મંગળવાર, 2 ઑક્ટોબર, 2012

યુધ્ધની અવનવી વ્યૂહરચનાઓ - દેવદત્ત પટ્ટનાઇક

હિંદુ પુરાણો મુજબ વિષ્ણુ સમગ્ર વિશ્વના સંરક્ષક છે.તે ભૂમિકામાં તેમને ઘણી વાર સામાન્ય રીતે દૈત્યો તરીકે ઓળખાતા અસુરો જોડે યુધ્ધો કરવાં પડે છે.દરેક યુધ્ધ્માં સામેનો દૈત્ય અલગ અલગ હોય, તેથી વિષ્ણુ દરેક યુધ્ધમાટે અલગ અલગ સ્વરૂપ ધારણ કરે છે. જ્યારે હિરણ્યાક્ષ પૃથ્વીને સમુદ્રની નીચે ખેંચી ગયો હતો, ત્યારે વિષ્ણુએ એક સુવર, વરાહ,નું સ્વરૂપ ધારણ કરી સમુદ્રની નીચે ડૂબકી મારી, અસુરને ચીરી નાખી મોતને ઘાટ ઉતાર્યો , પૃથ્વીને પોતાનાં શીગ પર રાખીને ફરીથી બહાર સપાટી પર લઇ આવ્યા હતા.આ લડાઇ હાથોહાથની સીધી શારીરીક લડાઇ હતી.
હિરણ્યકશિપુ વળી નવા જ પ્રકારનો અસુર હતો.તેને મળેલાં વરદાનને કારણે તે લગભગ અજેય હતોઃ તેને ન તો માનવ કે ન તો પશુ મારી નાખી શકે; ન તો તેને દિવસે મારી નાખી શકાય કે ન તો રાત્રે;કે ન તો ઘરમાં કે ન તો ઘરની બહાર, ન તો જમીન પર કે જમીનથી  ઉપર કે ન તો કોઇ શસ્ત્ર કે ન તો કોઇ અસ્ત્રથી તેને મારી શકાય તેમ હતું. એના વધમાટે વિષ્ણુએ નરસિંહનું સ્વરૂપ ધારણ કર્યું, જે અર્ધ સિંહ અને અર્ધ માનવ છે, ન તો સંપુર્ણ પશુ કે ન તો સંપુર્ણ માનવ. તેમણે અસુરને સંધ્યાકાળે ઘસડ્યો, જે ન તો હતો દિવસ કે ન તો હતી રાત. પોતે બેઠા ઉંબર પર, ન તો ઘરની અંદર કે ન તો ઘરની બહાર અને અસુરને તેમણે પોતાની જાંઘ પર - ન તો જમીન પર કે ન તો જમીનથી ઉપર - રાખી અને પોતાના તિક્ષ્ણ નહોર -ન તો શસ્ત્ર કે ન તો અસ્ત્ર - વડે ચીરી નાખ્યો. આમ, આ લડાઇ એ ખુબ જ જટિલ માનસીક પ્રયોગ - બુધ્ધિની લડાઇ - હતો. 
અને પછીથી આવે છે બલિ, એક એવો ઉમદા અને દાનવી અસુર કે જેનું રાજ્ય પાતાળની સીમાઓની પાર, પૃથ્વી અને આકાશ પર પણ ફેલાયેલું હતું. તેને તેની યથોચિત જગ્યા બતાવી દેવા માટે વિષ્ણુએ સાવ નાનાં કદનું,વામન, સ્વરૂપ ધારણ કર્યું અને બલિ પાસે ત્રણ પગલાંમાં સમાય એટલી જગ્યા માગી. બલિ એ તે ઇચ્છાની પૂર્તિમાટે સહમતિ બતાવી એટલે વામન વિરાટમાં ફેરવાઇ ગયા; બે પગલાંમાં તો તેમણે પૃથ્વી અને આકાશ સર કરી લીધાં અને ત્રીજાં પગલાંમાં બલિને તેના પાતાળ પ્રદેશમાં ધકેલી દીધો. આમ આ લડાઇમાં સામા પક્ષની હાર નહીં પણ પોતાનાં ગજાંને વિશાળ કરવાનું પરીવર્તનની કળા જોવા માળે છે.
વિષ્ણુના આ અવતારોના અભ્યાસથી આપણને યુધ્ધની વ્યૂહરચનાઓમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળે છે.વરાહ થી માડીને નરસીહ અને વામન સુધીમાં આપણે નકરી શારીરીક (પાશવી) શક્તિ અને બુધ્ધિ શક્તિ - બળને બદલે બુધ્ધિ - ના પ્રયોગ અને તેનાથી પણ આગળ વધીને બુધ્ધિચાતુર્યથી મહાત કરવાને બદલે પ્રતિસ્પર્ધીથી વધારે ક્ષમતાવાન થવાના પ્રયોગનાં મહત્વ જોયાં. દૈત્યો ક્રમાનુસાર વધારે ને વધારે સંકુલ થતા ગયા - હિરણ્યાક્ષ હિંસક હતો, હિરણ્યકશિપુ ચાલાક હતો, તો બલિમાં દેખીતી કોઇ ખરાબી નહોતી, સિવાય કે તેની સારપ વૈશ્વિક સંતુલનને ખલેલ પહોંચાડી રહેલ હતી. એ દરેક, વિષ્ણુને બદલવા, અનુકુલન કરવા કે નવા અભિગમને વિકસાવવાની ફરજ પાડે છે. કોઇ પ્રમાણભૂત અભિગમ નથી, દરેક અભિગમને પરિસ્થિતિ મુજબ તૈયાર કરવો પડેલ છે. પાશવીને બદલે માનવીય શક્તિ; તાકાતને બદલે ચાતુર્ય; બાહ્ય ચાલકબળને બદલે આંતરિક ચાલકબળનું મહત્વ  છે.

*        સનડે મિડડેની દેવલોક પૂર્તીમાં ઑગસ્ટ ૨૭,૨૦૧૨ના રોજ પ્રસિધ્ધ થયેલ.
v  અસલ અંગ્રેજી લેખ CHANGING WAR TACTICS, લેખકની વૅબસાઇટ દેવદત્ત.કૉમપર સપ્ટેમ્બર ૨૪,૨૦૧૨ના Articles, Indian Mythology  ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો