શનિવાર, 13 ઑક્ટોબર, 2012

યુક્રેનનાં કીવ શહેરની શાળાનાં વિદ્યાર્થીઓની લઘુ ગાથાઓ


[ઇન્ટરનૅટ પર ખાંખાંખોળાં કરતાં, યુક્રેનનાં કીવ શહેરની એક શાળાનું એક નાનકડું સામયિક હાથ આવી ગયું, જેમાં એ શાળાનાં વિદ્યાર્થીઓની આ લઘુ ગાથાઓ હાથ લાગી ગઇ. આવો માણીએ.]

બધા જ વર્ગ પૂરા કરીને શિક્ષક તેમની કાર ભણી જવા નીકળ્યા.પણ કાર તો ત્યાં હતી નહીં.ગભરાઇને તેમણે પોલીસને જાણ કરી.પોલિસના આવ્યા બાદ શિક્ષકે તેમને કારનું મૉડેલ,નંબર, રંગ વિગેરે બધું જ જણાવ્યું. ત્યાં જ તેમને ઓચીતું યાદ આવ્યું કે આજે તેઓ કાર લાવ્યા જ નહોતા. કાર તો ઘરે જ પડી છે.
                                                                                                                    --- - આન્ના પુસ્તોવિત

આજનો દિવસ તેના માટે ખાસ હતો. આજે તેનો સંગીતનો પહેલો મહત્વનો કાર્યક્રમ હતો.મંચ પર પહોંચીને, હજૂ તો તેણે જેવી ગાવાની શરૂઆત કરી તે સાથે જ ગૃહમાં બેઠેલાં બધાં શ્રોતાઓ જોર જોરથી હસવા લાગ્યાં! ભારે થઇ! ગભરાટ અને શરમને માર્યા તેની નજર ઝૂકી ગઇ. તેના પગમાં તેને ગુલાબી સ્લીપર દેખાઇ આવ્યાં!
                                                                                                                     ---- દાશા બાબ્રોવા

અખબારમાંની જાહેરાત લોકોની લાલચને ઑર ભડકાવતી હતી. "જોતજોતામાં મલામાલ થાઓ!" "માત્ર ૧૫૦ રૂપિયા મોકલો અને લખપતિ થવાનો કિમિયો જાણો." રાતો રાત લખપતિ થવા માટે તો બહુ ઘણાં લોકોએ ૧૫૦ રૂપિયા મોકલી આપ્યા. જવાબ રુપે એક સુંદર પત્ર મળ્યો, જેમાં મોટા અક્ષરે લખ્યું હતું: "જે મેં કર્યું, તે તમે પણ કરો!"
                                                                                                     ---- આનાસ્તાસીઆ લ્યુબશેન્કૉ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો