રવિવાર, 13 જાન્યુઆરી, 2013

જ્યારે ભાઇ ભાઇ લડે છે..- દેવદત્ત પટ્ટનાઇક


લડાઇ - ઝઘડા? શા માટે? અને, તે પણ, વળી ભાંડરડાંઓમાં..!
ભાઇઓ ભાઇઓ લડતા તો હોય છે.બાઇબલાં પણ કૈને ઍબલને મારી નાખ્યો હતો. અબ્રાહમના દીકરાઓ, ઇસાક અને ઇસ્માઈલ, ઇસાકના દીકરાઓ ઍસૌ અને જૅકબ તો વળી જૅકબના દીકરા જોસૅફ અને તેના બીજા ભાઇઓ વચ્ચે વારસાને લગતી તકરારો અને તણાવો જોવા મળતાં રહ્યાં છે. ઈજીપ્તનાં પુરાણોમાં ઓસીરીસને તેનો ભાઇ સેથ મારી નાખે છે, તો વળી તે અપમૃત્યુનો બદલો તેનો દીકરો હૉરસ લે છે. ગ્રીક પુરાણોમાં  અક્રીસીયસ અને પ્રૉએટસ તો વળી તેમની માના ગર્ભમાંથી જ ઝઘડતા રહ્યા છે. બન્ને ભાઇઓએ રોમ શહેરની સ્થાપના કરી તે પછી તરત જ રોમુલસે રેમુસને મારી નાખ્યો હતો. હિંદુઓના પૌરાણિક ગ્રંથો - રામાયણ, ભગવત, મહાભારત, પણ આમ તો કૌટુંબીકની ખેંચતાણની જ કથાઓ છે. બે ભાઇઓ વચ્ચે બંદૂકની ગોળીઓની રમઝટ વડે અલગ રાજકીય પક્ષોની સ્થાપના કે પિતાનાં વ્યાપારીક સામ્રાજ્યના ભાગલાઓની કહાણીઓ, પ્રસાર માધ્યમો માટે કદી ન ખૂટતા સાર્વત્રિક સ્રોત છે.
ભાંડરૂઓ પણ સામાન્ય માનવી જ છે તેવું કદાચ આપણે નથી સ્વીકારતાં, એટલે કદાચ ભાઇઓ-બહેનો વચ્ચેના ઝઘડાઓ લોકગીતોનો મસાલો બની રહ્યા છે. સગાં ભાઇ બહેન હોવાને નાતે તેઓએ એક જ કૂખ, એક જ ઘર, એ જ કૌટુંબીક પરંપરાઓ, એ જ માતાપિતા સેવ્યાં છે, એટલે આપણને કોઇ બે અજાણ્યાં પાસે ન હોય તેવી અપેક્ષાઓ ભાંડરૂઓ પાસે હોય છે.  આપણે અપેક્ષા કરી છીએ કે તેઓ એકેબીજાંને સ્વીકારે અને સમજે. આપણે માની છીએ કે આખરે તો તેમનું બંધન પાણીથી વધારે ઘટ્ટ એવાં લોહીનું છે.
જો કે એક મહત્વની વાત રામાયણ અને મહાભારત વિષે એ નોંધવી જોઇએ કે તેનાં મુખ્ય પાત્રો લોહીના સીધા સંબંધે નથી જોડાયાં રામ અને લક્ષ્મણ સાવકા ભાઇ છે, જેમના પિતા એક છે પણ મા અલગ અલગ છે. પાંચ પાંડવોમાંથી ત્રણ ભાઇઓની માતા કુંતિ છે, પણ તેમના પિતા એક નથી. ભાગવતમાં કૃષ્ણનો ઉછેર પાલ્ય માતા-પિતા કરે છે અને તેમના ભાઇ, બલરામ, તેમના સાવકા ભાઇ છે.
આમ લોહી કે કાનુન કે પ્રથાથી નહીં પણ વિશ્વાસથી કુટુંબ બને છે. વિશ્વાસથી ચાલતાં કુટુંબોમાં કોઇ નિયમો નથી હોતા; ભાગવતની જેમ, ત્યાં તો બધું જ પ્રેમથી થતું રહે છે. જે કુટુંબની અંદર વિશ્વાસ નથી હતો, ત્યાં નિયમોનું  કોઇ સ્થાન નથી હોતું; મહાભારતની જેમ હોય છે બધું સત્તાની મનસાથી દોરવાયેલું. એ બન્નેની વચ્ચે છે રામાયણ - જ્યાં કુટુંબમાં પ્રેમ પણ છે અને નિયમો પણ છે. 
પરંપરાગત રીતે, લોકો વિશ્વાસથી વધારે, વફાદારીને મહત્વ આપે છે. કંઇ પણ થઇ જાય, આપાણાં ભાંડરૂઓ આપણી પડખે ઊભાં રહેશે તેમ આપણે માની જ લઇએ છીએ. ગ્રીક પૌરાણીક કથાનકોમાં પોતાના ભાઇ, મૅલીનૌસની પત્નીને ઉપાડી ગયેલ ટ્રૉયના રાજકુમારની સામે બધાં ગ્રીક રાજ્યોને એક કરીને સૈન્ય ઊભું કરતાં આપણે જોઇ શકીએ છીએ. તો બીજે પક્ષે ટ્રોયમાં હૅક્ટરનાં ગુણગાન એટલે ગવાતાં જોવા મળે છે કે તેણે હેલનને ભગાડી લાવનાર બેજવાબદાર ભાઇ, પૅરિસનો, બેલાશક સાથ આપ્યો. આપણે રાવણની પડખે ઉભા રહેનાર કુંભકર્ણને માન આપીએ છીએ, નહીં કે ભાઇને છેહ દઇને સામે પક્ષે જતા રહેનાર વિભિષણને. 
વફાદારી આપણને સલામતીનો ભાવ પેદા કરે છે. પણ આ વફાદારી એ ખરેખર શું છે? મોટા ભાગે મોટાં ભાઇ કે બહેન નાનાં ભાઇબહેનોપાસેથી વફાદારીની અપેક્ષા રાખે છે. પણ એ તો ટોળીનો વડો તેના અનુયાયીઓ પાસેથી માગે તેવી શરણાગતિ ન કહેવાય? મનુષ્ય કુટુંબોમાં મોટો ભાઇ જ શા માટે કુટુંબનો મોભી માની લેવાય છે? કુદરતમાં તો વડીલ થવાથી નહીં, પણ સહુથી વધારે શક્તિશાળી થવાથી નાયક પદ મળતું હોય છે.
આપણે એક વાત એ પણ ભુલતાં હોઇએ છીએ કે આપણે માનવી પછી છીએ અને એક જ્ન્મજાત પશુ પહેલાં. અને પશુ જગતમાં ભાઈ-ભાંડરૂઓનો પ્રેમ, કે વફાદારી કે દુશ્મની જેવું કંઇ નથી હોતું. દરેક પશુ તે સમયે ઉપલબ્ધ સંસાધનમાટેની સ્પર્ધામાં હોય છે. ભાઇઓ વચ્ચેના ઝઘડાઓ માટે પણ આ સ્પર્ધા જ કારણરૂપ છે.મનુષ્ય જગતમાં પણ દરેક ભાઇ એ પણ પોતાનાં સ્થાનને સુનિશ્ચિત કરવાની પેરવી  કરતું રહેતું પ્રાણી જ છે. પણ અહીં હવે સંસ્કૃતિ વચ્ચે આવે છે.અને સાંસ્કૃતિક પરંપરા સાથે આવે છે મિલ્કતની માન્યતા. જેમ વધારે સંપત્તિ તેમ પોતાનાં ટોળામાં ઊંચું સ્થાન. નિયમો અને કાયદા-કાનુન માલિકી હક્ક પ્રસ્થાપિત કરે છે. કાયદાઓ વારસાના હકક પણ પ્રસ્થાપિત કરે છે.અને કાયદાઓ મોટા અને નાનાં ભાંડરૂઓ વચ્ચેના સંબંધની વ્યાખ્યા પણ નક્કી કરી આપવા પ્રયત્નશીલ રહે છે.
ચીનમાં, કન્ફ્યુસીયસ તો સ્પષ્ટ જ છે કે સામાજીક સ્થિરતા અને વ્યવસ્થા તેમ જ પૂર્વાનુમાનક્ષમતા  જાળવી રાખાવા માટે નાનાંઓએ વિધિપૂરઃસર મોટાંઓને માન આપવું જોઇએ. આનો અર્થ થાય કે મનુષ્યએ તેની મૂળભૂત પશુ વૃત્તિને અંકુશ કરવી, જે સહેલું નથી. રામાયણમાં પોતાના ભાઇ સુગ્રિવ પર પોતાનો પ્રભાવ પ્રસ્થાપિત કરવા અને તેને રાજગાદી અને, તેની પત્નીથી, દૂર રાખવામાટે વાલી સજ્જડ બળનો પ્રયોગ કરતાં અચકાતો નથી.  પોતાના હક્કની સિધ્ધિ ઇચ્છવા બદલ તેને વાંદરો કહીને તેની મજાક કરવામાં આવી છે. મનુષ્ય સમાજ આને નારાજગીથી જૂએ છે. આપણે વરિષ્ઠતાને અને  તાકાત વડે નહીં પણ કાયદાથી નક્કી થતા વરિષ્ઠતાક્રમને પ્રાધાન્ય આપીએ છીએ. કોઇ કાયદાઓ વરિષ્ઠતાને તો કોઇ કાયદાઓ યોગ્યતાને મહત્વ આપે છે.
રામાયણમાં આપણે રામને જ ગાદી વારસ માની લઇએ છીએ, કારણ કે તે જ્યેષ્ઠ પૂત્ર છે. પણ તે શું યોગ્ય છે ખરૂં? શું તે ખરેખર વધારે લાયક છે ખરા? મહાભારતમાં શાન્તનુના ભાઇ દેવપિ કે પાંડુના ભાઇ ધૃતરાષ્ટ્રને એટલા માટે રાજા થવાને લાયક નથી ગણવામાં આવ્યા કે તેઓમાં કોઇને કોઇએ શારીરીક ખોડ છે. દેવપિને ચામડીનો રોગ હતો  અને ધૃતરાષ્ટ્રને અંધાપો. આ શું યોગ્ય કહેવાય ખરૂં? 
રામના વફાદાર ભાઇ લક્ષ્મણે એક વાર ફરિયાદ કરી કે,"કારણકે તમે મારા મોટા ભાઇ છો, તેથી હંમેશા તમારૂં કહ્યું જ કરવું પડે છે." જેના જવાબ રામે કહ્યું,"આવતા જન્મમાં તું મારો મોટો ભાઇ થાઇશ, પણ તેમ છતાં, માત્ર ફરજ કે વફાદારીને કારણે નહીં પણ મારૂં પ્રત્યેક કર્મ ધર્મિષ્ઠ હોવાને કારણે, તું મારૂં કહ્યું માનીશ." આમ બીજા જન્મમાં લક્ષ્મણ મોટા ભાઇ, બલભદ્ર, તરીકે અને રામ નાનાભાઇ, કૃષ્ણ, તરીકે અવતર્યા. કૃષ્ણ બલભદ્રની કોઇ વાત નહોતા માનતા, અને શરૂઆતની થોડી નારાજગી બાદ, બલભદ્ર તે વાત હંમેશ સમજતા રહ્યા.
ધર્મ, સચ્ચાઈ, ન્યાય, ઔચિત્ય જેવા શબ્દોનું પશુ જગતમાં કોઇ સ્થાન નથી. તે માત્ર મનુષ્યનાં મગજમાં જ અસ્તિત્વ ધરાવે છે. આપણે ઔચિત્યનો આગ્રહ રાખીએ છીએ.અને ત્યાંથી જ મુશ્કેલીઓની શરૂઆત થાય છે. ઔચિત્ય નક્કી કોણ કરે? મોટો ભાઇ કે નાનો ભાઇ કે પછી જન સામાન્ય? બધાં છોકરાં વચ્ચે મિલ્કતની સરખી વહેંચણી શું યોગ્ય છે? વારસામાંથી દીકરીઓને બાકાત રાખવી તે પણ શું યોગ્ય છે? આ શબ્દોમાં જ બધા ઝઘડાઓની જડ છે.ઘણીવાર માતાપિતા છોકરાંઓ પ્રત્યેનો પ્રેમ બતાવવા મિલ્કતની બૌછારની આડશ લે છેઃ જે છોકરાંને સિંહફાળો મળે તે માબાપને વધારે પ્રિય મનાય. એટલે બીજાં છોકરાંઓને રહી ગયાનો ગુસ્સો ભરાય. અથવા તો માબાપ વધારે સફળ છોકરાંને મોટો ભાગ આપે, એટલે બાકીનાંને ઓછાં સફળ હોવાની સજાનો રોષ રહે. આવા વિધ વિધ માનવીય અભિપાયોમાંથી આપણા દ્વેષ અને યુધ્ધો જન્મે છે.
બોલીવુડની એક હિટ ફિલ્મ 'દિવાર'ના એક બહુ જ પ્રખ્યાત સંવાદમાં પૈસાદાર દાણચોર ભાઇ તેના ભાઇને કહે છે,"મારી પાસે ગાડી , બંગલા, દોલત બધું જ છે. તારી પાસે શું છે?" જેના જવાબમાં નાનો પોલિસ ભાઇ કહે છે કે "મારી પાસે મા છે." નાનાભાઇની તરફેણમાં શ્રોતાઓના તાળીઓના ગડગડાટ અને ચીચીયારીઓથી સિનેમા હૉલ ગુંજી ઉઠે છે,પણ એ વાત તો ભુલાઇ જ જાય છે કે હવે 'મા' પણ એ સંપત્તિનો હિસ્સો બની ગઇ છે, જેના પર પણ, ભાઇઓના ઝઘડા ચાલુ જ રહેવાના છે. તેના 'ગુનેગાર' ભાઇની માન્યતા અને અપનાવવાની જરૂરિયાતને 'સજજન' ભાઇ પારખી નથી શકતો. સચ્ચાઇની એટલી હદ સુધી અસર છે કે પ્રેમ અને લાગણીમાટે કોઇ ગુંજાઇશ નથી રહી. તેથી લડાઇ-ઝઘડા ચાલુ રહે છે.
*        'સ્પીકીંગ ટ્રી'માં ડીસેમ્બર ૨, ૨૦૧૨ના રોજ પ્રકાશીત થયેલ.

v  અસલ અંગ્રેજી લેખ, When brothers fight, લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર  જાન્યુઆરી,૨૦૧૩ના  રોજ Articles, Indian Mythology, World Mythology ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.