સોમવાર, 20 મે, 2013

ગજવું મોટું થાય, પણ દિલ નહીં - દેવદત્ત પટ્ટનાઇક


સંસ્થાઓના વિકાસને આપણે માત્ર (લક્ષ્મી) આર્થિક વિકાસની દ્રષ્ટિ એ જ જોતાં હોઇએ છીએ. આપણે તેની (દુર્ગા) લાગણીઓની, સત્તાનાં નફાનુકસાનની, અસરો વિશે નથી વિચારતાં. આપણે (સરસ્વતી) કલ્પનાશક્તિ કે વિચારશક્તિ પર પણ તેની અસરો વિશે વિચારતાં નથી.
હું એક દ્રુત ગતિમય ગ્રાહક પેદાશોનો વેપાર કરૂં છું. વ્યાપારના ઝડપી વિકાસને પરિણામે સંસ્થાનો વિકાસ પણ ઝડપથી થઇ રહ્યો છે. મારી હંમેશ એવી માન્યતા રહી છે કે સંસ્થાઓએ પોતાનાં વિકાસનું સત્વ જાતેજ વિકસાવવું જોઇએ. પણ મેં જોયું છે કે જેવાં કોઇને બઢતી આપીએ છીએ, તેવી તે વ્યક્તિ, સામાન્યતઃ ખરાબ તરફ, બદલી જાય છે. શું મારી પસંદગી ખામીવાળી છે કે પછી કોઇ વધારે ગૂઢ સંદેશ છૂપાયેલો છે?
પહેલે દિવસે આપણે કોઇને બાળકો સાચવનાર તરીકે નોકરીએ રાખીએ, બીજે દિવસે તે છોકરાંઓને ભણાવે અને ત્રીજે દિવસે તે રસોઇ પણ કરે તેમ પણ અપેક્ષા રાખીએ. આમ તે કેમ બને? દરેક કામ માટે એક ચોક્કસ પ્રકારનાં કસબની જરૂર પડતી હોય છે, જે કંઇ અભિસરણથી તો શીખી નથી જવાતું. અને તેમ છતાં આપણે, લોકોને કોઇ જ પ્રકારની, પૂર્વ કે પશ્ચાત, તૈયારી વગર જ બઢતી આપતાં રહીએ છીએ, અને ઉપરથી નવી જગ્યામાં તે શરૂઆતથી જ સફળ રહે તેમ આશા પણ રાખીએ છીએ. 
"જરૂરી પ્રશિક્ષણ વગર હું નવું કામ માથે નહીં લઉં?" એમ કોઇ કહી શકે છે ખરૂં? નહીં જ ને. એમણે મૂર્ખાં થોડું જ દેખાવું છે. એટલે તેઓ નવી જવાબદારી સ્વિકારી તો લે છે, અને કદાચ,  'એ તો પડશે તેવા દેવાશે', 'માથે પડે, એટલે એ તો શીખાય' જેવાં ઘસ્યાં પીટ્યાં સૂત્રો વડે પોતાની જાતને મનાવવાની કોશીશ પણ કરી લે છે. અને પછી, મહાભારતના રાજકુમાર ઉત્તરની જેમ, બધી શેખીને અંતે, જ્યારે કૌરવ સેનાનો સામનો કરવાનો આવે, ત્યારે વાસ્તવિકતા સમજાય. પોતાની મુર્ખામી સમજાય અને પછી ક્યાંક આશરો શોધવા ભાગં ભાગ થઇ પડે. જો કે આશરાની આ શોધ હોય તો છે માનસીક જ,જાહેરમાં નહીં. 
અંદરખાને તો સારો એવો ડર લાગતો હોય. હવે તો ફસાઇ ચૂક્યા. પરિસ્થિતિને સંભાળી નહીં શકાય, એમ પણ સ્વિકારી ન શકાય. ન તો પોતાની નિષ્ફળતા સ્વિકારી શકાય, કે ન તો પોતાની નબળાઇ છતી થવા દેવાય. તો વળી મદદ તો ક્યાંથી જ માગી શકાય.
ચારે બાજુથી ઘેરાઇ ગયેલ પ્રાણી શું કરે? બહુ બહુ તો તે, સામે ઘુરકીયાં કરે, કે પછી બટકાં ભરે, અને અંતે, ભાંગી પડે. ઘેરાઇ ગયેલ માનવી પોતાની સમસ્યાઓમાટે દુનિયાને ભાંડે. પણ તેમ કરવાથી ન તો કંઇ શક્તિ મળે કે ન કંઈ થઇ શકે, કારણકે પોતાનામાં જ તે શક્તિ ન અનુભવે કે કંઇ કરી શકવાની આવડત જોઇ નથી રહેલ. કોણ આપશે એ સામર્થ્ય કે એ આવડત? તમારી મદદ માગી શકૅ? પણ બઢતી આપીને તમે તો હાથ ખંખેરી નાખ્યા છે, માની લીધું છે નાનાં તળાવની મોટી માછલી મોટાં તળાવમાં પણ તરી જ જાણશે. પણ એ ભુલાઇ ગયું કે, નવી પરિસ્થિતિમાં તો તે નાની માછલી જ છે.
જો તમે બહારથી આવડત આયાત કરશો, તો તેઓ તમારો ઑર વધારે વિરોધ કરશે. અને વધારામાં તેઓ, બહારનાંનો પણ વિરોધ કરશે. તેમને પાડી દેવા પોતાથી બનતું બધું જ કરી છૂટશે.
સંસ્થાઓના વિકાસને આપણે માત્ર (લક્ષ્મી) આર્થિક વિકાસની દ્રષ્ટિ એ જ જોતાં હોઇએ છીએ. આપણે તેની (દુર્ગા) લાગણીઓની, સત્તાનાં નફાનુકસાનની, અસરો વિશે નથી વિચારતાં. આપણે (સરસ્વતી) કલ્પનાશક્તિ કે વિચારશક્તિ પર પણ તેની અસરો વિશે વિચારતાં નથી.પરિણામે ભૂતકાળના સંબંધો તુટી જાય છે, અને સંબંધોમાં આવી ગયેલી ખટાશને કારણે, હાલની ક્ષમતા અને આવડત પણ બગડી જાય છે.
યજમાન તરીકે જવાબદારી તમારી છે. બઢતી આપેલ લોકોની મદદથી જ તમારે તેમને નવી જવાબદારીઓ સ્વિકારવા માટે સક્ષમ બનાવવાનાં છે. તેઓ પોતાની મેળે સંભાળી લઇ શકશે કે આપોઆપ જ નીખરી ઊઠશે, તેવુ તો માનશો જ નહીં.  બધાં એમ ન પણ કરી  શકે. બધાં જ આત્મનિર્ભર કે આત્મપ્રેરિત ન પણ હોય. આપણે તેમના સુધી પહોંચવું પડે, તેમને મધદરિયે છોડી ન દેવાય. જો લોકો વિકસશે, તો સંસ્થા વિકસશે. તમે લોકોનો વિકાસ આંકડાઓમાં જૂઓ છો; પરંતુ સાથે સાથે ગુણવત્તામાં પણ વિકાસ તરફ જુઓ.

*       ETની 'કૉર્પૉરેટ ડૉસ્સીયર' પૂર્તિમાં માર્ચ ૨૨, ૨૦૧૩ના રો જ પ્રકાશિત થયેલ.
v  અસલ અંગ્રેજી લેખ, When the wallet grows, but not the heart, લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર મે ૦૬, ૨૦૧૩ના રોજ Leadership  ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
§  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ   મે ૨૦, ૨૦૧૩

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો