ગુરુવાર, 17 નવેમ્બર, 2011

સાચી રીતે નિષ્ફળ જવાની કળા - રાજેશ સેટ્ટી


માઇકલ જૉર્ડને એક વાર કહ્યું હતુંઃ "હું મારી કારકીર્દીમાં ૯૦૦૦થી વધારે શૉટ્સ ચૂકી ગયો છું, ૩૦૦થી વધુ મૅચ હારી ચૂક્યો છું, છવીસ વાર મારા પર ભરોસો કરીને મૅચની જીતનો શૉટ લેવામાટે મને પસંદ કરાયો અને હું ચૂકી ગયો છું.મને જીંદગીમાં અને નિષ્ફળતાઓ મળી છે, અને એટલે જ હું સફળ છું!"
માઇકલ જૉર્ડનમાટે અસફળતા ખુબ જ પ્રેરણાદાયક છે. એવા અનેક અન્ય મહાન નેતાઓ - જેવા કે વિન્સ્ટન ચર્ચીલ, અબ્રાહમ લિંકન, સ્ટીવ જૉબ્સ વિ.-એ પણ નિષ્ફળતા વિષે આવા જ પ્રેરક વિચારો કહ્યા છે.
આમ જૂઓ તો નિષ્ફળતા પણ ઘણું સારું લખાયું છે. એવું તો બહુ જ સાંભળવા મળશે કે નિષ્ફળતા એ સફળતાની સીડી છે અને માટે જ શક્ય તેટલા વહેલા નિષ્ફળ જાઓ.મેં પણ આવાં સુવાક્યો વાંચ્યાં છે અને તે બધાં જ મને ગમ્યાં પણ છે.શા માટે ન ગમે?
છેલ્લા થોડા મહિનાઓ દરમ્યાન મારે ઘણા લોકોસાથે નિષ્ફળતા બાબતે ચર્ચા થઇ. દરેક ચર્ચા રસપ્રદ રહી તેમ જ નિષ્ફળતાના પાઠમાં કંઇ ને કંઇ શીખવાલાયક પણ હતું.
હાલમાં હું થોડું ચિંતાજનક વલણ જોઇ રહ્યો હોઉં તેવું જણાય છે - અપરિપક્વ અસફળતાઓનો વધતો જતો  આંકડો, કદાચ એવી માન્યતા પર આધારીત કે અસફળતાના આંકાડાઓમાં વધારા માત્રથી જ સફળ થવાની તક સુધરશે . આ વલણ એટલામાટે ચિંતાકારક છે કે બધી જ અસફળતાઓ સરખી નથી હોતી.આ વાતને હું થોડી વિસ્તારપૂર્વક સમજાવીશ.
આપણે ચોરસ ખીલાને ગોળ કાણાંમાં નાખવાવાળા સાવ સહેલાં ઉદાહરણને લઇએ. પહેલી વાર સફળ ન થાઓ , પણ પ્રયત્ન ન છોડો.બીજી વાર નિષ્ફળ જાઓ, તો પણ મહેનત ચાલુ જ રાખો. આવું ડઝનબંધવાર કરીશું એટલે શું સફળ થવાની શક્યતાઓ વધી જશે, ના જી, એટલીને એટલી જ રહેશે. આવી નિષ્ફળતાઓના વધતા આંકડાથી સફળતાની શક્યતા થોડી સુધરતી હશે!
એક બીજું જાણીતું ઉદાહરણ સારો માર્ગ બતાવશે.જ્યારે થૉમસ આલ્વા ઍડીસન પ્રકાશ બલ્બની શોધ કરી રહ્યા હતા, ત્યારે બલ્બના ઝીણા તારમાટે યોગ્ય માલની શોધમાં [બળતણનું લાકડું,પેટીનું લાકડું,હીકૉરી, થડની છાલ,વાંસ સુધ્ધાંની] ૬૦૦૦થી વધુ વસ્તુઓને ચકાસી જોઇ હતી. એક વાર ચકાસે,અનુકુળ ફેરફાર કરે અને ફરીથી વધુ સારી રીતે ચકાસે.
આપણે બધા જ  જાણીએ છીએ કે આ બન્ને માર્ગની કોઇ સરખામણી જ ન થઇ શકે. એક સાવ મૂર્ખામીભર્યો તો બીજો ખંત અને અનુકુલનનો મૂર્તસ્વરૂપ પર્યાય.પહેલો રસ્તો છે નિષ્ફળ થવાની ખોટી રીત અને બીજો છે નિષ્ફળ થવાની સાચી રીત.
હવે આપણે થોડી એવી લાક્ષણીકતાઓ જોઇએ જેનાવડે આપણે નિષ્ફળ થવાની સાચી રીતને અનુસરી રહ્યા છીએ તેમ નક્કી થાયઃ
૧.અનુકુલતાઃ દરેક અસફળતા હવે પછીના પ્રયાસ વધુ સારી રીતે કરવાની શીખ આપે.
૨.કાર્યકુશળતાઃ જો તમે દરેક નિષ્ફળતામાંથી કશું શીખતા જ હો તો, દરેક નિષ્ફળતા પછી તમારી કાર્યકુશળતા સુધરવી જોઇએ. નિષ્ફળતાસાથેની તમારી મુઠભેડને કારણે તમારા અનુભવમાં વધારો થવો જોઇએ.
૩.સામર્થ્ય (આવડત)ઃ તમે આજે શું કરી શકો છો તે તમારી આવડતને આભારી છે. સમય સાથે તે આવડતમાં સુધારો થતો રહેવો જોઇએ.તમારી આજની અને આવતીકાલની કે પછી આ વર્ષની અને આવતીસાલની આવડતમાં માપી શકાય તેટલો દેખીતો સુધારો થવો જોઇએ.
૪. કરો અને શીખોઃ વાંચન તમને જ્ઞાન પૂરૂં પાડે,પણ તે જ્ઞાનને આત્મસાત કરવા તે  જાતે કરવું પડે.નિષ્ક્રિયતા કે આળસને કારણે મળેલ નિષ્ફળતા તમારા વિચારને ધારદાર નહીં કરે. પરંતુ, ધ્યેયલક્ષી પ્રયાસની નિષ્ફળતા અલગ જ હોય છે,કારણકે તેની સાથે વાસ્તવિક અનુભવ જોડાયેલ હોય છે.તે વિચારશક્તિને પ્રબુધ્ધ જરૂર કરે.
૫. વિશ્વાસઃ એવી નિષ્ફળતા ઇચ્છનીય છે જે (પોતાના)  વિશ્વાસને નવપલ્લવીત કરે, નહીં કે તેને કરમાવી નાંખે. આપણા ભાગે બન્ને ભોગવવાનાં તો આવે જ, પરંતુ પહેલા પ્રકારની નિષ્ફળતાની કિંમત વધારે ગણાય.
૬.નમ્રતાઃ કેટલાક કિસ્સાઓમાં નિષ્ફળતાનો દોષનો ટોપલો કોઇની ઉપર ઢોળી દઇ ને આપણો અહં પોષી શકાય ખરો. પણ તેમ કરવાથી ન તો ટુંકે ગાળે કે ન તો લાંબે ગાળે કોઇ મદદ મળે.અહંને હંમેશ થોડા થોડા મઠારતા રહેવું જોઇએ.
૭. સફળતાઃ જે નિષ્ફળતા આપણને અર્થસભર પાઠ શીખવે તે આપણને વધારે સારી વ્યક્તિ બનવામાં મદદરૂપ થાય, અને તાર્કીકરીતે,તેનાથી ભવિષ્યની સફળતાની શક્યતા વધે.
તો, શું તમે સાચી રીતે નિષ્ફળ થાઓ છો ખરા?
રાજેશ સેટ્ટી, સિલિકૉન વૅલી સ્થિત ઉદ્યોગ-સાહસિક, લેખક અને વક્તા છે, તેઓ 'સ્પાર્કટૅસ્ટીક (Sparktastic) બનાવે અને મર્યાદીત-આવૃત્તિમાં પ્રસિધ્ધ પણ કરે છે. તમે તેને અહીં twitter.com/rajsetty ટ્વીટ કરી શકશો.
n  ભાવાનુવાદઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ, ભારત
n  અંગેજીમાં મુળ લેખ માટે http://www.openforum.com/articles/the-art-of-failing-right ની મુલાકાત લો.