મંગળવાર, 4 જૂન, 2013

કલ્કિનું અવતરણ - દેવદત્ત પટ્ટનાઇક

જે જવાનું છે, તે પાછું તો આવે જ છે. એટલે કોનો, શાને, અને શેનાથી બચાવ?

તેનું અવતરણ એ કળિયુગના અંતની નિશાની છે. જ્યારે વિશ્વાસ તૂટી જશે, જ્યારે સામાજીક માળખું ધ્વસ્ત થઇ જશે, ત્યારે સુમતિ અને વિષ્ણુયશના પુત્ર તરીકે તેનો જન્મ થશે. પરશુરામ એના ગુરૂ હશે. શિવનો તે ભક્ત હશે. પદ્મા સાથે તે પરણશે, અને તે જય અને વિજયનો પિતા હશે. દેવદત્ત તરીકે ઓળખાતા ઊડતા અશ્વ પર તે સવારી કરશે. તેની પાસે એક પોપટ અને એક જ્વાળાઓ ઓકતી તલવાર હશે. કોક અને વિકોક દૈત્યોનો તે નાશ કરશે, અને અને સમગ્ર ભ્રષ્ટાચારનાં મૂળ સમા તેમના ગુરૂ, કળિ,ને તે નાથશે. અને પવિત્રતા તેમ જ હરખના યુગ સમા સત્ યુગનાં આગમન વડે વિશ્વનો જીર્ણોધ્ધાર કરશે.
ઇ.સ. પૂર્વે ૫૦૦ વર્ષ,ગુપ્ત યુગ,નાં વિષ્ણુ પુરાણ પછી, લગભગ ૧૦૦૦ વર્ષે લખાયેલાં કલ્કિ પુરાણમાં વિષ્ણુના ઘણા અવતારો પૈકી પાંખાળા અશ્વપર આરૂઢ, હાથમાં તલવારથી સજ્જ, એવા કલ્કિનું આ વિગતવાર વર્ણન છે. 
જે સંસ્કૃતિઓમાં એક જન્મની જ માન્યતા છે, તેમાં ભવિષ્યવાણી વડે આવનાર તારણહારની પરિકલ્પના બહુ મહત્વ ધરાવે છે.આપણે વિશ્વના એવા સુખી અંતને ઝંખીએ છીએ, જ્યાં શાશ્વત પુનરુજ્જીવન હોય, જ્યાં સંતુલન પુનઃસ્થાપિત થતું રહે છે, અને જ્યાં બધું જ પ્રદુષણ લૂછાયેલું રહેતું હોય. યહૂદી, ખ્રીસ્તી અને ઇસ્લામ ધર્મમાં જોવા મળતો, આ મૂળતઃ મસીહાનો ખયાલ છે. યહૂદી ધર્મ મુજબ, તે હજુ આવ્યો નથી. ખ્રીસ્તી ધર્મ મુજબ, તે ઇશુ છે, જે અત્યાનંદ સમયે પરત આવશે. ઇસ્લામમાં, તે મુહમ્મદ છે.તો કેટલાંકને મતે આ ખયાલ, પર્શીઆમાં વિકસેલ જરથુષ્ટ્ર ધર્મની, દેવદુત તારણહાર, સઓશ્યાંતની સાથે સંકળાતો  અને, પૌવાર્ત્ય તેમ જ પાશ્ચાત્ય એમ બન્ને વિચારસરણીને અસર કરતો જણાય છે.  હિંદુઓ પણ મૌર્ય કાળથી આ ખયાલની અસર હેઠળ રહ્યા હોય તેમ જણાય છે.
બૌધ્ધ, જૈન અને હિંદુ ધર્મોમાં  હાલ ભોગવી રહાયેલ અવતાર, એ તો એક અનંત અવતારોની શૃંખલાની એક કડી માત્ર સમજવામાં આવે છે. વિશ્વનો કોઇ અંત નથી, મૃત્યુ બાદ પુનઃજન્મ થાય છે. જે પરિક્રમામાં ચડે છે, તે ફરીને પરત આવે છે, એટલે તારણહારની પરિકલ્પના અહીં બંધ નથી બેસતી. કશું કંઇ બચાવવાની જરૂર જ શી છે? જે જાય છે, તે પરત આવે છે. એટલે કોનો, શાને, અને શેનાથી બચાવ?
બાઇબલીય પુરાણોમાં ઇશ્વર સાથે આચરેલાં આદિ પાપમાંથી મુક્તિ મળવી જરૂરી સમજવામાં આવેલ છે. હિંદુ મૂળનાં પુરાણોમાં, પુનઃજન્મનાં અનંત ઘટનાચક્રમાંથી છૂટકારો શોધાતો રહ્યો છે. પહેલા કિસ્સામાં મુક્તિ છે, તો બીજા કિસ્સામાં છુટકારો. તારણહારની પરિકલ્પનાથી પ્રભાવીત થઇ, બૌધ્ધ સંપ્રદાય, ભાવિ બુધ્ધને જ્વાળાચ્છાદીત તલવાર ધારણ કરેલ,મૈત્રેય નાં સ્વરૂપે પૂર્વધારણા કરે છે જે બધાં જ પ્રાણીઓની દુઃખની યાતનામાંથી બચાવી લેવાયાં હોય છે ત્યારે જન્મ લે છે, જ્યારે હિંદુ ધર્મમાં કલ્કિની ધારણા કરવામાં આવી છે.
બુધ્ધ-પશ્ચાત સમયમાં આ પરિકલ્પના પ્રસ્થાપિત થવાનું બીજું કારણ, સીશીયન, હુણ, ગુર્જર, કુશાન જેવાં ગ્રીક પછીથી, ઉત્તર પશ્ચિમની વાયવ્ય દિશામાંથી આવેલાં, ધાડાંઓ વડે થતાં રહેલાં આક્રમણો છે. તેઓ ઘોડા પર સવાર થઇને ચડાઇઓ કરતાં, જે સફેદ અશ્વપર સવારી કરી રહેલ તારણહારનાં પરંપરાગત કલ્પનાચિત્ર સાથે વધારે બંધબેસતું હતું. અહીં એ પણ નોંધવું જોઇએ કે ઘોડો એ હિંદુસ્તાનનું સ્થાનિક પ્રાણી નથીઃ તે તો હંમેશાં લૂંટાફાટ અને ખુનામરકી કરરતી પ્રજાઓ દ્વારા હિંદુસ્તાનની વાયવ્ય દિશામાંથી આવેલ છે. એ લડાયક પ્રજાઓએ કદાચ એવા ભગવાની કલ્પનાને પ્રેર ણાનું  બળ પૂરૂં પાડ્યું હોય, જે જૂની ભ્રષ્ટ વ્યવસ્થાને સાફ કરી નાખી અને તેને સ્થાને એક નવી તાજગીભરી તંત્રવ્યવ્સ્થાની શક્યતાની આશા જગવે છે..
*       'સનડે મિડડે'ની, દેવલોક પૂર્તિમાં માર્ચ ૩૧, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ

  •  અસલ અંગ્રેજી લેખ, Descent of Kalki, લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર મે ૧૪, ૨૦૧૩ના રોજ Indian Mythology  ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
  • અનુવાદકઃ અશોક  વૈષ્ણવ, અમદાવાદ ǁ   જુન ૪, ૨૦૧૩