મંગળવાર, 18 સપ્ટેમ્બર, 2012

જાહેરાત કરતી વિધવાઓ - દેવદત્ત પટ્ટનાઈક


શું ટેલીવીઝન પર જાહેરાતોમાં દેખાતી બધી જ સ્ત્રી કલાકારો વિધવા છે! - અમારાં મિત્રએ એક વાર પૂછ્યું. તેમની દલીલ એ હતી કે ભારતની લગભગ બધી જ જાતિઓમાં સ્ત્રી પરણેલ છે કે નહીં તે દર્શાવતું ચાંદલાનું આ ચિહ્ન આ અદાકારોના કપાળ પર જોવા નથી મળતું.
આ ટકોરને પરિણામે મેં ટીવીની દુનિયા તરફ નજર દોડાવી, તો મને બે અલગ દુનિયા જોવા મળીઃ જાહેરાતોની, ચાંદલા વિનાની, દુનિયા અને ચાંદલાથી દીપતી ટેલીવીઝન સીરીયલોની દુનિયા.(એવું કહેવાય છે કે)સીધા-ઘરમાં પ્રસારણ કે સૌંદર્ય પ્રસાધનો કે ઇલેક્ટ્રોનિક સાધનો કે ખાદ્ય પદાર્થો કે રંગ જેવી લગભગ બધી જ વસ્તુઓનાં વેચાણના પ્રચારમાં આધુનિક મહિલાઓનું વર્ચસ્વ જોવા મળે છે, જેઓ બધી જ, સૌમ્ય રંગોના પાશ્ચાત્ય પહેરવેશને  ગણવેશમાં બહુ જ એકસરખી એકસરખી દેખાય છે, અને કદાચ, ચાંદલો કરવાનું પસંદ નથી કરતી. તો બીજી બાજૂએ ટીવી સીરીયલોની દુનિયાની સ્ત્રીઓ પરંપરાગત દેખાય છે તેવું માની શકાય કારણ કે તેઓ રંગરંગીન કપડાં પહેરે છે, ભાતભાતનાં ઘરેણાંઓથી લથબથ હોય છે તેમ જ ભપકાદાર્ય સૌંદર્ય સજાવટ, અવનવા આકાર અને રંગોના ચાંદલાઓ અને સેંથાને બદલે કપાળ પર વધારે દેખાતું સિંદુર વધારે પસંદ કરતી જણાય છે. બન્નેનું નિશાન ભારતીય ગ્રાહક જ છે. પરંતુ શું તેઓ આધુનિક ભારત અને પરંપરાગત ભારતને અલગ અલગ રીતે સંબોધન કરીને આકર્ષવાનો પ્રયત્ન કરી રહ્યાં છે? કોની સંવાદ-વ્યૂહરચના સાચી હશે? હું તો મુંઝાઇ ગયો છું.
શું ચાંદલો એ સાંસ્કૃતિક પ્રતિક છે કે પછીથી છે બિનસાપ્રદાયિક કે ધાર્મિક પ્રતિક? ચાંદલો કરવો જોઇએ તેવી અપેક્ષા એ શું જમણેરી કટ્ટરવાદી માનસ બતાવે છે? શું બજાર-અભ્યાસ એવાં તારણો બતાવે છે મોટા ભાગની ભારતીય સ્ત્રીઓ, ઘરે, ચાંદલો નથી કરતી? આમાં સંસ્કૃતિના હ્રાસનો સવાલ ક્યાંથી ઉદભવ્યો છે?
ચાંદલાના ઉદભવ વિષે કોઇ ચોક્કસપણ જાણતું હોય એવું નથી જણાતું. માત્ર કલ્પનાઓ જ કરવી રહી. જો કે એ પણ અઘરૂં તો છે, કારણકે કપાળ પરનાં ચિહ્નોનાં ઘણાં પ્રાદેશિક સ્વરૂપ જોવા મળે છે. કપાળ પર પવિત્ર નિશાની દોરવી એ આમ તો પૌરાણિક ક્રિયાકર્મ છે  જે મનુષ્યને પ્રાણીથી અલગ તારવી શકાય એવી એક ખાસિયત - મનુષ્યનાં કપાળની પાછળ આવેલ કલ્પના શક્તિનાં ઉદભવ સ્થાન સમું મગજ - તરફ અંગુલિનિર્દેશ કરે છે. કેટલાક તેને મનુષ્યની તફાવત સમજવાની અને વિશ્લેષણ કરી શકવાની તેમ જ દુનિયાને સમજવાની શક્તિનાં પ્રતિક તરીકે ત્રીજાં નેત્રની દ્રષ્ટિએ પણ જૂએ છે.
સિંદુરનો લાલ રંગ એ વિચાર શક્તિ પણ બતાવે છે. તે ધરતી કે શિકાર થયેલ પ્રાણી કે લડાઇમાં પરાજિત શત્રુનાં લોહીને તેમ જ માસિક સ્ત્રાવ પણ દર્શાવે છે. સ્ત્રીઓ તેમના કપાળનાં મધ્યમાં તેને ટપકાં (બિંદુ)નાં સ્વરૂપે લગાવે છે,જ્યારે પુરૂષો તેને કપાલની મધ્યમાં ઉપર તરફ ખેંચીને તિલકના સ્વરૂપે લગાવે છે. ઉત્તર અને પૂર્વ ભારતની સ્ત્રીઓ વાળની સેંથીમાં તેઅમના પરીણીત હોવાની ઓળખ તરીકે પણ તેનો ઉપયોગ કરે છે. તે જ્યારે આડું (સમસ્તલીય) અંકિત કરવાં આવે  છે ત્યારે તે ત્યાગ / બલિદાનનું ચિહ્ન બની રહે છે.
કોઇ એક સમયે, બિંદી ભારતની ઘણી જાતિઓમાં સ્ત્રીત્વ સાથે જોડાયેલી મનાવા લાગી, ખાસ કરીને લગ્ન પછી સૌભાગ્યનાં પ્રતિક તરીકે, જે વૈધવ્ય આવતાં જ સહુથી પહેલું ભૂંસી નાખવામાં આવતું. કારણકે પુરૂષોમાટે તેમનાં લગ્નની સ્થિતિ બતાવવા માટે આ વું કોઇ પ્રતિક નહોતું , તેથી બિંદીને પૈતૃક સમાજ દ્વારા લદાયેલ એક બંધન તરીકે પણ જોવામાં આવે છે. કેટલીક સ્ત્રીઓ મોટા ચાંદલાને તેમની જાત અને ભારતીયતાની ઓળખની મહોર માને છે; મને યાદ છે તે પ્રમાણે એક ફૅશન ડીઝાઇનર આવા ચાંદલાઓને 'બંદુકની ગોળીનું છીદ્ર' કહેતાં હોય છે. અમેરિકામાં '૮૦ના  દાયકાના મધ્ય ભાગમાં, દક્ષિણ એશિયાઇ લોકોને ધિક્કારતું, "ચાંદલા-ભૂંસો", જૂથ પણ બન્યુ હતું.પરંતુ, મારા માનવા મુજબ, હવે આધુનિકતાને કારણે, જ્યારે ચાંદલાઓ ઓછા જોવા મળે છે, ત્યારે હવે કદાચ આવા ભયને સ્થાન નથી રહ્યું. 

  •      સનડૅ મિડડૅની દેવલોક પૂર્તિમાં સપ્ટેમ્બર ૦૯,૨૧૦૧૨ના રોજ પ્રસિધ્ધ થયેલ.
  • અસલ અંગ્રેજી લેખ Advertising Widows,  લેખકની વૅબ સાઇટ દેવદત્ત.કૉમ સપ્ટેમ્બર ૧૪, ૨૦૧૨ના રોજ   Articles, Myth Theory  ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
  • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ સપ્ટેમ્બર ,૨૦૧૨