શનિવાર, 2 ઑગસ્ટ, 2014

સંવૈધાનિકીય અમાન્યતા - દેવદત્ત પટ્ટનાઇક



કોઇ સ્ત્રીને કોઇ કહેતું હોય કે "પિતૃપ્રધાન સમાજ વિષે તમારે થોડું સમજવું જોઇએ. તેની પાછળ એક તાર્કિક વિચારસરણી છે, જે સમાજનાં વિશાળ હિત માટે લાભદાયી છે. એ તો આપણી સંસ્કૃતિનો જ એક ભાગ છે. લૈંગિક અસમાનતા બાબતે પુરુષને જ નક્કી કરવા દો. અને ત્યાં સુધી તમારા માટે કાયદાઓ તો છે જ ને." એ સંભળીને તમને કેવું લાગશે? મને તો ગુસ્સો ચડી આવે.
કોઇ દલિતને કોઇ એમ કહેતું હોય કે, " અસ્પૃશ્યતા વિષે તમારે થોડી વધારે સમજ કેળવવી રહી. તેની પાછળ એક તાર્કિક વિચારસરણી છે, જે સમાજનાં વિશાળ હિત માટે લાભદાયી છે. એ તો આપણી સંસ્કૃતિનો જ એક ભાગ છે. ઊંચા વર્ણને નક્કી કરવા દો ને કે આ પ્રથાને બદલવી જોઇએ કે નહીં. ત્યાં સુધી તમારા માટે કાયદાઓ તો છે જ ને." આ વાત સાંભળીને પણ મને તો ગુસ્સો જ ચડે.
અને વળી કોઇ સમલૈંગિકને કહેતું હોય કે, 'IPCની કલમ ૩૭૭ બાબતે તમારે થોડી વધારે સમજ કેળવવી રહી. તેની પાછળ એક તાર્કિક વિચારસરણી છે, જે સમાજનાં વિશાળ હિત માટે લાભદાયી છે. એ તો આપણી સંસ્કૃતિનો જ એક ભાગ છે. વિજાતિયલૈંગિક લોકોને નક્કી કરવા દો કે તમને દોષી ઠેરવતા આવા કાયદા બદલવા જોઇએ કે નહીં. ત્યાં સુધી તમારા માટે કાયદાઓ તો છે જ ને." ગુસ્સો તો ત્યારે પણ આવે હોં ! કોઇ પણ બે પુખ્ત વયની વ્યક્તિઓ વચ્ચે ખાનગીમાં આચરાતી સમલૈંગિક પ્રવૃત્તિઓને ફેર-દોષી ઠરાવતા સર્વોચ્ચ અદાલતના ચુકાદાનો સાર, મને તો, એવો સમજાય છે.
આ ચુકાદો આપણને વિચાર કરતાં કરી મૂકે છે: કંઇક અંશે અવમાનયુક્ત અને મોટાભાપણાનાં ભાવવાળા આ ચુકાદાને કોઇ એક કે બે ન્યાયમૂર્તિઓનો ભ્રષ્ટાચાર વિરોધી વારસામાંથી નિપજતો અભિપ્રાય ગણીશું કે  ભારતની સમગ્ર ન્યાય વ્યવસ્થાનાં વિચારમંથનનો પરિપાક સમજીશું ? ચુકાદાને કોઇ વ્યક્તિગત અભિપ્રાય ગણીશું કે સંસ્થાકીય અભિપ્રાય ગણીશું ?
આ ચુકાદાને કારણે તે ન્યાયધીશ તરફ ગુસ્સો પ્રદર્શીત કરતાં લોકોએ સમજવાની જરૂર છે કે તે ન્યાયધીશ એક સંસ્થાગત વ્યવસ્થાનો ભાગ છે, એટલે તેમની ટીકા એ તેઓ જે સંસ્થાનો હિસ્સો છે તે સંસ્થાની ટીકા પણ માની લેવામાં આવી શકે છે. અને ભારતનાં હાલનાં ગણતંત્રમાં આવી ટીકા અનુચિત ગણી લઇ શકાય છે.
આધુનિક સમાજ  એ માન્યતાપર આધારીત છે કે સંસ્થા વ્યક્તિથી ઉપર છે. વ્યક્તિને પૂર્વગ્રહ હોઇ શકે છે, પણ સંસ્થા એ પ્રકારના પૂર્વગ્રહોથી વેગળી  જ હોય. સંસ્થાઓની રચના એટલા સારૂ કરાઇ છે કે વ્યક્તિગત પૂર્વગ્રહો ખતમ થાય અને યથોચિત હેતુલક્ષી નિર્ણયો લેવાય. લોકશાહીમાં સામાન્યત: બહુમતીના હિતમાં જેમનાં હિત ડૂબી જઇ શકે છે તેવી લઘુમતીના હક્કોનાં રક્ષણ માટે આ પ્રકારની સંસ્થાઓ પ્રસ્થાપિત કરાતી હોય છે.
આ પ્રકારની સંસ્થાઓની રચનાનો ઉદય પશ્ચિમમાં થયો હતો. જૂનાં રોમન સામ્રાજ્યમાં, રાજ્ય કોઇ પણ રાજ્યકર્તા કે ન્યાયકર્તા કે અધિકારી કે સૈનિક કે નાગરીકથી ઉપર હતું. કૉર્પોરેટ ગૃહોમાં, સંચાલન મંડળને 'રોમ' માનવામાં આવે છે. પવિત્ર રોમન સામાજ્યમાં દેવળ કોઇ પણ રાજા કે પાદરીથી ઉપર ગણાતું. તે જ રીતે રાજય એ કોઇપણ મુખ્ય પ્રબંધક કરતાં ઉપર છે. આ વિચારધારાની પાછળ તો માંણસ કદી ઉમદા ન બની શકે, માટે એવા નિયમો અને કાયદાઓ ઘડવા પડે જે માનવ સમાજને ઉમદાપણાં તરફ દોરતા રહે એ ભાવનો માનવ જાત માટેનો અવિશ્વાસ કારણભૂત માની શકાય.
પરંતુ હિંદુ પુરાણો કંઇક જૂદું જ કહે છે. મહાભારતમાં નિયમોને વાળી ટાળી નાખીને પણ અન્યાયપૂર્ણ વર્તન કરી શકાય તે દૌપદીનાં  વસ્ત્રાહરણ જેવા પ્રસંગોમાં જોવા મળે છે, જ્યારે રામાયણમાં કાયદાનાં પાલનને કારણે સીતાનો ત્યાગ થાય છે. અવૈયક્તિક કાયદાઓ પર વધારે પડતા આધાર સામે અહીં ચેતવણીનો સૂર જોવા મળે છે.
પુરાણોમાં સ્વર્ગની રચના ઇન્દ્ર દ્વારા, કૈલાશની રચના શિવ દ્વારા, વૈંકુઠની રચના વિષ્ણુ દ્વારા તો અયોધ્યાની રચના રામ દ્વારા કરાઇ છે. દરેક રાજ્ય એ ત્યાંના રાજાનાં વ્યક્તિત્વનું પ્રતિબિંબ જણાય છે. રાજા સિવાય રાજયનું અસ્તિત્વ જ શકય નથી.એક ન્યાયી, ઉમદા સ્માજની રચના માટે રાજા કે ન્યાયકર્તાએ તેની ખાનદાની નીતિમત્તા વિષે સભાન રહેવું પડે અને પોતાની જાતને સમાવર્તી અને સંવેદનશીલ કરવા માટે પોતાની જાતની ઉપર ઉઠવું પડે. તે હાથ ઊંચા કરીને કાયદાઓની આડશ લઇને શોષીત લોકોથી મોં ન ફેરવી લઇ શકે.
*       'મિડ ડે'માં  ઑગસ્ટ ૧૫, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ
v  અસલ અંગ્રેજી લેખ, Declared Constitutionally Invalid ,લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર ડીસેમ્બર ૧૭, ૨૦૧૩ના રોજ ArticlesBlogIndian MythologyWorld Mythology ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
  • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ઑગસ્ટ ૨, ૨૦૧૪

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો