ગુરુવાર, 23 ફેબ્રુઆરી, 2012

તમારાં મૂલ્યોનું અવમૂલ્યન - દેવદત્ત પટ્ટનાઇક


સતી એ શિવજીને તેમનું ઘર બતાડવાની માંગણી કરી.શિવજી પાસે તો કોઇ ઘર તો હતું નહીં. એટલે તેમણે પૂછ્યું," ઉનાળામાં તમને ગરમીથી રક્ષણ કઇ રીતે મળે છે?" જવાબમાં શિવ તેમને દેવદારનાં વૃક્ષોથી આચ્છાદીત ખીણમાં લઇ ગયા.સતી એ તેમને આગળ પૂછ્યું, "તમને વરસાદથી રક્ષણ કઇ રીતે મળે છે?" શિવજી તેમને ગુફામાં લઇ ગયા. સતીએ ફરીથી પૂછ્યું, "તમને શિયાળામાં ઠંડીથી રક્ષણ કઇ રીતે મળે?" એટલે શિવજીએ હીમાચ્છાદીત કૈલાશ પર્વત બતાવ્યો. "તમે તમારો અગ્નિ કયાં રાખો છો?”,  સતીએ હજૂ આગળ પૂછ્યું. શિવજી તેમને સ્મશાનમાં લઇ ગયા જ્યાં કોઇને કોઇ ચિતા તો બળતી જ હોય છે.સતી એ તો શિવજીને ભોળાનાથ  જાહેર કરી  દીધા;તેમના પ્રેમમાં પડી ગયાં.સતીના પિતા,દક્ષ,ની નજરોમાં તો શિવજી ગમાર, અસભ્ય, સંસ્કૃતિમાં જે કંઈ માન્ય ગણાતું તેના વિનાશક હતા. શિવજીને સતીની ઘરની જરૂરીયાત માની લીધેલ બીનજરૂરી જણાતી હતી અને સમજાતી પણ નહોતી.તેમને દક્ષનો તેમનામાટેનો વિરોધ પણ વિચિત્ર લાગતો હતો;કુદરતી રીતે કશું જ વધારાનું નથી હોતું, દરેકને પોતાનું સ્થાન હોય છે.

મૂલ્ય કાલ્પનિક હોય છે. પ્રાણી જ્યારે ભૂખ્યું હોય છે ત્યારે તે ખોરાકની કિંમત સમજે છે.તે જ્યારે ભયભીત હોય છે,ત્યારે આશરાની કિંમત સમજે છે.એક મનુષ્ય જ ભૂખ કે ભય ન હોવા છતાં ખોરાક અને રહેઠાણ શોધતો રહે છે.અથવા તો એમ સમજીએ કે પેટ ભરેલું હોવા છતાં માનવી ભૂખ્યો હોય છે અને તેને કોઇ મારવામાટે ન ફરતું હોય તો પણ તે ભયભીત રહેતો હોય છે. આ બધું તેના ભ્રમને કારણે છે. આમ આપણે વસ્તુઓને માન્યતા આપીને તેમને મહત્વ આપી દેતા હોઇએ છીએ.

તાર્કીક રીતે જૂઓ તો રવિન્દ્રનાં દક્ષિણ મુંબઇમાં રહેવાનો કોઇ જ અર્થ નહોતો. તેની ઑફીસ ઉત્તર મુંબઇનાં દૂરનાં પરાંમાં હતી. કંપનીના મુખ્ય સંચાલકની રૂએ તે ત્યાં જ નજીકમાં, કે મધ્ય મુંબઇમાં, મોટો બંગલો લઇ શક્યો હોત, જ્યાંથી તેને મહાનગરનો કોઇ પણ ભાગ સરખાં અંતરે જ પડતો હોત. પરંતુ બધાંએ તેને સલાહ આપી કે મહત્વની બધી જ વ્યક્તિઓ દક્ષિણ મુંબઇમાં જ રહે છે. ઘર એ કંઇ માત્ર સગવડમાટે જ નથી , તે તો મોભા અને મોટાઇનું પણ પ્રતિક છે.રવિન્દ્ર જાણતો હતો કે તેને અને તેની પત્નીને પણ મોટાં માથાંઓ સાથે મહાલવામાં મજા પડતી હતી, આથી તેઓ તો દક્ષિણ મુંબઇમાં જ રહેવાના અભરખા ધરાવતાં હતાં.તેથી મુખ્ય સંચાલક તરીકે જોડાતાંની સાથે જ તેણે દક્ષિણ મુંબઇમાં રહેઠાણની માંગણી કરી.ઘરની કિંમત અતિશય મોંઘી હતી, તેથી મુખ્ય હિસાબી અધિકારીએ વિરોધ પણ કર્યો.પણ રવિન્દ્ર કોઇ જ દલીલ સાંભળવા નહોતો માંગતો. તે જે માંગતો હતો તેનું મૂલ્ય તેને ખબર હતી. તે કંઇ શિવ નહોતો.તેને દક્ષના ખેલના નિયમોની ખબર હતી. અંતે, તેનામાટે ફ્લૅટ તો ખોળી કઢાયો, તેની ઑફીસ પાસે લીધો હોત તેના કરતાં અર્ધો, ઓછાં ટૉયલૅટ્સ અને પાર્કીંગની જગ્યાવાળો. પરંતુ તે મુખ્ય સંચાલકનું સત્તાવાર રહેઠાણ હતું, જેનો રહેવાસી પોતના મોભા ખાતર દરરોજ ના આવવાજવાના બબ્બે કલાક્ની સફર કરવા તૈયાર હતો.

મૂલ્યની કલ્પના જ  આવકને વધારે છે.તે મૂલ્ય જ સામાન્ય ચીજવસ્તુ માથી બ્રાંડ બનાવે છે અને ઉંચી કિંમત અંકાવડાવે છે. લોકો કોઇ ઉત્પાદન કે સેવા કે વિચારને નથી ખરીદતા, તેઓ તો ખરીદે છે તેનાં મૂલ્યને.મૂલ્ય દરેક વ્યક્તિમાં છૂપાયેલ પ્રાણીના ભયમાં ઘટાડો કરે છે,શિકારીને સંતોષે છે અને શિકારને રાહત આપે છે.

n  કૉર્પૉરૅટ ડૉઝીયર, ET  માં ૨ ડીસેમ્બર,૨૦૧૧ના રોજ પ્રસિધ્ધ થયેલ.

n  મૂળ લેખ DEVALUING YOUR VALUE નો અશોક વૈષ્ણવ, અમદાવાદદ્વારા અનુવાદ