શનિવાર, 19 નવેમ્બર, 2011

નંદનવન એ કંઇ સ્વર્ગ નથી - દેવદત્ત પટ્ટનાઇક


હિંદુ પુરાણમાં બે પ્રકારનાં સ્વર્ગ વર્ણવાયાં છેઃ નાનુ સ્વર્ગ અને મોટું સ્વર્ગ. મોટાં સ્વર્ગથી નાનાં સ્વર્ગની ઓળખ જૂદી પાડવામાટે નાનું સ્વર્ગ નંદનવન તરીકે ઓળખાય છે. અંગ્રેજીની રચના તો ખાસ કરીને બાઇબલની જરૂરીઆત પૂરી કરવા માટે થઇ હોવાને કારણે, બાઇબલમાં એક સ્વર્ગની પરિકલ્પના કરી હોવાથી,અંગ્રેજીમાં આ રીતે અલગ પાડવામાટે ગુંચવણભરી જોડણી બનાવવી પડી છે. ખ્રિસ્તિધર્મમાં એક જન્મની માન્યતા હોવાને કારણે એક જ સ્વર્ગની માન્યતા છે જ્યારે હિંદુધર્મમાં અનેક જન્મની માન્યતા છે તેથી નાનાં સ્વર્ગ અને મોટાં સ્વર્ગનાં અલગ અસ્તિત્વની જરૂરી બની રહે છે.
દેવોના રાજા ઇન્દ્રનું રાજ્ય,[નાનું]સ્વર્ગ, નંદનવનતરીકે ઓળખાય છે. ઇન્દ્ર પાસે દોલત, સૌન્દર્ય અને પ્રતિષ્ઠાની કમી નથી,પરંતુ તે હંમેશાં અસલામતી અનુભવતા જણાતા હોય છે. તેમને સતત ભય રહ્યા કરે છે કે કોઇ રાજા કે ઋષિ કે દાનવ તેમને ક્યારે પણ ઉથલાવી પાડશે. બીજું [મોટું] સ્વર્ગ છે વિષ્ણુનું વૈકુંઠ કે શિવનું કૈલાસ.અહીં કોઇ ભય નથી, હંમેશ પરમશાંતિ જ હોય છે. અહીં સમય થંભી ગયો છે, અહીં નથી કોઇ ભૌતિક સુખની ભરતી કે ઓટ કે નથી કોઇ ભૂખ એટલે નથી કોઇ સંતુષ્ટીની શોધ કે નથી કોઇ તૃષ્ણા એટલે નથી કોઇ સંતૃપ્તિ. નંદનવનમાં સમૃધ્ધિ છે પરંતુ શાંતિ નથી, જ્યારે સ્વર્ગમાં શાંતિ જ શાંતિ છે અને સમૃધ્ધિની કોઇ જ ખેવના નથી.
ત્રીસ વર્ષ પહેલાં,ડૅવિડ અને જૅકૉબ, એન્જીનીયરીંગનું ભણતર પૂરૂં કર્યા પછીથી જૂદાંજૂદાં કારણોસર જૂદી જૂદી નોકરીઓમાં જોડાયા. ડેવીડે ખાનગી ક્ષેત્રની કંપનીમાં નોકરી લીધી, જ્યાં નોકરીની સલામતીની બાંહેધરી નહોતી પરંતુ વિપુલ તકો હતી, તો જૅકૉબે જાહેરક્ષેત્રનાં એકમમાં નોકરી લીધી,જ્યાં નોકરી સલામત હતી પરંતુ તકો મર્યાદીત હતી.
ડૅવિડ એક શહેરથી બીજાં શહેરમાં, એક નોકરીથી બીજી નોકરી,નવી નવી કામગીરીઓ અને કાર્યક્ષેત્ર બદલતો, ઑફિસનાં રાજકારણની લડાઇઓ લડતો, માન મેળવવામાટે ઝઝૂમતઓ,પોતાનાં અસ્તિત્વને યથાર્થ ઠેરવતો, આર્થિક મંદીની સામે તરતો, દુબઇની એક કંપની જેનું ભારતમાં મોટું મુડી રોકાણ હતું, તેમાં ઉપ-પ્રમુખની કક્ષાએ પહોંચી ગયો હતો. તે આર્થિક રીતે સમૃધ્ધ હતો તે કહેવાની તો જરૂર જ નથી, ભારતમાં તેનાં ત્રણ ઘર છે. પરંતુ તે હંમેશાં દબાણના ભારથી ત્રસ્ત હોય છે. શૅરધારકોને પરિણામો જોઇએ તો ઑડીટર્સ સંચાલનવ્યવસ્થા બાબતે કડક વલણ ધરાવતા થઇ ગયા છે. દરરોજ તેણે  કેટલાય આકરા નિર્ણય લેવા પડતા રહે છે તેમ જ ઉપર અને નીચેના લોકોને અસંખ્ય મુશ્કેલ જવાબો આપવા પડતા હોય છે. નવા ગ્રાહક મેળવવા અને ટકાવી રાખવાનું વધારે ને વધારે અધરૂં બનતું જાય છે.ડૅવિડ આખો દિવસ તેનાં કામમાં એટલો ખોવાયેલો રહે છે કે તેનું કામ અને જીવનનું સંતુલન ખોરવાઇ ગયું છે. તેને જૅકૉબની ઇર્ષ્યા થાય છે.
જૅકૉબ જાહેર ક્ષેત્રની કંપનીમાં જોડાયો હતો.તેને તેનું કામ કંટાળાજનક લાગતું હતું.બધું જ નિયમ મુજબ જ થાય. તે વધારે સારી રી તે કામ કરી શકવામાટે સક્ષમ હોવા છતાં તેની કંપની તેની પાસેથી કંઇ વધારે માંગતી જ નહોતી.તેણે તેની પાયરીપ્રમાણે જ વર્તવાનું હોય છે.તેનો પગાર તેના દરજ્જાનુસાર હોય. તેણે વિદેશમાં કોઇ પરિષદમાં ભાગ લેવો હોય તો તેના ઉપરીની પૂર્વમંજૂરી મેળવવી પડે.તેને નિર્ણયો અંગે ખાસ સ્વાયત્તા નથી, પોતાની ખુરશીનો તુટેલો પાયો ઠીક કારાવવો હોય તો ત્રણ કૉપીમાં કરેલ અરજીપર તેના ઉપરીની સહી લેવી પડે.તેનું માનવું છે કે તેના સહયોગીઓ પણ હતોત્સાહ રહે છે. તેની ભૂખ પણ ઘટી ગઇ છે. આળસુ ન થઇ જવાય તેટલું કામ તે જરૂર કરે છે. સમયસર ઑફીસ પહોંચવું અને સમયસર ઘર પહોંચવુ, કુટુંબ સાથે ખુબ સમય ગાળી શકવું તે જ તેના આનંદ રહી ગયા છે. પણ તેને ત્યારે ખુશી થઇ હતી જ્યારે ડૅવિડે તે પોતાની દિકરીના સીંગાપૉર યુનિવર્સિટીના ભવ્ય દિક્ષાંત સમારોહમાં કેમ હાજર ન રહી શક્યો તે કહ્યું હતું. તેજી હોય કે મંદી, તેની નોકરીને કોઇ આંચ નહોતી આવવાની.થોડી ધીરજ રાખશે, તો તેને છેવટે પ્રમૉશનપણ મળશે. તેનાં ત્રણ ઘર નથી પણ કંપનીએ રહેવા આપેલ મુંબઇ કે દિલ્હીનાં ઘર વિશાળ હતાં અને ખ્યાતનામ વિસ્તારમાં આવેલ હતાં. તે સંતુષ્ટ છે, પરંતુ કોઇ કોઇ વાર તેને ડૅવિડની ખાનગી ક્ષેત્રની નોકરીની રોમાંચકતાનો અભાવ ખૂંચે જરૂર છે.
ડેવિડ નંદનવનમાં છે તો જૅકૉબ સ્વર્ગમાં. ડૅવિડ માણે છે વૃધ્ધિ તો જૅકૉબ સ્થિરતા.ડેવિડપાસે છે સમૃધ્ધિ તો જૅકૉબ પાસે શાંતિ.આપણે પણ બન્ને ઝંખતા તો હોઇએ છીએ જ, પરંતુ એ યાદ રાખવું જોઇએ કે સામાન્યતઃ એક મેળવવામાટે બીજાંની કિંમત ચૂકવવી તો પડતી હોય છે.
-          ૨૯ જૂલાઇ , ૨૦૧૧નાં કૉર્પૉરૅટ ડૉઝીયર, ET માં પ્રસિધ્ધ થયેલ.
-          ભાવનુવાદઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ, ભારત,19-11-2011
-          મૂળ ળેખ માટે http://devdutt.com/paradise-is-no-heaven/ ની મુલાકાત લો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો