રવિવાર, 6 જાન્યુઆરી, 2013

મૂલ્ય, મૂલ્યાંકન અને મૂલ્યો - દેવદત્ત પટ્ટનાઇક


હું એક નાનો વૅબ વેપાર ચલાવું છું. મારા સાહસમાંના રોકાણકાર મને નફાની આખરી રેખાની ચિંતા કર્યા વગર,વેચાણ વધારતા રહેવા માટે કહેતા રહે છે. તેમ થવાથી, તેમનાં રોકાણનું મૂલ્યાંકન વધતું રહે, એટલે તેમના માટે તે સારૂં છે, પણ હું જાણું છું કે વેપારમાટે તે મૂળતઃ ઇચ્છનીય નથી. જેમ જેમ મારી ખોટ વધતી જાય છે, તેમ તેમ મારે વધારે ને વધારે તેમનું કહ્યું કરવું પડે છે. આ નાજૂક સંબંધને મારે શી રીતે ન્યાય આપવો? તેઓ મારા મદદકર્તા છે, પરંતુ તેમની સાથેનો સંબંધ મારા માટે ઉત્તરોત્તર ઓછો ફાયદાકારક બનતો જઇ રહ્યો છે.
વેપાર શરૂ કરવાનાં તમારાં કારણો અને તમારા રોકાણકારોનાં તેમાં રોકાણ કરવાનાં કારણો તદ્દન અલગ જણાય છે.તમે તમારા ગ્રાહકો, તમારી સાથે વેપાર કરતા વેપારીઓ, તમારાં કર્મચારીઓ કે તમારાં માલિકીઅંશધારકો/shareholders માટે  મૂલ્યવૃધ્ધિ ઇચ્છો છો. જ્યારે તમારાં સાહસમાંનાં રોકાણકારોને મૂલ્યાંકનમાં રસ છે - તમારાં સાહસનું દેખીતું મૂલ્યાંકન જેમ વધારે, તેમ સહુથી ઊંચા ભાવે ખરીદનારને તેમનો હિસ્સો વેંચીને તેમનાં રોકાણનું ઉંચું વળતર મેળવી શકે. તમે તમારાં ગ્રાહકને તમારાં ઉત્પાદન, કે સેવા, વેંચવા માગો છો, જ્યારે તેઓ અન્ય રોકાણકારને સ્વપ્ન વેંચવા માગે છે.એટલે સ્વાભાવિક છે કે તમે સધ્ધરતા વિષે વિચારો, જે તે લોકો ન વિચારતા હોય. એક વાર વેંચેલું એ સ્વપ્ન સિધ્ધ ન થાય, તો પણ તેમણે કંઇ તકલીફ નથી કારણ કે તેમનાં નાણાં તો બેંકમાં આવી ગયાં છે!
આપણે એ રોકાણકારોને મૂલ્યાંકન-ખલનાયક અને તમને મૂલ્ય-નાયકના રૂપમાં ચીતરી શકીએ ખરાં, પણ વાસ્તવિકતા એટલી સરળ નથી હોતી. હિંદુ પુરાણો પ્રમાણે, લક્ષ્મી (સંપત્તિ) વિષ્ણુની પાછળ પડેલાં ગણાય છે. વિષ્ણુની બે બાજૂઓ છે- કામ અને યમ. કામ પ્રેમ અને જીવનમાટે બેજવાબદારી પૂર્ણ સ્વપનાં સેવે છે, જ્યારે યમ એ જીવન અને મૃત્યુનો હિસાબ રાખનાર એક સાવધ હિસાબનીશ છે. કામ એવો મુખ્ય સંચાલક છે જે મોટાં સ્વપનાં સેવીને લોકોને તેના તરફ આકર્ષીત કરે છે, જ્યારે યમ એ મુખ્ય નાણાં અધિકારી છે જેની એક નજર હંમેશ જમા-ઉધારનાં સરવૈયાં પર હોય છે. કામની ગરૂડ-દ્રષ્ટિ છે, જે વિહંગાવલોકનથી એક એક વૃક્ષને નહીં પણ આખાંને આખાં જંગલનું બૃહદ ચિત્ર જૂએ છે, જ્યારે યમની સર્પ-દ્રષ્ટિ છે, જે જંગલોને અવગણીને, વૃક્ષોનો હિસાબ રાખે છે. બન્ને દૂધ-સાગરને હંમેશાં વલોવતા રહે છે - એક ને ખબર છે કે ક્યારે ખેંચવું, તો બીજાને ખબર છે ક્યારે ઢીલું મૂકી દેવું.
ભારત જેવાં નવાં ઉભરતાં બજારોમાં જ્યાં સુધી ખપત ઓછી છે, ત્યાં સુધી વધારે માંગ, નવા ગ્રાહકો અને નવાં બજારો વિકસાવવા સારૂ યમને બદલે કામની જરૂર વધારે કહી શકાય.જ્યારે પશ્ચિમનાં પુખ્ત, વિકસીત બજારોમાં (માથાંદીઠ) ખપત વધારે જ છે, ત્યાં આપણે ખેંચાઇ-તણાઇને પણ વધુ પડતા વપરાશમાં ભરાઇ ન પડીએ તેથી કામની નહીં પણ, આ બાબતે તિક્ષ્ણ દૃષ્ટિકોણ ધરાવતા યમની જરૂર છે.
શક્ય છે કે, બજારનાં રૂખને ધ્યાનમાં લઇને, બજારમાં નવી જ પ્રકારની ખરીદીનો અભિગમ આચરણમાં પ્રચલિત બને, તે આશયથી તમારા રોકાણકારો  તમને નફાકારકતાની આખરી રેખાને બદલે વેચાણની પહેલી રેખા પર ધ્યાન કેન્દ્રીત કરવા કહી રહ્યાં હોય. પરંતુ, તમારો વેપાર વધે અને વિકસે તે પહેલાં જ, સાવધાનીથી પગલાં ભરતા યમ બનીને તમે ક્યાંક તમારા વેપારનું અકાળ મૃત્યુ તો નથી નોતરી રહ્યાને?
અહીં મુખ્ય મુદ્દો આશયનો છે. શું તમારાં રોકાણકારો ખરેખર નવાં ગ્રાહકો, નવાં બજારો , વપરાશનાં નવાં વલણો વિકસે તેમ ઇચ્છે કે પછી તેમને માત્ર તેમનું ખીસ્સું ગરમ કરવામાં જ રસ છે?  તેઓ શું કામની જેમ લાંબી દોડના ખેલાડી છે કે યમની જેમ ટુંકી દષ્ટિ ધરાવે છે?  તે માટે તેમનાં મૂલ્યો - તેમના માટે ખરેખર શું મહત્વ ધરાવે છે - પર બધો આધાર છેઃ તમારા ભાવિ વિકાસમાં તેઓ પોતાનો પણ વિકાસ જૂએ છે કે પછી, તમારા વિકાસને બદલે તેમને માત્ર તેમના જ વિકાસમાં રસ છે?  તમારાં સપનાંઓમાં તેઓને કોઇ રસ છે ખરો? કે તેમના માટે તમે કોઇ એક વેચાણક્ષમ પેદાશ માત્ર છો?  આ સાવાલના જવાબો તો માત્ર તમારી પાસે જ હોઈ શકે. એક વાર '' જવાબ તમે ખોળી કાઢશો, તો પછી તેમની સાથે ચાલતા રહેવું કે છેડો ફાડીને નવા રાહગીર શોધવા, તે નક્કી કરવાનું મુશ્કેલ નહીં બની રહે.
*       ET ની કૉર્પૉરૅટ ડૉઝીયર પૂર્તિમાં સપ્ટેમ્બર ૧૪, ૨૦૧૨ના રોજ પ્રકાશીત થયેલ.

v અસલ અંગ્રેજી લેખ, Value, Valuation and Values, લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર  ડીસેમ્બર ૨૪, ૨૦૧૨ના  રોજ Articles, Leadership ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.