શનિવાર, 29 સપ્ટેમ્બર, 2012

ગણેશનું નારી સ્વરૂપ - દેવદત્ત પટ્ટનાઇક


દૈત્ય,અંધક,પાર્વતીને પોતાની પત્ની બનાવવા માગતો હતો.તેણે જોરજુલમથી તેમને મેળવવાના પ્રયત્ન કર્યા, એટલે પાર્વતીએ તેમના પતિ,શિવ,ની મદદ માગી.શિવે તો પળવારમાં ત્રિશુળ ભોંકી ને અસુરને રહેંસી નાખ્યો. 

પણ અસુર પાસે જાદુઇ શક્તિ હતી; જમીન પર પડતું તેનાં લોહીનુંપ્રત્યેક ટીપું એક નવા અંધકને પેદા કરતું હતું. આમ,શિવનાં ત્રિશુળથી વિચ્છેદિત થવા છતાં, જો તેના લોહીનું કોઇપણ ટીપું જમીન પર ન પડે તો જ તેનો નાશ શકય હતો.

પાર્વતીને ખબર હતી કે દરેક દૈવી તત્વમાં નર અને નારી સ્વરૂપનું મિશ્રણ હોય છે, નર સ્વરૂપ માનસીક શક્તિ અને નારી સ્વરૂપ ભૌતિક સાધન-સંપત્તિના સ્ત્રોત [શક્તિ]નું પ્રતિક છે.તેથી, પાર્વતીએ સર્વ શક્તિઓને બોલાવી લીધી. તેમની વિનંતિના પરિણામરૂપે દરેક દૈવી તત્વએ તેમની નારી શક્તિને જમીન પર પડતાં પહેલાં જ અંધકનાં લોહીનાં દરેક ટીપાંને પી લેવા હાજર કરી દીધી. પળ વારમાં જ યુધ્ધમેદાન દરેક દેવની નારી શક્તિઓથી ઉભરાઇ પડ્યું. ઇન્દ્ર ઇન્દ્રાણીના સ્વરૂપે , વિષ્ણુ વૈશવી તરીકે, બહ્મા બ્રહ્મિણી તરીકે પ્રગટ થયા. આ શક્તિઓએ અંધકનાં લોહીને જમીન પર પડતાં પહેલાં જ પી લીધું. આમ અંધક્નો નાશ થયો.

મત્સ્ય પુરાણ અને વિષ્ણુ-ધર્મોત્તર પુરાણ લડાયક નારી દેવીઓમાં ગણપતિની નારી શક્તિને પણ નોંધે છે. તે વિનાયકી  કે ગણેશ્વરી તરીકે ઓળખાયાં છે.ગણપતિનાં આ સ્વરૂપને  વન-દુર્ગા-ઉપનિશદમાં આદર્પૂરવક પૂજાયું છે.

૧૬મી સદી પછીથી ગણેશનાં નારી સ્વરૂપની પ્રતિમાઓ જોવા મળે છે. કેટલાક લોકોના અભિપ્રાય મુજબ આ પ્રતિમાઓ કદાચ પાર્વતીની હાથીની મુખાકૃતિવાળી સહિયર અને ગણેશની પાલક, માલિની,ની છે, જેનો પુરણોમાં ક્વચિત ઉલ્લેખ જોવા મળે છે. ગણેશનું નારી સ્વરૂપ જોઇએ કે પાર્વતીની સહિયરનાં સ્વરૂપ જોઇએ, સામાન્ય રીતે સ્વિકૃત નર સ્વરૂપના પ્રભાવને  બદલે નારી સ્વરૂપને પ્રધાન્યને સ્વિકારતી તાંત્રિક વિધિઓમાં  હાથીની મુખાકૃતિવાળિ શક્તિ અભિન્ન ભાગ તરીકે જોવા મળે છે. આમ થવાનું કારણ એમ પણ હોઇ શકે કે ગૂઢ્વિદ્યાનાં શાસ્ત્રોમાં નારી સ્વરૂપને કોઇપણ સર્જક શક્તિનો સ્ત્રોત માનવામાં આવે છેઃ માનવ જીવનનો તણખો ભલે નર સ્વરૂપમાંથી પેદા થયો હશે, પરંતુ આખરમાં જીવનનું સર્જન અને લાલનપાલન તો નારીએ જ કર્યું છે. કે પછી કારણ આધ્યાત્મિક પણ હોઇ શકે. દરેક ભૌતિક સાધનસંપત્તિની સાંકેતીક સંજ્ઞા નારી સ્વરૂપ જ માનવામાં આવે છે. 

ઋષિમુનિઓ માટે વિચાર વિશ્વ [માનસીક સામર્થ્ય] કે વસ્તુ વિશ્વ [ભૌતિક સામર્થ્ય]પૈકી કોણ મહત્વનુ છે એ હંમેશાં વિવાદનો વિષય રહ્યો છેઃ  જે લોકોએ ઇન્દ્રીયાતીત વિચારોને પસંદ કર્યા તેઓ વૈદીક પ્રથાઓના અનુયાયીઓ તરીકે અને જેમણે ભૈતિક વસ્તુઓને પ્રધાન્ય આપ્યું તેઓ તાંત્રિક પ્રથાના અનુયાયીઓ તરીકે ઓળખાયા. વેદ અનુયાયીઓએ તેમની માન્યતાઓને નર સ્વરૂપે અને તાંત્રિક અનુયાયીઓ એ તેમની માન્યતાઓને નારી સ્વરૂપે મૂર્ત કરી. આમ, વિધ્ન હર્તા ગણેશ વેદના અનુયાયીઓમાં અને તેમનું નારી સ્વરૂપ, વિનાયકી, તાંત્રિક અનુયાયીઓમાં પ્રખ્યાતિ પામ્યાં.

વિનાયકી સ્વરુપની સાથે પણ કથાઓ સંકળાયેલી જોવા મળે છે ખરી? મોટા ભાગની કથાઓ મૌખિક હોવાને કારણે આપણે ચોક્કસપણે તો તે વિષે જાણી નહીં શકીએ. પરંતુ આપણે એટલું તો જાણીએ છીએ કે સુદ ચોથ વિનાયકી ચતુર્થી તરીકે ઓળખાય છે. ગણેશ માટે પવિત્ર એવા આ દિવસને તેમનાં નારી સ્વરુપનું નામાભિધાન કરવામાં આવ્યું છે.

*        'સ્પીકીંગ ટ્રી' માં સપ્ટેમ્બર ૦૯,૨૦૧૨ના રોજ પ્રસિધ્ધ થયેલ.

v  અસલ અંગ્રેજી લેખ The Female Ganesha,  લેખકની વૅબસાઇટ દેવદત્ત.કૉમપર સપ્ટેમ્બર ૨૦,૨૦૧૨ના Articles, Indian Mythology  ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.

§  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદǁ સપ્ટેમ્બર ૨૯,૨૦૧૨