રવિવાર, 5 મે, 2013

રાજેશ સેટ્ટી કૃત શ્રેણી -‘વિશિષ્ઠ બનીએ’ - સંપુટ બીજો - ગુચ્છ ૮


| ડીસેમ્બર ૩૦, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ
વળતર ક્ષિતિજ એટલે કોઇ પણ રોકાણ પરનું વળતર શરૂ થવા દેવા માટે આંકવી જોઇએ એવી એવી સમય મર્યાદા.
આપણે જ્યારે બેંકમાં બાંધી મુદ્દતની થાપણ કરાવીએ છીએ ત્યારે, તેઓ બે બાબત સ્પષ્ટ કરે છે
* વળતર કેટલું રહેશે
* ક્યારથી વળતર મળવાનું ચાલુ થશે
આ એવા કેટલાક કિસ્સાઓ પૈકી છે, જેમાં વળતર મળવાની ક્ષિતિજ નક્કી છે. કોઇ જ અસંદિગ્ધતા નથી.પણ, જીવનમાં એવાં કેટલાંય ક્ષેત્ર છે જેમાં આપણાં રોકાણ પર વળતર-ક્ષિતિજ નક્કી કરવી શક્ય નથી હોતું. એક વિચાર રજૂ કરૂં છું:
આપણી પાસે એક એવી પરિસ્થિતિ છે, જેમાં આપણાં હાલનાં સમય અને નાણાનાં રોકાણનું આવતા ૧૨ મહિના માટે, દર મહિને, સારૂં એવું વળતર મળવાનું છે. એટલે કે વળતર ક્ષિતિજ ૧૨ મહિનાની છે.
હવે માનો કે આપણે તેને પાંચ વર્ષ માટે લંબાવવા માગીએ છીએ. તો આપણે કેવા પ્રકારનું રોકાણ કરવું જોઇએ જેથી કરીને વળતર ક્ષિતિજ પાંચ વર્ષ સુધી લંબાવી શકાય? અને તેને હજૂ બીજા કેટલાક દાયકાઓ સુધી લબાવવી હોય તો?
ડાહ્યા લોકો અજાણપણે તેમનાં જીવનનું ઘડતર એવી જ રીતે કરે છે કે તેમની વળતર ક્ષિતિજ ખૂબ લાંબા સમય સુધી ફેલાયેલ રહે. આમ કરવાથી તેની અસરકારકતાને કુદકે ને ભૂસકે વધારી શકાય છે.
શુભેચ્છાઓ!

| જાન્યુઆરી ૨, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
આપણે માનતાં હોઇએ કે નહીં, પણ આપણે ઘણાં ગળણાંઓ વાપરતાં હોઇએ છીએ. જેવું આપણને કોઇક કંઇક કહે, એટલે આપણું ગળણું સક્રિય બની જઈ ને આપણને તેમાંથી શું સ્વીકારવું તે વિશે કહેવા લાગે છે. જો કોઇ જાણીતાં લેખકનું પુસ્તક વાંચતાં હોઇએ, તો તેના વિષે અભિપ્રાયનું ગળણું તૈયાર જ હોય છે. કોઇ પણ સંદેશની આપણા પર થતી અસર તે સંદેશા જેટલી જ, તે સંદેશાના સ્ત્રોત પર પણ આધાર રાખે છે.આ છે ગળણાંઓનો પ્રભાવ.
ગળણાંઓનાં અસ્તિત્વને ટાળી શકાય તેમ નથી, અને તેમને અવગણવાં પણ ન જોઇએ. આપણાં ગળણાંથી પરિચિત રહેવાથી, કોઇ પણ ગળણાંઓની અસરમાં આવી જવાનું નિયંત્રણમાં રાખી શકવા જેવા પણ ઘણા ફાયદા થઇ શકે છે.
જ્યારે આપણને કોઇ નવા વિચાર વિશે કહેતું હોય, ત્યારે જો કોઇ ગળણું એ વિચારને પૂરેપૂરો  "સાંભળાવા" ન આપે, તો નુકસાન થઇ શકે છે. 'સંદેશવાહકો' પરનાં આપણાં ગળણાં એટલાં પ્રભાવશાળી હોઇ શકે છે કે કોઇ પણ સંદેશાનાં અર્થઘટનને સાવ જ બદલી નાખે. વિચાર ગમે એટલો સારો હોય, પણ તે વ્યક્તિ કે વિચાર સાથે જોડાયેલ ભૂતકાળ, આપણને તે વિચાર વિશે તટસ્થપણે પૂરતી વિચારણા કરવા પણ ન આપે તેવું પણ બની શકે.   
એટલે એક સહેલો રસ્તો એ છે કે જ્યારે આપણી સામે કોઇ નવો વિચાર આવે, એટલે આપણાં બધાં ગળણાંને કામ કરતાં બંધ કરી દેવાં, કે પછી તે વિચારને આપણને જેના પર વિશ્વાસ હોય તે સ્ત્રોત સાથે સાકળી લેવો. આ બન્નેમાંથી કોઇ પણ પરિસ્થિતિ સિધ્ધ કરઈ શાક્ય તો તેને કારણે શક્ય એવાં કોઇ જબરદસ્ત, સુખદઆશ્ચર્ય માટે તૈયાર રહેજો!
નોંધ: મારૂં એમ કહેવું નથી કે ગળણાં ન હોવાં જોઇએ કે ગળણાં એ સારી વસ્તુ નથી. જ જો તે સાવ જ  ન હોય તો, આપણને ઘણી વસ્તુઓનાં વિશ્લેષણમાં બહુ સમય લાગી જાય એમ પણ બની શકે. પણ જો એમાં લેવાઇ જઇએ, તો કંઇક ખોવાનો વારો પણ આવી શકે છે.

 | જાન્યુઆરી ૭, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
આપણે આ પહેલાં અંતિમ ચરણ પર ધ્યાન આપવા# વિશે વાત કરી હતી. આજની વાત તેના જેવી કહી શકાય ખરી. ચાલો, આગળ વધીએ.
પહેલાં આપણે વાતનો સંદર્ભ બેસાડીએ:
કોઇ પણ સંસ્થામાં સહુથી ઉચ્ચ સ્થાન પર બેઠેલ વ્યક્તિને કાર્યવાહીના સંદર્ભને બદલવામાટેનો અંતિમ કહી શકાય. ઘણી વાર તેની પાસે, પળ ભરમાં સંદર્ભ બદલ્યા સિવાય કોઇ અન્ય વિકલ્પ નથી હોતો, અને તે નવા સંદર્ભમાં તેણે નૈસર્ગીક અનુકુલન પણ રાખવું પડતું હોય છે. જેમ જેમ સંસ્થા મોટી થતી જાય તેમ તેમ અગ્રણી સ્થાન પર બેઠેલ વ્યક્તિએ તેમની નીચેનાં સંચાલકો પર વધારે ને વધારે અધાર રાખવો પડેછે, કારણ કે હવે પહેલાં જેમ તે બધું જ જાતે જોઇ શકે તેમ નથી.
એક એવી પરિસ્થિતિની કલ્પના કરીએ જેમાં વરીષ્ઠ સંચાલકે એક દિવસમાં બાર બાર બેઠકોમાં હાજરી આપવી પડે છે (કંઇ બહુ અસામાન્ય નથી આ વાત....બેઠકો તો આજકાલ આપણી કૉર્પૉરેટ સંસ્કૃતિનું અભિન્ન અંગ બની રહી છે), અને દરેક બેઠકમાં સંદર્ભ બદલતા રહેતા હોય છે.તે ઉપરાંત બે બેઠકોની વચ્ચે તેણે પોતાના જૂનીયર સહકર્મચારીને થોડાં કામ ભળાવીને આગળ વધતા રહેવું પડે છે. આવું મહિનામાં ઘણી વાર બનતું હોય છે, એટલે કોઇ વાર તે તેના જૂનીયરને સોંપેલા કામની પ્રગતિ પર નજર રાખવાનું ચુકી પણ જઇ શકે છે.
તમે જો આવા કોઇ એક જૂનીયર સહકર્મચારી હો, તો તમારી પાસે, કૉવીના શબ્દપ્રયોગમુજબ, કામના પ્રકાર મુજબ આ વિકલ્પો છે :
 ૧) તાકીદનું અને મહત્વનું:
આને તો બધાં જ નજરમાં જ રાખશે, તમારાં બૉસ સુધ્ધાં.એટલે આ પ્રકારનાં કામ તો સમય પહેલાં જ કરી લેવાની ચીવટ કેળવજો.
૨) તાકીદનું નહીં, પણ અગત્યનું ખરૂં:
શક્ય છે કે આ પ્રકારનાં કામ તરત જ નજરે ન પણ ચડે, કોઇ વાર થોડા સમય પછી જરૂરીયાત ન પણ રહે. તમે પણ થોડો વખત કંઇ જ કરો પણ નહીં, અને તે વાત કોઇના ધ્યાન પર પણ કદાચ ન આવે.
આંકડીના છેડાઓને કાયમ ગાંઠથી બાંધેલા રાખવા માટે ઘણી મહેનત કરવી પડતી હોય છે.પણ આપણને સંપાયેલા કામોના છેડાઓની ગાંઠ બાંધેલી રાખાવા માટે જો આપણે પ્રતિબધ્ધ હશું, તો જે જવાબદારીઓ આપણે સ્વીકારવા માગીએ છીએ  તે બાબતે સાવધ રહેવું જોઇશે. કંઇ પણ વચન આપતાં પહેલાં વિચાર કરવો અને ખેંચાઇ રહેવાય તેવું તો ક્યારે પણ ન કરવું.
સંભાળજો.. શુભેચ્છાઓ..!

# મૂળ અંગ્રેજીમાં #57 Focus on the last mile    અને તેનો ગુજરાતી અનુવાદ #57 અંતિમ ભાગ પર ધ્યાન કેન્દ્રીત કરતાં રહીએ જૂઓ


| જાન્યુઆરી ૧૧, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
"ઉબાખો' એટલે "ત્તમ હાનાં ખો'. થોડાં વર્ષો પહેલાં અમારી ટીમમાં એક 'ઉબાખો'માં પાવરધો સહકર્મચારી હતો, આપણે તેને "જયેશ'નાં નામથી ઓળખીશું. તે જે કંઇ કરતો હોય, તેનાથી થોડું પણ વધારે કંઇ કરવા માટે બૉસ જેવું તેને કહે, એટલે ભાઇ જયેશ એ કામ કેમ નહીં થઇ શકે તે સમજાવતું કોઇ બહાનું ખોળી કાઢે.  બહાનું એવું તો જડબેસલાક હોય કે બૉસ તો શું, બીજું કોઇ પણ તે કથનને નકારી શકે નહીં. પરિણામે, બૉસ કોઇ બીજાંને શોધી, તે કામ તેને સોંપી દે. જયેશભાઇ ખુશ થાય કે કેવા બચી ગયા. આવું મહિનાઓ સુધી ચાલતું રહ્યું અને પરિણામ પણ એ જ આવતાં રહ્યાં. આવી દરેક મુઠભેડ પછી જયેશભાઇ માનતા રહ્યા કે તેઓ "જીતતા" રહ્યા છે. જયેશ ભારે સ્માર્ટ છે, અને એને સોંપાયેલાં બધાં જ કામ તે બહુ જ સારી રીતે પૂરાં પણ કરે છે, એમાં કોઇ બે મત નથી. ફરક માત્ર એટલોકે જયેશ વધારાનું કોઇ કામ માથે ન લે!
થોડા સમય પછી, પરિસ્થિતિ બદલી ગઇ! બૉસ હવે કોઇ નવાં કામની વાત જયેશ સાથે કરતા જ નહોતા. તેને સંપાયેલ કામથી વધારે કોઇ પણ કામ માટે બૉસે તેને પૂછવાનું જ બંધ કરી દીધું. જયેશ માટે તો બહુ મોટી જીત હતી!
આપણને બધાંને અંદાજ તો આવી જ ગયો હશે કે તે પછી શું થયું હશે. જે થોડી વધારે મહેનત કરવા તૈયાર રહેતાં હતાં, તેવાં જયેશનાં બીજાં સહકર્મચારીઓને બઢતી મળી ગઇ. જયેશને લોકો માનથી જોતાં, પણ તેની કારકીર્દી ભેખડે ચડી ગઇ હતી. સરવાળે જયેશભાઇએ તે કંપની છોડીને 'પ્રગતિની ખોજ"માં બીજે નીકળી પડવું પડ્યું.
'ઉબાખો' મદદ કરે છે - માત્ર ટુંકા ગાળામાં. જો તમે 'ઉબાખો' નિષ્ણાત હો તમારી જાતને સ્માર્ટ જરૂર ગણાવી પણ શકો. પણ હકીકત એ રહે છે કે, તે સાચું નથી. કહે છે ને કે " પસંદગી ક્યાં તો કારણો અથવા પરિણામો વચ્ચે હોય, તો કારણોનો ભાવ પણ કોણ પૂછે છે!"  હવે પછી જ્યારે પણ થોડું કંઇક વધારે કરવાની તક મળે. જરા વાર થોભી જઇએ અને આપણા વિચારો પર નજર કરીએ. મન 'ઉબાખોતરફ ઢળી રહ્યું છે કે એ કંઇક વધારે કરવા માટે યેનકેન પ્રકારેણ કામે લાગવા તરફ ઢળી રહ્યું છે? બન્ને અભિગમો વચ્ચે દિવસ અને રાત જેટલો ફરક છે.
લાંબે ગાળે, 'ઉબાખો', કારકીર્દીને ખતમ કરવા ભાણી જ લઇ જાય છે!

| જાન્યુઆરી ૧૨, ૨૦૦૬ના રોજ પ્રકાશિત થયેલ.
ગઇકાલે હું જેનો સભ્ય છું એવાં એક 'ભેજાંબાજ' ગ્રુપની બેઠકમાં ગયો હતો. ઘણા વિષયોની ચર્ચાઓ થઇ રહી હતી. ફરતાં ફરતાં,દીપક ચોપરાની કૃતિઓની વાત નીકળી. અમારા મિત્ર, મુકુંદને દીપક ચોપરાના લૅરી કિંગ સાથેના ઇન્ટરવ્યુની વાત કહી. મને યાદ છે ત્યાં સુધી એક સવાલ " વિશ્વ કેમ પેદા થયું?", કે તે મતલબનો હતો. તે સવાલનો સીધો જવાબ આપવાને બદલે દીપક ચોપરાએ સવાલનો પ્રત્યુત્તર સવાલથી આપ્યો હતો. તેમણે કહ્યું  કે, "લૅરી, તમારા સવાલ પરથી એવું લાગી રહ્યું છે કે વિશ્વના જન્મ વિશે ચર્ચા થઇ રહી છે.  તો તેના અંતની પણ થશે જ. ન તો તે જન્મ્યું છે કે ન તો તેનો અંત થશે.તે તો હંમેશાં હતું અને હંમેશાં રહેશે.
આ વાત ઘણી ચર્ચાસ્પદ બની શકે છે, તેથી તેમાં વધારે ઊંડાં નહીં ઉતરીએ. નોંધવાનો મુદ્દો એ છે કે દીપકે સવાલના જવાબને સવાલમાં ફેરવીને મૂળ સવાલનો દ્રષ્ટિકોણ જ બદલી નાખ્યો. મોટા ભાગના વિચક્ષણ લોકોની આ એક સામાન્ય ખાસીયત છે. તેમને પૂછાયેલ દરેક સવાલ તેમને  જવાબ આપવા યોગ્ય નથી જણાતો. આ સંજોગોમાં, તેઓ સવાલ પર વિચાર કરીને તેનો જવાબ આપવો કે કેમ, તે પહેલાં નક્કી કરી લે છે.
જો કે સામાન્યપણે આપણી મનોવૃત્તિ સવાલનો જવાબ આપવાની રહે છે. આપણાં બાળપણથી, આપણાં ઘરમાંથી જ આપણને આમ શીખવાડવામાં આવે છે. શાળામાં પણ આમ જ થતું રહે છે - શિક્ષક સવાલ પૂછે, અને વિદ્યાર્થી એનો જવાબ આપે.આગળ વધતાં, વ્યાવસાયિક જીવનમાં પણ,મોટે ભાગે,આ ક્રમ ચાલુ રહે છે - બૉસ સવાલ કરે અને આપણે તેનો જવાબ આપીએ. આ અનુકૂલનને કારણે આ સિવાય વર્તવું અઘરૂં થઇ પડતું હોય છે. આ સમગ્ર યાત્રા દરમ્યાન સવાલના જવાબમાં સવાલ કરવાનું કોઇ શીખવાડતું નથી. આ કોઇ જ અભ્યાસક્રમમાં પણ નથી આવરી લેવાયું.  'જેમ જેમ મોટાં થાઓ, તેમ તેમ જાતે શીખો'ની યાદીમાં આ એક વિષયને ઉમેરી લેવો રહ્યો.
સવાલના જવાબમાં સવાલ કરવાનું શીખવું શી રીતે? કોઇ કોઇ લોકો માટે તો તે સ્વાભાવિક હોય છે. બીજાંઓએ, આજુબાજુનાં નિરીક્ષણ અને અભ્યાસ દ્વારા તે શીખવું રહ્યું. પ્રભાવશાળી લોકોના ટીવી કે રેડિયો કે ઇન્ટરનૅટ પરના ઇન્ટરવ્યુ, ખાસ કરીને મુક્ત પ્રશ્નોત્તરી સમયે તે લોકો કેવી સલુકાઇથી પ્રશ્નોની સાથે કામ પાર પાડે છે તે, ધ્યાનથી સાંભળીએ / વાંચીએ. આપણી સંસ્થામાંનાં અગ્રણી સ્તરનાં લોકો પણ પ્રશ્નોને કઇ રીતે સંભાળી લે છે, તે પણ આ વિષયને શીખવાનો એક મહત્વનો સ્ત્રોત છે.
અહીં જ એક છટકું છે: ઘણી વાર આપણને બહુ સારા સવાલ પૂછાયા હોય છે, પણ તેના જવાબ દેવાનું આપણને ઓછું અનુકૂળ પડતું હોય છે. તે સમયે તે સવાલના જવાબમાં એક સામો સવાલ  તેમાંથી બચી નીકળવા માટે છટકબારી બની રહી શકે છે. પણ પોતાની જવાબદારી કે ઉત્તરદાયિત્વ ટાળવા માટે સવાલના જવાબની સામે સવાલ કરવાની આદત ન પાડવી હિતાવહ છે.
અ. જ્યારે સવાલનો જવાબ આપવો સરળ ન હોય, ત્યારે સામે સાચા સવાલ પૂછવાની#,
બ. જે ક્યારે પણ ન પૂછ્યા ન હોય તેવા નવા સવાલો પૂછવાની, અને
ક.  અસ્થાને હોય તેવા સવાલો સામે પ્રશ્ન ઉઠાવવાની
                                                                                              હિંમત અને ડહાપણ આપણામાં હોવાં જોઇએ.

# મૂળ અંગ્રેજીમાં #16 Ask the right questions   અને તેનો ગુજરાતી અનુવાદ #16  ઉચિત અને ખરા સવાલ પૂછો જૂઓ


શ્રી રાજેશ સેટ્ટી દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ શ્રેણી - Distinguish yourself’ -ના લેખોનો ગુજરાતીમાં રસાસ્વાદ- સંપુટ બીજો - ગુચ્છ ૮ // અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ મે ૦૫, ૨૦૧૩

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો