શુક્રવાર, 2 ડિસેમ્બર, 2011

અશ્વનું સમયાતીત શાણપણ - દેવદત્ત પટ્ટનાયક


પૂર્વ જન્મપર આધારીત ભારતનું આધ્યાત્મીક શાણપણ 'સનાતન'તરીકે જાણીતું છે, જેનો અર્થ થાય છે - સ્થળ [ભૂગોળ], કાળ[ઇતિહાસ] કે પાત્ર [સમાજ]પ જેને મર્યાદિત નથી કરી શક્યું તેવું સમયાતીત શાણપણ. આમ તેને હિંદુસ્તાનનું કે હિન્દુ શાણપણ માત્ર કહેવું ઉચિત નથી. જે સમયાતીત કે સાર્વત્રિક હોય તે હિંદુસ્તાન કે હિંદુસ્તાનીયત સુધી સિમીત કેમ ગણી શકાય. તેમ કરવુ પણ, રોકી ન શકાય તેવાં સ્વત્વબોધક નામ કે સર્વનામના મોહ  જેવું નિરર્થક મિથ્યાભિમાન ગણાય.
હિંદુસ્તાન, હિંદુસ્તાનીઓ ને સનાતન વચ્ચેના સંબંધને સમજવામાટે આપણે એક ઉદાહરણ જોઇએઃ
પોતાની દરીદ્રતાથી કંટાળીને એક સાધુ મંદિરમાં ભગવાનપાસે આમાંથી છુટકારો મેળવવામાટે તપ કર્યું. ભગવાને પ્રસન્ન થઇને તે રાત્રે સાધુના ઘરનાં આંગણાંમાં એક સોનાનો ઘડો રાખી દીધો. સવારે સાધુ તે ઘડાને જોઇ ખુશ થયો, પરંતુ તેણે ઘડામાં પાણી ભરેલું જોઇ નવાઇ તો લાગી.તેણે પાણી ફેંકી દીધું અને ઘડો વેપારી પાસે જઇને વેંચી આવ્યો. તે પૈસાથી તેણે પોતાનું બધું જ કરજ ચૂકવી દીધું અને પોતાનાં કુટુંબમાટે ખુબ ભેટ સોગાદ લઇને ઘરે આવ્યો. થોડા સમયમાં જ તેની પત્ની, મા-બાપ,છોકરાં, સગાં-વહાલાંઓએ સંપત્તિમાં પોતના ભાગમાટે ઝઘડવાનું શરૂ કરી દીધું.આ માનસિક સંતાપથી ફરીથી કંટાળીને સાધુ ફરીથી ભગવાન પાસે ગયો અને ફરિયાદ કરવા લાગ્યોઃ "તમે તો સોનાના ઘડાથી મારા પ્રશ્નો ખતમ કરી દેવાને બદલે વધારે ગૂંચવી દીધા." ભગવાને કહ્યુંઃ "સોનાનો ઘડો?કેવો ઘડો અને કેવી વાત? મેં તો તને અને તારાં કુટુંબપુરતું સંતોષનું અમૃત આપ્યું હતું, જો કે તે હતું સોનાના ઘડામાં. શું તમે તે નથી પીધું?”
સાધુ હિંદુસ્તાનીઓનું પ્રતિક છે,સોનાનો ઘડો હિંદુસ્તાનનું અને સંતોષનું અમૃત સનાતન શાણપણનું. હિંદુસ્તાન ઉપખંડમાં સનાતનનો પ્રભાવ વ્યાપક રહ્યો હતો, પરંતુ બધા જ હિંદુસ્તાનીઓ તેને પચાવી નથી શક્યા, અન્યથા પૂરી દુનિયામાં તે સહુથી વધારે સંતુષ્ટ અને પ્રેમાળ પ્રજા હોત. જો કે સનાતનનાં સાંન્નિધ્યથી ફાયદા પણ થયા છે. તેણે ભારતીય અસ્મિતાને લાક્ષણિક રીતે ઘડી છે, જેના કારણે હિંદુસ્તાનીઓ સમાધાન, સંદિગ્ધતા, નિંદા,સ્વનિરિક્ષણ અને અનિશ્ચિતતાને સહજરીતે જીવી જાણે છે.
સનાતનનો ફેલાવો માત્ર હિંદુસ્તાન ઉપખંડમાં જ કેમ થયો? આપણે તે અંગે કોઇ ચોક્કસ કારણો તો નહીં આપી શકીએ, પરંતુ નવી ભાતનું અનુમાન કરી શકીએઃ
અશ્વ આમ તો મૂળે હિંદુસ્તાનનું પ્રાણી નથી, પરંતુ હિંદુ ધર્મમાં તેનું મહત્વ ઘણું રહ્યું છે.પૌરાણિક સમયમાં અશ્વમેધ યજ્ઞમાં તેનો બલિ ચડાવવાની પ્રથા હતી, તેમ જ મધ્યયુગમાં હયગ્રીવ દેવ તરીકે તેની પૂજા થતી. દક્ષિણ ભારતમાં પૂજાના અર્ધ્યરુપે પકવેલ માટીની મૂર્તિઓ ધરાવવાની પરંપરા પણ નોંધાયેલ છે.
સમગ્ર ઇતિહાસના સમયથી હિંદુસ્તાનની વાયવ્ય ટોચની પર્વતમાળાના ઘાટમાથી થઇને ઘોડા -ગાડીઓ કે ઘોડાપર ચડીને લોકો દાખલ થતા અને પછી કદી પાછા ન ફર્યા.આ યાદીમાં મોગલ, તે પહેલાં હુણ, તેનાથી પહેલાં ગ્રીક અને પર્શીયન અને તેનાથી પણ પહેલાં અગણિત પશુપાલક જાતિઓ સામેલ છે.આપણને તો આ ક્યારથી ચાલી રહ્યું છે તે પણ યાદ નથી. ઇન્ડૉ-યુરપીઅન મૂળવાળી કે દ્રવીડિઅન મૂળવાળી તો વળી કોઇ કોઇ [ઝારખંડના આદીવાસીઓ વિસ્તારોની કેટલીક બોલીઓ] ઑસ્ટ્રૉ-આફ્રીકન મૂળસુધી જતી, આટલાં વૈવિધ્યવાળી, ભાષાઓ એક જ ઉપખંડમાં જ કઇ રીતે સાથે રહી શકે તે સમજવું મુશ્કેલ છે.
ઘોડેસ્વારો સિંધુ, ગંગા,નર્મદા,કૃષ્ણા,કાવેરી અને હવે લુપ્ત થયેલ સરસ્વતીના ફળદ્રુપ પ્રદેશોમાંથી દાખલ થતા. ધરતી એટલી રસાળ હતી કે આ બધી ભટકતી જાતિઓને પૂરતાં ખોરાક -પાણી મળી રહ્યાં.આવું ફરીફરીને, પેઢી દર પેઢી, હજારો વર્ષોથી ચાલતું આવ્યું છે.
ભટકતું શરીર તો સ્થિર થયું,પણ ભટકતું મન સ્થિર પર્વત અને વહેતી નદીઓમાથી વરસાદને નિશ્ચિત સંગ્રહેલાં વાદળોમાંથી થઇને તારાચ્છાદિત અકાશસુધી રઝળપાટ કરતું રહે છે. તેઓ તેમની રઝળપાટ સમયની અછત અને હિંદુસ્તાનના નદીકાંઠાઓની વિપુલતાની વાસ્તવિકતાસાથે મેળ બેસાડતાં જીવનનો અર્થ શોધતા રહ્યા છે.
હિંદુસ્તાનની ધરતી એ દરેક નવી જાતિમાટે જગ્યા કરી આપી અને લોકોએ કશું જ અસ્વિકાર કર્યા સિવાય દરેક નવા વિચારમાટે જગ્યા કરતાં કરતાં એવી એવી વિચારધારા વિકસાવી જેમાં દરેક માન્યતા સ્વિકૃત હતી અને દરેક દ્રશ્ટિકોણ સમાવિષ્ટ હતો. આ બધાંમાટે જગ્યા બનાવવામાટે બહુવિધ જન્મ,પુનઃજન્મ, કર્મ જેવી માન્યતાઓએ પણ જન્મ લીધો. આ છે સનાતનની જન્મકુંડળી.
એક્માત્ર યુરૉપીયનો જ એવી પ્રજા હતી જે હિંદુસ્તાનમાં આવી,સૌજન્ત્યપૂર્ણ અંતર જાળવીને રહી અને પાછી જતી રહી.તેમણે ઘણા હિન્દુસ્તાનીઓને સનાતન વિચારસરણી ન સ્વિકારવામાટે પ્રોત્સાહિત કર્યા. તેઓ વ્યક્તિ-નિરપેક્ષતા, સંપૂર્ણતા અને બીજાઓસાથે જરૂર પૂરતો વ્યવહાર જેવી માન્યતાઓના આગ્રહી હતા.તેમની આ વિજ્ઞાન-અભીગમી વિચારસરણીએ એન્જીનીયરીંગ-વિચારશક્તિ વિકસાવી, જેણે સંપત્તિ,ટૅક્નૉલૉજી અને ઇન્ટરનનૅટવડે દુનિયાને વૈશ્વિક ગામડું બનાવી નીરસ-નિવાસ કરી નાખી - એવું ગામડું જ્યાં દરેક વ્યક્તિ કારકીર્દીની પાછળ કુદાકુદ કરીને સતત રઝળપાટ કરતી રહે છે  કે પછી ઇન્ટરનનૅટપર સતત શોધ જ કર્યા કરતી હોય છે. આ દુનિયામાં બધા એકબીજા સાથે વિવાદ જ કરતા રહે છે  અને પોતે જ સાચા છે તેમ માનતા રહે છે.જેમની પાસે કંઇ નથી તે જેમની પાસે કશું છે તેમની, અથવા જેમની પાસે કંઇ છે તેઓ જેમની પાસે કશું નથી તેઓની, બાદબાકી કરવામાં વ્યસ્ત રહે છે.
કૃષક વિચારશક્તિએ  આ બધામાં થોભો અને રાહ જૂઓની નિતિ અપનાવેલ છે. તેણે અંગ્રેજી, ટીવી,ઇન્ટરનૅટ અને એમટીવીને પોતાની જીવનશૈલીમાં અપનાવી લીધેલ છે, પણ તેને જૂની રીતરસમનાં મહત્વની ખબર છે. સતત -ચલિત નવી પેઢીમાટે સ્થિર થવું અઘરું છે, પરંતુ છેવટે તો સ્થિર થવું જ પડશે.જૂની અને નવી પેઢીએ સમજૂતી તો કરવી જ રહી. જમણેરી અને ડાબેરી વિચારસરણીઓ પોતપોતાની જગ્યાએ સાચી છે. તે જૂએ છે હરકોઇ રઘવાટથી તેમની આગવી રીતે, બીજાઓને બાજૂએ રાખીને,દુનિયાને  બચાવવા નીકળી પડેલ છે. તેને આશ્ચર્ય પણ છે કે આ બધા ક્યારે સમજશે કે માણસની વિચારશક્તિ એટલી વ્યાપક છે કે તે બધી જ વિચારસરણીઓને સમાવી શકે તેમ છે.બધાંએ યથાયોગ્ય સમયે આ નિષ્કર્ષપર પહોંચવું જ રહ્યું.
જેમ હંમેશ થતું આવ્યું છે તેમ, અંતે અશ્વ વિચારશક્તિ અસ્થાયી મનોવૃત્તિને વાયવ્યની પર્વતમાળાના ઘાટમાંથી જ પાછી વાળી લાવશે. અછત ફરીથી માથું ન ઉંચકે તે માટે તે અશ્વમેધની જેમ પોતાની આહુતિ આપતાં અચકાશે નહીં; તે જ અ રીતે વિપુલતાના દ્યોતક તરીકે હયગ્રીવની જેમ પોતાની ભક્તિ પણ થવા દેશે.
  • ફર્સ્ટ સીટીમાં નવેમ્બર,૨૦૧૧માં સૌ પ્રથમ પ્રસિધ્ધ થયેલ.
*       ભાવાનુવાદઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો