. મજાની વાત તો એ જોવા મળી કે એક હું જ માત્ર આ 'જ્વર'નો શિકાર નહોતો. પોતાની રોજીંદી દિનચર્યામાં કોઇ વિક્ષેપ પાડે તેવી રાહ જોનારાં બહુ બધાં લોકો જોવા મળ્યાં.  જ્યારે પણ વિક્ષેપ-જ્વર-પીડિત વ્યક્તિ મળે, ત્યારે હું તેમને 'શામાટે તમે વારે ઘડીએ ઇ-મેલ તપાસ્યા કરો છો? કોઇ તમને ઉપરા છાપરી સંદેશાઓ મોકલવાનું છે?' એવા સવાલો પૂછું છું. સામે મળતા જવાબો રસપ્રદ હોય છે. બહુ વધારે વિગતમાં ઊતર્યા વગર, એટલું કહીશ કે મોટા ભાગના કિસ્સાઓમાં કોઇ જ મહત્વના સંદેશાઓની રાહ જોવાની વાત તો હતી જ નહીં. બસ, કોઇ પૂછે કે જૂએ, ત્યારે પોતે બહુ વ્યસ્ત બની રહે, તેવી ભાવના ઊંડે ઊંડે જોવા મળતી હતી. બીજા શબ્દોમાં કહીએ તો, ઇ-મેલ મોકલવા/ વાંચવાનું જો કારણ મળી જાય, તો પોતાનાં જીવનની રૂપરેખાને ઘડી કાઢવાનાં કામમાંથી છૂટ્ટી મેળવવાનું બહાનું હાથવેંત બની રહે. જો કોઇ વિક્ષેપો જ ન હોય, તો આપણે જેના માટે વચનબધ્ધ થયાં હોઇએ એ કામો ન કરવા માટેનાં કારણો જ ન રહે. પણ જો વિક્ષેપ થતા રહે તો આપણી પરિણામશૂન્યતામાટે કોઇને ખભે દોષનો ટોપલો પહેરાવી તો દઇ શકાય!
વિક્ષેપ-જ્વર આપણને સંજોગ વિવશતાનાં અચૂક શિકાર બનવામાં બહુ જ અસરકારક મદદ કરે છે, પછી ભલે ને આપણાં જીવનની રૂપરેખાનું ઘડતર કે તેનું અમલીકરણ પણ, તેનો ભોગ કેમ ન બનતાં હોય!
આપણને વેક્ષેપ-જ્વર લાગુ પડ્યો છે કે નહીં તે ચકાસવા માટે આ પ્રયોગ કરી જોઇએઃ 
નીચેના સવાલોના 'હા' કે'ના'માં જવાબો કહો (દરેક 'હા'વાળા જવાબ માટે ૧ ગુણ ઉમેરો)
૧. દિવસમાં ૬ કે તેથી ઓછી વાર ખોલવાથી પણ કંઇ જ નુકસાન નહીં જાય તેમ જાણવા છતાં,તમે તમારી ઇ-ટપાલપેટી ખોલબંધ કર્યે રાખો છો?
૨. તત્કાળ સંદેશાવાહક [IM (Instant Messenger)] વગર જીવન અકારૂં થઇ પડેલું અનુભવાય છે?
૩. તમે બ્લૅકબૅરીનાં બંધાણી છો? બ્લૅકબૅરી વગર લોકો કેમ જીવી શકતાં હશે તેની કલ્પના પણ તમે નથી કરી શકતાં?
૪. તમે સાપ્તાહિક કે દૈનિક સમયપત્રકનું આયોજન કરો છો ખરાં? તમારાં આયોજનનો આધાર દિવસ દરમ્યાન કેટલું સિધ્ધ થઇ શક્યું તેના પર છે ખરો?
૫. તમે 'હાજરજવાબી' છો? તમને 'હાજરજવાબી' થવું જ પસંદ છે?
૬. તમારા ઇ-પત્રવ્યવહારની સરેરાશ સંખ્યા મહદ્‍ અંશે ઘટી જાય, તો તમે દુખી દુખી થઇ જાઓ ખરાં?
જો તમે ૨ થી વધારે ગુણ અંકે કર્યા હોય, તો તમને વિક્ષેપ-જ્વરની અસર તો જણાય છે. પણ, યાદ રહે, વિક્ષેપ-જ્વરને મટાડવા, ખુદ તમારા સિવાય, કોઇ બીજું ડૉક્ટર તો છે નહીં!
વિક્ષેપ-જ્વરના ચેપમાંથી મુક્તિ પામીને જીવનને મોજથી માણો, એવી શુભેચ્છાઓ!

| જાન્યુઆરી ૨૯, ર૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ 
આપણે કેટલાંક કારણોસર કેટલાક નિર્ણયો લેતાં હોઇએ છીએ. કેટલાંક કારણો જાહેર હોય છે, તો કેટલાંક કારણો અંગત કે ખાનગી હોય છે. જાહેર કારણ એ કે જે આપણા નિર્ણયને યોગ્ય ઠેરવવા માટે બીજાંને કહીએ, અને અંગત કે ખાનગી કારણ એ કે જેને માટે કરીને  આપણે મૂળ મુદ્દે તે નિર્ણય લીધો હતો. જાહેર કારણો વડે આપણે બીજાંઓને તો થાપ ખવડાવી શકીએ, પણ તે કારણો વડે આપણી આંખમાં પણ ધૂળ નાખવી હિતાવહ નથી. આપણા ખાનગી કે અંગત કારણ બાબતે આપણે બહુ જ સ્પષ્ટ રહેવું જોઇએ. ખરેખર તો, પહેલી તક મળ્યે, એ કારણની 'યથાર્થતા' વિશે આપણને સવાલ પેદા થવા જ જોઇએ.
થોડા દિવસ પહેલાં મારે એક સજ્જનને મળવાનું  થયું. (સગવડ ખાતર, આપણે તેમને "જાગૃત" તરીકે ઓળખીશું.) તેમને ઉદ્યોગ સાહસિક બનવું હતું. થોડી વાતચીત પછી મેં એ જાગૃતભાઇને પૂછ્યું કે તેઓ આવતી કાલથી જ પોતાનું નવું સાહસ કેમ આરંભી નથી દેતા. જવાબમાં (જાહેર) કારણ હતું - આર્થિક સધ્ધરતા. 
વાત થોડી આગળ ધપી, અમે એકબીજાંથી થોડા વધારે પરિચિત થયા, એટલે મેં તેમને "ખરૂં" કારણ પૂછ્યું. જાગૃતે જણાવ્યું કે તેમનો એક બહુ જ ગાઢ મિત્ર આજ થી લગભગ આઠેક મહિના પહેલાં આજ રસ્તે ગયો હતો, પણ આજ સુધી એક પણ સોદો પણ અંકે નહોતો થઇ શક્યો. અસ્તિત્વ ટકાવવા માટે પણ તે મિત્ર ભારી સંઘર્ષ કરી રહ્યો હતો. તેથી, જાગૃતે નક્કી કર્યું હતું કે થોડા પ્રકલ્પોના ઑર્ડર હાથ પર ન હોય, ત્યાં સુધી નવી કંપનીની શરૂઆત કરવી નહીં. આ તેનું અંગત કારણ હતું.
આ ઉદાહરણમાં, બન્ને કારણો કંઇક અંશે સંકળાયેલાં જણાય છે. આપણી પોતાની જીંદગીમાં પણ ડોકીયું કરીને, આપણા મહત્વના નિર્ણયોની ફેર-ચકાસણી કરી લેવી જોઇએ. શક્ય છે કે તે નિર્ણયો પૈકી કેટલાક, જાહેર અને અંગત એમ, બન્ને પ્રકારનાં કારણો ધરાવતા હોય. હવે પછીથી જે કોઇ નિર્ણય લઇએ, તેની પાછલ જો કોઇ "અંગત" કારણ હોય તો તેની યથાર્થતાની તલસ્પર્શી ચકાસણી જરૂર કરીએ. તેમાં જે કંઇ જાણવા મળે તે કદાચ  નવાઇ પમાડે તેવું પણ નીકળી પડે!

| જાન્યુઆરી ૨૯, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ  
૧૯૯૩માં, મને ધ્યાનનું પ્રશિક્ષણ આપનારાં પહેલાં ગુરૂએ મને નક્કર આધાર વલણોના ઉપયોગ વિશે સમજાવ્યું હતું. મારૂં નક્કર આધાર વલણ તો બહુ સીધું હતું - જ્યારે હું ધ્યાનમાં ઊંડે ઉતરતો, ત્યારે બન્ને હાથની, અંગૂઠો,તર્જની અને અનામિકા એમ, ત્રણે આંગળીઓ ભેગી કરી લેતો. મૂળભૂત આશય એવો હતો કે આમ નક્કર આધાર વલણોનો અભ્યાસ કરવાથી હું મારી ઊંડાં ધ્યાનની સ્થિતિ વધારે ઝડપથી પ્રાપ્ત કરી શકું.   
ત્વરિત પ્રતિક્રિયા વલણો એટલે જેમ કે આયોજિત મુલાકાત યાદ અપાવડાવવાનો કોઇ નુસ્ખો. દા.ત. - કોઇ મુલાકાત સમયે એકદમ સકારક માનસીક અવસ્થામાં રહેવા માટે કોઇ ચોક્કસ પ્રકારનાં સંગીત કે ગીતને સાંભળતા રહેવું.
નક્કર આધાર અને ત્વરિત પ્રતિક્રિયા વલણો જરૂરથી ઉપયોગી નીવડે છે. તેની ટેવ પાડવામાં અને તેની ફેરચકાસણી તેમ જ ઉપયોગ કરવામાં ખાસ્સું શિસ્તનું હોવું તો જરૂરી છે. આ માટે સમય મર્યાદા પણ થોડી લાંબી જ હોવી જરૂરી બની રહે છે. તેથી, આ વલણોને ચૂકી જવાની કે તેમના પ્રભાવને અવગણી જવાની શક્યતાઓ  કે લાલચ પણ વધી જતી હોય છે. 
નક્કર આધાર વલણ નિશ્ચિત કરવાનો એક ઉપાયઃ 
૧. પહેલાં કોઇ એક નક્કર અધાર વલણ નક્કી કરો, જેમ કે આંગળીઓ ભીડવવું, ગોઠણ પર થાપ દેવી, મુઠ્ઠી વાળી લેવી, વગેરે.
૨. વિશ્વસ્ત, ખુશ , ઉત્સાહીત કે એવાં કોઇ સંયોજનો જેવી જે કોઇ પણ સ્થિતિમાં પહોંચવાનું નક્કી કર્યું હોય , તે સ્થિતિમાં પહોંચતાં જ પૂર્વનિર્ધારીત નક્કર આધાર વલણ પણ આરંભી દો.
૩. દરેક વખતે એ અપેક્ષિત સ્થિતિમાં પહોંચતાં જ તે સાથે સાંકળેલ વલણનો પણ અભ્યાસ કરતાં રહો.
થોડા સમયના અભ્યાસ બાદ આપણે તેવાં એ નિશ્ચિત નક્કર આધાર વલણનો અમલ કરીશું, તે સાથે જ ઇચ્છિત માનસીક સ્થિતિમાં પહોંચી જવાશે.
તે જ રીતે ત્વરિત પ્રતિક્રિયા વલણની ટેવ પાડવાની એક રીતઃ 
૧. આપણી અપેક્ષિત માનસીક સ્થિતિમાં આપણે શી રીતે આવીએ છીએ તે ધ્યાનથી નોંધતાં રહો. જેમ કે, પુસ્તક વાંચવું , કે કોઇ ખાસ ગીત કે સંગીત સાંભળતાં જ કશું યાદ આવી જવું. એ છે તમારૂં ત્વરિત પ્રતિક્રિયા વલણ.
૨. હવે થોડાં થોડા સમયે, આ અનુમાનિત વલણનો ઉપયોગ કરીને તેની સાથે સાંકળેલી પૂર્વધારણાને ચકાસતાં રહો.
૩. એક વાર એ વલણથી ધારેલી માનસીક સ્થિતિ પ્રાપ્ત થઇ શકે છે તેમ નિશ્ચિત થઇ જાય, એટલે તે માટે નક્કી કરેલ વલણનો ઉપયોગ કરવાનું શરૂ કરી દો.
ઘણાં લોકોને નક્કર આધાર અને ત્વરિત પ્રતિકિયા વલણ વચ્ચેના તફાવત વિશે સવાલ પેદા થાય છે. મારા અભિપ્રાય મુજબ, આપણે જે કરીએ તે નક્કર આધાર વલણ અને જે બહારથી અસર કરે તે ત્વરિત પ્રતિક્રિયા વલણ.  
આપણને જે કોઇ સંયોજન અનુકુળ પડતું અનુભવાય, અને જે આપણી રોજબરોજની જીવનશૈલિને ખુબ જ સરળ અને અસરકારક બનાવતું જણાય, તેનો છૂટથી વપરાશ કરતાં રહેવું. શુભેચ્છાઓ.

| ફેબ્રુઆરી ૧૨, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ 
હક્કની ભાવના એ કળણ જેવો વિષય છે. જો તેનો યોગ્ય રીતે ઉપયોગ ન કરવામાં આવે, તો તે નિષ્ક્રિયતા ભણી દોરી જઇ શકે છે. સામાન્ય માણસોનાં વિચારોમાં હક્ક્ની ભાવના, થોડે ઘણે અંશે તો, ઘર કરી ગયેલી હોય છે જ. કેટલાં ઉદાહરણો જોઇએ:
૧. હું કર્મચારી છું, માટે મને . . . . ના હક્કો તો હોવાજ જોઇએ.
2. મારી નોકરીને એક વર્ષ પૂરૂ થયું, એટલે મને, કમ સે કમ,  ..... નો પગાર વધારો તો મળવો જ જોઇએ.
૩. હાલનાં સ્થાને મારી નોકરીને ત્રણ વર્ષ પૂરાં થયાં, એટલે હવે મને .... સ્થાન માટેની બઢતી તો મળવી જ જોઇએ.
૪. હું મારાં વેપાર ધંધાના કામે બહારગામ ફરતો રહું છું, તેથી મને .... ખર્ચ કરવાનો હક્ક તો મળવો જ જોઇએ. 
                                                                               આ યાદીમાં તો ઘણી વસ્તુઓ ઉમેરી શકાય.....
વાસ્તવિકતા તો એ છે કે, કોઇ જ હક્ક બનતા નથી હોતા. પૂરે પૂરી મહેનત કરીને, તે કમાવા પડતા હોય છે. જેટલી આપણે મૂલ્ય વૃધ્ધિ કરીશું, તેટલી મૂલ્ય વૃધ્ધિ દુનિયા આપણી જીંદગીમાં કરશે. જો આપણી કોઇ જ મૂલ્ય વૃધ્ધિ ન હોય, તો સામે પક્ષે આપણને પણ કોઇ મૂલ્ય વૃધ્ધિ મળે નહીં. જ્યારે આર્થિક પ્રવાહો જોરમાં હોય, અને જો માનવીય કૌશલ્યોની ખેંચ હોય, તો વળી આપણે થોડા હક્કો, કદાચ, માંગી લઇ શકીએ. પરંતુ જેવો આ પરિસ્થિતિમાં થોડો પણ ફેર પડ્યો ( અને ફેર પડશે તે નક્કી જાણી રાખીએ) કે 'વધારે અપેક્ષઓ સેવતાં કર્મચારીઓ / લોકો"ને "રાખવાં ભારે પડે" તે કક્ષાનાં મૂકવામાં આવે છે. 
એક એવી પરિસ્થિતિની કલ્પના કરીએ, જેમાં આપણા કોઇ જ હક્કો નથી બનતા. દરેક વસ્તુ આપણે "કમાવી" પડે છે. આપણે જેવાં એ સ્થિતિની કલ્પના પણ કરીશું કે તરત જ આપણે સાવધ બની જશું. આપણે આપણી જીંદગી, કે કામ,નાં પરિણામોની જવાબદારીઓ સ્વીકારી લેતાં થઇ જશું. હવે આપણને કોઇ 'મફત ભાણાં"ની અપેક્ષા પણ નથી. હવે, દરેક લાગતાં વળગતાં લોકો માટે શક્ય એટલું વધારે વળતર આપવા તરફ આપણું ધ્યાન કેન્દ્રીત થઇ રહેશે.  જેના બદલામાં આપણને યોગ્ય વળતર મળતું રહેશે, અને જો તેમ નહીં તાય, તો આપણે બીજા માર્ગ શોધી લઇશું. હક્કની ભાવનાનું સ્થાન હવે ઉંચા મૂલ્યોના વિનિમય લઇ લેશે. 

શ્રી રાજેશ સેટ્ટી દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ શ્રેણી - Distinguish yourself’ -ના લેખોનો ગુજરાતીમાં રસાસ્વાદ- સંપુટ ત્રીજો - ગુચ્છ ૧ // અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ જૂન ૧૬, ૨૦૧૩


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો