શુક્રવાર, 20 સપ્ટેમ્બર, 2013

ઊભી રસ્સા ખેંચ - દેવદત્ત પટ્ટનાઇક

આપણી જાતને એક સવાલ પૂછવા જેવો છે - શું જે વ્યક્તિ બધા જ નિયમોનું પાલન કરે છે તેને વધારાનો જે ફાયદો મળે છે તે નિયમોનાં પાલનનું પરિણામ છે, કે વધારાનો ફાયદો તેનાં વ્યાવસાયિક જીવનમાં તેનાં લક્ષની સિધ્ધિ પર અવલંબે છે?
હું એક બહુરાષ્ટ્રીય બેંકમાં પ્રવર સ્થાન સંભાળું છું. અમે અમારી સેવાઓ બહુ જ આક્રમક ઝડપે રજૂ કરતાં રહીએ છીએ.પરંતુ, તમે જાણો છો તેમ બેંકીંગ બહુ જ નિયમન-આધારીત વ્યવસાય છે. અમારે સ્થાનિય તેમ જ આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરવું રહેતું હોય છે. જેમ જેમ અમારી વિકાસની ઝડપ વધતી જાય તેમ, નીચે, શાખા,ની કક્ષાએ કામ કરતાં કર્મચારીઓ, તેમનાં લક્ષને પૂરાં કરવા માટે નિયમો સાથે થોડી બાંધછૉડ કે આંખ આડા કાન પણ કરી લેતાં હોય છે. અમારાં નૈતિક ધોરણો અને શું કરવું કે શું ન કરવું તે અંગેની નીતિ પણ બહુ જ સ્પષ્ટ છે. તેમ છતાં તેને થોડાં મરોડીને પણ લોકો તો ધાર્યાં કામ કરી લેતાં જોવા મળે છે.  નિયમોની સર્વોપરિતાને માત્ર અનુપાલનની ભાવનાથી ન જોતાં, ખરા અર્થમાં અમલના ભાવથી અનુસરવાનો  સંદેશો, અમારાં પ્રથમ હરોળનાં સંચાલકોને શી રીતે પહોંચાડવો?
તેઓ તમને સાંભળે તે પહેલાં તમારે તેમને સાંભળવાં જોઇએ.

શિવનાં બે સ્વરૂપ છેઃ: કૈલાસ પર્વતની ટોચ પર નીરવ શાંતિમાં ધ્યાનમગ્ન એવા આદીનાથ અને બીજા કાશી સરખી બજાર જેવી જગ્યામાં માનવ બાબતોમાં માથું મારવામાં વ્યસ્ત એવા વિશ્વનાથ. દરેક વ્યાપાર-ઉદ્યોગ સાહસ માટે પણ ઈશ્વર બે સ્વરૂપ ધારણ કરે છે: દિલ્હી કે મુંબઇની વાતાનુકુલિત કચેરીમાં બેસીને,સંચાલક મડળ પર નજર રાખી રહેલ, નિયમનકર્તા અને બીજા થાપણો મૂકવા કે ધીરાણ લેવા આવતાં ગ્રાહક. કોને મહત્વના ગણીશું? આદીનાથ કે વિશ્વનાથ? બેંકનાં ભાવિનો ફેંસલો કોણ કરશે - કાશી-નિવાસી કે કૈલાસ-નિવાસી? આમ તો આ બન્ને પરિબળો નૈતિકતા અને નફાનાં સંતુલનને જાળવવામાં સહાયક એવું મંથન કરતાં હોવાં જોઇએ, પણ મોટા ભાગે બન્ને વચ્ચે ઊભી રસ્સા ખેંચ ખેલાઇ પડતી હોય છે, જેમાં બન્ને પક્ષ બીજા પક્ષને, ભાગીદારને બદલે, શત્રુ તરીકે જૂએ છે. જેને પરિણામે, મોટા ભાગે કૈલાસ અને કાશી વચ્ચે ઉંદર-બિલાડીનો ખેલ શરૂ થઇ જતો હોય છે.

આપણે એવી ઉત્તરોતર હિંસક દુનિયામાં જીવી રહ્યાં છીએ જેમાં ઉદ્યોગ-વ્યાપાર, નિયમનકર્તા અને ગ્રાહક આમને સામને ખેંચે છે. નિયમનકર્તા બૃહદ દ્રષ્ટિકોણથી, તો ગ્રાહક સુ ક્ષ્મ દ્રષ્ટિકોણથી જૂએ છે. નિયમનકર્તાની કોશીશ છે કે બધું તૂટી ન પડે, જ્યારે ગાહક વૃધ્ધિમાટે ટેકો ઝંખે છે.આમ જૂઓ તો બન્ને શક્તિઓ વચ્ચે સવાદ હોવો જોઇએ, પણ મોટા ભાગે બન્ને સામસામે થવામાં મજા લેતાં હોય તેવું જણાય છે.એક ખેંચે ત્યારે બીજાંએ ઢીલું મૂકી, પોતાની શક્તિનો વારાફરતી ઉપયોગ કરવાને બદલે, બન્ને પક્ષ એક સાથે ખેંચતાણ કરે છે. અને તેથી જ મંથન નિષ્ફળ રહે છે.

સહુથી નીચેનાં લોકોએ 'હુકમને તાબે' થવું પડે છે માટે સમસ્યા છે તેમ માનવું પણ ભૂલભરેલું છે. હુકમનું પાલન કરવું એ હુકમ કરવા કરતાં હંમેશ મુશ્કેલ જ હોય છે. વરિશ્ઠ સંચાલકો લક્ષ અને નિયમો ઠોકી જ બેસાડતાં રહે છે તેવી ભાવના ન થવા દેવી જોઇએ. અનુપાલન સાથે નફાનું લક્ષ પાર પાડવામાં પહેલી હરોળને પડતી મુશ્કેલીઓ સમજવી, અને જરૂર પડ્યે તેને સમધાન પૂર્વક સમાવી લેવાની પણ તૈયારી રાખવી, જરૂરી બની રહે છે. લક્ષને નીચે-થી-ઉપરની દ્રષ્ટિએ પણ જોવાં જોઇએ, અને પ્રથમ હરોળનાં કર્મચારીઓ પણ કાયદા-કાનુનનાં કારણો અને મહત્વને સમજી શકે તે માટે, ઉપર-થી-નીચે સુધી પૂરતી દરકાર કરવી જોઇએ.

માલિકીઅંશધારક જ્યારે માત્ર લક્ષ, અને નિયમનકર્તા માત્ર નિયમો, વિશે જ વિચારવા લાગે છે ત્યારે બજારના ભોગ લાગી જાય છે. અને દિવાલ સુધી ચંપાઈને દબાઇ ચૂકેલ કર્મચારીઓ, કાયદા ને તોડવા-મરોડવા મજબુર બની રહે છે.પૉલીસ કે ન્યાયકર્તાઓ વધારે પડતા નિયમો લાદીને સામાન્ય માણસને પણ અપરાધી બનાવી નાખવામાં, જાણ્યેઅજાણ્યે ભાગ ભજવી રહે છે, કારણકે સારાં લોકોને તો કામ કરવામાં પણ ડર પેસી ગયો હોય છે.

*      ETની 'કૉર્પૉરેટ ડૉસ્સીયર' પૂર્તિમાં મે ૩૧, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ

v  અસલ અંગ્રેજી લેખ, Vertical tug-of-war  લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર ઑગસ્ટ ૦૭, ૨૦૧૩ના રોજ ARTICLES, LEADERSHIP, ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.

§  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ  સપ્ટેમ્બર ૨૦, ૨૦૧૩