શનિવાર, 9 માર્ચ, 2013

વૈશ્વિક = પાશ્ચાત્ય ~ દેવદત્ત પટ્ટનાઇક


લોકોને નઝરઅંદાજ કરીને નહીં, પણ લોકોને નજરમાં રાખીને થતો વિકાસ

મારા વાંચવામાં આવ્યું છે કે તમે ભારતીય વ્યવસ્થાપન વિષે પુસ્તક પ્રકાશીત કરવાના છો. અમારી કંપની ઝડપથી વૈશ્વિક કક્ષાએ પહોંચી રહી છે. અત્યારે તે ભારતીય કંપનીમાંથી એક બહુરાષ્ટ્રીય કંપનીમાં રૂપાંતરીત થઇ રહી છે. મારી ઇચ્છા છે કે તે લોકો, ભૌગોલિક વ્યાપ, સંસ્કૃતિ અને, મૂડી સુધ્ધાંની, દ્ર્ષ્ટિએ બહુરાષ્ટ્રીય બની રહે. પણ વળી વિચારતાં એમ પણ જણાય છે કે, ભારતીય ઢાંચો પણ કદાચ ચાલી જાય. શું તમે એવું માનો છો કે "ભારતીય" મૂલ્યો અને સંસ્કૃતિ ધરાવી કંપની, ખરા અર્થમાં, બહુરાષ્ટ્રીય, વૈશ્વિક સ્વરૂપે કામ કરતી રહી શકે?

વેપાર જગતનો જે વૈશ્વિક ઢાંચો છેલ્લી સદીથી વિકસતો રહ્યો છે તે મૂળતઃ યુરૉપીયન અને અમૅરીકન ઢાંચો છે. તેનો આધાર ઉદ્દેશ્યો છે. તેના પાયામાં હેતુલક્ષીતા રહેલી છે. તે પ્રકિયાઓવડે કાર્યરત રહે છે. તે ગ્રીક કે બાઈબલીય પુરાણોને વધારે સુસંગત હોય તેમ જણાય છે. ગ્રીક પુરાણકથાઓમાં નાયકોનાં નંદનવન, ઇલીસીયમ,માં અસાધારણ સ્થાન મેળવવા માટે કરીને, નાયક અનેકાવિધ પડકારોને ઝીલવાની યાતનાઓ ભોગવે છે. આ રૂપાખ્યાનોમાંથી 'ડબ્બાની બહારની બાજૂએ' કે 'નવપ્રવર્તક' જેવા વિચાર પણ પેદા થયા છે.બાઇબલીય પુરાણકથાઓમાં પયંગબર બધાંને પારલૌકિક દિવ્યદર્શનની સાથે એકસૂત્રે બાંધી રાખવા માટે, અને પ્રક્રિયાઓનાં અનુપાલન દ્વારા,શ્રધ્ધાળુઓનાં સ્વર્ગ સમી, વચનબધ્ધ ભૂમિ\ the Promised Land સુધી પહૉચાડવા માટે મથતા જોવા મળે છે. આ જ રૂપાવલીમાંથી નેતૃત્વનો  વિચાર પણ ઉતરી આવેલો જણાય છે. વિશ્વને આ ઢાંચાઓ કામ જરૂર આવ્યા છે, પણ તેની કિંમત ચુકવવી પડી છે.
માલિકીઅંશધારકોની મૂડીની વૃધ્ધિ પર જ ધ્યાન કેન્દ્રીત કરવું એટલે ક્યાંક ને ક્યાંક તો કર્મચારીઓ કે માલ અને સેવાઓ આપનારા વેપારીઓ કે બૃહદ સમાજ કે કોઇવાર ગ્રાહકને પણ અંતિમ સાધ્ય માટેનાં સાધન માત્ર જ ગણવાં. જાહેર-સંપર્ક વિભાગ ભલે કંઈ પણ કહે, દર ત્રૈમાસિક પરિણામો સમયે દાનપાત્રમાં પડતા આર્થિક લાભાશોના ખણખણાટથી જ માલિકી અંશધારકોનું સ્મિત તો રેલાતું રહે છે.રોકાણકાર તેનાં રોકાણ પર ઊચું વળતર ઇચ્છે છે. વેપાર પ્રવર્તકને તો પોતાનાં નવપલ્લવિત વ્યવસાયને વેંચી મારીને તગડો હાથ સાફ કરી લેવામાં રસ હોય છે. કર્મચારી લાગણીશૂન્ય વ્યાવસાયિક બનવા માટે પ્રશિક્ષિત થતાં રહે છે. તેમનું કામ છે તેમને સોંપવામાં આવેલાં ધ્યેય સિધ્ધ કરવાં. કામ એ એવી રણ-ભૂમિ બની રહે છે જ્યાં સ્પર્ધા, નિયંત્રણો, સંગઠનો અને, નાગરીક સમાજ સુધ્ધાં સાથે મુઠભેડો ચાલતી જ રહે છે. તેથી જ આજે, કદાચ, કૉર્પૉરેટ ગૃહો ઘણાં લોકોમાટે અનિષ્ટોનું મૂર્ત સ્વરૂપ બની રહ્યાં છે - આવું થવા માટે કોઇ પ્રયોજન નહોતું. 
વિચારો પર આધારીત તળ ભારતીય અભિગમ આપણને જૈન, બૌધ્ધ કે હિંદુ પુરાણોમાં જોવા મળે છે. અહીં 'તળ' શબ્દનો પ્રયોગ એટલા સારૂ કર્યો છે કે પ્રવર્તમાન ચલણ પ્રમાણે, તે ભારતીય વિચારોને પાશ્ચાત્ય ઢાંચામાં પરાણે ઠોકી નથી બેસાડતું. દા.ત. ધર્મની નીતિમતા સાથે કે, સખાવતની દાન સાથે સરખામણી, મૂળ મુદ્દાથી સાવ જ ચાતરી જાય છે. કોઇ પણ તળ ભારતીય વિચારમાટે તેનો આગવો ઢાંચો હોવો જોઇએ [ખરેખર તો છે જ], જે પાશ્ચાત્ય વિચારોને આવરી લેવા જેટલો પરિવર્તનક્ષમ હોવો જોઇએ. 
તળ ભારતીય અભિગમ ઉદ્દેશ્ય-આધારીત નહીં પણ એકટશ મીટ-આધારીત છે. તે પાશ્ચાત્ય ઢાંચાને, પોતાથી બાકાત નહીં પણ,સંસ્થાનો હેતુ સર્વસુખાયનો છે તેવી ભારપૂર્વકની માન્યતા દ્વારા, પોતામાં  આવરી લે છે, જ્યારે પાશ્ચાત્ય ઢાંચો તો માત્ર આર્થિક વિકાસ સુધીજ પોતાને મર્યાદીત કરે છે. તળ ભારતીય ઢાંચા પ્રમાણે સુખ આર્થિક, લાગણીશીલ અને, બૌધ્ધિક વિકાસને અનુસરે છે. તે લોકોને નઝરઅંદાજ કરીને નહિ, પણ લોકોને નજરમાં રાખીને થતા વિકાસ માટે કાર્યરત રહેવામાં માને છે. માત્ર ગ્રાહક કે માત્ર માલિકીઅંશધારક જ, સંપૂર્ણપણે એકેશ્વરવાદ અભિગમ જેમ, એક માત્ર ઇશ્વર નથી. રોકાણકર્તાથી લઇને ગ્રાહક કે નિયંત્રક સુધી બધાં જ પોતપોતાની રીતે ઇશ્વર છે,  જેઓ પણ સંતોષ અને વિકાસની અપેક્ષા કરે છે.  સંસ્થા એ માત્ર થોડાં, કોઇ ચોક્કસ, કામ કે ઉદ્દેશ્યનો સમૂહ માત્ર નથી, તે લોકો વડે બને છે. તેથી તેની સાથે સંકળાયેલ લોકોના સર્વાંગી વિકાસ થઇ શકે તે પ્રકારનાં વાતાવરણ અને તંત્ર ઉપલબ્ધ કરવાનો સંસ્થાનો હેતુ  હોવો જોઇએ.
એકહથ્થુ નિયંત્રણ કે સાવે સાવ વિકેન્દ્રીકરણ વડે આ સિધ્ધ કરવું મુશ્કેલ છે.પણ ગણિતમાં જે fractalsનો સિધ્ધાંત છે, તેમ જો દરેક ઘટક સમગ્રની જેમ સ્વ-સમાનતાનો ગુણધર્મ અનુસરે, એટલે કે દરેક ગ્રામ-દેવતા અને કુળ-દેવતા આદિ-ભગવાનની જેમ, પોતપોતાનાં એક ચોક્કસ મર્યાદીત ક્ષેત્રમાં, એમ સમજીને વર્તે કે, એકના ભોગે બીજાનો વિકાસ એ તો કેન્સરનો મહારોગ છે, તો આમ કરવું શક્ય છે.
*       ETની કૉર્પૉરેટ ડૉસીયર પૂર્તિમાં ફેબ્રુઆરી ૨૨, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ
v  અસલ અંગ્રેજી લેખ, Global = Western, લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર માર્ચ ૦૧, ૨૦૧૩ના રોજ Articles ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
§  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ   માર્ચ ૦૯, ૨૦૧૩