શનિવાર, 11 મે, 2013

ગુણવત્તાને સમજીએ: પોતા તરફની ફરજ -- તન્મય વોરા


ગ્રાહક્ની જરૂરીયાત પૂરી કરવી કે તેથી પણ વધારે કંઇ કરવું, તેમની અવ્યક્ત અને વ્યક્ત અપેક્ષાઓ પૂરી કરવી, ઉત્કૃષ્ટતાની કક્ષા, અને વિશિષ્ટ સ્પષ્ટીકારક વિધાનોનું અનુરૂપણ - જેવી ગુણવત્તાની વ્યાખ્યાઓ એકંદરે બાહ્યલક્ષી છે. તે દરેક કોઇ ને કોઇ બહારના સંદર્ભ સાથે સંકળાયેલ છે.

પણ સુક્ષ્મ, માર્મિક સ્તરે,ગુણવત્તા આપણી અંદરથી ફૂટે છે. બહારનાં માટે કરતાં, તે ખરા અર્થમાં તો પોતા માટે , અંદરનું, પ્રદાન છે. આપણે કંઇ કરીએ કે વિચારીએ, તે જો આપણને પોતાને ખુશ કરી શકશે, તો બીજાંઓને પણ જરૂર ખુશ કરશે. 

તેમની સમયાતીત પ્રમાણભૂત રચના, "ઝેન ઍન્ડ આર્ટ ઓવ મૉટર સાઇકલ મેન્ટનન્સ'માં રૉબર્ટ એમ. પીર્ઝીગે પ્રાચીન ગ્રીક અને હિંદુ પુરાણો અને ગુણવતાનાં અનુબંધને સાંકળી લીધા છે.
તેમાંનો આ એક ટુકડો જોઇએ: 
 
       “ગ્રીક યોધ્ધાઓને શૌર્યનાં કૃત્યો તરફ તેમની પોતા પ્રત્યેની ફરજની દ્રષ્ટિ પ્રેરે છે, નહીં કે બીજાં તરફની                 ફરજની દ્રષ્ટિ. તેમનું પ્રેરક બળ [ગ્રીક શબ્દ] ઍરીતી, (ઉત્કૃષ્ટતા) છે, જેનો આપણે સામાન્ય રીતે "સદ્‍ગુણ' જેવો અર્થ કરીએ છીએ .. ફીદ્રસને પણ, પ્રેરક બળને "પોતા તરફની ફરજ" તરીકે વર્ણવવાનું વધારે આકર્ષતું, જે સંસ્કૃત શબ્દ 'ધર્મ'’નો બહુ જ હુબહુ અનુવાદ ગણી શકાય.”

ઍરીતી (ઉત્કૃષ્ટતા) એટલે 'પોતાની ક્ષમતાને અનુરૂપ જીવવું', જેના વિષે ગ્રીક પુરાણોમાં, સ્વ-મદદ સ્વરૂપનું, ઘણું સાહિત્ય ઉપલબ્ધ છે. આપણે જે કંઇ કરવા ઇચ્છતાં હોઇએ તેને, બીજાં માટે નહીં, પણ પોતા માટે, સહુથી ઉત્કૃષ્ટ રીતે કરવાથી જ, તેની શરૂઆત થાય છે.

“દુનિયાને સુધારવાની શરૂઆત પોતાનાં દિલ, દિમાગ, હાથોથી થાય છે, બીજાંઓ તરફ તો તે પછી જવું જોઇએ." રૉબર્ટ એમ. પીર્ઝીગ.


·         અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૧૧ મે, ૨૦૧૩