શનિવાર, 16 ફેબ્રુઆરી, 2013

મને સાચું કહો - દેવદત્ત પટ્ટનાઇક

સત્ય - બ્રહ્માંડ જેટલું જ અનંત
જ્યારે લોકો વચ્ચે વિવાદ ચાલતો હોય છે, ત્યારે એવું માનવામાં આવે છે કે કોઇ એક પક્ષ ને તો સાચું શું છે તે ખબર છે. પણ, જો કોઇને જ સાચું શું છે તે ખબર ન હોય તો?  તો ચર્ચા આધિપત્યનો અખાડો બની રહેઃ એક પક્ષ બીજાં પર (પોતાના) સત્યને ઠોકી બેસાડવા મથે.
બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે કોણ વધારે ચડીયાતી દૈવી હસ્તી ગણાય તેની ચડસાચડસીની એક વાત પુરાણોમાં જોવા મળે છે. બ્રહ્મા  દાવો કરે છે કે, સમગ્ર સજીવ સૃષ્ટિનું સર્જન તેમના વડે થયું છે. તો વિષ્ણુનું કહેવું છે કે જ્યારે તે જાગે છે ત્યારે વિશ્વ અસ્તિત્વમાં આવે છે અને જ્યારે તે ઉંઘી જાય છે ત્યારે વિશ્વનું અસ્તિત્વ નથી રહેતું. એવામાં ઓચીંતો જ, એક અગનસ્થંભ તેમની વચ્ચે જોવા મળે છે. તેનો ન તો આરંભ કે ન તો અંત નજરે પડે છે, કારણ કે તે પૃથ્વી અને આકાશ એમ બન્નેની આરપાર ફેલાયેલ છે.હંસનું સ્વરૂપ લઇને બ્રહ્મા તેનો આકાશ તરફનો છેડો શોધવા નીકળી પડે છે. જ્યારે વારાહનું સ્વરૂપ લઇ, વિષ્ણુ ધરતીમાં ખોદીને તેનું મૂળ શોધવાનું શરૂ કરી દે છે. ચડસાચડસીમાં ચડેલા બન્ને દેવો એક્બીજાંને કહે છે કે, "જે મૂળ શોધી કાઢશે તે ઇશ્વર". કોઇને સફળતા મળતી નથી. બ્રહ્મા જૂઠું બોલી ને કહે છે "મેં તેની ટોચ શોધી કાઢી છે' અને તેની સાબિતીમાં તરીકે કેતકીનું ફૂલ રજૂ કરે છે. પોતે મૂળ ન શોધી શક્યા હોવાથી વિષ્ણુ હાર માની લે છે. એ જ સમયે એ અગ્નિસ્થંભમાંથી એક આકાર બહાર આવે છે. એ શિવ છે! તે જૂઠું બોલવા માટે બ્રહ્માને સજા કરે છે અને ખોટું ન બોલવા માટે વિષ્ણુની પ્રશંસા કરે છે.
કથા બહુ જ રૂપકાત્મક છે. કમનસીબે, મોટા ભાગનાં લોકો તેને શાબ્દીક અર્થમાં લઇ લેતાં હોય છે. એટલે, એ ત્રિમુર્તિમાં કોણ સહુથી ચડીયાતું છે - સર્જક બ્રહ્મા કે સંરક્ષક વિષ્ણુ કે સંહારક શિવ - તે સિધ્ધ કરવા આ કથાનો ઉપયોગ થતો જોવા મળે છે. એ નક્કી કરવા માટે તો કંઇ કેટલાંય યુધ્ધો થઇ ચુક્યાં છે. શિવ ભક્તો આ કથાથી શિવને સહુથી મહાન ગણે છે, તો વિષ્ણુના ભક્તો વિષ્ણુને મહાન ગણે છે. પણ, આ દિશામાં થતી કોઇ પણ ચર્ચા મુખ્ય મુદ્દો જ ચાતરી જાય છે. આ કથા તો અનંતની કલ્પનાને સમજાવે છે. બ્રહ્માંડ કોઇ પણ સીમાડાઓ વિનાનું, અનંત છે. માનવીય બુધ્ધિ સતત તેની સીમા આકારવા પ્રયત્નશીલ રહે છે. બ્રહ્મા પણ તેમ જ કરવાનો પ્રયત્ન કરે છે અને , તેથી  જ તે પૂજનીય નથી ગણાયા. વિષ્ણુ સ્વીકારે છે કે બ્રહ્માંડની સીમાઓને પામવાનું અશક્ય છે, અને તેથી પૂજનીય ગણાયા છે. આ સમગ્ર કથામાં, એક શિવ જ એવા ગણાયા છે જેમને સત્ય ખબર છે, પણ તેને તે કદી જણાવી શકે તેમ નથી, કારણ કે સત્યની કોઇ પરિભાષા નથી હોતી. જેને સત્ય ખબર છે, તે સત્ય કહેશે, તો પણ જેને સત્ય શું છે એ ખબર નથી, તેને તે સમજાશે જ નહીં. અને તેથી જ શિવ મૌન છે.
આ બધાંમાં ક્યાંય દેવી દેખાતાં નથી?  જેમ ઘણા વિદ્વાનો માને છે તેમ આપણે પણ માની લઇ શકીએ કે પરમ દૈવી અસ્તિત્વની ચર્ચામાં દેવીનો સમવેશ નથી, જેમાં જાતિ પૂર્વગ્રહ પણ છતો થતો જણાય છે. પણ એવું નથી. અહીં દેવી એટલે આકાશ અને ધરતી; એ વિશ્વ કે જેમાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવ વસે છે.તેમની સાથેનાં જોડાણથી સત્યની શોધ પ્રદીપ્ત થાય છે.
બ્રહ્મા, તેમને નિશ્ચિતતા અને રાહત આપે તેવાં પરિમિત સત્યને પસંદ કરે છે.જ્યારે વિષ્ણુ એ સત્યને પસંદ કરે છે અતાગ છે અને જે અનિશ્ચિતતામાં પણ સ્વસ્થ રહે છે. જ્યારે શિવને સત્ય ખબર છે, તેથી તે મૌન , નીરવ બની રહે છે, જેને કારણે તેઓ દુનિયાસાથે ભળી નથી શકતા. વિષ્ણુ સરખામણીપર અધારીત સત્ય,માયા,થી કામ લે છે, જ્યારે શિવ સરખામણી પર નિર્ભર નથી એવાં સત્યથી કામ લે છે (કે કદાચ, નથી લેતા). શિવને માટે સંસાર સાથે સંબંધ બાંધવો એટલે અનંતને ત્યાગી દેવું, પોતાની આંખો ખોલી દેવી, પરણીને પતિ, શંકર-શંભો બની ને સંસારની રોજબરોજની ઘટમાળમાં પરોવાવું.
  • સન ડે મિડ ડેની દેવલોક પૂર્તિમાં જાન્યુઆરી ૬,૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ 
v  અસલ અંગ્રેજી લેખ, Tell me a truth, લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર  જાન્યુઆરી ૩૧, ૨૦૧૩ના  રોજ Articles, Indian Mythology ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.