મંગળવાર, 14 મે, 2013

દેવીમાને જ્યારે વિજાતીય પોષાક જોઇએ છે - દેવદત્ત પટ્ટનાઇક


દેવીમાની સરખામણી આકરી મા સાથે થતી હોય છે, જે સંપત્તિ કે મોજમજાનાં પ્રતિક સ્વરૂપે જોવામાં આવતી સ્ત્રીનાં દર્શનથી સાવ જ અલગ છે.
કેરળનાં કોલ્લમની નજીક, ચાવરામાંનાં કોટ્ટનકુલાંગરમાંનાં મંદિરમાં દર વર્ષે, હજારો પુરૂષો સ્ત્રીના પોષાક પહેરીને ભગવતી દેવીની દીવાઓથી પૂજા કરે છે.  આ આગવી પ્રથા "ચમય વીલક્કુ' (વેષભૂષા દીવો) તરીકે ઓળખાય છે, જેમાં હાથમાં પ્રગટાવેલ દીવાઓ લઇને પુરૂષો લાંબા સરઘસાકારે મંદિરમાં પ્રવેશ કરે છે. દર વર્ષે માર્ચ-એપ્રિલમાં આ વિધિ થતી હોય છે.
એક કહાણી છે કે ગોવાળોના એક જૂથને જંગલમાં લોહી ટપકતો પથ્થર મળી આવ્યો. તેમને ખ્યાલ આવી ગયો કે આ પથ્થરમાં દેવીમાની ચમત્કારીક શક્તિ રહેલી છે. તેમાંના એક ગોવાળે જેવો તેને અડવાનો પ્રયાસ કર્યો,  કે તેમાંથી આગની જ્વાળાઓ ફૂટી નીકળી અને તે ભસ્મીભૂત થઇ ગયો. દેવીમાને પૂજારીને બદલે પૂજારણ વધારે પસંદ હતી, તેથી દેખીતું હતું કે તે પથ્થરને કોઇ સ્ત્રી જ માત્ર અડકી શકે. આસપાસમાં કોઇ સ્ત્રી તો હતી નહીં,તેથી આવા શક્તિશાળી પથ્થરને એમને એમ છોડી જવા કરતાં, છોકરાઓને લાગ્યું કે છોકરીનો વેષ પહેરીને તેને અડકવું જોઇએ. એવું કરવાથી કોઇને કશું ન થયું. પોતાની સ્ત્રી તરફની બાજૂને બતાવતા પુરૂષોનો સંગાથ દેવીમાને ગોઠી ગયો. તેમણે તેમને આશીર્વાદ પણ આપ્યા.
એ પ્રસંગની યાદગીરી રૂપે, આજે પણ  દેવીમાના આશીર્વાદ મેળવવા માટે, એ દિવસે પુરૂષો સ્ત્રીના વેશમાં જઇ , દેવીમાને દીવા, ધૂપ અને ફૂલ ચડાવે છે. આ લોકો વિજાતીય પોષાક પહેરતા, ન્યાનતર વ્યંઢળો નથી. ઘણા પુરૂષો તો તેમની પત્ની, બહેનો કે માને પણ સાથે લઇ જાય છે અને પૂજાનો પોષાક પહેરવામાં તેમની મદદ પણ લે છે. આમ તો આ બધું બહુ સ્વાભાવિક પણે થતું રહે છે, પણ કેટલાક પુરૂષોને પુરુષત્વના બોજામાંથી એક દિવસ પૂરતી મળતી છુટ્ટી ગમે પણ છે.
બંગલુરૂ અને કર્ણાટકના અન્ય ભાગોમાં થતી બીજી એક વિધિ,કરગ,માં દેવીમાને એક ઘડા (કરગ)માં આહવાન કરાય છે.  સ્ત્રીનો વેષ પહેરેલો યુવાન પુજારી પછીથી માથે લઇને તે ઘડાને આખાં ગામમાં ફેરવે છે. દેવીમાનો સંબંધ દ્રૌપદી સાથે મનાય છે, અને તે પુરૂષ ક્ષત્રિય જાતિનો હોય છે. આમ જુગારમાં દ્રૌપદીને દાવ પર મુકી, કૌરવો સામે તેને હારી જઈને તેમનું જે અપમાન કર્યું હતું તેની ક્ષમા માગવાનું આ વિધિ પ્રતિક ગણાય છે. વિજાતીય પોષાક પહેરેલા પુરૂષને માથે બેસીને આખાં ગામમાં જે શેરીઓ અને ઘરો પાસેથી દેવી પસાર થાય છે, તેમના પર તેમની કૃપા દ્રષ્ટિ રહે છે, તેમ મનાય છે.
આ બધી વિધિઓમાં, પુરૂષની મર્દાનગી પર કોઇ શંકા નથી કરાઇ રહી , કે ન તો તેને કોઇ પડકાર છે. તેમાં, કદાચ, સામાજિક મૂલ્યોને બરકરાર રાખવા માટે સ્ત્રીએ ચૂકવવી પડતી કિંમતમાટે પુરૂષોની સહાનુભૂતિની ભાવનાની સ્વીકૃતિ હોઇ શકે છે. કમનસીબે, દેવીની પૂજા કરવાથી કે તેમની ક્ષમા માગવાથી, મોટે ભાગે, સ્ત્રી પ્રત્યે માનની ભાવના જાગતી નથી જણાતી. દેવીમાની સરખામણી આકરી મા સાથે થતી હોય છે, જે સંપત્તિ કે મોજમજાનાં પ્રતિક સ્વરૂપે જોવામાં આવતી સ્ત્રીનાં દર્શનથી સાવ જ અલગ છે. પૌરાણીક ગ્રંથોમાં માતા કે બહેન કે પત્નીનાં સ્ત્રી સ્વરૂપમાં કોઇ ફરક નથી કરાયો. જ્યાં સુધી ડહાપણને સંબંધ છે , ત્યાં સુધી આપણે સંપત્તિ કે આધિપત્યમાં નથી માનતા. અને ત્યાં સુધી, આપણે રાવણ કે દુર્યોધન કે પાંડવોની જેમ દેવીના ખોફનું જોખમ ખેડીને પણ દેવી પર અંકુશ રાખીશું અને તેમને મર્યાદાનું ઉલ્લંઘન પણ કરતા રહીશું. 
*       સનડે, મિડ ડેની પૂર્તિ 'દેવલોક'માં માર્ચ ૦૩, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ.
v  અસલ અંગ્રેજી લેખ, When the goddess demands cross dressing, લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર એપ્રિલ ૨૯, ૨૦૧૩ના રોજ INDIAN MYTHOLOGY ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ   મે ૧૪, ૨૦૧૩