શનિવાર, 8 સપ્ટેમ્બર, 2012

તમે હજૂ હાથેથી જમો છો? - દેવદત્ત પટ્ટનાઇક

"તમે હજૂ હાથેથી જમો છો?" ઑપ્રાહ વિન્ફ્રૅએ તેના ભારત વિષેના કાર્યક્રમ દરમ્યાન આવી ટીપ્પણી કરી હોવાનું કહેવાય છે, કેમ જાણે હાથેથી જમવું એ જુનવાણી અને અણછાજતું હોય. પોતાની સહભાવના માટે જાણીતી, એવી ટીવી પ્રતિભાની અન્ય સંસ્કૃતિ પ્રત્યે આટલી હદે અસહિષ્ણુતા! હાથેથી જમવાની સામે આટલો બધો અણગમો શાનો? 
આફ્રિકા, ઑસ્ટ્રેલિયા કે અમેરિકાની આદિજાતિઓ પોતાના હાથેથી જમે છે.ગ્રીક લોકો પણ છરી-કાંટા ન વાપરતાં. રોમન લોકો પણ છરી-કાંટા ન વાપરતાં. જીસસ પણ પોતાના હાથથી જ બ્રેડનો ટુકડો તોડતા.
યુરોપમાં છરી-કાંટાનો પ્રચાર થયો તેનાથી બહુ પહેલાં ચીનમાં જમવામાટે લાકડાંની સળીઓ વપરાતી. સહુથી જુની,કાંસાની, સળીઓ ઇસવી સન પૂર્વે ૧૦૦૦માં નોધાયેલ છે.પૂર્વ એશિયામાં છરીથી કાપવું પડે કે કાંટાથી ભોંકવું પડે તેવું ભોજન મહેમાનને પીરસવું તે અસભ્યતા ભર્યું ગણાય છે.
મધ્ય યુગમાં,યુરોપમાં કઠણ, વાસી, બ્રેડપર રાખીને ખોરાક ખવાતો. એવી બ્રેડ ટ્રેન્ચર્સ તરીકે ઓળખાતી. છરીનો ઉપયોગ જરૂરીયાત તરીકે નહી, પણ પ્રભાવ પાડવા માટે થતો. પુરુષો છરીથી રાંધેલાં માંસના ટુકડા કરી,કાંટામાં ચડાવીને સ્ત્રી વર્ગને આપીને તેમને પ્રભાવિત કરતા. ૧૬મી સદીમાં કૅથરીન દ મેડિસી પહેલા વહેલા કાંટાને દહેજમાં ઇટલીથી ફ્રાંસ લઇ આવેલ. જો કે તે કાંટો તો તે સમયે 'બે-જીભાળા' ચમચા તરીકે  જાણીતો હતો.પહેલાં તો બધાંએ તેની હાંસી ઉડાવી, પણ પછીથી,જેમ જેમ તેના વડે જમવું એ અહંમાન્યતા અને અમીરીની નિશાની ગણાવા લાગ્યું , તેમ તેમ  લોકો તેની નકલ કરતાં થઇ ગયાં.
ખાસ નોંધવાની વાત તો એ છે કે છરી-કાંટાના ઉપયોગનો પ્રસાર યુરોપના સામ્રાજ્યવાદ, અમેરીકાના સંસ્થાનવાદ અને આફ્રિકાની ગુલામીના વિકાસ સાથે સાંકળી શકાય છે. હાથેથી ખાવાને સમાજના દેશી, મજુર અને નોકર વર્ગની સાથે સાંકળી લેવાયું.
પરંતુ, જો જોવામાં આવે તો ભારતીય સેના કે સરકારનાં ઔપચારીક ભોજનસમારંભમાં તેના બધાજ ઑફિસર કે રાજદૂત છરી કાંટાનો ઉપયોગ કરે તેવો આગ્રહ રાખવામાં આવે છે, તેમ જ ઉચિત ગણવામાં આવે છે. હાથેથી જમવાનો વિકલ્પ છે જ નહીં. સાંસ્થાનિક મનોદશાના પડછાયા? અને તો પછી ઑપ્રાહને ઠપકો શાને માટે?
ઠંડા પ્રદેશોમાં હાથ પર મોજાં પહેરેલાં હોય, તેથી કોઇ પણ સાધન વડે જમવું સમજી શકાય. આ જરૂરિયાતને કારણે યુરોપમાં કાંટા અને ચીનમાં લાકડાંની સળીઓની શોધ થઇ.પરંતુ દક્ષિણ એશિયા કે મધ્ય પૂર્વ જેવા ગરમ પ્રદેશોમાં હાથથી ખાવું એ ઘણી રીતે સકારણ અને સાર્થક પરવડે છે.
એવી પણ દલીલ કરી શકાય કે હાથ ગંદા હોય , તેથી તેના વડે ખાવું બિનારોગ્યપ્રદ કહી શકાય.પણ, જો હાથ ઘસીને ધોવા અને લૂછવામાટે  જો પાણી, સાબુ અને અંગૂછો હાથવગાં હોય, તો એ દલીલ નિરર્થક કહી શકાય. ઉત્તર ભારતમાં ઘણી જગ્યાએ રોટલી ખાવા માટે હાથનો ઉપયોગ કરાતો હોય છે, પરંતુ ભાત ખાવા માટે ચમચી વપરાય છે. આનું કારણ એ હોઇ શકે કે ભાતના દાણા આંગળીઓને ચોંટી જઇ શકે, જ્યારે રોટલીના ટુકડા હાથને ઓછા ગંદા કરે છે.
વેદ પુરાણોમાં ખોરાકને દેવી અને આંગળીઓને વાલખિલ્ય તરીકે જાણીતા ઠીંગણા મુનિઓ તરીકે ઓળખવામાં આવેલ છે. એ મુનિઓ દેવીને આપણાં મોંસુધી પહોંચાડે છે, જેથી આપણને ટકી શકવાની શક્તિ મળે છે.જ્યોતિષશાસ્ત્રમાં પાંચ આંગળીઓને પાંચ મૂળ તત્વો તરીકે વર્ણવાયેલ છેઃ પૃથ્વી (ટચલી આંગળી); પાણી (તર્જની), હવા (અનામિકા), આકાશ (નિર્દેશિકા) અને અગ્નિ (અંગૂઠો). આમ જ્યારે આપણે હાથથી ખાઇએ છીએ ત્યારે આ પાંચ તત્વો પણ આપણા ખોરાક જોડે પ્રતિકાત્મક રીતે સંકળાય છે. જો કે મારૂં માનવું છે કે જેમ જેમ માનવી વધારેને વધારે આધુનિક અને સભ્ય બનતો જાય છે તેમ તેમ તેનાં જીવનમાં આ પ્રતિકો અને અનુમાનોનું મહત્વ ઘટતું જાય છે.

*        સનડે મિડડેની દેવલોક પૂર્તિમાં ઑગસ્ટ ૫,૨૦૧૨ના રોજ પ્રસિધ્ધ થયેલ.

v  અસલ અંગ્રેજી લેખ You still eat with your hands ,  લેખકની વૅબ સાઇટ દેવદત્ત.કૉમ પર  ઑગસ્ટ ૨૮, ૨૦૧૨ના રોજ  Articles, Modern Mythmaking  ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.

§  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદǁ સપ્ટેમ્બર ૮,૨૦૧૨ ǁ