બુધવાર, 23 જાન્યુઆરી, 2013

શિક્ષકો શીખે અને વિદ્યાર્થીઓ શીખવાડે - દેવદત્ત પટ્ટનાઇક

ગુરૂ-શિષ્ય પરંપરા...
બૌધ્ધ ધર્મના વિકાસની સાથે સાથે, એક ઉદ્યાનમાં વૃક્ષ નીચે બેઠેલા સાધુનાં ધર્મપ્રવચનને સાંભળવા હજારો શિષ્યો અને ભાવિકો બેઠા હોય તેવી પ્રથા વિષે પણ આપણે સાંભળતા થયા છીએ. તે પહેલાં ઉપનિષદ ગ્રથોમાં ૠષિ અને રાજા કે પતિ અને પત્ની કે દેવો અને માનવીઓ વચ્ચે સંવાદો જોવા મળે છે. તો વળી બ્રાહ્મણસ અને અર્યણકસ  જેવા વૈદિક ગ્રંથોમાં આપણે લોકોને વિધિઓમાં કે પછી જંગલો માં એકલા એકલા ચેષ્ટાઓ અને આશ્ચર્યોદગાર અને બલિદાનોના અર્થઘટનપર ગહન વિચારોમાં વ્યસ્ત જોઇ શકીએ છીએ. તો હજૂ આગળ વધતાં, રામાયણ કે મહાભારત જેવાં મહાકાવ્યોમાં આપણને ગુરૂકુળો કે આશ્રમો વિષે સાંભળવા મળે છે, જ્યાં શિષ્યો ગુરૂ સાથે રહીને જીવન વિષે અને જીવનમા ઉપયોગી  નીવડે તેવાં કૌશલ્યોની શિક્ષા પામે છે. આધુનિક કલ્પનામાં, ગુરૂકુળમાં વિદ્યાર્થીઓ જાણે કે વૃક્ષ નીચે બેસીને ગુરૂનાં કે વિદ્યાર્થીઓ અભ્યાસખંડમાં બેસીને શિક્ષકોનાં પ્રવચનો સાંભળતા હોય તેમ જોઇ શકાય છે. આ કલ્પનાઓમાં જ ગુરૂ-શિષ્ય પરંપરા વિષેની સમજણમાં ખામી રહી ગઇ છે.
પરંપરા  એટલે એક પ્રથા, એક માર્ગ. આજના અભ્યાસ ખંડ અને ધર્મ-પ્રવચનો કે ગુરૂ-શિષ્ય પરંપરામાં મૂળભૂત તફાવત  હેતુલક્ષીતાના વિચારનો છે.જ્ઞાન હેતુલક્ષી છે કે વસ્તુલક્ષી? માહિતિ હેતુલક્ષી છે, પરંતુ જ્ઞાન વસ્તુલક્ષી છે. કંઇ પણ જાણવા માટે તેને સમજવું જરૂરી છે.અને સમજવા માટે બીજાં જે કંઇ કહેતાં હોય, તેનું અર્થઘટન કરવું, તેનું વિશ્લેષણ કરવું અને તેને આપણે જે જાણીએ છીએ કે સમજીએ છીએ તેના સંદર્ભમાં બંધબેસતું કરવું પડે છે.  શીખવું, અને તેમાં પણ જ્ઞાનગ્રહણ કરવું એ અત્યંત સંકુલ પ્રક્રિયા છે. અને આદિ ભારતીયો તેનાથી પરિચિત હતા.
ચીનના શિક્ષણ પ્રત્યેના અભિગમને તેની લડાયક કળાનાં પ્રશિક્ષણ વડે સમજી શકાય છે.અતિઆગ્રહી પ્રશિક્ષકની અવિરત નજર હેઠળ આકરાં શિસ્ત વડે કૌશલ્યની સીમાઓ વિકસાવવાની તેમની પ્રશિક્ષણ પધ્ધતિ ગુરૂ-શિષ્ય પરંપરાથી  અલગ છે.
યુરોપની શિક્ષણ પધ્ધતિઓનાં મુળ ગ્રીક અને રોમન ચર્ચાના ખયાલમાં રહેલ છે. તે સમયે, તત્વચિંતકોની ચર્ચા બાદ,કોઇ એક મતના સ્વિકાર, કે બધાંના સર્વાનુમત, વડે સત્ય પ્રસ્થાપિત કરવામાં આવતું. અને આ સત્ય પછીથી અભ્યાસખંડોમાં, મોટે ભાગે ગોખાવીને, વિદ્યાર્થીઓને વહેંચવામાં આવતું. તેઓ તેને પડકારતા તો હતા,પણ છેવટે તો તેનો સ્વીકાર કરવો જ પડતો હતો. આધુનિક શિક્ષણ વ્યવ્સ્થામાં પણ આ જ પ્રથા જોવા મળે છે, જેમ કે કસોટી કે પરિક્ષાઓથી કેટલું (જ્ઞાન) મેળવ્યું અને કેટલો વિકાસ થયો તે માપવું કે ડૉકટરૅટ મેળવવા માટે મહાનિબંધને રજૂ કર્યા પછી તેનો સફળતાપૂર્વક "બચાવ" કરવો. યહુદી, ખ્રિસ્તી કે ઇસ્લામિક પરંપરા મુજબ, જ્ઞાન આખરે તો ઇશ્વર પાસે જ છે, મનુષ્ય તો માત્ર તેનું અર્થઘટન કરી શકે.  આ ત્રણ ધાર્મિક પરંપરાઓનો 'ધર્મનિરપેક્ષ' કહેવાતી ગ્રીક-રોમન વિચારસરણીની સાથે, ઘણીવાર મેળ નથી ખાતો.
શિક્ષણની યુરોપિયન વ્યવસ્થા સાથેની સરખામણી, કે કંઇક અંશે, તેને પૂર્વની શિક્ષણ વ્યવસ્થા જોડે સાંકળવાના પ્રયાસોને કારણે ગુરૂ-શિષ્ય પરંપરા વિષેની  સમજ થોડી તરડાયેલી જોઇ શકાય છે.પહેલા પ્રકારની શિક્ષણ પ્રથા મિશનરી શાળા તેમ જ સંસ્થાનીકરણ અને બીજા પ્રકારની પ્રથા બ્રુસ લી, જૅકી ચાન કે કુંગ ફુના ફંડાને કારણે પ્રચલિત થઇ છે.
ગુરૂ-શિષ્ય પરંપરાને સમજવા માટે સહુથી સરળ ઉદાહરણ જોવાં હોય તો, આખાં ભારતમાં ફેલાયેલ, કોઇ પણ મીકેનીકની દુકાનમાં કે રસ્તાની બાજૂએ આવેલા ઢાબા પર, અનુભવી વ્યવસાયસાહસિકોની સાથે ઘડાતા લબરમૂછિયા કિશોરોના ઉસ્તાદ-ચેલાના સંબંધોપર  નજર કરવી જોઇએ. અહીં ચેલાઓ કામમાં પળોટાતાં જવાની સાથે, નવાં હુન્નર પણ શીખે છે. ઉસ્તાદ શીખવાડવા માટે કોઇ સભાન પ્રયત્નો કરતા નથી દેખાતા. પણ કામ કરતા જવાની સાથે થતી રહેતી તેમની વાતો, ટીપ્પણીઓ ચેલાનાં દિલ અને દિમાગ અસર જમાવતી રહે છે. તેમાંથી કેટલું વધારે ગ્રહણ કરવું તે ચેલાની શીખવાની ભૂખ પર આધાર રાખે છે. જ્યારે ચેલો પોતાના પગ પર ઊભો રહેવા જેટલો સક્ષમ થઇ જાય છે, ત્યારે સામાન્યતઃ એ પોતાની આગવી કેડી પકડી લે છે. આ બધું કોઇ નિશ્ચિત કાર્યક્રમની રૂપરેખા હેઠળ વ્યવસ્થિત મળખાં નથી થતું, એટલે તેને શું કહીશું: શીખવું કે નોકરી, કે શિક્ષણ કે શોષણ?
હા, શુધ્ધ બ્રાહ્મણ સંવેદનાને ગુરૂ-શિષ્ય પરંપરાની શેરીના ઉસ્તાદ-ચેલાની સાથે સરખામણીથી ઠેસ જરૂર પહોંચશે. પણ, શોષણ કરતી હોય તેવી ગુરૂ વર્તણૂકો પણ આપણને જોવા તો મળે જ છે.ધૌમ્ય ૠષિને ત્રણ શિષ્યો છે.પહેલો શિષ્ય , અરૂણિ, પોતાનાં શરીરનો પાળો બનાવીને, નહેરમાં પડેલ ભંગાણમાથી, ગુરૂનાં ખેતરોમા આવતાં પાણીને રોકે છે.બીજા શિષ્ય, ઉપમન્યુ,ને ગુરૂનાં ઢોરઢાંખરને ચરાવવાની જવાબદારી તો સોંપાઇ છે, પણ એ ગાયોનું દૂધ પિવાની તેને મનાઈ છે, એટલે તરસ છીપાવવા એવાં કોઇ ઝેરી પાંદડાં ચાવે છે કે જેનાથી તે થોડા સમય માટે આંખની દ્ર્ષ્ટિ ખોઇ બેસે છે. અને ત્રીજા શીષ્ય, વેદ,ને ગુરૂએ એટલા લાંબા સમયથી પોતાની પાસે રાખી મૂક્યો કે પોતે ધોળા વાળવાળો વૃધ્ધ ક્યારે થઇ ગયો, તે તેને જ  ખ્યાલ ન રહ્યો.
અઢારમી સદીમાં, રાજનર્તકી મુદ્દુપાલની દ્વારા લખાયેલ તેલુગુ હસ્તપ્રત, 'રાધિકા સંતવાનમુ'માં આપણે એક કુમારિકાને ખુશ કરવા પુરૂષે શું કરવું જોઇએ અને એક સ્ત્રીએ અનુભવી પ્રેમીને ખુશ કરવા શું કરવું જોઇએ તે વાંચીએ છીએ.  આને શું આપણે ગુરૂ -શિષ્ય પરંપરા કહીશું? પોતાની દીકરીને પાકશાસ્ત્ર અને ઘર ચલાવવાની કળા શીખવાડતી માને આપણે ગુરૂ ગણીશું?  એ પણ કૌશલ્યનું પ્રશિક્ષણ નથી?
ગુરૂ-શિષ્ય પરંપરાની મહત્વની કડી છે - શીખવતાં શીખવતાં શિક્ષક દ્વારા પણ શીખવું અને ભણતાં ભણતાં વિદ્યાર્થી દ્વારા શીખવવું. પોતાનાં વિદ્યાર્થીની વસ્તુલક્ષી વાસ્તવિકતા પોતાની વસ્તુલક્ષી વાસ્તવિકતાથી અલગ છે તે વાત ગુરૂ સ્વિકારે છે. આથી, દરેકે પોતાનાં આગવાં સ્થાન, આગવા સંજોગો અને શરતોથી પોતાનાં જ્ઞાનને પારખવું પડે છે. ગુરૂ, બહુ બહુ તો, આપણને શીખવા માટેની ઈચ્છા અને હૈયાઉકલતની ક્ષણોને પ્રદીપ્ત કરી શકે. પણ, આખરે તો, શીખવાની જવાબદારી શિષ્યની જ છે. ગુરૂ તો એવી નદી છે જ્યાં શિષ્ય પોતાની તરસ છીપાવવા આવે છે. શિક્ષકની શીખવવાની જેટલી જવાબદારી છે તેનાથી વધારે જવાબદારી શિષ્યની શીખવાની છે.
તાંત્રિક ગ્રંથોમાં,ગુરૂ-શિષ્યના સંબંધોને પતિ-પત્નીના સંબંધ સાથે સરખાવાયેલ છે.બ્રહ્માંડીય બાબતોમાં શિવ ગુરૂ અને તેમનાં પત્ની, શક્તિ, શિષ્યા સ્વરૂપે જોવામાં આવે છે. તેઓ કૈલાસમાં શક્તિને પ્રવચનો આપે અને શક્તિ તેમને કાશીમાં ભોજન પૂરૂં પાડે છે. બન્નેને એકબીજાંની જરૂર છે.
આમ, આપણે ગુરૂ અને શિષ્ય વચ્ચે હંમેશ હોય તેવું સત્તાનું સમીકરણ જોઇ શકીએ છીએ. ઘણીવાર શિષ્યરૂપી ખાલી પ્યાલાઓને ગુરૂ જ્ઞાનથી ભરતા જોવા મળે છે. તે સમુહની ગતિને નિયંત્રિત કરતી શરૂઆત બની રહે છે. અને તેથી જ, શિષ્યોને 'નમ્રતા' કે 'સમર્પણ'ની ભાવના અપનાવવાનું કહેવાતું હોય છે.
ગુરૂ જ્ઞાની જ હોય તેવું જરૂરી નથી; તે પોતાના પુત્રોને વધારે પસંદ કરતા હોય અને અણમાનીતા શીષ્યોમાટે ક્રૂરતા દાખવતા હોય, એવું પણ જોવા મળે છે. મહાભારતના દ્રોણ એવા એક ગુરૂઓમાંના છે, જે પોતાના પુત્ર, અશ્વથામાને એવી અને એટલી વિદ્યા શીખવાડવા માગે છે, જે શીખવું અશ્વથામાના બસનું નથી.  તો વળી માત્ર નાતજાતના ભેદભાવને કારણે,  તેઓ, કર્ણ અને એકલવ્યને, ધનુર્વિદ્યા શીખવાડવા માટે તૈયાર ન હતા. તેઓ રાજકુમારોને પણ માત્ર એટલા સારૂ શીખવાડતા હતા કે તેના થકી મળતી દક્ષિણાવડે, કેટલાંક વર્ષો પહેલાં દ્રુપદે કરેલાં અપમાનનો બદલો લઇ શકાય.
ભાગવતમાં ગુરૂઓમાં સહુથી પહેલા ગણાતા,આદિનાથ તરીકે પણ ઓળખાતા, નગ્ન ગુરૂ,દત્ત,ની વાત જોવા મળે છે. ઝાડપાન, કુદરત અને તેમને મળતાં રહેતાં લોકો તેમનાં ગુરૂ હતાં. મહાભારતમાં ઘર સંભાળતી સ્ત્રી અને કસાઈ પાસેથી શીખતા એક સાધુની પણ વાત જોવા મળે છે.વનમાં ભીમને એક વાનર પાસેથી, અર્જુનને એક આદીવાસી પાસેથી અને યુધિષ્ઠિરને એક બગલા પાસેથી વિદ્યા મળતી રહી હતી એવા પણ ઉલ્લેખ જોવા મળે છે. જ્ઞાનની દેવી, સરસ્વતી,ની અદ્ર્શ્ય હાજરી બધે જ અનુભવાતી રહે છે. તેને મેળવવા માટે આપણે તરસનો ઢોંગ કરીએ તે ન ચાલે, આપણે સાચા અર્થમાં તરસ્યા થવું પડે. ગુરૂ તો માત્ર માર્ગ બતાવે, તેના ઉપર ચાલવું  તો શિષ્ય એ જ પડે. અને ચાલતાં ચાલતાં એને એ પણ સમજ પડવી જોઇએ કે ક્યાં તેના ગુરૂ સાચા નહોતા કે તેનો માર્ગ ગુરૂના માર્ગથી બહુ જ જૂદો છે, જેમ કે વેદાંતના પ્રખર જ્ઞાની રામાનુજને ખ્યાલ આવી જાય છે કે કાંચિપુરમ મંદિરના સ્વિકૃત ગુરૂ, યાદવપ્રક્ષ, કરતાં તેમનો ચાકર વધારે જાણકાર છે. 
શીખવું એટલે "વિચારશક્તિ" (માનસ)નું માહિતિના નવા આધાર-સંગ્રહને આવકારવવા, અને તેને માહિતિમાં , અને માહિતિને જ્ઞાનમાં, ફેરવવામાટે જરૂરી વલણો પારખવામાટે તે સામગ્રીનું મંથન કરવા સારૂ "ઉઘડવું' (બ્રહ્‍). ગુરૂ તો માત્ર વિચારોનાં દસ્તાવેજીકરણ અને પ્રસારણ માટે 'સ્મૃતિ' આપે છે. શિષ્યને જ્ઞાની અને સમજદાર બનાવે છે શ્રુતિ - આંતરસૂઝનો અંતરાત્મા, જે ક્ષીરનીરની વિવેકબુધ્ધિ ચેતાવે છે. આજનો તાલીમ આધારીત આધુનિક ઢાંચો આવા અંતરાત્માનાં અસ્તિત્વને નથી સ્વીકારતો; એટલે, માહિતિનાં અંદર સુધી ઉતરી જવાની આશાને ફળીભૂત કરવા સારૂ માહિતિનાં સરળીકરણ અને પુનરાવર્તન પર વધારે પડતો ભાર જોઇ શકાય છે.
ગુરૂ જેમ જેમ પોતાને જે કંઈ આવડે છે તે શિષ્યને શીખવાડતાં જાય છે, તેમ તેમ તેમને સમજાતું જય છે કે દરેક વ્યક્તિ કેટલી નિરાળી અને આગવી છે. અને તે મુજબ તેમણે પોતાનાં પ્રત્યાયન કૌશલ્યને મઠારતાં રહેવું પડે છે.જ્યારે જ્યારે શિષ્ય પ્રતિસાદરૂપી હોંકારો ભણે છે, ત્યારે ત્યારે ગુરૂની શ્રધ્ધાનો ગુણાકાર થતો રહે છે. શિષ્યની પ્રતિસાદ આપવાની અશક્તિ કે અનિચ્છા ગુરુની સહનશક્તિને વધારે છે. આમ ગુરૂ શિષ્ય પાસેથી પણ શીખતાં રહે છે.
ગુરૂને દક્ષિણા (ફી) આપીને શિષ્ય ઉપકારના ભાર કે ઋણમાંથી મુકત થાય છે. તે હવે પોતાનાં જીવનના બીજા તબક્કામાં દાખલ થવા માટે અને હવે પછીની પેઢીને તે જ્ઞાન હસ્તાંતરણ કરવાનો સમય પાકે તે પહેલાં તેનો યથોચિત ઉપયોગ કરવા માટે મુક્ત છે.

*        'ફર્સ્ટ સિટી'માં નવેમ્બર, ૨૦૧૨માં પ્રકાશીત થયેલ.

v  અસલ અંગ્રેજી લેખ, When teachers learn and students teach , લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર  જાન્યુઆરી ૧૨, ૨૦૧૩ના  રોજ Articles, Leadership ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.