રવિવાર, 3 માર્ચ, 2013

કરોડો વર્ષોનો ડર - દેવદત્ત પટ્ટનાઇક

માનવીય ક્ષમતાનાં તત્વની સમજ
 
પ્રકૃતિવિજ્ઞાનવિદોનું કહેવું છે કે પૃથ્વીપર આજ થી આશરે ૩૦૦ કરોડ વર્ષ પહેલાં જીવન શરૂ થયું હતું. તે પહેલાં દુનિયામાં અજીવ પદાર્થો - એવી વસ્તુઓ જે અસ્તિત્વ ટકાવી રાખવા માટે લડતા નહોતા - જ હતા. તે પછીથી અસ્તિત્વમાટે લડાઇ કરતી રહેતી સજીવ સૃષ્ટિ થવા લાગી.   

જ્યાં સુધી જીવન છે, ત્યાં સુધી ડર રહેવાનોઃ મૃત્યુનો ડર સજીવ સૃષ્ટિને જીવતા રહેવા માટે લડાઇ કરાવતો રહે છે.મૃત્યુના ડરથી વનસ્પતિનો છોડ સૂર્યપ્રકાશ અને પાણીના સ્ત્રોત ભણી, પોષણની શોધમાં, ફેલાતો રહે છે. મૃત્યુના ડરને કારણે પ્રાણી ઘાસચારા કે શિકાર કે સાથીઓ ભણી, કે શિકારીથી દૂર, ભાગતું રહે છે. હિંદુ પુરાણોમાં આ ભયને મૃત્યુના દેવ, યમ, સાથે સાંકળી લેવાયો છે. 

તેપછી લગભગ દસેક લાખ વર્ષ બાદ એક વાનર જાતમાં કંઇક પરિવર્તન થયું. તેમનાં શરીરનાં પ્રમાણમાં મગજનો વિકાસ વધતો ગયો. આને પરિણામે તે ટટ્ટાર ઊભા રહેવા લાગ્યા. આ હવે જોખમકારક બની ગયું કારણકે કોઇપણ પ્રકારનાં હાડકાંથી ઘેરાયેલાં ન હોવાથી તેમનું પેટ અને પ્રજનન અંગો હવે તે ભાગ ખુલ્લા પડી ગયા. એટલે તે સહેલો શિકાર બની ગયા. સ્વાભાવિક છે કે ડર તો વધે જ.

તેથી પણ વધારે મહત્વનું એ હતું કે, મગજના આગળના ભાગના વિકાસની સાથે સાથે હવે આ વાનર એ કરી શકવા લાગ્યો જે અન્ય કોઇ પ્રાણી નહોતું કરી શકતું - તે કલ્પના કરી શતો હતો. કલ્પનાની સાથે ડર પણ વધ્યોઃ જ્યાં દેખાતાં નહીં કે સાંભળી કે સુંઘી પણ નહોતાં શકાતાં, ત્યાં હવે તેને શિકારી દેખાવા લાગ્યા. કલ્પનાની સાથે ખુશી પણ આવીઃ હવે દુકાળ કે પ્રલયમાં પણ તે ખોરાક કે પાણીની કલ્પના કરવા લાગ્યો હતો. કોઇ જાતનાં ઉત્તેજન સિવાય, પણ આ ખાસ વાનર જાત રડી કે હસી શકતી હતી.

વધારે મજાની વાત તો એ થઇ કે આ દરેક વાનર હવે, પોતે જેમાં રહેતો હતો, તે કુદરતી વિશ્વથી ઘણું અલગ વિશ્વ કલ્પી શકવા લાગ્યો હતો.આ વિશ્વ કોઇને દેખાતું નહોતું, પણ આ વાનર તે કલ્પી શકતો હતો. તે સુંદર વિશ્વ હતું. વાસ્તવિકતાને બદલે તેને આ કલ્પનાની અભિલાષા રહેવા લાગી.આ ‘કામ’ છે, કુદરતી મળેલ જીવનથી અલગ જીવનમાટેની અભિલાષા. 

પોતાની આ ઇચ્છા વાનર બીજા વાનરને અદમ્ય ભાવથી જણાવવા માગતો હતો. તેથી હવે અચાનક જ, કુદરતમાં જે અસ્તિત્વ નથી ધરાવતા તેવા કલ્પનાજગતના વિચારોને જણાવવા માટે, જરૂરી શબ્દોની ભાષાની જરૂર ઊભી થઇ. વાત હવે શિકાર અને શિકારીઓ કે સાથીઓ કે શત્રુઓ પૂરતી નહોતી રહી, જીવન તે બધાંથી પણ કંઇ ઘણું વિશેષ હતું. પક્ષીઓ અને મધમાખીઓ વચ્ચે અસ્તિત્વ ટકાવવા થતા સંદેશાઓની આપ-લેથી બહુ જ અલગ પ્રકારના સંવાદો અને ગુફાની દિવાલો પરનાં ચિત્રો ને આવરી લેતા, પ્રત્યાયન -સંદેશસંચાર-નો જન્મ અહીંથી થયો. આ હતી વાણીની દેવી, વાચ. 

કલ્પનાને કારણે વિસંવાદીતાઓ પણ પેદા થઇ. વાનર હવે માત્ર કુદરતી વાસ્તવિકતાઓના અનુભવથી આગળ વધીને એક નવી જ દુનિયાની કલ્પના તો કરતો થયો જ હતો, પણ સાથે સાથે એ પણ સમજવા લાગ્યો કે તેની કલ્પના એ બીજા વાનરોની કલ્પનાથી પણ અલગ છે.આમ સંવાદો હવે, કઇ કાલ્પનિક વાસ્તવિકતા સાચી અને વધારે સારી છે, તેની દલીલો અને ચર્ચાઓમાં ફેરવાઇ ગયા.

કલ્પના અને સંવાદની સાથે નવા વિચારો પણ આવવા લાગ્યા, જે પૈકી સહુથી શ્રેષ્ઠ વિચાર અગ્નિ અને જળપરના અંકુશની ક્ષમતાનો હતો.અત્યાર સુધી સાવ સહેલો શિકાર ગણાતો એવો આ વાનર હવે સહુથી વધારે ડરામણું પ્રાણી બની ગયો હતો કારણ કે ભઠ્ઠીમાં અંકુશિત સ્વરૂપે રાખીને તે શિકારીઓને દૂર રાખવા માટે અને, વાઘ-વરૂના ભય વિના આખી રાત તેની આસપાસ બેસી શકવા માટે તે અગ્નિને નાથી શક્યો હતો. શંખ અને સુકવેલાં કોળાંમાં પાણી સંઘરી રાખીને, તે હવે જ્યાં, અને જ્યારે, ઇચ્છે ત્યારે પાણી પી શકતો હતો. ધારદાર ઘસેલા પથ્થરોનાં સાધનો બનાવી શકવાની તેની નવી આવડતને કારણે હવે તેને પોતાનું રક્ષણ કરી શકવા, અને નહોર કે નખ કે દાંત વગર જ માંસ કાપી શકવા તે સક્ષમ હતો. આ નવા વાનરને ખ્યાલ આવી ગયો હતો કે, પ્રાણીઓ અને ઝાડપાનને પણ પાળીને હવે તેના ખોરાકની ઉપલબ્ધિ વધારે સારી રીતે આગાહી કરી શકવું શક્ય બન્યું છે. ખોરાકનો તે હવે સંગહ કરી શકતો હતો. હવે તે કુદરતની દયા પર નહીં, પણ કુદરત તેની મરજી પર નિર્ભર હતી. તેના પર અંકુશ કરવાની તે કલ્પના કરી શક્તો હતો. 

'કામ'ની સાથે, અંકુશ કરવાની ક્ષમતા પણ આવી. તો તેની સાથે એ ક્ષમતા ખોઇ બેસવાનો ડર અને લાચારીની વધતી જતી સંવેદના પણ આવ્યાં. વાનર વિચારતો રહેતો કે આ શક્તિઓ તેનામાં ક્યાંથી આવી, શા માટે આવી અને કુદરત સાથે તેનો શો સંબંધ છે? આ સવાલોની સાથે સાચું (સત્યમ્), સારૂં (શિવમ્) અને સુંદર (સુંદરમ્) ની સભ્યસંસ્કૃતિની ભાવના પણ આવી. માનવ મગજનાં આ વાનરમાંથી અંકુરિત થવાની વિકસતાં કમળમાં વિરાજમાન થયેલા વાતને ભારતીય પુરાણકથાઓમાં માનવ-પ્રાણી, બ્રહ્મા, નાં પ્રતિક સાથે વણી લેવાયેલ છે.

પ્રાકૃતિક વિજ્ઞાન આપણને એ પણ જણાવે છે કે આપણે ૩૦૦ કરોડ વર્ષથી ભયના ઓથાર માં છીએ, જ્યારે લગભગ દસેક લાખ વર્ષથી કલ્પનામાં વિહરીએ છીએ.કલ્પના આપણા ભયને અતિક્રમવામાં મદદ પણ કરે છે અને વળી ભયને વધારે પણ છે. જો કે મોટા ભાગે, તો ભય જ વધતો હોય છે. ભયને અતિક્રમવાની સ્થિતિ કરતાં ભયભીત રહેવું આપણને બહુધા પસંદ હોય છે. જે વિચાર શક્તિ વિકસવા માટે સક્ષમ છે તે કરમાવા લાગે છે. 'બ્રહ્મ્' (વિકસવું) અને 'મનસ્' પરથી, 'બ્રહ્મન' શબ્દની વ્યુત્પતિ થઇ છે. એ છે કલ્પના શક્તિને વિકસાવવાની અને ભયને દૂર કરી શકવાની માનવ ક્ષમતા. મોટા ભાગે તો આપણે અટકી જઇને 'બ્રહ્મ' બની રહીએ છીએ અને ભયમાં જ ખૂંપી રહેતાં વ્યક્તિત્વો બનાવતાં રહીએ છીએ. આ બધા પુરાણોમાં વર્ણવાયેલા બ્રહ્માના પૂત્રો - દેવો, અસુરો, યક્ષો,રાક્ષસો - છે. એ દરેક ભયમાંથી મુક્તિ ઝંખે છે, પણ તેમની મુક્તિની ખોજ ભૂલભરેલી માન્યતા - વધારે ખોરાક, વધારે સલામતી જેવી- ભૌતિક વસ્તુઓમાં અટવાઇ ગયેલ છે. જ્યારે હકીકતે તો તે મુક્તિ, સંકુચીત મગજને વિકસાવતા વિચારો દ્વારા મળી શકે છે.

ભયમાંથી મુક્તિ પામવી એટલે ભૌતિક વસ્તુ પરના આધારમાંથી મુક્તિ મેળવવી. એનો અર્થ છે સ્વાવલંબી અને આત્મસંતોષી બનવું. આ સ્થિતિ ‘સ્વયંભૂ’ તરીકે ઓળખાય છે. બ્રહ્મન એટલે સ્વયંભૂ.*       'સ્પીકીંગ ટ્રી'માં જાન્યુઆરી ૦૬,૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ

v  અસલ અંગ્રેજી લેખ, A Billion Years of Fear, લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર  ફેબ્રુઆરી ૧૫, ૨૦૧૩ના  રોજ Articles ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.

§  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ   માર્ચ ૦૩,૨૦૧૩