શુક્રવાર, 31 મે, 2013

રાજેશ સેટ્ટી કૃત શ્રેણી -‘વિશિષ્ઠ બનીએ’ - સંપુટ બીજો - ગુચ્છ ૧૦

| જાન્યુઆરી ૨૨, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ 
થોડાં વર્ષ પહેલાં, મારા માર્ગદર્શકે મને આ વિચાર બાબતે વાત કરી હતી. એ વિચાર, અને તે સમજાવવા માટે આપેલ ઉદાહરણ, મને આજે પણ બરાબર યાદ છે.
હું માની જ લઉં છું કે  સરકસમાં ઊંચે હીંચકતા ઝૂલા પર બજાણીઆના ખેલ તો તમે એક વાર તો જોયેલ હશે જ. હવામાં ઝૂલા પર હીંચકતી વખતે કલાકાર ઘણા ખેલ કરી બતાવતાં હોય છે. આપણે જે વાત કરવી છે તે છે તે એક ચોક્કસ સમયની, જ્યારે કલાકાર જોરથી હીંચકતા ઝૂલાને છોડી અને કુદી પડે છે અને પછી સામેને છેડેનાં કલાકાર  ઝૂલતાં ઝૂલતાં, હવામાં જ, તેનો હાથ પકડી લે છે અને પછી પોતાના ઝૂલા પર લઇ લે છે. આ સમગ્ર ખેલમાં, એક એવી ચોક્કસ ઘડી આવે છે જ્યારે કલાકારે પોતાના ઝૂલા પરની પકડ છોડી દીધી હોય છે, અને સામેના છેડે રહેલ કલાકાર તેનો હાથ પકડી લે તે પહેલાં, થોડા સમય માટે , કોઇ જ જાતના ટેકા કે બંધન વગર, તે  હવામાં સાવ મુકત હોય છે.  
અ) પહેલાં પોતના ઝૂલાની પકડ છોડી દેવામાં, અને
બ) ગણત્રીની કેટલીક ક્ષણો માટે ન તો પોતાના ઝૂલા સાથે, કે ન તો પોતાનાં સાથી કલાકાર સાથે હાથો હાથની પકડની સલામતી વગર પણ,, હવામાં સાવ જ "મુક્ત" અવસ્થામાં
-  તે પૂરેપૂરી રીતે તૈયાર અને વિશ્વસ્ત હોય છે.
હવે, થોડી વાર, મજાક  ખાતર, જ્યારે હાલની પરિસ્થિતિને છોડી દઇ, બીજી પરિસ્થિતિને પકડી લેતાં પહેલાં 'સંપૂર્ણ, ટેકા-વિનાની, "મુક્તાવસ્થા"'માં આવી ગયાં હોઇએ એવા સંજોગોની, આપણાં જીવનના પણ કલ્પના કરો. સામાન્ય રીતે, જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા "હાથ" ન આવે, ત્યાં સુધી જે સ્થિતિમાં છીએ તેને છોડી દેવી એ 'જોખમકારક' ગણાય છે. એટલે, અત્યારે જે હાથમાં છે તેને પકડી રાખીને, લોકો નવી પરિસ્થિતિને પકડવાની કોશીશ કરે છે. જ્યારે નવી પરિસ્થિતિમાં ઠરી ઠામ થઇ જવાય ત્યારે જ હાલની સ્થિતિને "છોડી" દેવાનો વિચાર કરતાં હોય છે. પણ, કમનસીબે, દરેક સમયે આમ કરવું શક્ય નથી બનતું. ભવિષ્યની 'સલામતી'ની ખોજમાં હાલ જે છે તેને, ઉચિત મહત્વ ન આપીને, પણ તેઓ જોખમમાં મુકી દે છે.
આપણાં પોતાનાં જીવનમાં પણ આપણે ઝપલાવવા માગતાં, પણ હાલના 'ઝૂલા'ને પહેલાં છોડી દેવા તૈયાર ન હોય એવાં કલાકારની જેમ તો આપણે નથી વર્તી રહ્યાં ને?  પહેલેથી ન છોડી દેવામાં કોઇપણ જાતના 'ટેકા વગર'ની 'જોખમી' પરિસ્થિતિ આપણે જરૂરથી ટાળીએ છીએ, પણ તેને કારણે આપણે વિકાસની નવી તકને "ઝડપી" ન શકતાં હોઇએ તેમ પણ બનતું હોઇ શકે!.
એવું તે શું થાય કે, આપણે પણ પહેલાં છોડી દઇને,  નવી તકને 'ઝડપી' લેવા, ઝંપલાવી દઇએ?

| જાન્યુઆરી ૨૨, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
આપણે જે કંઇ કરી રહ્યાં હોઇએ છીએ, તે કરવા માટે ખરેખર કેટલી સત્તા (કે પ્રભાવ કે શક્તિ) જોઇએ?
આપણે મારા એક અંગત ઉદાહરણથી શરૂઆત કરીએ:
હુ જ્યારે લોકોને કહું છું કે મારી બ્લૉગ પૉસ્ટ લખવા માટે હું, નોટપૅડ સૉફ્ટવૅરનો સહુથી વધારે, ઉપયોગ કરૂ છું, ત્યારે તે કોઇ માનતું નથી. અહીં જે કંઇ તમે વાંચી રહ્યાં છો તે પહેલાં 'નોટપેડ'પર લખી , અને પછી 'બ્લોગહાર્બર'માં 'કૉપી અને પૅસ્ટ' કરેલ છે. 
'નોટપેડ માટેના મારા લગાવ માટે ઘણાં કારણો છે, જે પૈકી કેટલાંક આ મુજબ છે:
અ. 'નોટપેડ' બહુ જ 'હળવી એપ્લીકેશન' છે, તેથી તેને બહુ થોડી સેકંડોમાં જ શરૂ કરી શકાય છે.
બ. 'નોટ્પેડ'માં જે દેખાય છે તે જ મળે છે.
ક. ફૉરમેટીગનાં કોઇ પણ બીનજરૂરી સુચનો નહીં, હું જે ધારૂં તે જ થાય, મારી મરજી વગર કંઇ જ બદલી ન જાય. :)
ડ. કારણકે તે 'હળવી એપ્લીકેશન છે, એટલે મારાં લૅપટૉપની બૅટરીની શક્તિ ઓછી વપરાય છે.
મારી દરેક બ્લૉગ પૉસ્ટને હું 'નોટપેડ' વડે લખીને, મારાં 'ડૅસ્કટૉપ' પર સાચવી લઉં છું, પછીથી, જ્યારે પણ હું ઇન્ટરનૅટ્સાથે જોડાણ કરૂં છું , ત્યારે બધું જ લખાણ, 'કૉપી/પૅસ્ટ' કરી, જરર મુજબ 'ફૉરમેટીંગ' કરીને પૉસ્ટ વહેતી મૂકી દઉં છું. એક વાર આટલું કરી લીધા પછી, 'નૉટપૅડ ફાઇલો'ને "ડેસ્કટૉપ' પરથી ભૂંસી" નાખું છું.
કહેવાનું તાત્પર્ય એ છે કે, મારાં લૅપટૉપમાં તો કંઈ કેટલી શક્તિશાળી એપ્લીકેશનો સમાયેલ છે, પણ મારે જે કામ કરવું છે તે માટે તે બધાંની જરૂર ન પણ હોય. દુનિયાની દ્રષ્ટિ જુદી હોઇ શકે છે. આપણી આસપાસનાં લોકો તો આપણા હેતુઓને સિધ્ધ કરવા માટે શ્રેષ્ઠતમ સાધનો જ વાપરવાનો આગ્રહ જ કરે.
પરંતુ, એ વાત પર ફરીથી વિચાર કરવાનું કહેવા પાછળનો આશય એ છે કે 'શ્રેષ્ઠ સાધન' વાપરવામાટેનું ખર્ચ આપણાં હેતુની સિધ્ધિનાં મૂલ્ય કરતાં ઘણું વધારે હોઇ શકે છે. જો એ 'શ્રેષ્ઠ' વાપરવાના ખર્ચના વીસમા ભાગના ખર્ચથી આપણો હેતુ સિધ્ધ થઇ શકે તેમ હોય, તો શું 'શ્રેષ્ઠ' માટેનો એવો આગ્રહ રાખવા જેવો ખરો?
સારાંશઃ સત્તા (કે પ્રભાવ કે શક્તિ)નો યથોચિત ઉપયોગ જ કરીએ. સત્તા (કે પ્રભાવ કે શક્તિ)ના ઉપયોગની એક કિંમત તો હોય છે જ. જો આપણને એટલી સત્તા(કે પ્રભાવ કે શકતિ)ની જરૂર ન હોય, તો એવાં ખર્ચ કરવાની કોઇ જ જરૂર નથી.

| જાન્યુઆરી ૨૨, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ 
થોડાં વર્ષો પહેલાં મેં દીપક ચોપરાનું પુસ્તક "Seven Spiritual Laws of Success \ સેવન સ્પીરીચ્યુઅલ લૉઝ્‍ ઑફ સકસેસ" \ [સફળતાના સાત આધ્યાત્મિક સિધ્ધાંતો]\ વાંચ્યું હતું. મને તે ખુબ પસંદ પણ પડ્યું હતું. એ સાત પૈકી એક સિધ્ધાંત છે - ઉદ્દેશ્ય અને ઇચ્છાનો સિધ્ધાંત. બહુ જ સીધા શબ્દોમાં એ સિધ્ધાંત કહે છે કે "દરેક ઉદ્દેશ્ય કે ઇચ્છાની અંદર જ તેને સિધ્ધ કરવાની વ્યવસ્થા પણ સામેલ હોય છે."
બહુ શક્તિશાળી વિધાન છે. એક રીતે જોઇએ તો, ઉદ્દેશ્ય એ કોઇ પણ મહત્વની સફરની શરૂઆતનો તબક્કો છે. સ્વાભાવિક જ છે કે, આપણા ઉદ્દેશ્યને નજદીકથી જોવાથી આપણને તેમાં આપણી નિયતિનાં ચિત્રના ઉપસતા રંગો  જોવા મળી શકે છે. પરંતુ, કમનસીબે,જ્યારે આપણે કોઇને, કોઇ પણ સામાન્ય બાબતે, તેમના ઉદ્દેશ્ય વિશે પૂછીશું , તો બહુ જ અધૂરા, છીછરા, જવાબો મળશે. એવું જ લાગે કે જાણે કોઇ બીજાંએ તેમનાં મગજમાં ઉદ્દેશ્ય 'ભરી દીધાં' છે, અને તેથી આપણો તો તેમના પર કોઇ અંકુશ જ નથી.  
યોગ્ય ઉદ્દેશ્ય માત્રથી સફળ જીવન કે / અને કારકીર્દીની સફળતાઓ મળી જશે એમ જરૂરી નથી. પણ જો ખોટાં કે અયોગ્ય ઉદ્દેશ્યથી જીવન કે / અને કારકીર્દીને રોળી નાખવાની શક્યતા તો વધી તો જાય જ છે. જો આપણે બહુ જ તેજસ્વી હોઇએ તો, કદાચ, "ખોટાં ઉદ્દેશ્ય"થી એક વાર મેદાન મારી પણ લઇએ, કે થોડા સમય માટે કેટલાંક લોકોને ઊંઠાં પણ ભણાવી શકીએ. પણ આવી 'સફળતા' લાંબું નથી ટકતી. લોકો સમજી જશે, આપણને માન આપવાનો તેઓ 'દેખાવ' પણ કરતાં રહે, પણ ધીમે ધીમે તેઓ આપણાંથી દૂર તો થતાં જ જશે.

| જાન્યુઆરી ૨૨, ૨૦૦૬ના રોજ પ્રકાશીત કરેલ 
માફી આપવા વિશે તો ઘણાં પુસ્તકો લખાયાં છે. એટલે વાત કંઇ નવી તો નથી. અહીં હું માત્ર મારો દ્ર્ષ્ટિકોણ રજુ કરવા માગું છું, અને આ વાત પર થોડો ભાર દેવા માગું છું.
આપણી સાથે બધાં જ સારો વ્યવહાર કરતાં રહે, કોઇ આપણો (ગેર)લાભ ના લઇ જાય, કોઇ આપણો "ઉપયોગ" ન કરી જાય કે બધાં આપણી સાથે હંમેશ ન્યાયપૂર્ણ રીતે જે વર્તે, તો તો જીવન ઘણું જ સરળ બની રહે.પરંતુ આ બધું કલ્પવું એ, લગભગ, 'અવાસ્તવિક' કહી શકાય. જ્યારે કોઇ આપણી સાથે ગેરવાજબી વ્યવહાર કરે છે, ત્યારે આપણે તે કેટલા સમય સુધી યાદ રાખીને બેસી રહીએ છીએ?
જેની સાથે તેની પહેલાંની કંપનીમાં દેખીતી રીતે સારો વ્યવહાર નહોતો કરાતો એવા, મારા એક જુના મિત્ર સાથે હું વાત કરી રહ્યો હતો. તેની લાગણીની વાચા "નક્કામો બૉસ" હતી. તેણે એ કંપની તો તરત છોડી દીધી હતી, પણ તેની વાત પરથી દેખાઇ આવતું હતું કે તેની લાગણીઓ પર ઘા ઊંડા હતા. અમારી એક કલાકની વાતચીતમાં તે ૪૫ મિનિટ બોલ્યો હતો, જેમાંની ૪૦ મિનિટ તો એના બૉસની જ વાત કરી હતી. મારો તેને એકમાત્ર સવાલ હતો - "હવે પછીની તારી જીંદગીમાં એ ભૂતપૂર્વ બૉસનું સ્થાન શું છે?" એણે તરત જ જવાબ પણ આપ્યો: "મારા માટે તેનું કોઇ જ અસ્તિત્વ નથી. જો શક્ય હોય તો, હું તેને મારી યાદોમાંથી ભૂંસી કાઢવા માગું છું." આ શબ્દો કહેવાની સાથે જ, તેને ખ્યાલ આવી ગયો કે તે શું કરી રહ્યો છે.
આપણી સાથે ગેરવાજબી વર્તન કરનાર આપણી જીંદગીમાં, બહુ, મહત્વનાં નથી હોતાં.અને જે આપણાં જીવનમાં મહત્વનું નથી, તેની ચર્ચા કર્યે રાખવાથી અર્થ પણ શું સરે? આપણી સાથે થયેલા દુર્વ્યવહારોને યાદ કરી, "બિચ્ચારો..હું"નું ચિત્ર દોરતાં રહીને આપણે કોઇક છૂપો આનંદ મેળવતાં હોઇશું. વાત કરવાનો વિષય મળે અને આપણી આજની સ્થિતિમાટે કોઇને દોષનો ટોપલો પણ પહેરાવી દેવાય. આપણી સ્થિતિમાટે બીજાંને જવાબદાર ઠેરવીને, આપણે સંતોષ લઇએ છીએ કે આપણે તો આપણી સ્થિતિમાટે જવાબદાર નથી જ. આપણી સમસ્યાઓ તો, કોઇ બીજું છે.
આ સમસ્યાનાં સમાધાન માટે ઉપાયો તો ઘણા છે, પરંતુ મને જે બહુ જ સારી રીતે ઉપયોગી નીવડ્યો છે તે ઉપાય છે - સાવેસાવ "ભૂલી જાઓ અને માફ કરો!" આપણે જ્યારે કોઇ વાત ભૂલતાં નથી,કે કોઇની સાથે હિસાબ કરવાની વેતરણમાં જ રહેતાં હોઇએ છીએ, ત્યારે એ ન ભૂલવું જોઇએ કે  આપણાં ચિત્તનો એક મોટો હિસ્સો તેમાં રોકાઇ રહે છે, અને તેથી "આપણાં ભાવિ જીવનની નવી કેડી વિશે વિચારવા કે એ કેડી કંડારવા"માટેની આપણી શક્તિઓ તેમાં રોકાઇ રહે છે.વળી, સમય તો આપણાં બધાં જ માટે માંડ માંડ મળતું સંસાધન છે, તેથી તેનો ઉપયોગ હિસાબો સરભર કરવામાં વાપરવો કે આપણાં ભવિષ્યનાં સ્વપ્નો સિધ્ધ કરવામાં વાપરવો તે તો આપણે જ, આપણી શુધ્ધ બુધ્ધિથી, નક્કી કરવું રહ્યું.
માફી આપવાથી મગજને નકામા વિચારોની ઘુટનમાં અટવાઇ રહેવાથી બચાવી શકાય છે. આપણાં જીવનમાં જે લોકો મહત્વનાં નથી તેમને માટે આપણા કામના મહામૂલા સમયને વેડફતા રહેવાથી શું વળશે? તેમનાં દુષ્કૃત્યોને માફ કરી, સાવે સાવ ભૂલી જઇ ને, આપણાં ભવિષ્યની સફરને સફળ અંજામ આપવા તરફ આગળ વધીએ....

| જાન્યુઆરી ૨૨, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ  
આવી એક પરિસ્થિતિની કલ્પના કરો. જો કે, જીવનમાં તે એટલી વાર થતી રહે છે કે, મારે તમને પરિસ્થિતિ યાદ કરવાનું કહેવું જોઇએ.
તમે ગાડી ચલાવતાં કશેક જઇ રહ્યાં છો, અને હવે કોઇ એક શેરી તરફ તમારે વળી જવાનું છે. ત્યાં એક ટ્રાફીક સિગ્નલ પણ છે. જેમને સીધા જ જવાનું છે તે બધાં તો રોકાઇ ગયાં છે. તમે તમારી શેરી તરફ વળવા માટે બરાબર છેલ્લી હરોળમાં પણ છો, પણ એક વ્યક્તિએ પોતાનું વાહન એવી રીતે ઊભું રાખ્યું છે કે તમારાં વળવા માટેનો માર્ગ બંધ થઇ ગયો છે. જેમ જેમ તમે નજદીક પહોંચો છો, તેમ તેમ તમારી ઉતાવળ બતાવતા ઇશારાઓ પણ તમે કરો છો, પણ કશું વળતું નથી. હવે, જ્યાં સુધી સિગ્નલ લીલું ન થાય, અને એ બધાં આગળ ન જવા લાગે, ત્યાં સુધી ઊભા રહ્યા સિવાય તમારે  છૂટકો નથી. ના, ના, તમે તે વ્યક્તિને કેટલી ભાંડી તે અમને કહેવાની બિલ્કુલ જરૂર નથી. તે તો સમજી શકાય તેમ છે. કોઇ કશે જઇ રહ્યું છે, ને કોઇક કારણસર અટવાઇ પડ્યું છે તે તો કદાચ બહુ સામાન્ય ઘટના છે. તમારા કોઇ જ વાંક વગર, એણે તમને પણ ફસાવી દીધાં!
અને હવે ધારો કે પાત્રો અવળાં સવળાં થઇ ગયાં, પેલી આગળ અટવાઇ પડેલ ગાડીમાં આપણે છીએ, અને આપણે કારણે કોઇ બીજું પાછળ ફસાઇ ગયું છે! હવે તમને કેવું લાગે છે
ટ્રાફીકના આ સંદર્ભમાં કદાચ આ વાત બહુ મહત્વની ન પણ લાગે, પણ વાસ્તવિક જીંદગીમાં આવું થાય તો?  એક અગ્રણી તરીકે બહુ ઊંડાણથી વિચારવાની જરૂર છે કે તમારી ટીમમાં બહુ જ ઝડપથી વિકસી રહેલ લોકોના વિકાસમાં આવો કોઇ અંતરાય તો નહીં આવી રહે ને! બીજા શબ્દોમાં કહીએ તો, જો તેમનાં માર્ગ આડેથી ખસી ન જઇએ, તો તેમનો વિકાસ અટવાઇ પડશે. શું કરીશું, કે શું કરવું જોઇએ? તમારા હાથ નીચે કામ કરનાર તમારાથી આગળ નીકળી જાય તે જોઇ શકવા માટેની લાગણીની શક્તિ અને હિંમત આપણામાં છે ખરી? જરા વિચાર કરજો - આપણને પસંદ હોય કે ના હોય, પણ આવું તો  થતું જ રહેતું હોય છે.
ખરો વિચારાધીન મુદ્દો એ છે કે, "આપણી ટીમના તેજસ્વી તારલાઓના વિકાસ ન રૂંધાય તેવું વાતાવરણ પેદા કરતા રહેવા શું કરતાં રહેવું જોઇએ?"
આ પ્રશ્નનો કોઇ એક જ ઉપાય તો નથી, પણ જો આપણો દ્રષ્ટિકોણ કોઇના વિકાસના "માર્ગમાંથી હટી જવાનો" હશે તો, કોઇને કોઇ અવનવા ઉપાય જરૂરથી મળતા રહેશે.
શુભેચ્છાઓ.......

શ્રી રાજેશ સેટ્ટી દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ શ્રેણી - Distinguish yourself’ -ના લેખોનો ગુજરાતીમાં રસાસ્વાદ- સંપુટ બીજો - ગુચ્છ ૧૦ // અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ મે ૩૧, ૨૦૧૩

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો