ગુરુવાર, 21 ફેબ્રુઆરી, 2013

ધ્યેય કે અનિમેષ મીટ - દેવદત્ત પટ્ટનાઇક


આપણને બધાંને વિશ્વસમ્રાટ ભરત જેવાં શા માટે થવું છે?
હું એક પ્રખ્યાત બહુરાષ્ટ્રીય કંપનીનો મુખ્ય સંચાલન અધિકારી છું. હું હંમેશાં લોકેષણાવાળી ખૂણાની ઑફિસમાંથી કામ કરતો રહ્યો છું. તે સ્થાને પહોંચવા માટે મેં એકનિષ્ઠ લગનથી કામ પણ કર્યું છે.પણ જેવું મેં મારૂં ધ્યેય સિધ્ધ કર્યું કે બે વાત બનીઃ એક, સિધ્ધિમાં મેં કલ્પી તેટલી મીઠાશ નહોતી, અને બીજું, હું વધારે અને વધારે અસલામતી અનુભવું છું. વાત એટલી વણસી ગઇ છે કે મારી અંગત અને વ્યાવસાયિક જિંદગીઓમાં અરાજકતા છવાઇ ગઇ છે.  નિરાશામાં, હું અમારી ઑફિસની ઉગતી સિતારા જોડે પ્રેમમાં પણ પડી ગયો છે. મારી સ્થિતિનો હલ શું હોઇ શકે?  મારાથી તો કોઇની સાથે વાત સરખી કરી શકાય તેમ નથી.
જૈન તવારીખ મુજબ, જેના નામ પરથી આપણા દેશનું નામ 'ભારત' પડ્યું છે તેવો રાજા ભરત, વિશ્વવિજય મેળવ્યા પછી, વિશ્વની મધ્યમાં આવેલા મેરૂ પર્વત પર, પોતાનો ધ્વજ લહેરાવવા માટે,ચડે છે. ત્યાં એ, તેના પહેલાં આવી ગયેલા, અને હવે ભુલાઇ ગયેલા, અસંખ્ય વિશ્વવિજયી રાજાઓની ધજાઓથી શિખરને છવાઇ ગયેલું જૂએ છે.તમારી દશા પણ ભરત જેવી છે! તમે અઢળક સિધ્ધિઓ અને સંપત્તિ મેળવ્યા છતાં, પોતાને અર્થહીન અનુભવો છો. આ છે માન્યતા (વસ્તુલક્ષી સત્ય) અને વાસ્ત્વિકતા (હેતુલક્ષી સત્ય)નું મિલન. નિરપેક્ષ ભૌતિક દ્રષ્ટિએ તમને સુખી કરી શકે તે બધું જ તમને મળી ચૂક્યું છે, પણ તાત્વિક સ્વરૂપે કંઇક ખૂટે છે - એક એવો અવકાશ જેને ભરવો રહ્યો. 
વ્યવસ્થાપન વિજ્ઞાનનો આધાર ધ્યેયનો સિધ્ધાંત છે. દરેક વસ્તુનું ચાલકબળ ઉદ્દેશ છે. ઍલીસીયમની શોધ કરતા રહેતા ગ્રીક યોધ્ધાઓની જેમ ઉદ્દેશ તમારામાં જોશ પૂરૂ પાડતું રહ્યું હતું. ઑલિમ્પીકના દોડવીરની જેમ, તમે તે સિધ્ધ પણ કરી લીધું. બધાં એ તમારા વિજયને વધાવી લીધો. તમને ચમકધમક સંપત્તિ (તમારી 'ખૂણાની' ઑફિસ) પણ મળી ,પણ તમને તેનાથી સ્વર્ગનો અનુભવ નથી થતો. કારણ કે અચાનક જ તમને આગળ નવા ઉદ્દેશ અને આજૂબાજૂ બીજા લોકોને દોડતાં દેખાય છે. આનો કોઇ અંત જ - નવાં લક્ષ્યો આવતાં જ રહે છે,  સ્પર્ધા કયારે પણ ખતમ જ નથી થતી. તમે થોભીને જૂઓ છો કે તમારી સિધ્ધિઓને કારણે તમને કોઇ વિશેષ મહત્વ નથી મળ્યું. તમારે તો 'પાંચમાં પૂછાતાં' થવું છે.
કામગીરીને મહત્વ આપતી સંસ્થાઓમાં તમારૂં મહત્વ, તમે કોણ છો તેને કારણે નહીં, પણ તમારી કામગીરીને કારણે છે. તમને ખબર છે કે,  થોડા સમય બાદ તમે પણ, ઘરડા થતા જતા વાઘની જેમ, શિકાર કરવાની સ્ફુર્તિ ગુમાવતા જવાના છો. એક દિવસ એવો આવશે જ્યારે તમે ધાર્યાં પરિણામ નહીં લાવી શકો. આજની વાહવાહ, નવા મુખ્ય અધિકારીમાટે થતી સાંભળવા મળશે. આજે તમને જે થોડું ઘણું પણ મહત્વ મળે છે, તે પણ જતું રહેશે. આ વાતની તમને ઘેરી ચિંતા છે. તમે તમારાં આગવાં વ્યક્તિત્વથી,એક  મહાનાયક્ની જેમ, ઓળખાવા માગો છો. તમે, લક્ષ્ય નહીં પણ, તમારા પર એકટક નજર ઇચ્છો છો. તમને દર્શન જોઇએ છીએ.
એ યુવતી તમને, કદાચ, તે દર્શન પૂરૂં પાડે છે, જે કદાચ તમારા માલીકીઅંશધારકો કે સહકર્મચારીઓ ક્યારે પણ બંધ કરે. માલીકીઅંશધારકોને તો હવે પછીનાં લક્ષ્યની લાલચ છે અને તમારાં સહકર્મચારીઓ તમારી 'ખૂણાની ઑફિસ"ની ઈર્ષ્યા કરે છે, જ્યારે એ યુવતી તમારામાંના નાયકની ચાહક છે. કમ સે કમ એવું તમે તો માનો છો. તમે એ જ તો માનવા પણ માગો છો. શક્ય છે કે તે પણ તમને તમારી કામગીરી, તમારી સફળતામાટે પસંદ કરતી હોય - નહીં કે તમને. પણ એ સત્યનો તો તમે સામનો નથી કરવા માગતા. તમારે તો એવા યુવાન વાધ બની રહેવું છે, જેની ડણકનો જંગલમાં પ્રભાવ પડતો હોય.એવું પણ બને કે તમારી સફર દરમ્યાન, તમે એકટક મીટ તરફ ધ્યાન દેવાને બદલે લક્ષ્યકેન્દ્રીત બની ગયા હો. હવે, તમારી એ 'ખૂણાની ઑફિસ'માં તમારે મન, એકટક મીટ મહત્વની બની રહી છે.
પણ ખરેખર તો તમારે તમારા પર જ મીટ માંડવાની જરૂર હોઇ શકે. તમે કોણ છો? તમે તમારી વિષેની કલ્પનાઓમાં જ કેદ છો? તમે બીજાઓની તમારા વિષેની કલ્પનાઓમાં કેદ છો? તમને 'ખૂણાની ઑફિસ"નૉ આટલો મોહ કેમ છે? આ બધું સમજવા માટે, તમારી આસપાસ નજર કરો અને જૂઓ કે તમારી આસપાસનાં લોકો પણ શા માટે તમારી નકલ કરવા માગે છે. જે કંઇ તમને આટલી તિવ્રતાથી જોઇએ છે, તે તેમને પણ શા માટે જોઇએ છે? આપણને બધાંને વિશ્વસમ્રાટ ભરત જેવા શા સારૂ થવું છે?
હૃદયને કોઇ એક ખૂણે, આની પાછળ આપણી આધિપત્યની ભાવના કામ કરતી દેખાશે. આપણે આધિપત્ય જમાવવું છે,એટલા સારૂ આપણે સિધ્ધિઓ મેળવવા માગીએ છીએ.આપણે લફરાં એટલાં સારૂ કરી છીએ કે , દુનિયાને ઠેંગો બતાવીને બતાવી દેવા માગીએ છીએ કે અમે કંઇ પણ કરી શકીએ છીએ, જે સામાન્ય લોકોમાટે નિષિધ્ધ છે તે  માટે અમને તો પરવાનો છે અને, અમે એવા 'મહાન' છીએ કે અમને કોઇ રોકીટોકી ન શકે. આધિપત્યની આ ભાવનાનું મૂળ આપણા ભયમાં છે - એ ભય કે કુદરતને આપણી કોઇ પરવા નથી અને સમાજ તો આપણી દેખીતી ભૌતિક સંપત્તિને જ પૂજે છે. આ ભય ત્યારે જ દૂર થશે જ્યારે તમે તમારી આજૂબાજૂ નજર કરીને, લોકોમાં રહેલા ભયમાટે સહાનુભુતિ કેળવશો. જ્યારે લોકોને તેમના ભયમાંથી મુકત કરી શકશો, ત્યારે જ તમારા ખુદના ભયમાંથી મુક્તિ મળશે. 
*       ETની કૉર્પૉરેટ ડૉસીયર પૂર્તિમાં સપ્ટેમ્બર ૨૧, ૨૦૧૨ના રોજ પ્રકાશીત થયેલ.
v  અસલ અંગ્રેજી લેખ, Goals or Gaze, લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર  ફેબ્રુઆરી ૦૫, ૨૦૧૩ના  રોજ Articles, Leadership ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ  ફેબ્રુઆરી ૨૧, ૨૦૧૩

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો