શુક્રવાર, 17 મે, 2013

રાજેશ સેટ્ટી કૃત શ્રેણી -‘વિશિષ્ઠ બનીએ’ - સંપુટ બીજો - ગુચ્છ ૯
#91 "મને ખબર નથી" કહેવામાં ખચકાટ ન અનુભવીએ

| જાન્યુઆરી ૧૪, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ 

કાયમ “મને ખબર નથી" કહેવાનાં પણ જોખમ છે, તો ક્યારે પણ "મને ખબર નથી" એમ ન કહેવામાં પણ જોખમ તો છે જ.

બન્ને અંતિમો જ કહી શકાય. પહેલા કિસ્સામાં કૌશલ્ય અને ક્ષમતાની વાત છે, તો મોટે ભાગે, બીજા કિસ્સામાં "અહંકાર"ની વાત છે.આપણે આજે બીજા કિસ્સા પર ધ્યાન આપીશું.

મોટા ભાગનાં લોકોને "મને ખબર નથી" એવું કહેવું સ્વિકાર્ય નથી હોતું, અને તે પણ, બીજાંની સરખામણીમાં, અગ્રણીઓની બાબતે તો ખાસ. ઘણીવાર અગ્રણીઓ એવું માનવા પ્રેરાઇ જતાં હોય છે કે, તેઓ અગ્રણી છે તેથી તેમના અન્ય સહયોગીઓ જે કોઇ સમસ્યા તેમની પાસે રજૂ કરે, તેનો ઉકેલ તેમની પાસે હોવો જ જોઇએ. માત્ર એટલું જ નહીં, પણ તેઓ એવું પણ માનતાં હોય છે કે તેમની પાસે એ ઉકેલ , હંમેશાં, હાથવેંત જ હોવો જોઇએ. એટલે, ઉકેલ ખબર નથી તેવું સ્વિકારવાને બદલે, તેઓ કંઇ ને કંઇ જવાબ 'ઘડી' કાઢે છે. મોટા ભાગના કિસ્સાઓમાં આ અગ્રણીઓ 'સ્માર્ટ' તો હોય જ છે, એટલે તેઓ ઝડપથી જવાબ સુઝાડી શકે છે, અને તે ઠીક ઠીક 'સારો' પણ હોય છે. હા, પણ, તે 'મને ખબર નથી' કહેવા બરાબર તો નથી જ હોતું.

જ્યારે પણ આપણે 'મને ખબર નથી' એવું કહેતાં હોઇએ છીએ, ત્યારે જવાબ 'બનાવી’ કાઢવાને કારણે ઉભી થતી જવાબદારીઓની સરખામણીમાં કેટલી ય નવી જવાબદારીઓની શક્યતાઓ ઊભી કરતાં હોઇએ છીએ. જેવું આપણે "મને ખબર નથી" કહીએ, એટલે સહુથી પહેલું તો આપણાં મનમાં, આ વિષયમાં આપણાથી વધારે જાણકાર વ્યક્તિ પાસેથી મદદ માગવાનો વિચાર આવે છે. બીજો વિકલ્પ છે, પુસ્તકો, ઇન્ટરનૅટ કે પ્રશિક્ષણ શિબીર કે એવા અન્ય સ્ત્રોતની મદદથી એ વિષય બાબતે વધારે શીખવાનો. ટુંકમાં, "બનાવી કાઢવા'ને બદલે, આપણે 'નવું શીખવા'ની કક્ષામાં આવી જઇએ છીએ. 'બનાવી કાઢવા' વાળા વિકલ્પમાં માત્ર ઉતરતી ગુણવતાવાળો ઉકેલ શોધી કાઢવાનું જોખમ તો છે જ, પણ તે ઉપરાંત જે કંઇ 'બનાવી કાઢ્યું' છે તેનો બચાવ કરતાં રહેવાનું તો આવી જ પડે છે. આ તો પત્તાંનો મહેલ બનાવવા જેવું પરવડે છે. આપણે જે કંઇ 'બનાવી કાઢ્યું' તે જો જામ્યું નહી તો, તે વખતે તો નીચાજોણું થાય જ, પણ તે પછીથી જ્યારે પણ આવા 'હાજર જવાબી' ઉપાયોના બચાવ કરતી વખતે ભોં ભારી પડી જતી હોય છે.

જો થોડું ગંભીરતાથી, લાંબું વિચારીશું, તો સમજાશે કે 'બનાવી કાઢવા'માં બહુ ફાયદા નથી.

અને છેલ્લે, "મને ખબર નથી" કહેવાથી આપણે કોઇ પણ દ્રષ્ટિએ નાનાં નથી થઇ જતાં. જો આપણી ટીમ નાના થઇ જવાના વિચારનો અભિગમ ધરાવતી હોય, તો એ ટીમ અંગે પણ ફેર વિચારણા કરવી જોઇએ.આપણી ટીમ નવું શીખવાની જરૂર છે તે સ્વિકારવામાં નાનપ અનુભવે તે પરિસ્થિતિ, લાંબે ગાળે, બધાંને માટે હિતાવહ અને શ્રેયકારક નથી. પહેલેથી જ આવી ટીમની પસંદગી ન થાય તે વિશે સચેત રહીએ.


#92 આપણે કોની સાથે વધારે સમય વીતાવીએ છીએ તે અંગે સચેત રહીએ 
                                                                                                                              | જાન્યુઆરી ૧૫, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ 

થોડા સમય પહેલાં મારે ઈગલ ઇન્સ્ટિટ્યુટના ડૉ. ટૉમ હિલને મળવાનો સુયોગ થયો હતો. ટૉમ હિલ વિશે થોડી મહત્વની જાણકારી - તેઓ ૭૦ વર્ષના છે.તેઓ ૫૦ વર્ષના થયા ત્યાં સુધી તો તેઓ શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા. ૫૦ વર્ષની ઉમરે તેમણે રી/મેક્ષ ફ્રેંચાઇઝ વેંચવાનો વેપાર શરૂ કર્યો. પછીના દસ વર્ષમાં તેમણે ત્રણ બીલીયન ડૉલરનાં કુલ વેંચાણોનાં સ્તરના વેપાર ઉભા કર્યા.

અમારાં ગ્રૂપ સાથે તેમણે ઘણા વિષયો પર વાત કરી, પણ એક વિષય બહુ જ ધ્યાનાકર્ષક હતો. તેમણે અમને અમે જેમની સાથે સહુથી વધારે સમય વ્યતિત કરતાં હોઇએ એવી (પોતાનાં કુટુંબીજનો સિવાયની) ૧૦ વ્યક્તિઓની યાદી બનાવવાનું કહ્યું. તેમનો કહેવાનો મુદ્દો એ હતો કે મોટા ભાગે, ઘણી બાબતોમાં આપણે એ વ્યક્તિઓની 'સરેરાશ' જેવાં જ હશું. આજનો લેખ આ વાત પર છે.

આપણે જેમની જોડે સહુથી વધારે સમય વ્યતિત કરીએ છીએ તેની અસર, આપણે શું છીએ અને શું બનવા જઇ રહ્યાં છીએ, તેના ઉપર બહુ જ થતી હોય છે. એ માટેનાં કારણો -

૧. વિચાર અમલ ની આગળ ચાલે છે

૨. આપણા સામાન્ય વિચારો પર આપણા પ્રભાવકારી સંવોદોની બહુ ઘણી અસર થતી હોય છે

૩. સામાન્યતઃ, આપણી વાતચીત આપણી ખુદની સાથે, અથવા તો આપણી આસપાસ રહેલ વ્યક્તિઓ સાથે, થતી રહેતી હોય છે

૪. જેમની સાથે આપણે સહુથી વધારે સમય પસાર કરીએ છીએ તેઓની આ સંવાદ પર ઘણી વધારે અસર થતી હોય છે.

ટુંકમાં, આપણે જેમની સાથે સહુથી વધારે સમય પસાર કરીએ છીએ, તે આપણી નિયતિ પર બહુ વધારે અસર કરે છે. આજની તારીખે, આપણાં જીવનમાં કોણ છે એ લોકો? એ યાદીમાં કોનો ઉમેરો કરવો જોઇએ?

મારૂં એમ જરા પણ કહેવાનું નથી કે જેમની સાથે મોજ મસ્તી કરી શકીએ એવાં મિત્રો ન હોવાં જોઇએ. ખરૂં ડહાપણ એ નક્કી કરવામાં છે કે જીવનમાં કેટલી મોજ અત્યારે માણી લેવી અને કેટલી ભવિષ્ય માટે બાકી રાખવી .

#93 ક્યારેક, પોતાનો વિરોધ પણ કરવો જોઇએ!
| જાન્યુઆરી ૧૬, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
બીજી રીતે કહીએ, તો જ્યારે આપણે તદ્દન ખોટાં હોઇએ, તો સીધે સીધું સ્વિકારી લેવું જોઇએ!

દરેક વખતે આપણે સાચાં જ હોઇએ તેવું તો ન બને. હું ઘણાં લોકોને પૂછું છું કે આવતે વર્ષે જો તેઓ ખાસ ધ્યાન રાખે તો શું તેમના ૧૦૦% નિર્ણયો સાચા પડશે ખરા. હજુ સુધી મને એવું કોઇ નથી મળ્યું જેમણે જવાબ 'હા'માં આપ્યો હોય.એટલે કે, ધાર્યાં પરિણામો ન લાવી શકે એવા થોડા ઘણા નિર્ણયો થવાના તો ખરા જ.

એનો અર્થ એમ પણ નહીં કે નિર્ણય લેતી વખતે જ આપણે કહી શકીએ કે આ નિર્ણયનું ધાર્યું પરિણામ નહીં આવે.આપણે તો બધા સાચા નિર્ણય જ લેવા હોય. નિર્ણય લેતી વખતે ઘણાં પરિબળો કામ કરતાં હોય છે, જેમ કે, એ સમયની આપણી સમજ, આપણું જ્ઞાન, આપણી બુધ્ધિ, તે સમયના સંજોગો, વગેરે. આપણે જ્યારે નિર્ણય લઇ લઇએ કે કોઇ એક અભિપ્રાયની ભૂમિકા સુધી પહોંચીએ, તે સમયે નવા સંજોગો કે નવી માહિતિઓ કે નવી નિવિષ્ટ સામગ્રી કે નવા દ્રષ્ટિકોણ ધ્યાન પર આવે, જેને પરિણામે આપણો પહેલાંનો નિર્ણય કે અભિપ્રાય બરાબર ન હતો તેવો ખયાલ પણ આપણને આવી જાય.એ સમયે સહુથી સરળ [કે મુશ્કેલ?] વિકલ્પ તો એ જ છે કે આપણી ભૂલ સ્વિકારી લેવી અને નવેસરથી નિર્ણય પ્રક્રિયા કરવી. પણ આમ કરવામાં ઘણા લોકોના અહંકારને ઠેસ પહોંચતી હોય છે. સાચાં કે વજૂદવાળાં કારણોસર ખોટો,(ભૂલ ભરેલો), નિર્ણય કે અભિપ્રાય બદલવાના સંજોગ ઊભા થાય, તો આપણી જ વાતનો વિરોધ કરવા માટેની હિંમત એકઠી કરીને પણ સુધારો તો કરવો જોઇએ.

જો કે, આપણે સમજીએ છીએ કે જો આપણે દરેક વાતે આપણો જ વિરોધ કરતાં રહીને અભિપ્રાયો બદલતાં રહીશું, તો લોકોને આપણા પર ભરોસો જ નહીં રહે. પરંતુ, જો આવું કોઇ કોઇ વાર જ બને, તો આપણે પણ આખરે તો માનવી જ છીએ તેમ બધાં સમજી શકશે. કોઇ કોઇ વાર તો ભૂલ થાય.પણ આપણી એ ભૂલ ન સ્વિકારવાથી, જે ખોટું હતું તે સાચું તો નહિં જ બની રહે.

તેમાં પણ આપણે જો અગ્રણી સ્થાન કે કક્ષામાં હોઇએ, તો આ વાત ઘણી મહત્વની બની રહે છે. પૂરેપૂરા સંન્નિષ્ઠ પ્રયત્નો પછી પણ થયેલ ભૂલ ભર્યા નિર્ણયને સ્વીકારી લેવાથી આપણે આપણી ટીમ માટે ઉત્કૃષ્ટ, અનુકરણીય, ઉદાહરણ પૂરૂં પાડીશું તે વાત તો નિર્વિવાદ છે.

#94 ચિંતન કરતાં શીખીએ
| જાન્યુઆરી ૧૯, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ 

તન અને મનનાં જોડાણ વિષે કંઇ કેટલું ય લખાઇ ચૂક્યું છે. એ બન્ને વચ્ચેનાં જોડાણવિશે વૈજ્ઞાનિક પુરાવા પણ છે. એ સંજોગોમાં આપણાં મનને તંદુરસ્ત તો રાખવું જ જોઇએ. અને મારી દ્રષ્ટિએ આ માટે, ચિંતન એ એક બહુ જ સરળ વિકલ્પ છે!

ઉપલબ્ધ ઇતિહાસ પ્રમાણે, ચિંતન હજારો વર્ષોથી ઉપયોગમાં છે. આપણે સમજી જ શકીએ છીએ કે , ચિંતનની ઘણી પધ્ધતિઓ પ્રચલિત છે. મેં પણ તેમાંની ઘણી પધ્ધતિ વિશે વાંચ્યું છે, પણ તેમાંની કોઇ પધ્ધતિઓ વિશે ઊંડાણમાં નથી ગયો. પણ મારો આ બાબતનો, છેલ્લાં થોડાં વર્ષોનો જેટલો અનુભવ છે, તેનાથી એટલું તો જરૂર કહી શકીશ કે તાણ ઘટાડવામાં અને મનને શાંત અને સ્થિર કરવામાં તે બહુ જ ઉપયોગી નીવડે છે.

તેનાં સહુથી સરળ સ્વરૂપમાં, ચિંતન એક એવી કસરત કહી શકાય, જેના વડે આપણાં મગજને "ખાલી" કરી નાખવામાં આવે છે. બીજા શબ્દોમાં, આપણાં મગજમાં સતત ચાલી રહેલા વિચારો પર થોડું પણ નિયંત્રણ લાવવાની પ્રક્રિયાને ચિંતન કહી શકાય. એવા વૈજ્ઞાનિક પુરાવા છે કે જ્યારે આપણે ચિંતન કરીએ છીએ ત્યારે આપણાં મગજની ગતિવિધિઓ કંઇક (અજ્ઞાત સ્થિતિના) અંશે ઘટે છે, જે આપણા માટે બહુ જ ફાયદાકારક છે.

જો તમે પણ ચિંતન કરતાં હશો, તો તેના ફાયદાઓથી પરિચિત તો હશો જ.અને જો ચિંતન ન કરતાં હો, તો શરૂ કરવામાટે કંઇ મોડું નથી થઇ ગયું. તે માટે કેટલોક જાણીતી પધ્ધતિઓ નીચે જણાવી છે:

૧. અનુભવાતીત ધ્યાન

૨. વિપાસના ધ્યાન

3. આદિકાળનું નાદ ધ્યાન

૪. સીલ્વ પધ્ધતિ

5. સહજ સમાધિ ધ્યાન


કેટલાંક લોકો દર અઠવાડિયે દરરોજ અમુક કલાકો માટે ધ્યાન ચિંતન કરે છે, તો બીજાં કેટલાંક દરરોજ અમુક મિનિટો માટે ધ્યાન ચિંતન કરે છે. પણ, બધાં જ ચિંતનાભ્યાસીઓ એક બાબતે તો સહમત છે જ કે, એક યા બીજી રીતે, ધ્યાન ચિંતનને કારણે તેમની જીવન પધ્ધતિમાં સુધારો તો થયો જ છે.

તો, આપણે હવે કોની રાહ જોઇએ છીએ?

#95 આપણને મળેલી મદદ કદાપિ ન ભૂલીએ!
| જાન્યુઆરી ૧૯, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
આપણે એક વાતે તો સંમત થશું જ કે, આપણે આજે જે સ્થાને છીએ, ત્યાં આપણા એકલાંની જ મહેનતથી નથી પહોંચ્યાં. આપણાં જીવનના કોઇ ને કોઇ તબક્કે, કેટલાંય નામી અનામી લોકોની કંઇ ને કંઇ મદદ તો મળતી જ રહી છે.

આપણે જેમ કલ્પી શકીએ છીએ, તેમ આપણાં જીવનના શરૂઆતના તબક્કાં જેમણે આપણને મદદ કરી હોય, તેમાંનાં ઘણાં આપણને આજે મદદ કરી શકે તેમ ન પણ હોય.એવું પણ બને કે તે લોકો કરતાં આપણે કદાચ વધારે મોટાં થઇ ગયાં હોઇએ. એવું પણ બને કે,આપણે તેમની મદદને કદાચ ભૂલી પણ જઇએ, તો આપણી ભવિષ્યમાં આવનાર સ્થિતિમાં કદાચ કોઇ મહત્વનો ફેર પણ ન પડે.એટલે, ભૂતકાળમાં જેમણે આપણને સમયસરની અને મહત્વની મદદ કરી છે, તેમને ભૂલી જવામાં ખોટું શું છે?

આ રહ્યાં તેમ ન કરવા માટેનાં કેટલાંક કારણો:

૧. આમ તો આ અભિગમનો મુદ્દો છે. ભૂતકાળમાં જેમણે મદદ કરી છે તેમના વિશે આ રીતે વિચાર કરીએ, તો તેનો અર્થ એમ પણ થાય કે હાલમાં કે ભવિષ્યમાં પણ મદદ કરનાર વિશે પણ આપણે આમ જ વિચારીશું.આપણા માર્ગમાં સાથે ચાલેલાં લોકોને ભૂલતાં જવું એ કંઇ સારી વાત તો નથી.

૨.લાંબાં ગાળાના સંબંધો એક એક કદમ ચલઈને જ વિકસે છે. સમયસર મળેલી મદદની અસ્વિકૃતિ અને તેને ભૂલવું તે આપણને મદદ કરનાર વ્યક્તિઓથી અંતર વધારવા લાયક એક વાત જ કહેવાય.

૩. આપણે કોઇની સાથે એ રીતે વર્તીશું, તો કોઇ આપણી સાથે પણ એ જ રીતે વર્તશે. આ દુનિયામાં જેવું કરીએ , તેવું જ પામીએ છીએ.તો પછી, સાચાં અને સારાં આચરણની પ્રથાની શરૂઆત આપણાથી જ કેમ ન કરવી?

૪. એક કક્ષાએ પહોંચ્યા પછીથી તો આપણે સિધ્ધ્હસ્ત લોકોની સંગતમાં રહેતાં થઇ જઇ છીએ. એ લોકોની અનુભવી નજર આપણી આ મદદ ભૂલી જવાની દાનત અને મનોવૃતિને તરત જ પારખી લઇ શકે છે. એ લોકોને તેમનો કોઇ "ઉપયોગ" કરી જાય તે સ્વિકાર્ય નથી હોતું. એટલે ક્યાં તો આપણો અભિગમ બદલવા કે પછી એવાં લોકોના સાથ/ મૈત્રી છોડવા સિવાય બીજો કોઇ વિકલ્પ આપણી પાસે નથી રહેતો.

૫.અને છેલ્લે, પણ અંતમાં નહીં, બહુ થોડાં લોકો પોતાને મળેલ મદદ યાદ રાખી શકતાં હોય છે. એટલે બહુ ન ખેડાયેલ માર્ગ પસંદ કરીને, આપણે કંઇક વિશિષ્ઠ પગલું ભરી જરૂર રહ્યાં છીએ.

શુભેચ્છાઓ.....!

શ્રી રાજેશ સેટ્ટી દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ શ્રેણી - Distinguish yourself’ -ના લેખોનો ગુજરાતીમાં રસાસ્વાદ- સંપુટ બીજો - ગુચ્છ ૯ // અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ મે ૧૭, ૨૦૧૩