બુધવાર, 10 ઑક્ટોબર, 2012

તને ખબર છે, મેં કાલિય નાગને શા માટે કચડી નાખ્યો - દેવદત્ત પટ્ટનાઇક

           તને ખબર છે મેં કાલિય નાગને શા માટે કચડી નાખ્યો હતો?
કારણકે એણે તારા વાળની ગુંથણી સાથે તેની પુંછડીની હરિફાઇ કરવાની હિમત કરી હતી.
તને ખબર છે મેં કંસનું બાણ કેમ તોડી નાખ્યું હતું?
કારણકે એણે તારી અણીયાળી ભમર સાથે હરિફાઇ કરવાની કોશિશ કરી હતી.
તને ખબર છે મેં ટચલી આંગળીથી ગોવર્ધન પર્વત કેમ ઉખેડી નાખ્યો હતો?
કારણકે એણે પોતાનાં શિખરની હરિફાઇ તારાં ઉત્તુંગ સ્તન સાથે કરવાની હિમત કરી હતી.
તને ખબર છે મેં કુવલ્યપીડ હાથીને કેમ ઇજા પહોંચાડી હતી?
કારણકે એણે તારી કમનીય ચાલની હરિફાઇ કરવાની હિમત કરી હતી."
કૄષ્ણ વડે રાધાને કહેવાયેલા મનાતાં આ વાક્યો તેલુગુમાં લખાયેલ રાધિકા સાંત્વનામુ [રાધાની મનામણી] નામના ગ્રંથનો અંશ છે. આ ગ્રંથ ૧૮મી સદીમાં તાંજવુરના મરાઠા રાજા પ્રતાપસિંઘના દરબારની ખ્યાતનામ નર્તકી [દેવદાસી કે ગણિકા] તનજાન્યકીની પૌત્રી મુદ્દુપાલનીનો લખાયેલો છે.
આ ગ્રંથ ફરીથી ૨૦મી સદીની શરૂઆતમાં, હવે સંગીતજ્ઞ-સંન્યાસી ત્યાગરાજની યાદમાં ઉજવાતા સંગીત સમારોહનાં પ્રણેતા અને એવાં જ ખ્યાતનામ નર્તકી, બેંગ્લોર નાગરત્નમ્માએ પણ પ્રકાશીત કરેલ.તેમની આવૃતિ દેખીતાં કામુક વર્ણનોને કારણે પ્રતિબંધીત કરાઇ હતી. તેને બદલે જે આવૃતિઓમાં બિન-કામુક ભક્તિ અને પ્રેમનાં કાવ્યો હતાં તે પ્રચલિત રહી.
જો કે રાધા અને કૃષ્ણની કથાઓ હંમેશાં પ્રેમ, રોમાંસ, ભક્તિ અને છાનાછપના શૃંગારમાં વણાયેલી જોવા મળે છે. મુદ્દુપાલીનીની કથા ઉત્તરનાં ગંગાના મેદાનોમાં પ્રચલિત કથાઓથી ઘણી જૂદી પડે છે.
ગીતોના આ સંગ્રહમાં, હવે પ્રૌઢાવસ્થામાં પહોંચેલ રાધા તેમની ભત્રીજી ઇલાદેવીને કૃષ્ણની કન્યા તરીકે તૈયાર કરૅ છે, અને વળી શૃંગારમય સલાહો પણ આપે છે. તે તો કૄષ્ણને પણ મુગ્ધ કુંવારીકા સાથે મૃદુતાથી વર્તવા કહે છે. દેખીતી રીતે જ તે હવે વધારે અનુભવી છે. કૃષ્ણ અને ઈલા સાથે હોય છે, ત્યારે, જે હવે વધારે યુવાન પ્રેમિકાની પાછળ તેને ભુલી જવાનો છે તેવા  પ્રેમીને,રાધા ઝંખે છે.વિયોગથી વધારે તો છેહ દુઃખ આપે છે. ઇલા કૃષ્ણને રાધાને ભૂલવાનું કઇ રીતે સમજાવી રહી  છે તેનું વૃતાંત પોપટ તેમને કહી સંભળાવે છે.  રાધાનું હૃદય ભાંગી જાય છે, તે તરછોડાયેલી અને હડધૂત થયેલ અનુભવે છે. પરંતુ કૃષ્ણ રાધા પાસે પાછા ફરે છે અને તેને મનાવે છે કે તે માત્ર તેને જ, સંપૂર્ણપણે, પ્રેમ કરે છે.
આ કાવ્યો આપણને રાજારજવાડાંઓના સમાજની અંદર સ્ત્રી-વિભાગમાં ચાલતી ગતિવિધિઓને નજદીકથી જોવાની તક પૂરી પાડે છે.આ કિસ્સામાં એવું પણ બન્યું હોય કે કવયિત્રી કૃષ્ણ,ઈલા અને રાધાના પ્રણય ત્રિકોણની મદદથી રાજા, પોતે અને પોતાની દાદીના સંબંધો વિષે ઇશારો કરી રહ્યાં હોય, કારણ કે દાદી તેમની વધતિ જતી વય છતાં પણ રાજાનાં 'માનીતાં' તો બની જ રહ્યાં હતાં. આપણને કદાચ સાચી વાત ક્યારે પણ જાણવા નહીં મળે.
૧૨મી સદીમાં જયદેવ દ્વારા 'ગીત ગોવિંદ' લખાયાના સમયથી જ રાધા અને કૃષ્ણનાં સંબંધો ચર્ચાનાં એરણ પર રહ્યા છે. આ વિષે બે મુખ્ય વિચારધારાઓ રહી છેઃ સ્વકીય, કે જેમના મતાનુસાર રાધા કૃષ્ણનાં પત્ની છે, અને પરકીય, જેઓ રાધાને કૃષ્ણની પત્ની છે તેમ નથી માનતા.પરકીય વિચારધારાને ચંડીદાસ અને વિદ્યાપતિ જેવા કવિઓ દ્વારા પુષ્ટિ મળતી રહી , જેમના મતે એમનો પ્રેમ કોઇ જાતના નિયમો,પ્રથાઓ કે રિવાજોના દાયરાની બહારનો શુધ્ધ પ્રેમ હતો. તેથી તેમનાં ગીતોમાં કૃષ્ણને ખાનગીમાં મળવા નીકળી પડતાં રાધાને કોઇનાં પરણેતર જ દર્શાવાયાં છે.
વધારે સુચક વિચારધારાઓ મુખ્ય પ્રવાહમાં મળતાં જવાની સાથે, કાળક્રમે રાધા-કૃષ્ણના ગીતોમાંથી છૂપા પ્રેમની વાતો હટતી ગઇ, અને વધારે પ્રછન્ન વિચારધારાઓ, રાધાને તેમનાં આગવાં વ્યક્તિત્વને કારણે સન્માનની નજરે જોતી બાઉલ અને સહજીય માર્ગ જેવી ભૂગર્ભ અને બાહરી ધારાઓમાં ભળી ગઇ. કૃષણ જેમ લગ્ન સંબંધની બહાર રાધા સાથે અને લગ્ન સંબંધે રૂકમિણી સાથે સંકળાયેલા મનાય છે, તે રીતે તેઓ રાધાને દેવી તરીકે લગ્નસંબંધની પરે કૃષ્ણ સાથે અને અયન [જૂદા જૂદ ગ્રંથોમાં નામ બદલતાં રહે છે]સાથે લગ્નથી  સંકળાયેલ જૂએ છે. અહીં જો લગ્નનો આપણે શબ્દાર્થ કરીએ તો આપણા પવિત્રાગ્રહી આત્માને ઠેસ પહોંચે. કે પછી તેને એવા સામાજીક આગ્રહ તરીકે પણ જોઇ શકાય જે આપણને અમુક રીતે જ વર્તવાની ફરજ પાડે છે તેમ જ આપણને અતિ ઉતાવળા અને પોતાનાં મનનું જ ધારેલું કરતાં રોકે છે.
દરેક ભકત પાસે રાધાને મુદ્દુપાલનીની કે સ્વકીય કે પરકીય કે સહજીયની દ્રષ્ટિએ જોવાનો વિકલ્પ છે. આમ જૂઓ તો આ વાત રાધાની નથી, પરંતુ આપણા જીવન અને સમાજ પ્રત્યેના અભિગમની છે.
*        સ્પીકીંગ ટ્રીમાં સપ્ટેમ્બર ૨૩,૨૦૧૨ના રોજ પ્રસિધ્ધ થયેલ.

v અસલ અંગ્રેજી લેખ Do you know why I stamped the snake Kaliya, લેખકની વૅબસાઇટ દેવદત્ત.કૉમપર ઑક્ટૉબર,૨૦૧૨ના રોજ Articles, Indian Mythology  ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.