સોમવાર, 27 મે, 2013

સમુહમાંનાં અશક્ત - દેવદત્ત પટ્ટનાઇક

વાંકાપાડાં લોકો માટે તો સમરાંગણો સત્ય હોય છે, અને રમતનાં મેદાનો એ કલ્પનાચિત્રણ
હું એક બહુરાષ્ટ્રીય  કંપનીનો મુખ્ય પ્રબંધક અધિકારી છું. સહુથી નીચેના સ્તરની કાગીરી કરતાં ૧૦% કર્મચારીઓને તારવીને છૂટાં કરી દેવાની મારી કંપની નીતિ છે. હું એ નીતિ સાથે સહમત નથી, કારણકે  કંપનીની મુલ્યાંકન પ્રક્રિયા કંઇ એટલી ખડતલ નથી કે, કર્મચારીઓનાં યોગદાનનું સાચું અને વાજબી ચિત્ર જ તારવી જ શકાતું હશે તેમ માની શકાય. કંપની એ કર્મચારીગણનો મજબૂત પાયો બનાવી રાખવા માટે દરે વર્ષે છટણી કરતા જ રહેવું જોઇએ, તે સાથે શું તમે પણ સહમત છો?
વેપાર કરવાની કોઇ એક નથી તો સાચી રીત કે નથી કોઇ એક ખોટી રીત. હોય છે માત્ર ક્રિયાઓ, અને તેનાં પરિણામો. વેપાર પ્રત્યેનો હિન્દુ અભિગમ પણ એ જ છે. પાશ્ચાત્ય વિચારસરણી કોઇ એક સાચી રીતને ખોળી કાઢવામાં માને છે, અને તેમ કરવામાં, ઘણી વાર, સહુથી ઓછી કામગીરી કરતાં ૧૦% કર્મચારીઓને દર વર્ષે છૂટાં કરવાં જેવી, બહુ જ  નિષ્ઠુર  પધ્ધતિઓને પણ યોગ્ય ઠેરવાતી જોવા મળે છે.
કોઇ પણ પ્રકારની મુલ્યાંકન પ્રક્રિયાઓ અમલ કરાતી હોય, તો પણ હકીકતે જે થઇ રહ્યું છે, તે વિશે તો વિચાર કરવો જ જોઇએ. સંસ્થાઓ પોતાને શિકારમાટે નીકળી પડેલ શિકારીનાં સ્વાંગમાં જુએ છે. તેઓ એમ માને છે કે 'પુષ્ટ અને દુષ્ટ' રહેવા માટે સંસ્થાની કામગીરી પર બોજ બની રહેલ હોય તેવા 'પથરાઓ'ને તો દૂર કરતા જ રહેવું જોઇએ. આપણી ટીમમાં સહુથી સામર્થ્યવાનને જ સ્થાન હોઇ શકે. તાર્કીક રીતે, કદાચ આ અભિગમ સાચો પણ જણાય.
આવાં પગલાંઓને કારણે, હવે પછી પાણીચું પકડવાનો મારો વારો હશે એવો, એક પ્રકારનો ડર પણ બની રહે છે. ડર પણ કંઇક અંશે, પ્રભાવશાળી, પ્રેરણાજનક પરિબળ તો છે. તેને કારણે આપણે સતત વધારે ને વધારે મહેનત કરવા કે  ખડે પગે રહેવા દોરવાતાં રહીએ છીએ.
શિકારી ટોળાંનું કામ જ બજારમાંથી સંપત્તિની દેવી લક્ષ્મીને હડપી લેવાનું છે. જે લોકો લક્ષ્મીને નથી પકડી શકતાં કે પકડવામાં અસરકારકપણે યોગદાન નથી આપી શકતાં તે બધાં જ નિષ્ફળ ગણાય છે, અને તેથી એ ટોળાંમાં રહેવાની લાયકાત પણ ખોઇ બેસે છે. તેથી તેમને પણ પાણીચું જ પકડાવવું પડે.
મૂળ મુદ્દો તો એ છે સંસ્થાનું અસ્તિત્વ શા માટે છે, એ સવાલ?  શું સંસ્થાઓ સિંહ (માલિકીઅંશધારકો) મજાથી શિકારની જ્યાફ્ત ઊડાવી શકે તે માટે શિકાર કરતી રહેતી સિંહણ છે? જો એમ હોય, તો અશક્તોએ બહાર ફેંકાઇ જ જવું રહ્યું. આ અભિગમમાં બજાર એ એક એવું જંગલ છે જેમાં હરીફ સ્પર્ધકો અને  શિકારીને હંમેશ પાછળ રાખી દેવા મથતાં શિકાર જ જોવા મળતાં રહે છે.  આ તો રણ-ભૂમિ છે જ્યાં નબળાંઓ માટે કોઇ સ્થાન નથી. અહીં તો સંસ્થાએ પોતાનું અસ્તિત્વ ટકાવવાનું છે, એટલે નબળી કડીઓને છૂટી કરી દેતાં તે અચકાશે નહીં.
પરંતુ, આપણે સંસ્થાને એક એવાં વાતાવરણવાળી તંત્રવ્યવસ્થા તરીકે પણ વિચારી શકીએ જ્યાં લોકો વિકસે અને સમૃધ્ધ બને, એવી વ્યવસ્થા જેમાં નબળાને નકારી કાઢવાને બદલે સશક્ત તેને મદદ કરે. અહીં મુલ્યાંકન પધ્ધ્તિનો હેતુ, સમૂહમાંની નબળી વ્યક્તિને શું મદદ કરી શકાય, કે  તે પણ શિકાર કરવા સશક્ત બની રહે, તે ખોળી કાઢવાનો હોય. એમાં માત્ર જોખમ એટલું  છે કે અગ્રણીઓની આવી સદ્‍ભાવનાનો (ગેર)લાભ લઇને, લોકો કદાચ નિષ્ફીકર બની જાય અને તેમને સફળ થવાની કોઇ તમા જ ન રહે. કોઇ આને અવ્યવહારૂ આદર્શ ગણીને નકારી પણ કાઢે. તો વળી, વાંકાપાડાં લોકો માટે તો સમરાંગણો સત્ય હોય છે, અને રમતનાં મેદાનો એ કલ્પનાચિત્રણ.
જ્યારે યુધ્ધની જાહેરાત થાય છે, ત્યારે પોતાનાં મુલ્યાંકનમાં જે બંધ નથી બેસતાં તેવાં , વિભિષણ જેવાંઓને રાવણ ધકેલી કાઢે  છે, અને કુંભકર્ણ જેવાં ઉપયોગી તત્વોને તો ભરઊંધમાંથી ઢંઢોળીને, નગારાં વગાડીને, જગાડી પણ મૂકે છે.રાવણ એ એવો મહારાજા છે જે યેન કેન પ્રકારેણ લક્ષ્મીને તો પોતાના કબ્જામાં રાખવામાં માને છે. હિંદુ માન્યતા, પ્રમાણે તે પુજનીય નથી. કોઇ પણ સંસ્થા માટે અગ્રણી નેતૃત્વની ભૂમિકા, ડરને અતિક્રમવામાં મદદરૂપ થવાની હોવી જોઇએ, નહિ કે તેને વધારી મૂકવાની.

*       ETની કૉર્પૉરેટ ડૉસ્સીયર પૂર્તિમાં માર્ચ ૧૫, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ

v  અસલ અંગ્રેજી લેખ, The weak in the pack, લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર મે ૧૦, ૨૦૧૩ના રોજ Indian Mythology, Ramayana  ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.

·         અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ   મે ૨૭, ૨૦૧૩

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો