મંગળવાર, 28 ઑગસ્ટ, 2012

કાશીના કોટવાળ - દેવદત્ત પટ્ટનાઇક


કાશી શહેર કાળ ભૈરવનાં મંદિર માટે પ્રખ્યાત છે. કાળ ભૈરવ કાશીના રખેવાળ - કોટવાળ - પણ મનાય છે. તેમની જાડી મુછો, વાહન તરીકે શ્વાન, વસ્ત્ર તરીકે વ્યાઘ્રચર્મ, ગળામાં ખોપરીઓનો હાર અને એક હાથમાં ગુન્હેગારનું ધડથી વાઢી નાખેલું માથું - એ આપણને કેટલાક પોલીસ જેટલો જ ડર પેદા કરે છે.
 
લોકો તેમનાં મદિરે ભુવાદ્વારા મેલીવિદ્યા (જાદૂ ટોના)ની કે કોઇ કુદ્ર્ષ્ટિની અસરની સાફ-સફાઇ - ઝાડ [દોરાધાગા] - કરાવવા જાય છે. મંદિરની આસપાસની દુકાનો કાળ ભૈરવનાં રક્ષણનાં પ્રતિક રૂપે હાથે બાંધવાના કાળા દોરા અને લોખંડનાં કડાં વેંચે છે.

એવું કહેવાય છે કે વિશ્વનાં સર્જન પછીથી બ્રહ્મા ઉધ્ધત થઇ ગયા હતા, તેથી તેમનો શિરચ્છેદ કરવા માટે શિવએ ભૈરવનું રૂપ ધારણ કર્યું હતું. બ્રહ્માનું માથું શિવની હથેળીપર ડામ બનીને ચોંટી ગયું અને તેઓ આખી પૃથ્વી ઉપર બ્રહ્મહત્યા - સર્જકની હત્યા-નાં કલંક સાથે ભમતા રહ્યા.

આખરે શિવ કૈલાસથી ગંગાના પ્રવાહમાં દક્ષિણ તરફ નીચે ઉતર્યા. એક જગ્યાએ નદીની દિશા ઉત્તર તરફની થતી હતી. એ જગ્યાએ, તેમણે નદીમાં હાથ બોળ્યો,તો બ્રહ્માની ખોપરીના ડામનો ડાઘ હથેળી પરથી સાફ થઇ ગયો, આમ શિવ બ્રહ્મ-હત્યાનાં પાતકમાંથી મુક્ત થયા. આ જગ્યા એ વિખ્યાત શહેર,( મુક્તિ મળે તે ધામ)અવીમુકત, વિકસ્યું, જે હવે કાશી તરીકે ઓળખાય છે. એમ માનવામાં આવે છે કે શહેર શિવનાં ત્રિશૂળ પર સ્થિત છે. અહીં શિવ, શહેરવાસીઓને શહેરતરફની ધમકીઓથી બચાવનાર,સંરક્ષક તરીકે રહ્યા છે.

આઠ ભૈરવ આઠ [ચાર  મુખ્ય અને ચાર ક્રમવાચક] દિશાઓની રક્ષા કરતા હોય તેવી પરિકલ્પના વિવિધ પુરાણોમાં વ્યાપક પણે જોવા મળે છે.દક્ષિણ ભારતમાં, ઘણાં ગામોમાં આઠ વૈરાવર [ભૈરવનું સ્થાનિક નામ]નાં આઠ મંદિરો ગામના આઠ ખુણાઓમાં જોવા મળે છે. આમ ભૈરવ એક સંરક્ષક દેવ તરીકે સર્વસ્વિકૃત જણાય છે.  

તે જ રીતે ઘણાં જૈન દેરાસરોમાં પણ ભૈરવ તેમની સાથી,ભૈરવી, સાથે રક્ષકની ભૂમિકામાં જોવા મળે છે. ગુજરાત અને રાજસ્થાનમાં દેવીનાં મદિરોની રક્ષામાટે કાળ ભૈરવ અને ગોરા ભૈરવ જોવા મળે છે. કાળ ભૈરવની  કાળ તરીકેની ઓળખ પણ સામાન્યરીતે વધારે પ્રચલિત છે.અહિં કાળનો સંદર્ભ સમયકાળનાં કાળઅંધારી બખોલ જણાય છે જેમાં બધું જ સ્વાહા થઇ જતુ હોય છે. કાળ ભૈરવને મદિરા અને બેકાબૂ ઉન્માદ સાથે પણ સાંકળવામાં આવે છે. જ્યારે ગોરા ભૈરવ, કે બટુક ભૈરવ દુધ પીતા એક બાળક તરીકે કલ્પવામાં આવે છે, એવું દુધ કે જેમાં ક્યારેક ભાંગ પણ મેળવવામાં આવી હોય.  

ભૈરવ નામનું મૂળ 'ભય' કે ડર શબ્દમાં રહેલ છે. ભૈરવ ડર પેદા પણ કરે છે અને ડર દૂર પણ કરે છે.તે આપણને યાદ કરાવે છે કે ડર એ બધી માનવોચિત નબળાઇઓનું મૂળ છે. બ્રહ્મા નકામા થઇ જવાના ભયને કારણે તેમનાં સર્જનને વળગી રહેવા લાગ્યા અને ઉધ્ધત થઇ ગયા. ભયને કારણે આપણે આપણાં વ્યક્તિત્વની ઓળખને એવી રીતે વળગી રહીએ છીએ જેમ કુતરૂં હાડકાંને કે તેના વિસ્તારને વળગી રહે છે. આ સંદેશાની વધારે ચોખવટ કરવા માટે જ ભૈરવનું વાહન શ્વાન ગણાવાયેલ છે. કુતરૂં તેના માલિકની ખુશી જોઇ પુંછડી પટપટાવે અને માલિકનો ગુસ્સો જોઇ પુંછડી દબાવી દે. એ પ્રકારની વફાદારી કે આસક્તિનાં બંધનમાંથી જન્મતા ભય અને અસલામતીને કારણે આપણે બીજાંઓ પર કુદ્રષ્ટિ કરવા પ્રેરાઇએ છીએ અને બીજાઓની કુદ્રષ્ટિથી પીડાઇએ છીએ. ભૈરવ આપણને આ બધાંમાંથી મુક્તિ અપાવે છે.
*        સન્ડે મિડડેની દેવલોક પુર્તિમાં જૂલાઇ ૨૯,૨૦૧૨ના રોજ પ્રથમ પ્રગટ થયેલ.
  •  અસલ અંગ્રેજી લેખ, The Kotwal of Kashi, લેખકની વૅબસાઇટ, Devdutt.com, પર ઑગસ્ટ ૨૩,૨૦૧૨ના રોજ,  Articles, Indian Mythology ટૅગ હેઠળ, પ્રસિધ્ધ થયેલ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો