રામાયણની એક કથાનુસાર,દશરથ, તેની યુવાનીમાં, જંગલમાં શિકાર કરતાં ઘડાથી પાણી ભરવાના અવાજને હરણ પાણી પી રહ્યું છે તેમ માનીને, ભુલથી શ્રવણ કુમાર નામના યુવકને તીરથી વીંધી નાખે છે. શ્રવણ કુમારનાં ક્રોધથી વ્યાકુળ મા-બાપ તેને શ્રાપ આપે છે, કે દશરથપણ વૃધ્ધાવસ્થામાં તેના પુત્રના વિયોગની પીડા સહન કરીને મૃત્યુ પામશે, જેના પરિણામે રામને વનવાસ ભોગવવો પડ્યો.
મોટા ભાગનાં લોકોમાટે શ્રવણ કુમાર આજ્ઞાંકિત પુત્ર છે, જેણે મા-બાપને ખભે લટકાવેલ કાવડનાં છાલકાંમાં બેસાડીને યાત્રા કરાવી હતી. આપણાં મનમાં મા-બાપ પ્રત્યેના પ્રેમ અને ફરજનું ચિત્ર દોરાઇ જાય. તે સાથે સાથે ફરજની કાવડ વહન કરતા યુવાનની ભારવિષે લાગણી પણ જન્મે છે. શું શ્રવણ કુમારે તેની જવાબદારી ઉપકારવશ કે સ્વેચ્છાથી અદા કરી હતી? લગભગ દરેક કથાકાર ચોક્કસપણે એવું માનતા જણાય કે શ્રવણ કુમારે, કોઇપણ જાતનાં દબાણ વગર, સંપૂર્ણ સ્વેચ્છાથી જ માતા-પિતાની સેવા કરી હતી.વાંચકો તે સિવાયનાં કોઇ અન્ય કથાસ્વરૂપને સ્વિકારે પણ નહીં. ભારતમાં તો આમ વિચારવું તે પણ નિંદાપાત્ર ગણાય.
ભારતનાં વ્યવસાય જગતમાં જે બહુ મોટો હિસ્સો ધરાવે છે તેવા કૌટુંબિક વ્યવસાયમાં ઉપકારની ભાવનાનું મહત્વ ઘણું છે.કુટુંબની પેઢીમાં કામ કરવું જ પડે,કુટુંબના ઓછા ભાગ્યશાળી કે ઓછી આવડતવાળી વ્યક્તિને પૂરતી તક આપવી પડે. ઉપકારની ભાવના બંધન કે બેડી કે ફ્રરજીયાત ખાનદાની પરવડતી પણ અનુભવાય છે.
છેલ્લાં બાર વર્ષથી વેંઢારતા ભારને કારણે પ્રતાપના ખભા છોલાઇ ને લોહીલુહાણ થઇ ગયા છે. તેની કાવડનાં છાલકાંમાં , ધંધાની શરૂઆત કરનાર, પિતા અને કાકાઓ છે. ખરી રીતે તો, તેને પોતાનો જૂનો ધંધો સારી કિંમતે વેંચીને, જેમાં પોતાનામાટે ફાજલ સમય હોય તેવો નિરાંતવાળો નાનો ધંધો શરૂ કરવો હતો. પણ તે તેનામાટે શક્ય નહોતું. જૂની દુકાન ચલાવવામાં તેને ખુબ જ મહેનત પડતી હતી, પોતાની સમકક્ષ ન હોય તેવા સગાંવહાલાં અને જૂના નિષ્ઠાવાન સ્ટાફને સાથે રાખીને કામકાજને સંભાળવાનું, તેમાંવળી પિત્રાઇઓ,બહેન-બનેવીઓની અસલામતી અને ઉંચી અપેક્ષાઓને પણ સંભાળવાની તો ક્યારેક તેમની બેદરકારીની ભૂલો, તો ક્યારેક અનૈતિક ગોટાળા પણ નિભાવવાના. તે તેમને છૂટાં પણ કરી શકે તેમ નહોતો - ઉંચા પગારના ધંધાદારી પોષાય નહીં અને જૂનાં માળખાંને ધરમૂળથી બદલી પણ ન શકાય.
તે આ પરિસ્થિતિનો પ્રતિકાર પણ કરવા માંગતો હતો, પણ તેવું કરી શકાય તે શક્ય નહોતું જણાતું,કારણકે તે એક સારો પુત્ર બનવા માંગતો હતો. 'છાબડીઓ'ના ભારને હળવો કરી નાંખવો સહેલું નથી, તેની સામાજીક કિંમત બહુ ઉંચી હોય છે.સમાજ તેનાપર સ્વાર્થી અને વિશ્વાસઘાતી તરીકેની છાપ પણ લગાવી દે.આ પ્રકારની અસ્વિકૃતિ માટે તે તૈયાર નહોતો, કમ સે કમ હાલપૂરતું તો નહી જ. તેણે એવી વ્યવસ્થા કરી લીધી હતી કે બધાં તેને માન આપે અને તેની આમન્યામાં રહે અને તેનાદ્વારા અપાયેલ બલિદાનની પાકી નોંધ લેવાય.
આધુનીક મૅનૅજમૅન્ટ કૌટુંબિક વિસંવાદોનાં સમાધાન માટે સ્થાપિત પધ્ધતી કે પ્રક્રિયાઓ કે કૌટુંબીક બંધારણની હિમાયત કરે છે. તે જીવન અને સંબંધોને કરારની શરતોની દ્રેષ્ટિએ જૂએ છે. પણ પ્રતાપ અને તેનાં કુટુંબ વચ્ચે તો કોઇ કરાર તો હતો નહીં, પણ એક અણકહી પ્રતિબધ્ધતા હતી જે પેઢી દર પેઢીને જોડી રાખે છે તેમ જ વિપરીત સંજોગોમાં નબળાંના બચાવમાટેની સુરક્ષા સુનશ્ચિત કરે છે. આને કારણે આખું ઘટક થોડું ધીમું પડી જાય, પરંતુ એટલું જરૂર ગોઠવાય કે ખમતીધર પણ નબળા પડી જાય તેવા સંજોગોમાં સલામતીની ઢાલ તૈયાર હોય.
પ્રતાપને ખબર છે કે તે જ્યારે થાકશે કે નહીં હોય ત્યારે જે કુટુંબ તેને બોજ જણાય છે તે જ તેનું ધ્યાન રાખશે.માટે જ તે કાવડ છોડતાં અચકાય છે. શ્રવણ કુમારે તેનાં માતા-પિતાની એવી જ સારસંભાળ કરી જેટલી તેઓએ તેમનાં માતા-પિતાની કરી હતી. આ રીતે આપણે પોતાનાં સંતાનને એક નમૂનેદાર દ્રષ્ટાંત પૂરૂં પાડતાં હોઇએ છીએ, એ આશાથી કે તેઓ પણ તેમનીઉપરના આ ભારને સ્વિકારે અને નિભાવે.
· ૧૫ જુલાઇ, ૨૦૧૧નાં ‘ઇટી કૉર્પૉરેટ ડૉઝીયર’માં પ્રસિદ્ધ થયેલ
ભાવાનુવાદઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો