શુક્રવાર, 31 ઑગસ્ટ, 2012

રાજેશ સેટ્ટી રચિત લઘુ ગાથા સંગ્રહ - ગુચ્છ ૯


દરેક વાતમાટે કોઇને કોઇ સમર્થન તો હોય છે જ. તમારૂં સમર્થન તમને મદદ કરે છે કે નુકસાન?
ફણીશ તેની "યાદો"ની સમસ્યાને કારણે રોષમાં હતો. તેની ભૂતકાળની યાદ દુઃખદાયક હતી. જ્યાં સુધી 'સદા ખુશ" બટુકને નહોતો મળ્યો ત્યાં સુધી ફણીશ પોતાના રોષને વ્યાજબી ઠેરવતો રહેતો હતો. દુઃખદાયક ભૂતકાળ હોવા છતાં સદા ખુશ રહેવાનું બટુકનું રહસ્ય હતું - તેનો "આજ ની ખુશ પળો 'આવતીકાલની યાદો' માટેનો વીમો છે" અભિગમ.
ફૉટૉ સૌજન્યઃ   _naveen_ on Flickr
#82 - ભય
જ્યારે તમને ભય લાગતો હોય ત્યારે એક વાત યાદ રાખશો - " તમારી પાસે જે છે જ નહીં તે તમે ખોઇ શકવાના નથી."
નિમિષ પહેલ કરતાં ડરતો હતો. તેઓ, મહિનાઓ સુધી, દરરોજ, એકબીજાંને કૉફીશૉપમાં જોતાં, ક્યારેક સ્મિતની આપલે પણ થતી. તારાને તે મનોમન ચાહવા પણ લાગ્યો હતો. આખરે જ્યારે તેણે હિંમત કરીને તારા સાથે વાત કરી, ત્યારે તારા બોલી ઉઠી," મને સહુથી વધારે ડર એ હતો કે કદાચ આ દિવસ આવશે જ નહીં."
ફૉટૉ સૌજન્યઃ   Khadejeh on Flickr
મારા મિત્ર નવીન લક્કુરે મને એક જૂની કહેવતની યાદ અપાવી: "અશક્ય એટલે અ(હીં)શક્ય" / "Impossible" is nothing but "I M possible"
છેલ્લાં એક વર્ષમાં "આ શક્ય નથી" તેવું ત્રિદિવ તેના મિત્રો પાસેથી અનેકવાર સાંભળી ચૂક્યો હતો. તે દિવસે બધા એને ઘરે આવ્યા હતા અને એ જ લાગણી પડઘાવતા હતા - "એ શક્ય નથી." ત્રિદિવે હસીને કબાટમાંથી નવુંનક્કોર સાધન કાઢ્યું. બધા ચકાચૌંધ રહી ગયા. જે "શક્ય" નહોતું ,તે હવે નક્કર વાસ્તવિકતા હતી!
ફૉટૉ સૌજન્યઃ   suzy_yes on Flickr
#84 - નકલ
નકલ કરવાની વ્યૂહ રચનાની નિયતિ જ નિષ્ફળતા  છે.
નવું સાધન સરિયામ નિષ્ફળ નીવડ્યું. બ્રિજેશ સદંતર હતાશ થઇ ગયો હતો. તેણે બજારમાંનાં અગ્રણી ઉત્પાદનની નકલની પાછળ અઢાર મહિના દિવસરાત એક કર્યાં હતાં. તેમ છતાં, તેનું નવું સાધન બજારમાં રજૂ થતાંવેંત પીટાઇ ગયું હતું. કારણ? આગલા દિવસે જ એક નવું ઉત્પાદન બજારમાં મુકાયું હતું, જેણે પેલાં બન્નેને અપ્રસ્તુત કરી નાખેલ.
ફૉટૉ સૌજન્યઃ   Mohammed AL-Awadi on Flickr
સર્વાંગી પરિવર્તન શરૂ કરવા માટે એક ટકોરની જરૂર હોય છે.
રોનકને રંગમંચનો જબરો ડર હતો. તેના ગુરૂએ ખાલી, અંધારાં સભાગૃહની સામે પોતાનું વ્યક્તવ્ય ભજવવાનું સૂચન કર્યું. તેણે ૨૦ મિનિટ સુધી અસ્ખલિત વ્યક્તવ્ય આપ્યું. રોનકનો પ્રયાસ સફળ થયો હતો! એ જ સમયે સભાગૃહમાં થઇ ઉઠેલી રોશનીને તાળીઓના ગડગડાટે સજીવ કરી નાખી - રોનક સભાગૃહના પછળના ભાગમાં બેઠેલ સોએક જણાંને જોઇ રહ્યો.
ફૉટૉ સૌજન્યઃ   Alan van Roemburg on Flickr
તમારા અભિગમમાં થોડો ફેરફાર પરિણામોપર બહું મોટી અસર કરી શકે છે.
જોગેશે ભાર્ગવને નિયમિત કલાકો પ્રમાણે ઑફિસ આવવા સમજાવ્યું. ભાર્ગવ હતો તો બુધ્ધિશાળી. આખું વર્ષ, દરરોજ, તેણે વ્યવસાય-સાહસ-વાંચ્છુકોના સવાલોના જવાબ આપ્યા. તેના જન્મદિવસે તેનાં ટેબલ પર પુસ્તક - "ભાર્ગવ સાથે પ્રશ્નોત્તરી" - પડ્યું હતું,જેની ઉપર લખેલી નોંધ કહેતી હતી, "અને તું માનતો હતો કે તું પુસ્તક લખી ન શકે! સપ્રેમ, જોગેશ."
ફૉટૉ સૌજન્યઃ   graycen on Flickr
કોઇ પણા વાતે ધ્યાન કેંદ્રીત કરવું એ સારી વાત છે, પરંતુ તેની સાથે વૈકલ્પિક (અને વધારે સારા) માર્ગ શોધી કાઢવા પણ તૈયાર રહેવું જોઇએ.
જૈમિનનો બાળપણનો મિત્ર,ચેતન, તેની સફળતાથી સાશ્ચર્ય ખુશ હતો. જૈમિને જોયેલાં  સ્વપ્ન અને તેણે સર કરેલી સિધ્ધિઓ સાવ અલગ હતાં.વારંવાર ધ્યેય બદલતાં રહેવા છતાં, જૈમિન ખુબ જ સફળ રહ્યો હતો. તેનું રહસ્ય આ રહ્યું:"મંઝિલ પર મારૂં ધ્યાન કેન્દ્રીત કરવાની સાથે સાથે મેં, નિયમિતપણે, વધારે અસરકારક તક ખોળતા રહેવાનું છોડી નહોતું દીધું."
ફૉટૉ સૌજન્યઃ   Cave Hominis on Flickr
#88 - ફર્ક
પ્રયત્ન ન કરવાનાં કારણો તો મળી રહેશે.પણ મોટે ભાગે તેમાં કોઇ ખાસ વજૂદ નહીં હોય.
પોતાને અવગણીને જતીનને બઢતી મળી તેથી રાકેશ નાખુશ હતો. બન્નેને લગભગ એક સરખી જવાબદારી સોંપાઇ હતી અને બન્ને તેમાં લગભગ સરખા "અસફળ" હતા. તેના અકળામણસભર સવાલના જવાબમાં તેના ઉપરી, જાગૃતે કહ્યું કે, "ફર્ક એટલો કે તારી પાસે પ્રયત્ન કરવાનાં કારણો માત્ર હતાં, જ્યારે જતીન પ્રયત્ન કરીને અસફળ રહ્યો છે."
ફૉટૉ સૌજન્યઃ   Eastern Washington University on Flickr
વણખેડાયેલો માર્ગ એકાંત હોય છે. મંઝિલનો અંત સ્પષ્ટ ન દેખાતો હોવા છતાં સફર અણમોલ બની રહે છે.
ચાર વર્ષ બાદ રાગેશનું નવું સાહસ આશાસ્પદ જણાઇ રહ્યું હતું.રાગેશ થાક્યો હતો - મહિનાઓ સુધી ન કોઇ પગાર, ન વૅકેશન કે અઠવાડીક રજાઓ. તેના મિત્રો કહેતા,"બીજે કશે તું, આરામથી, સારી કમાણી કરી શક્યો હોત!" રાગેશે હસીને કહ્યું," કોઇપણ જગ્યાએ, કોઇનાથી પણ પહેલાં, તમારાં પગલાંની નિશાની છોડી જવાનું કોઇ મૂલ્ય નથી."
ફૉટૉ સૌજન્યઃ   dieselpower83 on Flickr
જ્યારે તમે સાચી પરિયોજનાઓસાથે સંકળાયેલ હો છો, ત્યારે દરેક નિષ્ફળતામાંથી બહુ ઘણું શીખવા મળે છે.
ત્રિદિવની નજરોમાં  જતીન "નિષ્ફળ" હતો.પાંચ વર્ષમાં, ત્રિદિવ કૉર્પૉરૅટ સીડીનાંપગથિયાં ચડીને ડાયરેક્ટરનાં પદે પહોંચી ગયો હતો. જ્યારે જતીન,કવચિત સફળતાઓ વચ્ચે, શ્રેણીબધ્ધ "નિષ્ફળ" પ્રયોગો પર કામ કરતો દેખાઇ રહ્યો હતો. એટલે, જતીનની અભિનવ સંશોધન વિભાગના વડા" તરીકેની, પોતાની જ કંપનીમાં, નિમણૂક, ત્રિદિવમાટે આઘાતજનક ઘટના બની રહી. જતીનના "પ્રયોગો" આખરે મહોરી ઉઠ્યા હતા.
ફૉટૉ સૌજન્યઃ   dieselpower83 on Flickr
v  રાજેશ સેટ્ટી  રચિત  લઘુ ગાથા સંગ્રહ
v  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ, ભારત // ઑગષ્ટ ૩૧,૨૦૧૨ ǁ

અનુવાદકની પાદ નોંધઃ  ૫૦ (જ) શબ્દોની મર્યાદા અનુવાદમાં પણ ચુસ્તપણે પાળી છે.  તેમ જ,  લેખકે અમેરિકામાં બહુ પ્રચલિત નામો મૂળ અંગ્રેજીમાં લખાયેલ ગાથાઓમાં વાપર્યાં છે, જેનું આ અનુવાદોમાં ભારતીયકરણ કરેલ છે.

પહેલાનાં ગુચ્છઃ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો