ગુરુવાર, 17 જાન્યુઆરી, 2013

શિવની પુત્રીઓ - દેવદત્ત પટ્ટનાઇક


આપણે શિવના પ્રખ્યાત પુત્રો વિષે ખાસ્સું જાણીએ છીએ; આજે તેમની પુત્રીઓ વિષે વાત કરીએ.
લાઇફઓકે ચેનલપરના "દેવોં કે દેવ મહાદેવ" પર અશોકસુંદરીને જોયા બાદ ઘણા લોકોનાં મનમાં શિવને દીકરીઓ છે?’ તે વિષે સવાલો થઇ પડ્યા હતા. બધાં એ તેમના પ્રખ્યાત દીકરાઓ, ગણેશ અને કાર્તિકેય,  વિષે તો સાંભળ્યું જ છે. પણ દીકરીઓ? અશોક સુંદરી? તે વળી ક્યાંથી ટપકી પડી?
સમગ્ર શિવ પુરાણનો મુખ્ય વિષય જ શિવનાં સંન્યાસીમાંથી ગૃહસ્થ જીવનનાં સમાજીકરણનો છે, એટલે કે પિતા થવું અને પિતૃત્વની જવાબદારીઓ નિભાવવી. સંન્યાસી તરીકે તો શિવ દુનિયાથી અલિપ્ત અને વેગળા રહ્યા છે.પરંતુ દેવી તેમને સમાજમાં ભેળવવા કૃતનિશ્ચયી હતાં. આમાં તેમને વિષ્ણુ અને અન્ય દેવોની પણ સહાય મળી રહે છે. તમિળ મંદિર પુરાણોમાં તો વિષ્ણુ તેમના ભાઇ અને બ્રહ્મા તેમના પિતા મનાય છે. તેઓ બન્ને મળીને આ સંન્યાસી સંસાર માડે તેમ ઇચ્છતા હતા, કારણ કે તેમ થાય તો જ વિશ્વને તેમનાં જ્ઞાન અને શક્તિઓનો લાભ મળી શકે તેમ હતો.
એ માટે બાળકો હોવાં જોઇએ. તેથી પુત્રોનો જન્મ થયો. બન્ને પ્રખ્યાત પુત્રો વડે માનવીની બહુ જ  પાયાની જરૂરીયાતોનું ધ્યાન કઇ રીતે રાખવામાં આવી રહ્યું છે તે ખાસ નોંધવા લાયક છે.આપણા ભૂખમારાના ભયને ટાળે છે એવા ખોરાક સાથે ગણેશને સાંકળી લેવામાં આવ્યા છે. આક્રમણકારીઓ સામે બચવ કરવા માટે જરૂરી યુધ્ધકળા સાથે કાર્તિકેય સંકળાયેલા છે. આમ, તેમના બે પુત્રો વડે શિવ (પૂરવઠાની) જોગવાઇ અને રક્ષણ પૂરૂં પાડે છે. 
પરંતુ ભકતો અને સાધુઓની નજરથી આ પુરૂષ પ્રાધાન્ય દૂર નથી રહ્યું. તેથી ઘણી પૌરાણિક પરંપરાઓમાં તેમની દીકરીઓના પણ ઉલ્લેખ જોવા મળે છે.
ગુજરાત અને તેની આસપાસના પ્રદેશોની વ્રત-કથાઓમાં અશોક સુંદરીની વાત જોવા મળે છે. પોતાની એકલતામાંથી મુક્તિ મેળવવા પાર્વતીએ તેમને એક વૃક્ષમાંથી જન્મ આપ્યો હોવાનું મનાય છે.પાર્વતીના 'શોક'ને દૂર કર્યો એટલે તેમનાં નામમાં 'અશોક', અને કારણ કે તે 'સુંદર' હતાં એટલે 'સુંદરી' જોડાયું. ગણેશનાં મસ્તક છેદન સમયે, ડરનાં માર્યાં તે એક મીઠાંનાં થેલા પાછળ સંતાઇ ગયાં હતાં, જેને કારણે તેમની માતા તેમના પર ગુસ્સે થયાં હતાં, અને પિતાજીએ પછીથી તેમને શાંત પાડ્યાં હતાં, તે સિવાય ખાસ કંઇ વધારે તેમના વિષે જાણવા નથી મળતું. જેના વિના જીવનનો સ્વાદ બેસ્વાદ થઇ જાય તે મીઠાંસાથે તેમને સાંકળી લેવાયાં છે, તે અત્રે ખાસ નોંધવું જોઇએ.
તમિળનાડુનાં શિવ મંદિરોમાં શિવનાં  આભામંડલમાંથી પેદા થયા હોવાનું અને શિવનાં પ્રાકૃતિક લાવણ્યનું દૈહિક સ્વરૂપ હોવાનું મનાતાં, પ્રકાશનાં દેવી, જ્યોતિ,નો ઉલ્લેખ જોવા મળે છે. સામાન્યતં , તેમને કાર્તિકેય સાથે સાંકળવામાં આવે છે.
બંગાળી લોક કથાઓમાં, સર્પોની મા, કદ્રુ,એ બનાવેલ પુતળાંને શિવના વીર્યનો સ્પર્શ થાવાથી સર્પોના રાજા વાસુકીની સર્પદંશ મટાડી દેતી સર્પદેવી, માનસા,ના જન્મની કથાઓ જોવા મળે છે. આમ તે,પાર્વતીથી ન થયેલી શિવની દીકરી છે, જેમ કાર્તિકેય પણ, પાર્વતીની કૂખે નથી જન્યા પણ શિવનાં વીર્યથી તો પેદા થયા છે. લોકકથાઓમાં ચંડી તરીકે પણ ઓળખાતાં પાર્વતી માનસાની અદેખાઇ કરતાં કહેવાયાં છે, કેમ કે તેમને શંકા છે કદાચ, તે ખાનગીમાં શિવની પત્ની પણ હોઇ શકે. સમુદ્ર મંથન સમયે શિવની પુત્રી હોવાને દાવે તે વિષ આચમન કરી ગયેલા શિવનો જીવ પણ બચાવે છે. પણ ચંડી માનસાની એક આંખ ફોડી નાખવાની હદ સુધી અદેખાઇ કરે છે. ઘરના આ કંકાસથી કંટાળીને શિવ માનસાનો ત્યાગ તો કરે છે, પણ તેને નેતા નામની એક સાથીદાર શોધી આપે છે.  પછીથી, જ્યારે માનસાનાં લગ્ન થાય છે ત્યારે ચંડી માનસાને ઘરેણાં તરીકે સર્પોનો હાર પહેરીને સુહાગ કક્ષમાં જવાનું કહે છે, જેને પરિણામે તેનો પતિ,જરત્કરૂ, ડરીને ભાગી જાય છે.આમ પિતા અને પતિથી ત્યજી દેવાયેલી માનસા હવે એટલી ક્રોધિત દેવી બની ગઇ છે કે, સર્પદંશથી થતાં મૃત્યુને ખાળવા તેમને રીઝવવાં પડે છે.
હિંદુ પરંપરાઓમાં ભક્તો વડે 'સ્થપાયેલાં' દેવી દેવતાઓ કંઇ નવી નવાઇ નથી. ગઇ સદીના ૭૦ના દાયકા સુધી, સંતોષી માની લોકપ્રિય થયેલી ફિલ્મ આવ્યાં પહેલાં, કેટલાંય હિંદુઓને કદાચ તેમની કદાચ ક્યાં ખબર હતી! અને શું અશોક સુંદરી હવે પછીના તેત્રીસ કરોડ દેવી દેવતા બની રહેશે?

*        સનડે મિડ ડૅની દેવલોક પૂર્તિમાં ડીસેમ્બર ૧૬,૨૦૧૨ના રોજ પ્રકાશીત થયેલ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો