ગુરુવાર, 2 મે, 2013

કપાળ પર ચીતરેલાં ચિહ્નો- દેવદત્ત પટ્ટનાઇક

થોડું રોકાઇને તેમની તરફ નજર કરવાનો, તેમનાં સાંકેતીક અર્થધટનનો અને તેમના વિશે સમજવાનો, સમય પાકી ગયો છે, કારણ કે તેમાં આપણા વડવાઓનાં જ્ઞાનનો ભંડાર ભર્યો પડ્યો છે.

હિંદુઓ અને જૈનોમાં તેમનાં કપાળ પર પવિત્ર તિલક કરવાની એક અદ્‍ભૂત, થોડી નવાઇ પમાડે એવી, પ્રથા ચાલી આવે છે. એનું શું મહત્વ છે?

બહુ જ ધાર્મિક કર્મકાંડીઓ માત્ર કપાળમાં જ તિલક કરીને અટકી નથી જતાં. કાન, કોણી અને કાંડા વચ્ચેનો હાથ, છાતી, ગળુ, પેટ પર ચિહ્‍નો કરાતાં જોવા મળે છે. આ દરેકને તેમના ધાર્મિક પંથ દ્વારા અનુસરાતાં કર્મકાંડની સાથે સંબંધ છે. પણ કપાળ કરાતાં ચિહ્‍નો સહુથી વધારે મહત્વ ધરાવે છે.

માનવ મગજ જ માનવીની કલ્પનાશક્તિનો સ્રોત છે અને કપાળ માનવ મગજ તરફ ધ્યાન આકર્ષીત કરતું હોવાથી કપાળ મહત્વનુ બની રહે છે. બીજું કોઇ પ્રાણી કલ્પના નથી કરી શકતું. એટલે કે પ્રાણીઓને કંઈ દેખાય કે કોઇ વાસ આવે કે કોઇ અવાજ સંભળાય તો જ ડરનો અહસાસ થાય છે. માનવી જ માત્ર કલ્પનાથી પણ ડરે છે. આમ કલ્પનાને કારણે માનવીમાં ભય અનેક ગણો વધી જઇ શકે છે. આમ , આપણી કલ્પનાઓ આપણી સમસ્યાઓનું મૂળ પણ કહી શકાય. અને કલ્પના શક્તિ સમયાઓનો ઉપાય પણ કહી શકાય, કારણ કે કલ્પનાશક્તિને કારણે આપણને સમાનુભુતિ થાય છે, જેનાથી ડરને અતિક્રમી શકાય છે.આ બધાંને કારણે મગજ મહત્વનું બની રહે છે. કપાળ પરનાં પવિત્ર તિલક આ તરફ ધ્યાન આકર્ષીત કરે છે.

આ માટે વપરાતી સામગ્રીનું પણ સાંકેતિક મહત્વ છે. શિવની સાથે સંકળાયેલ રાખ વૈરાગ્ય, સંસારની માયાઓના ત્યાગની નિશાની છે. વિષ્ણુ સાથે સંકળાયેલ ચંદનનો લેપ ભૌતિક દુનિયાદારીની નિશાની છે. સિંદુર એ શિવે છોડી દીધેલ, પણ વિષ્ણુએ અપનાવેલ પૃથ્વીની શક્તિશાળી ઊર્જાનું પ્રતિક છે.

તેજ રીતે આ ચિહ્નોનું ભૌમિતિક સ્વરૂપ પણ આગવું મહત્વ ધરાવે છે. ટપકું એ સહુથી પ્રાથમિક સ્વરૂપ છે, તેથી બિંદુને સહુથી શક્તિશાળી બીજનું સ્વરૂપ મનાયું છે. રેખા કાર્યવાહી સૂચવે છે - જો તે ઉપરની તરફ ઉભી ખેંચાયેલી હોય તો સક્રિયતા અને નીચેની તરફ ઊભી ખેંચાયેલી હોય તો નિષ્ક્રિયતાની નિશાની છે. વિષ્ણુનું ઉપરની તરફ ખેંચાયેલ પવિત્ર તિલક એ ગૃહસ્થ માટે અપેક્ષિત સક્રિયતાનું દ્યોતક છે. એ જ રીતે તે યુધ્ધમાં જઇ રહેલા યોધ્ધાની તૈયારી પણ સૂચવે છે. શિવનાં ચિહ્નો આડાં દોરાયેલાં હોય છે, જે નિષ્ક્રિયતા,સંન્યાસીના પરિત્યાગની નિશાની છે. બલિ માટેની તૈયારી રૂપે પણ આડાં નિશાન કરવામાં આવે છે, તે 'ગળું કાપવા'નું સૂચક છે.

સામાન્ય રીતે લાલ બિંદુ એ દેવીની શક્તિનું પ્રતિક મનાય છે.ચંદનના કટોરામાં સમાયેલું તિલક એ ડહાપણ અને સક્રિયતા વચ્ચે સંતુલન જાળવી રહેલા વિષ્ણુનું પ્રતિક છે., જ્યારે રાખ વડે દોરાયેલ ત્રણ આડી રેખાઓ શિવ દ્વારા વિનાશ કરાયેલાં માનવ વસવાટવાળાં ત્રણ - કુદરતી, સાંસ્કૃતિક અને અંગત - વિશ્વનું પ્રતિક છે.

કુંભંમેળામાં હાજર સાધુઓનાં, અખબારો અને ઇન્ટરનૅટ પરનાં ચિત્રોમાં તેમનાં અવનવાં ચિહ્નોથી અંકાયેલાં કપાળ ખાસ ધ્યાન ખેંચે છે. થોડું રોકાઇને તેમની તરફ નજર કરવાનો, તેમનાં સાંકેતીક અર્થધટનનો અને તેમના વિશે સમજવાનો, સમય પાકી ગયો છે, કારણ કે તેમાં આપણા વડવાઓનાં જ્ઞાન અને ડહાપણનો ભંડાર ભર્યો પડ્યો છે.

આ ચિહ્નોને અંગીકાર કરેલા સાધુઓને કદાચ તેનાં કારણોની ખબર ન પણ હોય. તેઓ તો તેમના ગુરૂઓની પરંપરાને ચુસ્તપણે, ભલે તેના દુભાષીયા તરીકે નહીં તો તેના સંદેશવાહક તરીકે, અનુસરતા હશે. લોકોને એવી અપેક્ષા જરૂર હોય, કે તેઓ જે સંદેશવહન કરે છે તેને તેઓ સમજે, અને તેથી જ , મોટે ભાગે, તેમના જવાબોથી નિરાશ પણ થાય છે. ભારતમાં મંત્ર (મૌખિક સંદેશો) કે યંત્ર (દ્ર્શ્ય સંદેશો) કે તંત્ર (કર્મકાડી સંદેશો) વહન કરનારાંઓને તેમના અર્થ જાણવાની જરૂર નથી જણાતી. મહત્વનું એ છે કે કોઇ પ્રકારના વિચ્છેદ વગર સંદેશાઓનું વહન થઈ રહ્યું છે. ચુસ્ત ધાર્મિક વિધિઓનાં આંધળાં અનુકરણનું આ જ મૂલ્ય છે. આપણી કેટલીય પાછલી પેઢીઓના વિચારો, કપાળ પરનાં આ નિશાનોની જેમ, કોઇ જ જાતના ફેરફાર વગર, આપણા સુધી પહોચી રહ્યા છે.


*       'સન્ડે મિડડે'ની 'દેવલોક' પૂર્તિમાં ફેબ્રુઆરી ૦૩, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ.

v  અસલ અંગ્રેજી લેખ, Marks on the forehead, લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર એપ્રિલ ૧૬, ૨૦૧૩ના રોજ Articles ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
§  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ   મે ૦૨, ૨૦૧૩