રવિવાર, 28 ઑક્ટોબર, 2012

રાજેશ સેટ્ટી કૃત શ્રેણી -‘વિશિષ્ઠ બનીએ’ - સંપુટ પહેલો - ગુચ્છ ૧

#1 તમારૂં પોતાનું સમજીને સંભાળ લો!
| ૨૧, ફેબ્રુઆરી, ૨૦૦૫ના રોજ પ્રકાશિત થયેલ
ગયા વર્ષના અંત ભાગમાં અમે વધારે મોટી ઑફિસમાટેની જગ્યા શોધી રહ્યા હતા. એટલે હું મારા મિત્રોપાસેથી સ્થાવર મિલ્કતનું કામકાજ કરતા સારા વ્યાવસાયિક દલાલનાં નામોની ભલામણ મગાવી રહ્યો હતો.એક મિત્રએ જૅફ્ફનો સંપર્ક કરવા જણાવ્યું. મજાની વાત એ છે કે મારા એ મિત્રને અત્યારે જૅફ્ફ ક્યાં કામ કરે છે એ ખબર નહોતી કે નહોતી તેને જૅફ્ફ અત્યારે કંઇ કંપનીમાં કામ કરે છે  તેની સાથે કોઇ નિસ્બત. તેનું કહેવું હતું કે, "મને એ વિષે કોઇ અંદાજ નથી.પણ મને ખાત્રી છે કે એ તમને પૂરેપૂરી રીતે મદદરૂપ થશે." એટલું કહીને જૅફ્ફનો ફૉન નંબર મને લખાવી દીધો. 
ચલો, એ લાંબી વાતને ટુંકાવી ને મુખ્ય મુદ્દા પર આવીએ.હાલમાં કૉર્નિશ અને કૅરીમાં કામ કરતા જૅફ્ફ રૅમિરૅ સાથે અમારી પહેલી મુલાકાતથી જ અમને તેનો સુખદ અનુભવ થવા લાગ્યો હતો. અમે જોઇ શકતા હતા કે તેના અભિગમમાં, ખરેખર, કાળજી અને ચીવટ છે. અમારા વેપાર અંગે અને અમે નવી ઑફિસમાં શું અપેક્ષા રાખી રહ્યાં છીએ તે વિષે તેણે ઊંડાણથી પૂછા કરી. બે-એક મુલાકાતોમાં જ અમને ખ્યાલ આવી ગયો કે જૅફ્ફને અમારા વેપાર અને અમારી જરૂરિયાતો બાબતે પૂરેપૂરી સમજ પડી ગઇ છે. તે પછીનાં બે-એક અઠવાડીયાંમાં જ એણે અમને અમારી ઑફિસ માટેની ત્રણ જગ્યાઓ બતાવી, અને કોઇ આશ્ચર્ય સિવાય,અમારી સંચાલક ટીમને એ ત્રણે જ્ગ્યાઓ ખુબ જ પસંદ પડી.સફળતાના દરની વાત કરીએ, તો તે ૧૦૦ %'સહી નિશાને' પર હતો. જો તે કાળજી ન લેતો હોત, તો આમ થવું શક્ય નહોતું!
જૅફ્ફ હવે એવો સારો મિત્ર બની ગયો છે કે, તેની સાથે બીજી વાર કામ કરવામાં કે નવી ઑફિસ શોધતી કોઇપણ વ્યક્તિને તેની ભલામણ કરવામાં, હું કોઇ જ અચકાટ ન અનુભવું.
આભાર જૅફ્ફ - કાળજી લેવા બદલ અને અમારી સંભાળ રાખવા બદલ. તારી આ વિશિષ્ઠ કાર્યપધ્ધતિ બીજાંઓ માટે પણ ઉદાહરણ પરવડશે.

#2 આપણાં રોજીંદા કામોમાં જોશ દાખવીએ!
|૨૩ ફેબ્રુઆરી, ૨૦૦૫ના રોજ પ્રકાશિત થયેલ
ટીમ કાર્ટર ગૃહ નિર્માણ, પુનઃપ્રતિક્રૃતિ સર્જન અને મરમ્મતમાં નિષ્ણાત છે. આ કામ જાણનારા બીજા હજારો પડ્યા છે. પરંતુ ટીમ એ બધાંથી અલગ છે.તેના વ્યવસાયને તેણે એક અંતિમ સીમા સુધી પહોંચાડેલ છે, અને આસ્કધબિલ્ડર.કૉમ/Askthebuilder.comનું સામ્રાજય ખડું કરી દીધું છે. આ વિષયો પરનાં ટીમનાં ઇ-પુસ્તકો ચપોચપ વેંચાઇ જાય છે.તેના રૅડિયો વાતાલાપો ખુબ લોકપ્રિય છે, તેના લેખ ૪૨ અખબારોમાં પ્રસિધ્ધ થાય છે. ટીમની વૅબસાઇટ પર દર મહિને ૩૫૦,૦૦૦થી વધારે લોકો મુલાકાત કરે છે. એનાં કામમાં એના જોશના બોલતા આ થયા પુરાવા!
તેનાથી તદ્દન વિરૂધ્ધ પરિસ્થિતમાં રહેલ,તુંબડાં પર જન્મજાત અમેરિકન પ્રતિમાઓ કડારતા  ડેનીસ મૅયર્સનું ઉદાહરણ જોઇએ.ડેનિસ દરેક પ્રતિમાને છ હજાર ડૉલર કે તેથી વધુ કિંમતે વેંચે છે.દરેક કલાકૃતિ એ તેનાં કામમાટેનાં જોશનું નિદર્શન છે! 
આપણે પણ ટૅક્નૉલૉજીના વ્યવસાયમાં એવું જ કંઇ કરી શકીએ ખરાં? 
દુનિયામાં જાવા પ્રોગ્રામીંગ પર કામ કરતા લાખો પૈકી જો આપણે એક હોઇએ, તો તે મુશ્કેલ છે. વિચારપાત્ર સવાલ એ નથી, કે વિશ્વમાં કેટલાં લાખો લોકો જાવા પ્રોગ્રામીંગનું કામ કરે છે?  સવાલ એ છે, કે તેમાંનાં કેટલાં પોતાનું કામ ખરા જોશ સાથે કરે છે? કેટલાં લોકો તેમનાં કામ દ્વારા આ દુનિયામાં કંઇ પણ ફેરફાર કરવા કૃતનિશ્ચયી છે?
આપણે સમીકરણમાં જો જોશને ઉમેરી દઇશું, તો આપણું કામ નવો જ આયામ લઇ લેશે!

#3 મજબૂત સંબંધ બાંધો
| ૨૪ ફેબ્રુઆરી, ૨૦૦૫ના રોજ પ્રકાશિત થયેલ
એવી કઇ વસ્તુ છે જે બાંધતાં વર્ષો લાગી જાય છે,પરંતુ તોડતાં જરા ય સમય નથી લાગતો?
આ સવાલના ઘણા જવાબ શક્ય છે. મારી પસંદનો જવાબ છે - ભરોસો.
ભરોસો મજબૂત સંબંધોનો સંગીન પાયો છે. આપણે જોઇએ જ છીએ કે કોઇના ઉપર ૧૦૦ % ભરોસો મુકવામાં કેટલો સમય લાગે છે. અને તેથી, લગભગ એ જ કારણોસર,મજબૂત સંબંધ રાતોરાત નથી બંધાઇ શકતા. મજબૂત સંબંધ બાંધવા માટે બન્ને પક્ષ વડે, લગાતર,કદમ--કદમ સભાન પ્રયત્ન થતા રહે તે બહુ મહત્વનું છે.
મારાં મંતવ્ય પ્રમાણે તો સંબંધ બે જ પ્રકારના હોઇ શકેઃ (૧) લાંબા ગાળાના અને, (૨) અતિ લાંબા ગાળાના. એ સિવાયનું બધું એ માત્ર પ્રાસંગિક વ્યવહારો છે.અતિ લાંબા ગાળાના સંબંધોમાં અનુચિત ફાયદો છે, પરંતુ તે રોકાણ વિના શક્ય નથી (લાંબે ગાળે બધું સમજાઇ જાય છે).
જો આપસનાં મૂલ્યોમાં વધારો થતો રહેશે, તો જ સંબંધો ટકશે. એકપક્ષી સંબંધ આજે કે કાલે તૂટવાના જ છે. આ શા માટે મહત્વનું બની રહે છે? એક કારણ તો એ છે કે આપણે આપણાથી વધારે સબળ વ્યક્તિઓને શોધીએ છીએ અને તેમની સાથે લાંબા ગાળાના સંબંધ બાંધવાનું આપણું વલણ રહેતું હોય છે. આપણા માટે એ સંબંધનું મૂલ્ય સાફ અને સ્પષ્ટ છે.અગત્યના સવાલો છેઃ અન્ય પક્ષમાટે તેનું પારસ્પરિક મૂલ્ય શું છે? એમને આ સંબંધથી શું ફાયદો છે?
આપણો પગ જે એક કુંડાળામાં પડી જાય છે તે છે - હકદાવો. સંબંધો હકદાવાથી કે અધિક્રમથી  કે સ્થાનથી નથી બનતા. તે તો બને છે મૂલ્યોનાં તંદુરસ્ત આદાનપ્રદાનનાં આલેખન વડે.
એમાં કંઇ પણ અ-કસ્માત નથી બનતું...

#4 સ્વપ્ન મોટું જ સેવો!
| ૨૪ ફેબ્રુઆરી, ૨૦૦૫ના રોજ પ્રકાશિત થયેલ
જ્યારે પણ મેં 'તમારૂં સ્વપ્ન શું છે?' સવાલ પૂછ્યો છે ત્યારે મને લોકો પાસેથી ભાતભાતના જવાબો મળ્યા છે. કોઇ બહુ ભવ્ય હોય છે, તો કોઇ બહુ હાસ્યાસ્પદ, કોઇ તર્કહીન હોય છે, તો કોઇ ગેરવ્યાજબી હોય છે. આ તો અપેક્ષિત છે. પણ મજાની વાત એ છે કે મોટા ભાગનાં લોકોનાં સ્વપ્ન અસ્પષ્ટ હોય છે, જેમ કે "હું વધારે ખુશ થવા માગું છુ" કે "આર્થિક રીતે સ્વતંત્ર થવા માગું છું" કે એવાં બીજાં. એથી પણ વધારે મજાની વાત એ છે કે મોટા ભાગનાં સપનાં બહું નાનાં હોય છે - સામાન્ય રીતે બે કે ત્રણ વર્ષ માટેનાં ધ્યેય. એ બહુ દુખની વાત છે.
મારો તો સિક્કો આ છેઃ
જો સ્વપ્ન જ સેવવું છે, તો વિશાળ જ શા માટે નહીં?
આપણે આપણાં સ્વપ્નને બાંધી શા માટે લેવાં જોઇએ? એ વાસ્તવિક જીંદગી તો છે નહી, એ તો છે સ્વપ્નની દુનિયા. વાસ્તવિક જીવનમાં મર્યાદાઓ હોય,પણ આપણે તેને આપણી કલ્પનાઓમાં શા માટે પ્રવેશ કરવા દઇએ? કલ્પનાને કલ્પના જ રહેવા દઇએ અને સપનાંઓને ગેરવ્યાજબી અને અવાસ્તવિક. જે લોકોએ જીવનમાં કંઇ મહત્વનું મેળવ્યું છે, તેમનાં સ્વપ્ન જ્યારે તેમના મનોજગતમાં આકાર લઇ રહ્યાં હતાં ત્યારે કદી પણ વ્યાજબી નહોતાં.
જે વસ્તુને આપણે સ્વપ્નમાં, પહેલાં, તાદ્ર્શ ન કરીએ, એને વાસ્તવમાં, મૂર્ત સ્વરૂપે, શી રીતે જોઇ શકવાનાં હતાં?
વિશાળ સ્વપ્ન સેવો અને સિધ્ધ કરો એવી શુભેચ્છાઓ!! 
પાદનોંધઃ તમારાં સ્વપ્નને સિધ્ધ કરવા માટે મદદ જોઇતી હોય તો, મારાં મિત્ર, માર્સીઆ વાઇદૅર,નું - તમારાં સ્વપ્ન સિધ્ધ કરો/Make your dreams come true - પુસ્તક જરૂરથી વાંચજો.

#5 યથાર્થ અપેક્ષાઓ સુયોજો
|૪ માર્ચ, ૨૦૦૫ના રોજ પ્રકાશિત થયેલ
वचनेषु दरिद्र्यम, પણ પરિપૂર્ણતામાં તવંગર"
જો કે,કહેવું સહેલું, કરી બતાવવું મુશ્કેલ. મોટા ભાગની પરિયોજનાઓ, ટીમ વડે તનતોડ પ્રયાસ કરવા છતાં,સફળ નથી થતી.ઘણી વાર તો પરિયોજનાની સફળતા ટીમ દ્વારા એ પરિયોજના માટે કરેલી મહેનત પર અધારીત પણ નથી હોતી.જો અપેક્ષાઓ ખોટી કે અવાસ્તવીક હોય,તો ભલભલી તેજસ્વી ટીમ પણ નિષ્ફળ રહે છે. પરિયોજનાની સફળતાની #૧ જરૂરિયાત છે -દરેક પક્ષકારો દ્વારા યથાર્થ અપેક્ષાનું સુયોજન.  
સંસ્થાઓ તંત્ર વ્યવસ્થાથી બનેલી હોય છે.ભાગ્યે જ કોઇ પરિયોજનાનો અમલ એકલો અટૂલો થતો હોય છે.દરેક પરિયોજના કોઇ ને કોઇ બીજી અન્ય પરિયોજનાઓ સાથે સંકળાયેલ હોય છે જ. તેથી જ એક પરિયોજનાની ગરબડ બીજી કેટલીય પરિયોજનાની કામગીરી પર અસર પાડી શકે છે. જે પૈકી કેટલીક અસરો તો આપણે કલ્પી પણ ન હોય,એવું પણ શક્ય છે. તંત્ર વ્યવસ્થા વિચારસરણીનો પાયો જ આ પ્રકારના સંબંધોને પારખવામાં રહેલ છે.(આ વિષય પર વધારે સમજવા માટે પીટર સેન્જની "પાચમી વિદ્યાશાખા"/The Fifth Discipline પર નજર કરો.) જેટલી યંત્ર વ્યવસ્થા વિચારસરણીની સમજ વધારે, એટલું અપેક્ષાઓનું સુયોજન વધારે યથાર્થ, કારણ કે કોઇ પણ એક અવળાં પરિણામની સમગ્રતયા અસરોને આપણે વધારે સારી રીતે સમજતાં થઇ ગયાં હઇશું.
તે ઉપરાંત, એ પણ યાદ રહે કે, આપણી જાણ બહાર જ અપેક્ષાઓ વધતી જતી હોય છે. તરોતાજા દ્રષ્ટિકોણ/Fresh Perspectivesના મારા મિત્રો માઇકૅલ વાઇસમૅન અને ડૅવ મૉસ્બી આ વિષય પર કાલ્પનિક કથાનાં સ્વરૂપમાં એક અસાધારણ પુસ્તક - 'ઉત્કૃષ્ટતાનો વિરોધાભાસ'/Paradox of Excellence - લખ્યું છે. જે કોઇને પણ ગ્રાહકસાથેના કોઇ પણ પ્રકારના સંપર્કનું કામ પડી શકે, તેમણે તો આ પુસ્તક ફરજીયાત સ્વરૂપે વાંચવું જોઇએ.
 
  • શ્રી રાજેશ સેટ્ટી દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ શ્રેણી ‘Distinguish yourself’ના લેખોનો ગુજરાતીમાં રસાસ્વાદ
  • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદǁ ૨૮ ઓક્ટૉબર, ૨૦૧૨

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો