શનિવાર, 28 ડિસેમ્બર, 2013

રાજેશ સેટ્ટી કૃત શ્રેણી -‘વિશિષ્ઠ બનીએ’ - સંપુટ ચોથો - ગુચ્છ ૧



| જુલાઇ ૭, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ 
ધારો કે આપણે કોઇ નવી પરિયોજના પર કામ કરી રહ્યાં છીએ. તમારા બહુ જ તેજસ્વી મિત્રોના પ્રતિસાદ મળે તે ગણત્રીએ આપણે એક સંખ્યા નક્કી કરીએ છીએ. ધારો કે એ સંખ્યા ૧૦ છે. એ દરેકને પરિયોજનાની શરૂઆતમાં જ બોલાવીને તેમના પ્રતિસાદ વિષેની તમારી અપેક્ષા બાબતે તેમને જાણ પણ કરી દીધી છે. હવે શક્યતા એ છે કે તેમાંના કેટલાંક તો એક સરખો જ પ્રતિસાદ આપશે. આ પ્રતિસાદ કંઇક આ પ્રકારના હોઈ શકે છે:
ક. શું કામનું છે અને શું નથી
ખ. શી બાબતે સંભાળ લેવાની જરૂર છે
ગ. આ જ પ્રકારની અન્ય પરિયોજનાઓના તેમના ભૂતકાળના અનુભવો
ઘ. પરિયોજના અપેક્ષા મુજબ પ્રગતિ કરી રહેલ છે નહીં
          કે આવું જ કંઇક.
કહેવાનો મુદ્દો એ છે આપણા તેજસ્વી મિત્રોને પરિયોજનાની શરૂઆતમાં જ (કે પરિયોજનાના કોઈ પણ તબક્કે) વાત કરવાથી, જુદાં જુદાં લોકો પાસેથી પણ એક જ સૂરની વાત સાંભળવા મળે છે.
કંઇક જ જૂદો જ પ્રતિસાદ મેળવવા માટે એક અલગ, પણ સરળ, વિકલ્પ જોઇએ:
૧. એ તેજસ્વી મિત્રોને ત્રણ કે ચાર જૂથમાં વહેંચી નાખીએ
૨. પરિયોજનાના શરૂઆતના તબક્કે કોઇ એક જૂથ પાસે પ્રતિસાદ મેળવવા જવું. દરેક વખતે નવું જૂથ જ પસંદ કરવું.
૩. પ્રતિસાદને લક્ષ્યમાં લઈને જરૂરી ફેરફાર કરીએ, તેમ જ જે જૂથે પ્રતિસાદ આપ્યો હતો તેમને પ્રતિ-પ્રતિસાદ પણ આપીએ
૪. પરિયોજનાના દરેક મહત્વના તબક્કે નવાં જ જૂથનો સંપર્ક કરો અને તેમનો પ્રતિસાદ લઈએ. પ્રતિ-પ્રતિસાદ પણ પહેલાંની જેમ જ આપતાં રહીએ.
૫. અન્ય જૂથને પણ પરિયોજનાની પ્રગતિ વિષે જાણ જરૂર કરીએ, પરંતુ પ્રતિસાદ દરેક તબક્કે નવાં જૂથનો જ લેતાં રહીએ. જો પહેલાનાં જૂથ પાસેથી પણ મહત્વનો પ્રતિસાદ મળ્યો હોય તો તે વધારાનો ફાયદો !
મને તેમ જ મારાં ઉદ્યોગસાહસિક મિત્રોને આ પદ્ધતિ બહુ કામ આવેલ છે. પરિયોજનાને દરેક તબક્કે નવો જ દૃષ્ટિકોણ મળી રહે તે બહુ મહત્વનું છે. પ્રગતિશીલ પ્રતિસાદ સારૂં એવું શિસ્ત અને આયોજન માગી લે છે, પરંતુ તેની અસર જાદુઇ કામ કરે છે તે પણ એટલું જ ચોક્કસ છે.



| જુલાઇ ૯, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ 
પ્રોગ્રામીંગ ભાષાઓની આગવી વાક્યરચનાઓ અને નિયમો હોય છે. યોગ્ય ડીઝાઇન નક્કી થઈ જાય પછી આ વાક્યરચનાઓ અને નિયમો ધાર્યાં પરિણામ લાવી આપે છે. આટલા પૂરતું તો બરાબર, પણ આજ વાત જીવનમાં સીધે સીધી લાગૂ નથી પડતી.તેનું સીધું કારણ એ છે કે જીવનમાં આપણે લોકો સાથે કામ પાડવાનું છે, અને લોકો એ કાંઇ મશીન નથી.તેમને લાગણીઓ છે, મનોભાવો છે; તેમને તેમના સારા અને નરસા દિવસો છે. જ્યારે મશીનને આ બધી વાતોની તમા નથી હોતી. તેમને બરાબર જાળવીએ અને તેમનો દુરૂપયોગ ન કરીએ તો બધું સમુંસુતરૂં ચાલતું રહે અને પૂર્વાપેક્ષિત પરિણામો મળતાં રહે. ટૅક્નોલોજીના જીવ હોવાને કારણે, આપણને પ્રોગ્રામીંગની વાક્યરચના અને નિયમોના દૃષ્ટિકોણથી જીવનની સાંકેતિક ભાષાને ઉકેલવાની પણ લાલચ થઈ આવે એ સ્વાભાવિક છે.  એક વાર એ સાંકેતિક ભાષા સમજાઇ જાય, એટલે તેમનો વારંવાર ઉપયોગ વધુ સારાં પરિણામો લાવી શકે છે.
પરંતુ, જો આ અભિગમ સફળ પણ રહે તો પણ તેની અસર બહુ લાંબું નથી ટકતી.જે આજે કામ આવે તે કાલે કામ આવે પણ કે ન પણ કામ આવે. આપણી આજુબાજુ બહુ બધાં  ચકોર લોકો હોય છે તેમને ખબર છે કે મોટા ભાગનાં લોકો નિર્ણય લેવા માટે અમુકતમુક મૂળભૂત નિયમો જ વાપરતાં હોય છે. એ લોકો આ પરિસ્થિતિનો પાકો ફાયદો ઉઠાવે છે, જેમકે :
૧. ગીતની લોકપ્રિયતાના આધાર પર ખરીદી કરવી
જોવાની વાત: આ લોકપ્રિયતા કેટલાં લોકોનો મત રજૂ કરે છે તે ચકાસ્યું છે?
૨. વેચાણના આંકડાના આધાર પર પુસ્તક ખરીદી લેવું
જોવાની વાત : વેચાણના આંકડાઓની માયાજાળ વિષે ખબર છે? વધારે વેંચાતાં પુસ્તક સારાં હોય તેમ બને, પણ આજે વેંચાણની અવનવી પદ્ધતિઓને પરિણામે કયું પુસ્તક શા માટે વધારે વેંચાઈ રહ્યું છે તે કહેવું મુશ્કેલ છે.
૩. સામાન્ય રીતે બીજાંની ભૂલ જલદીથી માફ ન કરવી
જોવાની વાત: જે ભૂલ આપણે પહેલાં કરી ચૂક્યાં હોઇએ તે જ ભૂલ જો કોઈ બીજું કરે, તો એ ભૂલ વિષે આપણો દૃષ્ટિકોણ બદલે છે?
૪. સર્વેક્ષણોનાં પરિણામો પર આધારીત તારણો પર વિશ્વાસ કરવો
જોવાની વાત: એક વાર સર્વેક્ષણમાં ભાગ  લેનાર લોકોની વિગત અને સંખ્યા જાણવી જોઇએ. તે ઉપરાંત આ પ્રકારનાં પહેલાંનાં સર્વેક્ષણોનાં તારણો અને વાસ્તવિક પરિણામો વિષે પણ જાણકારી મેળવવી જોઇએ.
આપણાં બધાંનાં જીવનમાં કેટલાક નિયમો સ્થાપિત થઇ જતા હોય છે. આપણા નિર્ણયો પર આ 'સ્થાપિત' નિયમોની બહુ ઊંડી અસર જોવા મળે છે. જે નિર્ણયોનાં પરિણામોની આપણાં જીવન પર બહુ વધારે અસર ન થવાની હોય , તેવા નિર્ણયો માટે સરળ નિયમોને અનુસરવામાં કંઈ ખોટું નથી, પરંતુ કારકીર્દી, સંબંધો કે એવાં જીવનનાં મહત્વનાં વિષયોમાં દરેક સમયે  આંધળુકીયાં કરવાની ટેવ હિતાવહ ન કહેવાય. 
નીચે જણાવેલ કેટલાક ઉદાહરણીય કિસ્સાઓ વખતે આપણા બીનપ્રસ્થાપિત નિયમો પર પણ નજર કરતાં રહેવું જોઇએઃ
ક) જ્યારે એમ લાગે કે હાલના નિયમો આપણાં ધાર્યાં પરિણામો નથી લાવી રહ્યા
ખ) જ્યારે એમ જણાય કે હાલના નિયમો ભવિષ્યમાં મુશ્કેલી પેદા કરી શકે છે
બીજા શબ્દોમાં કહીએ તો, જ્યારે જ્યારે આપણા 'પ્રસ્થાપિત' નિયમોની નિયમિતપણે સમીક્ષા ન કરી શકાઇ હોય, ત્યારે ત્યારે એ નિયમોની આગળ પાછળના સંદર્ભોને તપસ્પર્શીપણે ચકાસવું જરુરી બની રહે છે.  




| જુલાઇ ૧૮, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ 

આપણી આસપાસ વિનોદવૃત્તિવાળાં લોકો હોય તો મજા પડી જાય, ખરૂં ને?

ના. વધારે સાચો જવાબ 'કદાચ' કહી શકાય, કારણ કે આપણે કેવા પ્રકારનાં હાસ્ય-વિનોદની વાત કરી રહ્યાં છીએ તે મહત્વનું છે.યોગ્ય રીતે ન વપરાયેલ વિનોદ વૃત્તિ સામેની વ્યક્તિને દુઃખ પહોંચાડી શકે, કે કમસે કમ, અસ્વસ્થ કરી શકે છે.
મોટા ભાગે વિનોદ વૃત્તિનું કેન્દ્ર લોકો હોય છે એટલે મુદ્દાનો સવાલ એ બની રહે છે કે :
આપણા વિનોદનું કેન્દ્ર છે તે વ્યક્તિને જરા પણ ચોટ નથી પહોંચી તેની આપણને ૧૦૦ % ખાત્રી છે?" (સવાલ સૌજન્યઃ માઈકૅલ ઍલ્લૉસૉ)
અનૌચિત વિનોદનું પહેલું પરિણામ તો છે વધતું જતું અંતર. તમારી રમૂજ થી નારાજ થયેલ વ્યક્તિ સામે પ્રતિભાવ આપે ત્યારે કદાચ તેમની માફી માગીને તેટલા પૂરતો કિસ્સો પતાવી શકાય.કે પછી, તે વ્યક્તિ ક્યાં તો સંબંધ કાપી નાખે કે આપણને ટાળવા લાગે. ખરી મુશ્કેલી તો ત્યારે થાય કે આપણને "ટાળવા"નું તે આપણને કળવા ન દે. એમ થાય તો નુકસાન કેટલું? આપણને ક્યારે ય ખબર પડવાની ખરી? ખોટી રીતે વપરાયેલી વિનોદ વૃત્તિ મિત્રો ખોવા તરફનું પહેલું સોપાન છે.  


આ બાબતોને ધ્યાનમાં લેતાં નીચે જણાવેલા કેટલાક નિયમો જરૂરથી પાળવા જોઇએ:
* ધર્મ વિષે મજાક નહીં
* જાતિ વિષે મજાક નહીં
* નાતજાત વિષે મજાક નહીં
* દેખાવ-વર્ણ વિષે મજાક નહીં
* ઉમર વિષે મજાક નહીં
સહુથી સરળ મર્ગ તો એ જ છે કે મોતા પર મજાક કરી શકવાની આદત કેળવીએ. આપણાં કામ બાબત બહુ જ ગંભીર થવું જોઇએ, પણ આપણી જાત સાથે મજાક કરી લેવાની હળવાશ તો કરી શકાય!





| ૧૯ જુલાઇ ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
ધારો કે આપણે કોઈ સીડી ચડીએ છીએ. છેક ઉપર પહોંચી ગયા પછી એવું લાગે છે કે આ સીડીનાં શરૂઆતનાં પગથિયાં ન હોય તો પણ આપણે અહીંયા તો પહોચ્યા જ હોત ને? અને જો તેમ જ લાગતું હોય, તો એ પગથિયાંને કાઢી ન નાખવાં જોઇએ? લાગે છે ને આ વાત સાવ ધડ માથાં વિનાની? પરંતુ વાસ્તવિક જીવનમાં આવું ડગલે ને પગલે થતું જોવા મળે છે. લોકોને તેમની પ્રગતિમાં કંઈ કેટલાંય લોકોએ કંઇને કંઈ ભૂમિકા ભજવી હોય છે, પરંતુ એક સમય આવે છે જ્યારે એ યોગદાન ભૂલાઇ જતાં હોય છે. નવાં નવાં લોકોની સાથે જ આ પ્રક્રિયા પણ ચાલ્યા જ કરે છે.
આ વિષય પર આપણે "મળેલી મદદ કદાપિ ન ભૂલીએ"#માં થોડી વાત કરી હતી. આપણને મળેલી મદદ ભૂલી જવી કેટલીક મુશ્કેલ જણાય છે? જો એ પ્રકારની મદદની બીજી વાર, બહુ જલ્દી, જરૂર ન પડવાની હોય, તો કદાચ એ મદદ ભૂલાઇ જવાની શક્યતાઓ વધારે રહેતી હોય છે. પરંતુ મળેલી મદને ભૂલી જવાથી પણ વધારે ખરાબ શું હોઈ શકે? એ મદદ કે યોગદાનને જ અમાન્ય ગણવું. ભૂતકાળની મદદને અમાન્ય  ગણાવી શએ તેવાં કેટલા ઉદાહરણો:
૧) કોઇએ પણ આ રીતે જ કર્યું હોત.
   નોંધ: કદાચ હા, કદાચ ના. પરંતુ મદદ મળી હતી તે તો હકીકત છે ને!મહત્વનું તો એ છે.
૨) એમાં કોઇ મોટી વાત નહોતી.
નોંધ: હા, કામ પતી જાય એટલે બધું સહેલું જ જણાતું હોય છે. જો તમારી પાસે જ ઉકેલ હોત, તો કદાચ પ્રશ્ન પણ મદદ માગવા યોગ્ય ન જ જણાયો હોત!
૩) જો તેમણે મદદ ન ક્રી હોત, તો હું જાતે કરી જ લેત. કંઇ એટલું અઘરૂં નહોતું.
   નોંધ: સાવ સાચ્ચી વાત!
૪) મને જેમણે મદદ કરી તે આમ પણ બીજું કંઇ મહ્ત્વનું કામ ક્યાં કરી રહ્યાં હતાં ! મને મદદ કરવાને કારણે તેમના સમયનો પણ સદુપયોગ થયો.
   નોંધ: તમે કેમ જાણ્યું?
૫) તેમને પણ ફાયદો તો થયો જ. એટલે મને જ મદદ મળી એમ તો કેમ કહેવાય?
   નોંધ: તેમને તેમના સમયનો મહત્તમ લાભ કેમ લેવો તે ખબર છે. આપણે તો આપણને શું ફાયદો થયો તેના પર જ ધ્યાન આપવું જોઇએ, નહીં કે તેમણે માત્ર "આપણા જ લાભ" ખાતર કામ કર્યું હતું કે નહીં તેના ઉપર.
૬) મને સીધી રીતે ફાયદો નહોતો થયો.
   નોંધ: ફાયદાનું મૂલ્ય કોને કહેવાય તે ખબર છે ખરી? એ વ્યક્તિની મદદનું મૂલ્યાંકન કરવા યોગ્ય માપદંડ વાપર્યા છે?
૭) તે તો તેમનું કામ હતું.
   નોંધ: પણ, આપણને તો ફાયદો થયો ને? તો પછી તેને સ્વીકારવામાં શું વાંધો?
જો આપણે આ પ્રકારની ભાષા તાજેતરમાં વાપરી હોય તો તેને ખતરાની ઘંટી ગણવી જોઇએ. યાદ રહે, આપણે જેમનો સંગાથ કરતાં હોઇએ છીએ તેઓ પણ જો આમ બીજાં લોકોની મદદને અવગણતાં રહેતાં હોય, તો આપણને પણ એવી જ આદત પડી જવાની શક્યતા વધારે રહે છે.જો આપણી આવી સંગાથ હોય તો કોઇક વાર આપણને પણ આવો જ (ગેર)લાભ મળે તો નવાઈ ન પામવી જોઇએ.આપણ કે આપણા સહયોગીઓ જો બીજાં સાથે આમ વર્તતાં હોય, એ જ લોકો આપણી સાથે એમ નહીં વર્તે તેમ તો કેમ કહી શકાય?
યોગદાનને કદી પણ અમાન્ય ન ઠેરવવાં જોઇએ. યોગદાનની સાચી કદર જ આપણને વિશીષ્ઠતા તરફ દોરી  જશે.
#મૂળ અંગ્રેજી લેખ#95 NEVER forget any help! અને તેનો ગુજરાતી અનુવાદ #95 આપણને મળેલી મદદ કદાપિ ન ભૂલીએ!' જૂઓ .




| ૨૩ જુલાઇ ૨૨૦૬ના રોજ પ્રકાશીત થયેલ

આપણે વીમા પોલિસીઓ તો લેતાં જ હોઇએ છીએ. ના, હું જીવન વીમા કે કારના વીમાની વાત નથી કરી રહ્યો. આપણે તો વાત કરીએ છીએ એવી પોલિસીઓની જે આપણું ધાર્યું ન થાય ત્યારે આપણા અહંને લાગેલી ઠેસનું નુકસાન ભરપાઈ કરી આપે.
ગોળ ગોળ વાતો કરવાને બદલે આપણે થોડા નક્કર દાખલાઓ જોઇએ:
તમારું કહેવું છે કે : જીવનમાંથી મારી અપેક્ષાઓ બાબતે મેં હજૂ કંઇ નક્કી નથી કર્યું.
ઝીણી વિગત: આ તો 'ગૈરજવાબદારીનો વીમો' ખરીદવાની વાત થઈ.આપણા ધ્યેય સુધી ન પહોંચવા માટે આપણને કોઇ કાંઈ કહી ન શકે. જો કોઇ ધ્યેય જ ન હોય, તો પછી તેને સિદ્ધ કરવાનો તો સવાલ જ ક્યાં રહ્યો? આપણે જે કંઇ સિદ્ધ કરીએ તેના માટે સંજોગોને જવાબદાર ઠેરવી દઈએ અને આપણે તો કંઇ બીજું કરવા માગતાં હતાં તેમ કહી શકાય.
તમારૂં કહેવું છે કે: આ કામ આવશે કે કેમ તે નક્કી નથી થઈ શકતું.
ઝીણી વિગત: આ તો થઈ 'કોઇ જવાબદારી ન હોવાનો' વીમાની વાત. જો સીધું ઉતરે તો તેનું શ્રેય લઈ શકાય. અને જો ન પહોંચાય  તો ટોપલો આને માથે ઢોળી અને આપણે તો ઠાઠથી ફરી શકીએ.
તમારૂં કહેવું છે કે: મને મારાં કામ પાસેથી શું અપેક્ષા છે તે જ ખબર નથી.
ઝીણી વિગત: આ તો કહેવાય 'કદી સંતોષ ન થવો" વીમા પોલિસી. એટલે કે આપણાં કામમાંથી જે કંઈ ફળ મળે, તે આપણી અપેક્ષા  "નહોતી"!
તમારૂં કહેવું છે કે: મારી પાસે આ બાબતે કોઇ આયોજન નથી.
ઝીણી વિગત: "નિષ્ફળ થવામાં કંઈ ખોટું નથી" વિમો થયો. આપણે નિષ્ફળ રહીએ તો તે આપણે કારણે નથી એમ કહી શકાય. જો આયોજન બરાબર હોત, તો આપણે સફળતાનાં સાતમા આસમાને હોત, તે તો અલગ જ વાત થઈ!.
તમારૂ કહેવું છે કે: આ કંઇ મજા કરવા થોડું કરીએ છીએ
ઝીણી વિગત: મોટે ભાગે "અહં બચાવો" વીમો ખરીદવાની વાત થઈ. આ બાબ્તે કોઇ ખાસ પ્રયત્ન કરવો પડે નહીં અને કોઇ તે વિષે સવાલ પણ ન ઉઠાવી શકે. એક બીજો દૃષ્ટિકોણ પણ છે. જો આપણે સફળ રહીએ તો કહી શકાય કે મજા માટે ન હોવા છતાં આટલી સફળતા પામી શકાઈ છે અને વટથી સામો સવાલ કરી શકાય કે "જો આમાં મેં પૂરો રસ પડે તેમ કર્યૂં હોત, તો વિચાર કરો ક્યાં પહોંચી શકાયું હોત?"
તમારૂં કહેવું છે કે: આના માટે હું એક માત્ર જવાબદાર નથી.
ઝીણી વિગત: આ થઈ "શૂન્ય જવાબદારી" વીમો ખરીદવાની વાત. જો કામ થાય નહીં તો કહી શકાય કે કોઈ બીજું તે કરવાનું હતું તેમ મારૂં માનવું હતું.
આપણા પોતાના કે આપણા આજુબાજુનાં લોકોનાં જીવન પરથી આવા જ યોગ્ય દાખલા પણ લઈ શકાય. વીમા પોલિસીઓની જરૂર તો ખરી જ. પણ વીમા પોલિસી કાખલાકડી ન બની રહેવી જોઇએ. કોઇ જોખમ ન લેવું એ સહુથી મોટું જોખમ છે!


શ્રી રાજેશ સેટ્ટી દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ શ્રેણી -‘Distinguish yourself’-ના લેખોનો ગુજરાતીમાં રસાસ્વાદ- સંપુટ ચોથો  - ગુચ્છ ૧ // અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ડીસેમ્બર ૨૮, ૨૦૧૩

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો