બુધવાર, 8 મે, 2013

મનોકામના અને દેવી - દેવદત્ત પટ્ટનાઇક


કોઇપણ ઉપક્રમ-યજ્ઞ-નું બીજ મનોકામના -કામ-માં રહેલું છે
બૌધ્ધ સંપ્રદાયની માન્યતા મુજબ, કામનાઓનો દૈત્ય ,મારા, એ મનોકામનાને સદાય અતિક્રમવા મથતા બુધ્ધનો સહુથી મહાન શત્રુ છે. હિંદુ માન્યતા પ્રમાણે મારા એ કામનાઓનો દેવ, કામ, છે. યોગના ઇષ્ટદેવ એવા સંન્યાસી શિવ પર તેમની કામનાઓને પ્રદીપ્ત કરવાના આશયથી કામ પોતાનાં શેરડીના સાંઠાનાં કામઠાંથી ફુલોનું તીર ચલાવે છે. પરંતુ, શિવે તો તેમનું ત્રીજું નેત્ર ખોલી, જ્યાં સુધી કામ રાખનો ઢગલો ન થઇ ગયો ત્યાં સુધી અગ્ન્યાસ્ત્રનો પ્રહાર તેના પર ચાલુ રાખ્યો. જો શિવ લગ્ન ન કરે, તો તેને સંતાન ન થાય, અને તો દૈત્ય, તારક,નો વધ ન થાય. કંઇ ઊગે પણ નહીં: મધમાખી ફૂલ પાસે ન આવે, બળદ ગાય પાસે ન જાય, ધરતી જીવન વિનાની બની રહે.

એટલે દેવી શિવ પાસે કામાક્ષીનું રૂપ લઇ ને આવ્યાં.તેમનું નામ કામ જેવું જ છે; તે પણ, કામની જેમ, શેરડીના સાંઠાનું કામઠુ અને ફૂલોનું તીર ધારણ કરે છે. તે શિવની ઉપર નૃત્ય કરે, તેમના પર બેસે, તેમની આંખો ખોલવા વિનવે અને, પોતાના માટે નહીં પણ તારકથી ભયભીત થયેલાંઓ માટે, તેને પત્ની તરીકે સ્વીકારવા સમજાવે છે.

આખરે શિવે આંખો ખોલી; તે દયાળુ,શંકર બની રહ્યા, તેમણે કામાક્ષી સાથે લગ્ન પણ કર્યું, જેનાથી તેમને કાર્તીકેય નામે પૂત્ર પણ થયો, જેણે તારકાસુરનો વધ કર્યો.

પછીનાં બૌધ્ધ સાહિત્યમાં, બુધ્ધ વધારે હાથ ધરાવતા બોધિસત્વ થયા, અને દેવી તારાનો અંગીકાર કર્યો, જેમણે તેમનાં ક્ષમા યુક્ત ધીરગંભીર ડહાપણને પસંદ કર્યું હતું. કોઇ પણ ઉપક્રમ-યજ્ઞ-નું બીજ, કામના-કામ-છે. જો યજમાનને ઇચ્છા ન હોય, તો યજ્ઞ કદી શરૂ જ ન થાય. ન તો કોઇ વિનિમય હોય, કે ન કોઇ બજાર. સંપત્તિનાં સર્જન અને આદાનપ્રદાન માટે, યોગ, નહીં પણ ભોગ જોઇએ.

આધુનિક સમાજમાં વેચાણશાસ્ત્રનું કામ યોગનો નાશ કરીને ભોગને વધારવાનું છે. સંસારનો ત્યાગ કરવાની ભાવનાવાળો યોગી એ બજાર વ્યવસ્થા માટે સહુથી મોટું જોખમ છે. તેને તો લલચાવવો જ પડે. તેથી જ ઇન્દ્ર તેમને મોહવશ કરવા અપ્સરાઓને મોકલતા રહે છે. સંન્યાસી તો પોતાને સમાજ થી દૂર કરીને તપસ્યા માત્રની એક જ પ્રવૃત્તિમાં મગ્ન રહે છે. ગૃહસ્થ તરીકે તે સમાજનું, લેણ દેણના વિનિમયનું, અંગ બની રહે છે.

રામયણમાં,જ્યારે દશરથ પુત્ર પ્રાપ્તિમાટે યજ્ઞ કરે છે ત્યારે તેને હૃશ્યશૃંગ ઋષિને બોલાવવામાટે કહેવાય છે. એ ઋષિએ તેમનું આખું જીવન સ્ત્રી વિશેનાં જ્ઞાન વગર વ્યતિત કર્યું હતું. તેમને કોઇ ભૂખ પણ નહોતી, કે જેથી તેમણે પોતાના આશ્રમને મૂકી કશે બીજે જવાનું મન પણ થાય.એટલે દશરથ, લોમપદની પૂત્રી શાંતાને તેમને વશ કરી ને અયોધ્યા લાવવાનું કામ સોંપે છે. શાંતા સફળ રહે છે, હૃશ્યશૃંગ અયોધ્યા આવે છે, યજ્ઞ પણ કરે છે, અને દશરથને ચાર પૂત્રો પણ ફળે છે. આમ દશરથની કામનાને કારણે હશ્યશૃંગ પળોટાયા, યજ્ઞ થયો, અને દશરથને રામ અને તેના ભાઇઓ પૂત્રો તરીકે જન્યા. જો કામે તેનું તીર ન છોડ્યું હોત, તો ન તો ભોગ હોત કે ન તો હોત રામ કે ન તો હોત રામાયણ.

વેદિક સાહિત્યમાં વેપારીમાટેનો શબ્દપ્રયોગ, વૈશ્ય એ ગણિકા માટેના શબ્દપ્રયોગ, વેશ્યા, જેવો જ છે, તે કોઇ અકસ્માત નથી. બન્નેનો સંબંધ બજાર સાથે છે, જ્યાં લક્ષ્મી પેદા થાય છે અને હાથફેર થાય છે. તેથી જ દેવીના ઉત્સવો વખતે વેશ્યાનાં ઘરમાંથી લેવાયેલ માટીમાંથી દેવીની મૂર્તિ બનાવવામાં આવે છે અને વૈશ્યના ઘરમાંથી લેવાયેલ નાણાંમાંથી મંડપ બાંધવામાં આવે છે તે બન્ને વડે ઉત્સવનાં કેન્દ્રને એક ચોક્કસ સ્વરૂપ મળે છે.

  • સનડે, મિડ ડેની પૂર્તિ 'દેવલોક'માં ફેબ્રુઆરી ૨૪, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ.